બાપુ, બોલે તો...: પુના કરાર ગાંધીજીનું રાજકારણ હતું કે દલિતપ્રેમ?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દલિતોની સમસ્યાના ઉકેલ અંગે ગાંધીજીના અને ડૉ. આંબેડકરના અભિગમમાં પાયાનો તફાવત હતો. એ તફાવતોનું-મતભેદોનું શિખર એટલે પુના કરાર. આ એક એવી ઘટના છે, જેની કડવાશ સાડા આઠ દાયકા પછી પણ ઓસરી નથી.

શું આ ઘટનાક્રમમાં ગાંધીજી રાજકારણી પુરવાર થયા? શું તેમણે દલિતોનું મોટું અહિત કર્યું?

શું પુના કરારનાં માઠાં પરિણામો હજુ સુધી ચાલુ છે? આવા સવાલના જવાબ મોટે ભાગે હકીકતોને બદલે સૂત્રોચ્ચારથી અપાતા રહ્યા છે.

પ્રતિનિધિત્વનો પ્રશ્ન

ગાંધીજીની આગેવાની હેઠળ 1920ના દાયકામાં સ્વરાજ માટેની લડત આગળ ચાલી, તેમ અંગ્રેજો તરફથી થોડી છૂટછાટો મળી અને ભારતના ભાવિ બંધારણ વિશે વાત થવા લાગી. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, ઍન્ગ્લો ઇન્ડિયન જેવા સમુદાયોને અંગ્રેજ સરકાર અલગ લઘુમતી ગણતી હતી. એટલે તેમના હિતરક્ષણનો તો ખ્યાલ કરવામાં આવે, પરંતુ 'અસ્પૃશ્ય'ની (અંગ્રેજીમાં 'ડીપ્રેસ્ડ ક્લાસ'ની) ઓળખ ધરાવતા દલિતોનું શું?

ભારતના ભાવિ બંધારણની ચર્ચા કરવા માટે આવેલા સાયમન કમિશન સમક્ષ જુદી જુદી 18 દલિત સંસ્થાઓએ દલિતોના હિતની જાળવણી માટે રજૂઆતો કરી.

તેમાંથી 16 સંસ્થાઓએ દલિતોને ધારાસભાઓમાં પ્રતિનિધિત્વ માટે અલગ મતદાર મંડળની માગણી કરી હતી.

(દલિત ઉમેદવારો ફક્ત દલિતોના મતથી જ ચૂંટાય) ત્યારે 'બહિષ્કૃત હિતકારણી સભા' વતી રજૂઆત કરનાર ડૉ. આંબેડકરે અલગને બદલે સંયુક્ત મતદાર મંડળ અને દલિતો માટે અનામત બેઠકોની માગણી કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

(ડૉ. આંબેડકરઃ જીવન અને કાર્ય, લે. ધનંજય કીર, અનુ. દેવેન્દ્ર કર્ણિક, મૂળજીભાઈ ખુમાણ, પૃ. 135) દલિતોને 'હિંદુ સમાજથી અલગ એવી સ્વતંત્ર લઘુમતી જાતિ' તરીકે ગણવાનો આગ્રહ રાખીને (પૃ.137) અને મુસ્લિમો માટેના અલગ મતદાર મંડળનો વિરોધ કરીને ડૉ. આંબેડકરે સૂચવ્યું હતું કે મુંબઈ પ્રાંતની 140 બેઠકોમાંથી મુસ્લિમો માટે ૩૩ ટકા અને દલિતો માટે 15 ટકા બેઠકો અનામત હોવી જોઈએ. (કીર, પૃ.145)

1919માં પહેલી વાર અંગ્રેજ સરકારે દલિતોને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું, પણ તે પ્રતિનિધિત્વ ખરું જોતાં દલિત સમાજનું ન હતું.

સરકાર પોતે જ કેન્દ્રની અને પ્રાંતોની ધારાસભામાં તેની પસંદગીનો દલિત પ્રતિનિધિ નીમવાની હતી. ડૉ. આંબેડકર સ્પષ્ટપણે માનતા હતા અને બ્રિટનમાં યોજાયેલી પહેલી ગોળમેજી પરિષદ(1931માં તેમણે કહ્યું પણ ખરું કે 'ઉપલા વર્ગમાંથી આવતા નેતાઓએ તેમની સંકુચિતતાઓ છોડી નથી.

દલિતોનાં દુઃખ દલિતો સિવાય કોઈ નિવારી શકશે નહીં અને એ રાજસત્તા ન આવે ત્યાં સુધી શક્ય નથી.' (કીર, પૃ.178-179)

ગાંધીજી સાથે પહેલો મતભેદ

બીજી ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા. ત્યાર પહેલાં તેમણે ડૉ. આંબેડકરને મળવાનું કહેણ મોકલ્યું.

14 ઑગસ્ટ, 1931ના રોજ મુંબઈના ગાંધીજીના ઉતારે (મણિભવનમાં) બંને મહાનુભાવો પહેલી વાર મળ્યા. ગાંધીજીને સવાલ હતો કે કૉંગ્રેસના અસ્પૃશ્યતાનિવારણનાં પ્રયાસો છતાં ડૉ. આંબેડકર કેમ કૉંગ્રેસથી દુઃખી છે?

ડૉ. આંબેડકરને અસ્પૃશ્યતાના પ્રશ્ને કૉંગ્રેસની દાનત વિશે શંકા હતી.

તેમણે ગાંધીજીને કહ્યું કે 'કૉંગ્રેસને આ પ્રશ્ન મહત્ત્વનો લાગ્યો હોત તો કૉંગ્રેસના સભ્યપદ માટે તમે ખાદીની ને બીજી શરતો મૂકી છે એવી એકાદ શરત અસ્પૃશ્યતાનિવારણને લગતી પણ મૂકી હોત.' (કીર, પૃ.198) આ વાતચીતમાં ગાંધીજીએ કહ્યું કે તે અસ્પૃશ્યોને હિંદુ સમાજથી અલગ પાડવાની વિરુદ્ધમાં છે. ત્યાં વાત પૂરી થઈ.

બીજી ગોળમેજી પરિષદમાં પહોંચ્યા પછી, લઘુમતી સમિતિ સમક્ષ એક નિવેદનમાં ડૉ. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળની માગણી કરી.

ત્યારે તેમણે એવો બીજો રસ્તો ખુલ્લો રાખ્યો હતો કે 'જો સંયુક્ત મતદાર મંડળ અને અનામત બેઠકો રાખવી હોય, તો વીસ વર્ષ પછી અસ્પૃશ્ય મતદારોનો લોકમત લઈને નિર્ણય કરવો.' (કીર, પૃ. 225)

ગાંધીજી માનતા હતા કે એક વાર દલિતો હિંદુ સમાજથી અલગ પડી જશે તો હિંદુ સમાજમાં સુધારાની અને અસ્પૃશ્યતાનિવારણની પ્રક્રિયા પર તેની ગંભીર અસર પડશે.

રાજકીય રસ્તે પરિવર્તન આણવા જતાં સ્થિતિ બગડશે અને સામાજિક પરિવર્તનથી જ સ્થિતિ સુધરશે એવી તેમની દૃઢ માન્યતા હતી.

ગાંધીજીએ કહ્યું હતું કે અલગ મતદાર મંડળથી સામાજિક પરિવર્તન નહીં થાય...ગામેગામ છાવણીઓ રચાશે ને સંઘર્ષ થશે. (ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, રામચંદ્ર ગુહા, પૃ.૪૦૫)

ગોળમેજી પરિષદમાં તેમણે એ હદ સુધી કહ્યું કે અલગ મતદાર મંડળને કારણે હિંદુસમાજમાં જે ભાગલા પડશે અને હિંદુઓમાં બે જૂથ ઊભાં થશે, તેના કરતાં તો દલિતો મુસલમાન કે ખ્રિસ્તી બની જાય તો તે હું સહન કરી લઈશ. (કીર, પૃ.૨૨૬)

ગોળમેજી પરિષદમાં કશો નિર્ણય આવ્યો નહીં. એટલે બ્રિટનના વડાપ્રધાન પર તેનો આખરી ફેંસલો છોડીને પરિષદ પૂરી થઈ.

ત્યાર પછી વડાપ્રધાનનો નિર્ણય જાહેર થવામાં વાર થઈ. દરમિયાન જેલમાં પહોંચેલા ગાંધીજીને ખબર મળ્યા કે અંગ્રેજ સરકાર દલિતોને અલગ મતદાર મંડળ આપવા ઇચ્છે છે.

ત્યારે તેમણે બ્રિટનના ભારત માટેના ગૃહ મંત્રીને લખ્યું કે તેમાં હિંદુઓનાં ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં પાપનું પ્રાયશ્ચિત નથી અને દલિતોની ભયંકર સ્થિતિનો તે ઇલાજ નથી.

છતાં સરકાર દલિતો માટે અલગ મતદાર મંડળોની જાહેરાત કરશે તો તે આમરણ ઉપવાસ કરશે. (ગુહા, 428)

જાહેરાતની રાહ જોવાતી હતી એ ગાળામાં, મે, 1932માં ડૉ. આંબેડકર ફરી ઇંગ્લેન્ડ ઉપડ્યા અને ત્યાંના ઘણા નેતાઓને તથા મંત્રીઓને મળીને તેમનો પક્ષ રજૂ કર્યો.

આખરે, ઑગસ્ટ 17, 1932ના રોજ બ્રિટનના વડાપ્રધાને લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળોની જાહેરાત કરી. તેમાં દલિતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જેલમાં રહેલા ગાંધીજીએ પહેલેથી આપેલી ચેતવણી પ્રમાણે, દલિતોને અલગ મતદાર મંડળના વિરોધમાં સપ્ટેમ્બર 20, 1932થી આમરણ ઉપવાસ આદરવાનું નક્કી કર્યું. એ મતલબનો પત્ર સરકારને મોકલતાં પહેલાં તેમણે સાથી કેદી સરદાર પટેલને એ વંચાવ્યો.

સરદારે પૂછ્યું કે દલિતો સિવાયના સમુદાયો વિશે તમે કંઈ લખ્યું નથી.

તેનો અર્થ એવો થાય કે બીજા સમુદાયોનાં અલગ મતદાર મંડળ સાથે તમે સંમત છો?

ત્યારે ગાંધીજીનો જવાબ હતો, 'તકરારો કરાવનારા બહારના લોકો (અંગ્રેજો) ચાલ્યા જાય, પછી હિંદુ-મુસ્લિમ વિખવાદ તો આપણે સફળતાપૂર્વક ઉકેલી નાખીશું.' પણ અલગ મતદાર મંડળથી હિંદુઓમાં એવા ભાગ પડશે કે તે તત્કાળ અને લોહિયાળ સંઘર્ષ ભણી દોરી જશે. (ગુહા, પૃ.429)

પુના કરાર

સપ્ટેમ્બર 20થી શરૂ થયેલા ગાંધીજીના ઉપવાસ અને તેમની કથળતી તબિયતને કારણે ડૉ. આંબેડકર પર સમાધાન માટે પ્રચંડ દબાણ આવવા લાગ્યું. ઘણા લોકોએ તેમને ખલનાયક તરીકે ચીતર્યા.

જેલમાં અને જેલની બહાર ચાલેલી વાતચીતોના અને કઠણ રકઝકના દૌર પર દૌર ચાલ્યા. અંતે ડૉ. આંબેડકર અનામત બેઠકો માટે રાજી થયા.

અલગ મતદાર મંડળમાં દલિતોને બધી પ્રાંતિય ધારાસભાઓમાં થઈને 71 બેઠકો મળતી હતી. નવી વ્યવસ્થામાં ડૉ. આંબેડકરે કુલ 197 (અનામત) બેઠકોની માગણી કરી.

છેવટે 148 બેઠકોનો આંકડો નક્કી થયો. આ ઉપરાંત કેન્દ્રીય ધારાસભાઓમાં સામાન્ય બેઠકોમાંથી 19 ટકા દલિતો માટે અનામત રાખવાનું ઠર્યું.

બીજા કેટલાક મુદ્દે ઘણી ખેંચતાણ ચાલી. પણ છેવટે સમાધાન સધાયું અને સપ્ટેમ્બર 24, 1932ની સાંજે પુના કરાર તરીકે ઓળખાતી સમજૂતી થઈ.

ઉલ્લેખનીય છે કે બંને પક્ષો વચ્ચે થયેલા કરારમાં બાવીસ આગેવાનોએ સહી કરી.

તેમાં ગાંધીજીની સહી ન હતી. (તેના માટે ૨૪મીએ સવારે ગંભીર તબક્કામાં પ્રવેશેલી તેમની તબિયત કારણભૂત હશે કે કેમ, એ વિશે કશી સ્પષ્ટતા મળતી નથી.)

હિંદુ સમાજ અને કૉંગ્રેસ વતી સહી કરવામાં મદનમોહન માલવિય, ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, સી. રાજગોપાલાચારી અને ઠક્કરબાપા જેવાં નામ હતાં.

વિશ્લેષણ

પુના કરારની આગળપાછળની બીજી ઘણી બાબતોની ચર્ચા બાકી રહે છે.

પરંતુ ફક્ત કરારની વાત કરીએ તો, ડૉ. આંબેડકરે ભારે દબાણમાં આવીને કરેલા નિર્ણય અંગે એ વખતનાં નિવેદનોમાં સંતોષ વ્યક્ત કર્યો હતો અને સમાધાની માટે ગાંધીજીનો આભાર પણ માન્યો હતો.

(ગુહા, પૃ.439) પરંતુ દલિતો જ પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે, એવી તક ગાંધીજીએ છીનવી લીધી, એ વાતનો રંજ અને રોષ દલિત ચળવળનો એક (ક્યારેક તો એકમાત્ર લાગે એ હદે) વારસો બન્યો.

તેના વિશેની માહિતી ઘટતી ગઈ ને કડવાશ વધતી ગઈ.

દલિતોને અલગ મતદાર મંડળ મળ્યાં હોત તો રાજકીય પક્ષ પ્રત્યે નહીં, પણ દલિત સમાજ પ્રત્યે વફાદારી ધરાવતી દલિત નેતાગીરી ઊભી થઈ હોત, એવી વાજબી ધારણા સામાજિક ન્યાયમાં માનનારા ઘણા લોકો માટે કાયમી રંજનો મુદ્દો બની રહી.

અલબત્ત, એ રંજ આઝાદી અને બંધારણ મળ્યાં ત્યાં સુધી જ લંબાવી શકાય.

કારણ કે, સ્વતંત્ર ભારતના બંધારણમાં અલગ મતદાર મંડળ જેવી કોઈ જોગવાઈનો સવાલ ન હતો.

એક સવાલ એવો થાય કે સાયમન કમિશન સમક્ષ અલગ મતદાર મંડળનો વિરોધ કરનારા ડૉ. આંબેડકર તેના આવા સમર્થક કેવી રીતે બન્યા?

ડૉ. આંબેડકરનું ભક્તિભાવપૂર્ણ ચરિત્ર લખનાર ધનંજય કીરે નોંધ્યું છે, 'ગાંધીજીએ તો અસ્પૃશ્યોને અનામત બેઠકો આપવાનો વિરોધ કર્યો.

તેથી પરિસ્થિતિ વધારે વણસી અને શ્રી (એમ. સી.) રાજા જેવા (દલિત) નેતાઓના આગ્રહને કારણે આંબેડકર અલગ મતદાર મંડળ તરફ વળ્યા.' (કીર, પૃ.232-233)

ડૉ. આંબેડકરે જે કુશળતાથી અને જુસ્સાથી દલિતોને પશુવત્ દરજ્જાની ઊંડી ખાઈમાંથી ઊંચકીને તેમની માણસમાં-સરખેસરખા તરીકે ગણતરી થાય એ માટેનો રાજકીય પ્રયાસ આદર્યો, તેની દૂરગામી અસરો પડી. કેટલાક ગાંધીભક્તો માટે તે ખલનાયક બન્યા, પણ ગાંધીજીને તેમણે અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ વિશે નવેસરથી વિચારવા પ્રેર્યા.

ગાંધીજીના વિચારની દિશા તો ન બદલાઈ. પણ તેમના પ્રયાસોમાં નવી ભરતી આવી. પુના કરાર પછી દેશભરમાંથી દલિતો માટે મંદિરોના દરવાજા કે કૂવા ખુલવાના સમાચાર આવ્યા.

જોકે એ ઉત્સાહ લાંબું ટક્યો નહીં. ગાંધીજીએ દેશમાં હરિજનયાત્રા યોજી ત્યારે પણ તેમને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. ગાંધીજીએ ફરી ત્રણ અઠવાડિયાંના ઉપવાસ કર્યા. પરંતુ હિંદુ સમાજે અને કૉંગ્રેસે અસ્પૃશ્યતાનિવારણના કામમાં ગાંધીજીની અપેક્ષાઓ પાર પાડી નહીં અને ડૉ. આંબેડકરની ટીકાઓને ઘણે અંશે સાચી પુરવાર કરી બતાવી.

વ્યક્તિગત રીતે ગાંધીજીના વિચાર આ બાબતે સતત વિકસતા રહ્યા. તે હૃદયપરિવર્તનના રસ્તે અસ્પૃશ્યતાનિવારણ ઇચ્છતા હતા, જ્યારે ડૉ. આંબેડકર પાસે (યોગ્ય રીતે જ) એટલી ધીરજ ન હતી.

બંનેની વિદાયના દાયકાઓ પછી અને ઓળખના અણીદાર રાજકારણની બોલબાલા વચ્ચે એ બંનેના રસ્તાઓ-અભિગમો વિરોધી કરતાં પૂરક વધારે લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો