શા માટે આ લોકો મળનું દાન કરી રહ્યા છે, શું છે આ 'સૂપર પૂ'?

    • લેેખક, મિશેલ રૉબર્ટ્સ
    • પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ ઑનલાઇન

તમે સ્પર્મ ડોનેટ કરવાનું તો સાંભળ્યું જ હશે. પણ શું તમે ક્યારેય મળ દાન કરવા અંગે સાંભળ્યું છે? સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે.. પણ આ વાત સાચી છે કે લોકો હવે પોતાનો મળ પણ દાન કરી શકે છે.

31 વર્ષીય ક્લાઉડિયા કૈંપેનેલા મળદાન કરે છે. તેઓ બ્રિટનની એક યુનિવર્સિટીમાં સ્ટૂડન્ટ સપોર્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ કામ કરે છે.

તેઓ કહે છે, "મારા કેટલાક મિત્રો વિચારે છે કે આ થોડું વિચિત્ર અને ઘૃણિત છે. પરંતુ મને તેની ચિંતા નથી. તેને દાન કરવું ખૂબ સહેલું છે અને હું માત્ર મેડિકલ સંશોધનમાં મદદ કરવા માગું છું. મને તેમાં કંઈ યોગદાન આપવાની ખુશી છે."

ક્લાઉડિયાનો મળ 'સારા બગ' વાળો છે. તેમનો મળ કોઈ રોગીના આંતરડાંમાં નાખીને તેમનો ઇલાજ કરી શકાશે.

ક્લાઉડિયાને ખબર છે કે તેમનું દાન કેટલું ઉપયોગી છે અને એ જ કારણ છે કે તેઓ મળ દાન કરે છે. પરંતુ તેમનો મળ એટલો ખાસ કેમ છે?

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેટલાક લોકાનાં મળમાં એવા બૅક્ટેરિયા હોય છે કે જેની મદદથી કોઈ વ્યક્તિનાં આંતરડાંનો ઇલાજ કરી શકાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સુપર પૂ ડોનર્સ

ક્લાઉડિયા કહે છે કે તેઓ પૉટી (મળ) ડોનર બનવા માગતાં હતાં કેમ કે તેમણે વાંચ્યું હતું કે વેગન લોકોનાં મળમાં સારા બગ હોઈ શકે છે.

જોકે, તેનો કોઈ પુરાવો નથી કે વેગન લોકોનાં મળની ક્વૉલિટી અન્ય પ્રકારનો આહાર લેતા લોકોની સરખામણીએ સારી હોય છે.

પરંતુ વિશેષજ્ઞો સંશોધન કરી રહ્યા છે કે આખરે એ કઈ વસ્તુ છે કે જેનાથી મળ સારો બને છે.

ડૉક્ટર જસ્ટિન ઓ'સુલીવન ઑકલેન્ડ યુનિવર્સિટીમાં એક મૉલિક્યુવર બાયોલૉજિસ્ટ છે અને તેઓ 'સુપર પૂ ડોનર્સ'ના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે.

શૂં છે સુપર પૂ?

મનુષ્યના આંતરડાંમાં લાખોની સંખ્યામાં સારા અને ખરાબ બન્ને પ્રકારના જીવાણુઓ હોય છે. આ સૂક્ષ્મ જીવ પરસ્પર એકબીજાથી અલગ હોય છે.

જોકે, ચિકિત્સાના ક્ષેત્રમાં મળને અન્ય વ્યક્તિના આંતરડામાં નાખવો તે એકદમ નવું છે. પરંતુ સંશોધનમાં મળેલા પુરાવા એ વાતનું પ્રમાણ છે કે કેટલાક દાનકર્તા પોતાના મળથી પણ પૈસા કમાવી શકે છે.

ડૉક્ટર જસ્ટિન ઓ'સુલવીન કહે છે, "જો આપણે જાણકારી મેળવી શકીએ કે આ કેવી રીતે થાય છે, તો મળ પ્રત્યારોપણની સફળતામાં સુધારો લાવી શકીએ છીએ અને અલ્જાઇમર, મલ્ટીપલ સ્કેલેરોસિસ અને આસ્થમા જેવી સૂક્ષ્મ જીવો સાથે જોડાયેલી બીમારીઓમાં પણ તેનું પરીક્ષણ કરી શકાય છે."

ડૉક્ટર જૉન લૈંડી વેસ્ટ હર્ટફોર્ડશાયર હૉસ્પિટલ એનએસએચ ટ્રસ્ટમાં એક કન્સલટેંટ ગેસ્ટ્રોએંટ્રોલૉજિસ્ટ છે કે જેઓ મળ પ્રત્યારોપણના એકમમાં મદદ કરે છે.

તેઓ કહે છે, "અમે અત્યાર સુધી એ સમજી શક્યા નથી કે આખરે કોઈ 'સુપર પૂ ડોનર' બને કેવી રીતે છે, તેની પાછળ કારણ શું છે."

"આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા ડોનર સ્વસ્થ રહે અને તેમને કોઈ બીમારી ન થાય. પરંતુ આપણે તેમના દરેક સૂક્ષ્મજીવોનું પરીક્ષણ કરતા નથી કે તે કેવા છે."

"મને લાગે છે કે આ પ્રકારની તપાસ પણ થવી જોઈએ."

મળમાં જીવાણુ

ડૉ. ઓ'સુલિવનના સંશોધન પ્રમાણે વ્યક્તિના મળમાં અલગ પ્રકારના જીવાણુ હોય છે જે લાભદાયક સાબિત થઈ શકે છે.

તેમનું આ સંશોધન ફ્રંટિયર્સ ઇન સેલુલર એન્ડ ઇન્ફેક્શન માઇક્રોબાયોલૉજીમાં પ્રકાશિત થયું છે.

ડૉ. ઓ'સુલિવન કહે છે કે મળ પ્રત્યારોપણના પરિણામોને જોવામાં આવે તો મળદાતાના મળમાં મોટાભાગના જીવાણુ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

જે દર્દીઓમાં મળ પ્રત્યારોપણ સફળ થાય છે તેમનાં શરીરમાં સારા અને વિવિધ માઇક્રોબાયોમ પણ વિકસિત થાય છે.

પરંતુ સંશોધનથી ખબર પડે છે કે પ્રત્યારોપણની સફળતા એ વાત પર પણ નિર્ભર કરે છે કે દાતા અને દર્દી વચ્ચે મેચ કેટલું સારું થાય છે.

તે માત્ર મળમાં હાજર બેક્ટેરિયા પર નિર્ભર કરે છે.

ડૉ. ઓ'સુલિવન કહે છે, "ફિલ્ટર્ડ મળના પ્રત્યારોપણના માધ્યમથી વારંવાર જુલાબ થવાના કેટલાક મામલે સારા પરિણામ પણ મળ્યા છે. આ દર્દીઓના મળમાં જીવિત જીવાણુ નીકળી જતા હતા જ્યારે ડીએનએ અને વાયરસ યથાવત રહેતા હતા."

"આ વાયરસ પ્રત્યારોપિત કરવામાં આવેલા બેક્ટેરિયા અને અન્ય જીવાણુના જીવિત રહેવા અને તેમના મેટાબોલિક કામ પર અસર વર્તાવી શકે છે."

લંડનની ઇંપીરિયલ કૉલેજમાં માઇક્રોબાયોમનાં વિશેષજ્ઞ ડૉ. જૂલી મેક્ડોનલ્ડ મળ પ્રત્યારોપણનો સફળતા દર વધારવાના વિષય પર અધ્યયન કરી રહ્યાં છે.

હાલના સમયમાં મળ દાનનો વધારે ઉપયોગ ક્લોસ્ટ્રીડિયમ ડિફ્ફિસિલ નામના પેટના સંક્રમણના કારણે થતી ખતરનાક સ્થિતિના ઇલાજ માટે કરવામાં આવે છે.

આ સંક્રમણ કોઈ દર્દીના પેટ પર ત્યારે કબજો કરી લે છે જ્યારે એન્ટિબાયોટિક ખાવાના કારણે દર્દીના પેટમાં હાજર તેના સારા જીવાણુ ઓછા થઈ જાય છે. નબળા આંતરડાં ધરાવતા દર્દી માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.

ડૉ. જૂલીના કામથી ઇશારો મળે છે કે મળ પ્રત્યારોપણને કોઈ વિશેષ કામમાં લાવી શકાય છે જેમ કે બીમારીના કારણે ગુમાવવામાં આવેલી વસ્તુની પૂર્તિ કરવા માટે.

તેઓ કહે છે, "અમારી પ્રયોગશાળામાં અમે એ જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રત્યારોપણ કેવી રીતે કામ કરે છે અને ક્યારે આ પગલાંને ઉઠાવવાનું બંધ કરવું જોઈએ."

દર્દીને મળનું ઇંજેક્શન આપવાના બદલે તેમનાં માટે મળ પર આધારિત એક ઉપચાર વ્યવસ્થા પણ અપનાવી શકાય છે, જેને અપનાવવામાં તેમને ખરાબ નહીં લાગે.

તેઓ કહે છે, આમ કરવાથી મળ દાન મામલે ઉપજેલી શંકાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.

ક્લાઉડિયા ઇચ્છે છે કે "લોકો આ અંગે પોતાના વિચાર બદલે" અને મળ ડોનર કે 'પૂ ડોનર' બનવા અંગે વિચારે.

તેઓ કહે છે, "મળ દાન ખૂબ જ સહેલું છે અને સરળ પણ. જો તમે આ અંગે વિચારી રહ્યા છો તો તમારી નજીકની હૉસ્પિટલને સંપર્ક કરી શકો છો."

"મને હૉસ્પિટલ એક ખાસ ડબ્બો આપે છે જેમાં હું મારું મળ એકઠું કરું છું. હું જ્યારે કામ પર નીકળું છું ત્યારે ડબ્બાને હૉસ્પિટલમાં આપી દઉં છું. બસ તમારે થોડાં પગલાં વધારે ચાલવાની મહેનત કરવી પડે છે."

ક્લાઉડિયા હવે બ્લડ ડોનર બનવા અંગે વિચારી રહ્યાં છે. તેઓ કહે છે, "મેં અત્યાર સુધી રક્તદાન કર્યું નથી પરંતુ હવે હું તે અંગે વિચારી રહી છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો