હરિયાણામાંથી મળી આવેલા આ 'પ્રેમી યુગલ'ના આ 4500 વર્ષ જૂનાં હાડપિંજરનું રહસ્ય શું હશે?

    • લેેખક, સૌતિક વિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

હરિયાણામાં હિસાર જિલ્લાના રાખીગઢી ગામમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલા એક વિસ્તારના ખોદકામ દરમિયાન લગભગ 4500 વર્ષ જૂનું પ્રેમી યુગલનું હાડપિંજર મળી આવ્યું હતું.

વર્ષ 2016માં ભારત અને દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોને આ હાડપિંજર મળ્યુ હતુ અને ગત બે વર્ષથી આ યુગલના મૃત્યુનું કારણ શોધવામાં આવી રહ્યું હતું. આ શોધને હવે એક આંતરરાષ્ટ્રીય પત્રિકામાં સ્થાન પામી છે.

પુરાતત્ત્વવિદ બસંત શિંદેએ આ વિશે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યુ, ''એક મહિલા અને એક પુરુષનું આ હાડપિંજર એકબીજાની સામે જોતું નજરે પડે છે. એવું લાગી રહ્યું છે કે આ એક પ્રેમી યુગલ હશે અને બંનેનું મૃત્યુ એક જ જગ્યાએ થયું છે. પરંતુ આ યુગલનું મૃત્યુ કઈ રીતે થયું તે અકબંધ રહસ્ય છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

આ હાડપિંજર અડધા મીટર જેટલી રેતાળ જમીનમાં દફન હતા. વૈજ્ઞાનિકોએ માહિતી મેળવી છે કે મૃત્યુ સમયે પુરુષની ઉંમર 35 વર્ષની રહી હશે અને મહિલા લગભગ 25 વર્ષની હશે.

બંનેની લંબાઈ ક્રમશ: 5 ફૂટ 8 ઇંચ અને 5 ફૂટ 6 ઇંચ હશે. આ હાડપિંજરના હાડકાં સાવ સામાન્ય છે. એવું નથી લાગી રહ્યું કે આ બંનેને કોઈ બીમારી હતી.

શું કોઈ ખાસ પરંપરાનો હિસ્સો હશે આ?

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ રીતની કબર કોઈ ખાસ પરંપરાનો ભાગ તો નહોતી. જો કે, આ વાત સંભવ છે કે આ યુગલનું મૃત્યુ એક સાથે થયું હોય અને એટલે જ તેમને સાથે જ એક જ કબરમાં દફનાવવામાં આવ્યાં હોય.

રાખીગઢીમાં મળેલી બધી જ વસ્તુઓ સામાન્ય છે. આ વસ્તુઓ એવી જ છે જે હડપ્પા સભ્યતામાં મળી આવી છે. આ હાડપિંજરની સાથે ખોદકામ દરમિયાન કેટલાક માટીના વાસણ અને કેટલાક ઘરેણાં મળ્યા છે જે કાંસ્ય યુગના છે.

અર્લી ઇન્ડિયનના લેખક ટોની જોસફ કહે છે, ''હડપ્પા યુગના અંતિમ સંસ્કારોને જોતા માહિતી મળે છે કે આ લોકો સામાન્ય પરંપરાનું પાલન કરતા હતા.''

જો મિસોપોટેમિયા સભ્યતાની વાત કરીએ તો ત્યાં રાજાઓને મોંઘા આભૂષણ, કલાકૃતિઓ અને મોટા હૉર્ડિંગ સાથે દફનાવવામા આવતા હતા. ખાસ વાત એ છે કે મિસોપોટેમિયાની સભ્યતામાં અનેક એવાં હાડપિંજર મળ્યા હતા, જેમાં હડપ્પા સભ્યતાના આભૂષણ હતા.

એવું માનવામાં આવે છે કે હડપ્પા સભ્યતાના ઘરેણાંને એ સમયે આયાત કરવામાં આવતા હતા.

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ યુગલ 1200 એકરની એક વસાહતમાં રહેતું હતું, જ્યાં આશરે 10 હજાર લોકોના ઘર હતા. ભારત અને પાકિસ્તાનમાં લગભગ બે હજાર હડપ્પા સાઇટની ખોજ કરવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાખીગઢી હવે હડપ્પા સભ્યતાના સૌથી મોટાં શહેર મોહનજોદડોથી પણ મોટું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ધોળાવીરા-લોથલ જેવા અનેક સ્થળોએ હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

રાખીગઢીમાં પુરાતત્ત્વવિદોને એક કબ્રસ્તાનમાં લગભગ 70 કબ્ર મળી છે. પરંતુ આ રહસ્યમયી યુગલના હાડપિંજરે સૌથી વધારે ચર્ચા શરૂ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો