BBC Top News : વેનેઝુએલા: રાષ્ટ્રપતિ પદ માટે દાવો કરનારા બન્ને પક્ષના સમર્થકો દ્વારા પ્રદર્શન

વેનેઝુએલામાં સંખ્યાબંધ લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઊતરી આવ્યા છે.

તેઓ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો અને તેમના કથિત વચગાળાના અનુગામી જુઆન ગ્યુએડોના સમર્થનમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગ્યુએડોનું કહેવું છે કે દેશમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. જ્યારે બીજી તરફ મદુરોનું સમર્થકોને કહેવું છે કે તેઓ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે.

ગ્યુએડોએ ગત મહિને પોતાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા અને અમેરિકા તથા કેટલાક લેટિન એમિરકન દેશોનું તેમને સમર્થન છે.

જ્યારે બીજી તરફ રશિયા અને ચીન મદુરોના સમર્થનમાં છે.

મદુરોએ બીજા કાર્યકાળ માટેના શપથ લીધા બાદ સમગ્ર મામલોનો વિવાદનો વિષય બન્યો છે.

વિવાદિંત ચૂંટણી બાદ તેમણે શપથ લીધા હતા. ચૂંટણી વિવાદીત રહી હતી, કેમ કે ઘણા વિપક્ષી નેતાઓએ ચૂંટણીમાં ભાગ નહોતો લીધો.

આ નેતાઓ જેલમાં હતા અથવા ઘણાંએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

જ્યારે બીજી તરફ વેનેઝુએલાના સામાજિક નેતા હ્યુગો શેવેઝના સત્તારોહણની વીસમી વર્ષગાંઠ નિમિત્તે એકઠા થયેલા લોકોને સંબોધન કરતા મદુરોએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મીડિયા સરકારના સમર્થન થતાં પ્રદર્શનને નથી બતાવી રહ્યું.

અમેરિકા બાદ રશિયા પણ INFમાંથી ખસ્યું

અમેરિકા બાદ રસિયાએ પણ ઇન્ટરમીડિયેટ રૅન્જ ન્યુક્લિયર ફોર્સ એટલે કે આઈએનએફમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં રશિયાએ નવેસરથી મિસાઇલ્સ વિક્સાવવાની જાહેરાત પણ કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, "અમેરિકાએ આ સંધિને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે, ત્યારે અમે પણ આ સંધિને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરીએ છે."

પુતિને ઉમેર્યું હતું કે આમ છતાંય વાતચીત માટે દરવાજા ખુલ્લા છે.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંધિને છ મહિના માટે મોકૂફ કરવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે રશિયા દ્વારા અનેક વખત આ સંધિનો ભંગ કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકા તથા યુરોપની સુરક્ષા ઉપર જોખમ ઊભું થયું છે.

ટ્રમ્પ સરકારનું કહેવું છે કે જો આગામી સમયમાં પણ ઉલ્લંઘન ચાલુ રાખવામાં આવશે તો અમેરિકા આ સંધિમાંથી ખસી જશે.

કૉલ્ડવૉરના સમયથી પરમાણુ હથિયાર માટે અમેરિકા અને રશિયાની દોટને અટકાવવા આ સંધિ 1987માં અમલમાં આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇજિપ્તમાં પચાસ 'મમી' મળી આવ્યાં

ઇજિપ્તમાં પ્ટોલેમૅઇક કાળ(ઈ. પૂ- 305-30)નાં પચાસ મમી મળી આવ્યા છે. તેઓ એક કબરમાં મળી આવ્યા હતા. ઇજિપ્તના પુરાતત્ત્વવિભાગને તે મળી આવ્યા છે.

50 મમીમાં 12 બાળકોનાં 'મમી' છે. ઇજિપ્તની રાજધાની કૈરોના મિન્યા શહેરમાં ટુના અલ-ગેબેલની સાઇટ પર એક કબર મળી આવી હતી.

જેમાં 30 ફૂટ સુધી ખોદકામ બાદ મમી મળી આવ્યા હતા.

કેટલાક લિનનના કાપડમાં લપેટીને રાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય પથ્થર અથવા લાકડાના કૉફિનમાં હતા.

તેમની ઓળખ નથી થઈ શકી. પરંતુ પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ અનુસાર તેઓ ઉચ્ચ પરિવારની વ્યક્તિઓ હોવાની શક્યતા છે.

ઍર પેસેન્જરના બેગમાંથી દીપડાનું બચ્ચું મળ્યું

થાઇલૅન્ડથી ભારત પહોંચેલા મુસાફરની ચેન્નાઈ ઍરપૉર્ટ પર અટકાયત કરી છે.

45 વર્ષીય મુસાફરની બેગમાંથી કસ્ટમ વિભાગને ચાર માસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું.

કસ્ટમ વિભાગને આશંકા છે કે આ શખ્સ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રૅકેટના ભાગરૂપ છે. કસ્ટમ વિભાગે બચ્ચા અંગે સવાલ પૂછ્યા હતા, જે અંગે તે સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

ઍરપૉર્ટ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, બચ્ચું નબળું જણાતું હતું અને વિચિત્ર અવાજ કરી રહ્યું હતું.

દીપડાના બચ્ચાને નજીકના ઝુમાં સંભાળ અર્થે લઈ જવાયું હતું.

સીરિયામાં ઇમારાત તૂડી પડતાં 11 લોકોનાં મોત

સીરિયાના એલેપો શહેરના સ્થાનિક મીડિયા અનુસાર અહીં એખ ઇમારત તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ થયા છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. અહેવાલ અનુસાર ઇમારતને ગૃહયુદ્ધને કારણે પહેલાં નુકસાન થયું હતું. ઇમારતને એક બ્લોક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.

ઇમારત સલાહદ્દીન વિસ્તારમાં આવેલી હતી. જે અગાઉ બળવાખોરોના કબજાવાળો વિસ્તાર હતો.

ઇમારત તૂટી પડવાની દુર્ઘટનામાં એક બાળકનો આબાદ બચાવ થયો છે.

આ વિસ્તારને બળવાખોરો પાસેથી પરત મેળવવા માટે સીરિયા અને રશિયાએ અગાઉ ભારે બૉમ્બમારો કર્યો હતો.

જેમાં અહીંની ઇમારતોને નુકસાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો