આ છે તમારા શરીરના એ છ ભાગ જે હવે નકામા છે

જૈવિક વિકાસની નજરે જોતાં ચિમ્પાન્ઝીને માણસની ઘણી નજીક માનવામાં આવે છે.

પણ બન્નેની જૈવિક સંરચના પર એક નજર કરીએ તો ઘણા તફાવતો સામે તરી આવે છે.

માણસના શરીરમાં પણ એવા અંગો નહીં હોય જે ચિમ્પાન્ઝીમાં હશે અને આ બાબત માણસો માટે પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે.

જૈવિક માળખામાં ફેરફારનું કારણ માણસોનો સતત જૈવિક વિકાસ છે. પણ જૈવિક વિકાસની ગતિ એકદમ ધીમી હોય છે.

આ જ કારણે માણસોના શરીરમાં ઘણા એવાં હાડકાં અને માંસપેશીઓ જોવા મળે છે કે જે કોઈ જ કામની નથી.

જૈવિક વિકાસના ક્ષેત્રે કામ કરનારા ડોરસા અમીરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર માણસનાં શરીરના એ ભાગોનો ઉલ્લેખ કર્યો છે કે જેની કોઈ જ ઉપયોગિતા નથી.

ડોરસા જણાવે છે, "તમારું શરીર કુદરતી ઇતિહાસના કોઈ સંગ્રહાલય જેવું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

એવામાં સવાલ એ ઉભો થાય કે જ્યારે આ અંગો કે માંસપેશીઓની માનવ શરીરમાં કોઈ ઉપયોગિતા જ નથી તો પછી તે માણસના શરીરમાં હોય છે જ શા માટે? આ પ્રશ્નનો જવાબ જૈવિક વિકાસની ધીમી ગતિ સાથે સંકળાયેલો છે.

કેટલાક કિસ્સાઓમાં આ અંગો પોતાના માટે નવું કામ શોધી લેતાં હોય છે અને આ પ્રક્રિયાને 'એક્સપેટેશન' કહેવામાં આવે છે.

બીબીસી સાથે વાત કરતાં ડોરસા જણાવે છે, "કદાચ તમે વિચારતા હશો કે આપણને કઈ રીતે ખબર પડે કે આ અંગોનું શું કામ હતું? તો એનો જવાબ એ છે કે આપણે માત્ર અટકળો જ લગાવી શકીએ છીએ. આપણે આ બાબતોનું આંકલન એ આધારે કરી શકીએ કે આ માંશપેશીઓ કોઈ જીવના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેટલી જરુરી હતી."

ચાલો વાત કરીએ માણસનાં શરીરના આવા જ કેટલાક ભાગો વિશે.

1. ઝાડ પર ચડવામાં મદદ કરનારી માંસપેશીઓ

માણસના કાંડામાં આવેલી આ માંસપેશીને સમજવા માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે.

એક સપાટ જગ્યાએ તમારો હાથ રાખીને તમારા અંગૂઠાથીટચલી આંગળીને અડવાનો પ્રયાસ કરો.

શું તમને તમારાં કાંડા પર બે માંસપેશીઓ જોવા મળી? જો હા તો આને જ પાલમારિસ લોગન્સ કહેવામાં આવે છે.

પણ જો તમને તમારાં કાંડા પર આ બે માંસપેશી જોવા મળી નથી તો ગભરાવાની જરુર નથી. કારણ કે 18 ટકા લોકોમાં આ માંસપેશી જોવા મળતી નથી. અને આ કોઈ કામ સાથે જોડાયેલી પણ નથી.

જો આ માંસપેશીઓના હેતુ વિશે વાત કરીએ તો બિલકુલ આવી જ માંસપેશી ઓરેંગુટાન જેવા જીવોમાં પણ જોવા મળે છે.

ડોરસા જણાવે છે, "આનાથી એ વાતની સાબિતી મળે છે કે આ માંસપેશીઓ માણસોને ઝાડ પર ચડવામાં મદદરુપ થતી હશે. પણ આજે ડૉક્ટરો આ માંસપેશી પર ખાસ ધ્યાન રાખે છે કારણ કે રિકંસ્ટ્રક્ટિવ સર્જરી કરતી વખતે તેઓ આનો ઉપયોગ કરી શકે છે."

2. કાનની માંસપેશીઓ

જેરી કૉયને પોતાના પુસ્તક "વ્હાય ઇવોલ્યૂશન ઈઝ ટ્રુ" માં જણાવ્યું છે કે, "જો તમે તમારા કાન હલાવી શકો છો તો સમજી લો કે તમે જૈવિક વિકાસનું જીવંત ઉદાહરણ છો."

જૈરીએ આમ જણાવી માણસના કાનની ત્રણ માંસપેશીઓનો ઉલ્લેખ કર્યો હતો.

દુનિયામાં મોટાભાગના લોકો પોતાના કાનને હલાવી શકતા નથી. પણ કેટલાક લોકો એવા પણ છે કે જે આ માંસપેશીઓની મદદ વડે પોતાના કાન હલાવી શકે છે.

આ વિશે સૌ પ્રથમ વખત ચાર્લ્સ ડાર્વિને લખ્યું હતું. ડાર્વિન તેને ટ્યૂબરકલ કહે છે.

ડોરસા જણાવે છે, "જો કે આ મુદ્દે ચર્ચાઓ તો ચાલુ જ છે કે આ માંસપેશીઓને માણસની જૈવિક પ્રક્રિયામાં નકામો હિસ્સો ગણવો કે નહીં. તર્ક એમ પણ આપવામાં આવે છે કે કાનની આસપાસની માંસપેશીઓમાં આ લક્ષણ જોવા મળે છે."

કૉયેન જણાવે છે કે બિલાડી અને ઘોડા જેવા જીવોમાં આજે પણ આ કાન હલાવવા માટે તે કામમાં આવે છે.

આનાથી આ જીવોને શિકારીઓની ભાળ મેળવવામાં, પોતાના બાળકોની શોધખોળ કરવામાં કે પછી અન્ય અવાજોને ઓળખવામાં મદદ મળે છે.

3. ટેલ બોન

ડોરસા અમીર જણાવે છે, "ટેલ બોન તો જૈવિક વિકાસની પ્રક્રિયામાં આપમેળે જ નકામી બની ગયેલો હિસ્સો છે. જે આપણી ગુમ થયેલી પૂંછડીઓની યાદ અપાવડાવે છે કે જે કોઈ કાળે ઝાડ પર ચડતી વખતે આપણને સંતુલન જાળવી રાખવામાં મદદરુપ બનતી હતી."

આ હાડકું ,આવી માંસપેશીઓ માટે પોતાને અનુરૂપ નવું કામ શોધી લેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પહેલાં તે પૂંછડી તરીકે વપરાતી હતી. પણ આજે તે આપણી માંસપેશીઓને ટેકો આપવાનું

કામ કરે છે. કમનસીબે બીજી કોઈ વસ્તુઓ આપણી સાથે રહી શકી નથી.

ડોરસા જણાવે છે, "જૈવિક વિકાસના શરૂઆતના તબક્કામાં માણસોની આંગળીઓમાં એક પ્રકારનું જાળું જોવા મળતું હતું. પણ ઘીરે ધીરે આ જાળું એની મેળે જ અદ્રશ્ય થઈ ગયું."

4. માણસની આંખની ત્રીજી પલક

શું તમે ક્યારેય માણસની આંખમાં ગુલાબી રંગની માંસપેશી નિહાળી છે ?

આને નિક્ટિટેટિંગ મેમ્બ્રેન કે પછી ત્રીજી પલક કહેવામાં આવે છે.

ડોરસા જણાવે છે, "આ ભાગનું કામ [ક્ષૈતિજ] રીતે ઝબકવાનું હતું. પણ આ ભાગનો હવે કોઈ ઉપયોગ રહ્યો નથી."

બિલાડી અને અન્ય જાનવરોમાં તમે આ ભાગને તમે કામ કરતો જોઈ શકો છો.

5. રુવાંડા ઊભાં થઈ જવાં

શું તમને ખબર છે કે બિલાડી પોતાની જાત પર જોખમ તોળાતું જોઈ રુવાંડા ઊભાં કરી લે છે?

માણસોના શરીરમાં જ્યારે ઠંડી કે ડરના કારણે રુવાંડા ઊભાં થઈ જતાં હોય છે આ એ જ પ્રકારનું હોય છે.

વૈજ્ઞાનિકો તેને પિલોઇરેશન રિફ્લેકશન કહે છે.

ડોરસા જણાવે છે, "માણસોએ પોતાના જીવનકાળનો એક મોટો ભાગ વાળથી ઢંકાયેલી રીતે પસાર કર્યો છે. પિલોઇરેશન રિફ્લેકશન એક ઘણી જૂની રીત છે કે જેને કારણે કોઈ પણ જીવ પોતાના વાસ્તવિક આકાર કરતાં મોટો જોવા મળી શકે છે. આનાથી ઠંડી ઋતુમાં જીવ પોતાના શરીરમાંથી નીકળતી ગરમીને અટકાવી શકે છે."

"પણ જેવા આપણે આપણાં શરીર પરથી વાળ હટાડવાની શરૂઆત કરી ત્યારથી આ રિફ્લેકશન એટલાં પ્રભાવશાળી રહ્યાં નથી."

6.નવજાત શિશુનો હાથ પકડવો

કોઈ નવજાત શિશુને જોઈને ઘણી વખતે તમે અનુભવ્યું હશે કે તે કેવી રીતે પોતાની આંગળીઓ વડે મોટાઓની આંગળીઓ પકડતું હોય છે.

નવજાત શિશુમાં જોવા મળતાં આ લક્ષણને ગ્રૈસ્પિંગ રિફ્લેક્સ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ લક્ષણનો વાસ્તવિક હેતુ આ જ હતો.

જો માણસના શરીરના બીજા ભાગોની વાત કરીએ તો એપેન્ડિક્સ પણ આવો જ એક ભાગ છે કે જે આપણાં પૂર્વજોને ભોજન પચાવવામાં મદદ કરતો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો