You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ બનવા માગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકાના હવાઈથી સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ 2020માં યોજાનારી અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે દાવેદારી કરશે.
37 વર્ષીય તુલસી અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ છે. વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તુલસીએ હિલેરી ક્લિન્ટનને બદલે બર્ની સૅન્ડર્સને સમર્થન આપ્યું હતું.
વર્ષ 2016માં તેઓ ડેમોક્રેટિક નેશનલ કમિટીના ઉપાધ્યક્ષ હતાં અને સૅન્ડર્સને સમર્થન આપ્યાં બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તુલસીનો જન્મ વર્ષ 1981માં સમોઆ ખાતે થયો હતો. 21 વર્ષની ઉંમરે ચૂંટાઈને તુલસીએ સૌથી યુવા પ્રતિનિધિ તરીકેનું બહુમાન મેળવ્યું હતું.
ભારત સાથે સંબંધ
તુલસીના પિતા માઇક ગબાર્ડ સ્ટેટ સેનેટર છે.
પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તુલસીએ ક્લિન ઊર્જાને પ્રોત્સાહન આપતા કાયદાઓનું સમર્થન કર્યું હતું, જેથી કરીને પવન તથા સૌર ઊર્જા માટે જરૂરી ઉત્પાદનોને ટૅક્સમાં રાહત મળી રહે.
ત્યારબાદ તુલસી ગબાર્ડ હવાઈ આર્મી નેશનલ ગાર્ડ સર્વિસમાં સામેલ થયાં અને તેમણે એક વર્ષ માટે ઇરાક યુદ્ધમાં સેવાઓ આપી.
ત્યારબાદ વર્ષ 2011માં તુલસી ગબાર્ડે ઇન્ડોનેશિયાની સેના સાથે પીસ કીપિંગ ટ્રેનિંગમાં ભાગ લીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2015માં તેમને અમેરિકાની સેનામાં મેજરનું પદ હાંસલ થયું, હાલમાં પણ તેઓ સેના સાથે જોડાયેલાં છે.
તુલસી ગબાર્ડે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ઉમેદવારી કરવાની જાહેરાત કરતાની સાથે જ ભારતમાં ટ્વિટર ઉપર તેમનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
નામ ઉપરથી તુલસી ગબાર્ડ મૂળ ભારતીય હોવાનું લાગે, પરંતુ તેમનાં માતા-પિતા ભારતીય મૂળના નથી અને ભારત સાથે તેમનો કોઈ સંબંધ પણ નથી.
પરંતુ તુલસીનાં માતા-પિતા હિંદુ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. અમેરિકામાં રહેતાં ભારતીય મૂળનાં લોકો પણ ગબાર્ડનું સમર્થન કરે છે.
અમેરિકાની સંસદમાં પહોંચનારાં પ્રથમ હિંદુ તરીકેનો રેકર્ડ તુલસીનાં નામે છે.
ગત વર્ષે અમેરિકાની એક ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત એક કાર્યક્રમમાં હિંદુઓ વિરુદ્ધ ઘસાતી ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
મોદી સાથે સંબંધ
તુલસી ગબાર્ડનો સમાવેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોમાં થાય છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, તે પહેલાંથી જ તુલસી તેમનું સમર્થન કરતાં રહ્યાં છે.
વર્ષ 2002માં ગુજરાતના હુલ્લડોને પગલે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અમેરિકામાં પ્રવેશબંધી લાદવામાં આવી હતી.
તે સમયે બહુ થોડાં નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી, જેમાં તુલસી પણ સામેલ હતાં.
હિંદુ ધર્મમાં શ્રદ્ધાં ધરાવતાં તુલસી ભારત આવ્યાં, ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ન્યૂ યૉર્ક પહોંચ્યા હતા, ત્યારે તેઓ પણ તુલસીને મળવા પહોંચ્યાં હતાં.
તુલસી ગબાર્ડે હિંદુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યું હતું અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી શરૂ થયેલા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'નું સમર્થન કર્યું હતું.
ગબાર્ડનું રાજકારણ
ગબાર્ડનું વલણ રિપબ્લિકન પાર્ટીના લોકો પસંદ કરે છે, એ સિવાય જુલિયન કેસ્ટ્રોએ પણ દાવેદારી કરી છે.
વર્ષ 2016માં બર્ની સૅન્ડર્સની ઉમેદવારીનું તુલસીએ સમર્થન કર્યું હતું અને ડીએનસીના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું હતું.
ત્યારબાદ ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટનને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો