બાપુ બોલે તો... ગાંધીજીની અહિંસા સિદ્ધાંત હતી કે સગવડ?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીની અહિંસા વિશે ક્યારેક કહેવાય છે કે એ ભારતની પ્રજાના ડરપોકપણાને ધ્યાનમાં રાખીને તેમણે અપનાવી હતી.

એવું કહેનારા પણ છે કે તેમની જે કંઈ અહિંસા ચાલી, તે અંગ્રેજોની સજ્જનતાને લીધે ચાલી.

બાકી, જાપાન-જર્મની જેવી સરકાર હોત તો એ ન ચાલત. પરમાણુશસ્ત્રો સામે અહિંસા શા કામની? એવો પણ સવાલ ઉઠાવાતો રહ્યો છે.

ગાંધીજીની અહિંસા વેવલાઈપૂર્ણ, અવાસ્તવિક આદર્શ હતી, એવી પણ ટીકા થતી રહી છે. શું છે તેમની અહિંસાની વાસ્તવિકતા?

તમે આ વાંચ્યું કે નહીં?

સત્ય, અભય, અહિંસાઃ વ્યાપક અર્થો

ગાંધીજીની અહિંસા ફક્ત હથિયારો ન ઉપાડવાની કે ખૂનામરકીથી દૂર રહેવાની વાતમાં સમાઈ જતી ન હતી.

શોષણયુક્ત સમાજરચના, સરકારી તંત્ર અને સંસ્થાઓથી માંડીને વ્યક્તિગત સંબંધોમાં સમાયેલી તમામ પ્રકારની હિંસાનો તે વિરોધ કરતા હતા અને હિંસાના વિરોધમાં કોઈ રીતે હિંસા ભળી ન જાય, તેની શક્ય એટલી ચીવટ રાખતા હતા.

તેમની અહિંસામાં વેવલાઈ કે કાયરતા ન ભળી જાય એ વિશે પણ તે બહુ સભાન રહેતા હતા.

પોતાના પ્રામાણિક અભિપ્રાયો ગમે તેટલા વિવાદાસ્પદ લાગે તો પણ જાહેર કરવાની હિંમત તેમનામાં હતી.

હિંસા-અહિંસા વિશેના તેમના ઘણા અભિપ્રાય એવા છે કે જે થોડા તોડીમરોડીને રજૂ કરવામાં આવે, તો ગાંધીજીને હિંસાના સમર્થક તરીકે ખપાવી શકાય.

પરંતુ ગાંધીજીના જીવનમાં એવી અનેક ચર્ચાઓ અને એવા અનેક પ્રસંગો નોંધાયેલા છે, જેની પરથી તેમની બહુઆયામી અહિંસાનો સાચો ખ્યાલ આવે.

'હિંદ સ્વરાજ' (૧૯૦૯)માં તેમણે લખ્યું હતું કે અંગ્રેજોએ સ્થાપેલી શાંતિને લીધે આપણે 'નાર્મદ, બાયલા અને ભીરુ બની ગયા છીએ.' તે માનતા હતા કે 'બળ તે નિર્ભયતામાં રહ્યું છે, શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી.'

(હિંદ સ્વરાજ, પુનઃમુદ્રણઃ સપ્ટેમ્બર, ૨૦૦૬. પૃ.૨૩) એ જ પુસ્તકમાં તેમણે એવી દલીલ મુકાવી કે 'સત્યાગ્રહ નબળા માણસ માટે ઠીક કામનો છે.

તેઓ જ્યારે સબળો થાય ત્યારે તો તોપ ચલાવે.' અને તેના જવાબમાં લખ્યું, 'સત્યાગ્રહને સારુ જે હિંમત અને મર્દાની ઘટે છે તે તોપબળિયા પાસે હોઈ જ શકે નહીં.

તમે શું એમ માનો છો કે નમાલો માણસ પોતાને નાપસંદ કાયદાનો ભંગ કરી શકશે?... તમે શું માનો છો? તોપ વછોડી સેંકડોને મારવામાં હિંમત જોઈએ કે તોપને મોઢે હસતે ચહેરે બંધાતાં હિંમત જોઈએ?'

(હિંદ સ્વરાજ, પૃ.૫૭) અહિંસાને અભય સાથે સાંકળીને તેમણે લખ્યું હતું, 'અભયતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જ્યારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે.' (હિંદ સ્વરાજ, પૃ.૬૧)

ભયમુક્તિ માટેના રસ્તા

આ વિચારો ગાંધીજી ભારત આવતાં પહેલાં દૃઢતાપૂર્વક વ્યક્ત કરી ચૂક્યા હતા. ભારતના જાહેર જીવનમાં પ્રવેશ્યા પછી તેમાં કશો પલટો આવ્યો નહીં.

બલ્કે, તેમની અહિંસાનાં વિવિધ રૂપનો વધુ ને વધુ પરિચય મળતો ગયો. પહેલા વિશ્વયુદ્ધ વખતે અહિંસાના આ પૂજારી સૈન્યભરતીની ઝુંબેશ ઉપાડવા સુધી ગયા.

તેમના મતે 'અહિંસાવાદી યુદ્ધ પ્રત્યે તટસ્થતાથી જોતો બાજુએ ઊભો રહી શકે નહીં. એણે પોતાની પસંદગી કરી જ લેવી જોઈએ.

કાં તો યુદ્ધમાં સક્રિય સહકાર આપે કાં તો યુદ્ધનો સક્રિય વિરોધ કરે.' (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ.૧૪૬) મિત્ર ઍન્ડ્રુઝને તેમણે લખ્યું હતું, "દરેક હિંદીને હું લશ્કરમાં જોડાવાનું કહું છું ત્યારે સાથે સાથે સતત એને કહેતો રહું છું કે એ લશ્કરમાં જોડાય છે તે લોહીની તરસ છિપાવવા માટે નહીં પણ મરણનો ભય ન રાખવાનું શીખવા માટે છે." (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ.૧૪૫)

સાબરમતી આશ્રમ સ્થાપ્યા પછી ત્યાં ચોરોનો ત્રાસ વધી ગયો. આશ્રમવાસી કાકા કાલેલકરે નોંધ્યા પ્રમાણે, ઘણી ચર્ચા થયા પછી ગાંધીજીએ કહ્યું, 'મગનલાલ (ગાંધી) ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું. લોકો ટીકા કરે કે આ અહિંસક લોકો બંદૂક કેમ રાખે છે? તો તેમને જવાબ આપવાવાળો હું અહીં બેઠો છું.'

પછી કહ્યું, 'આપણે બધાં સ્ત્રી-પુરુષ-બાળકો અહીં ભયભીત દશામાં રહીએ તે કરતાં બહેતર છે કે બંદૂકથી આપણો બચાવ કરીએ. ભયગ્રસ્ત માણસ અહિંસક થઈ જ ન શકે.' (બાપુની ઝાંખી, કાકા કાલેલકર, પૃ.૪૩)

હિંદુ-મુસ્લિમ હિંસક વિખવાદે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોની આકરી કસોટી કરી.

એ વખતે, પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ, ગાંધીજીએ બહાદુરીનો જ ઉપદેશ કર્યો.

'મારી ઇચ્છા તો એ છે કે હિંદુ અને મુસલમાન બંનેએ માર્યા વગર મરવાનું સાત્ત્વિક શૌર્ય કેળવવું જોઈએ. પણ જો કોઈનામાં તેટલું શૌર્ય ન આવે તો સંકટ જોઈ બાયલાની પેઠે નાસી જવા કરતાં મારીને મરવાની કળા તે કેળવે એમ હું જરૂર ઇચ્છું. કેમ કે નાસી જનાર બાયલો માનસિક હિંસા તો કરે જ છે.' (નવજીવનનો વધારો, નવેમ્બર ૧૩, ૧૯૨૧, પૃ.૬)

અહિંસાના પરમ આગ્રહી હોવા છતાં, કાયરની અહિંસાના એટલા જ વિરોધી ગાંધીજીએ લડવાના નિયમ આપ્યા હતા.

બંને પક્ષે ગુંડાઓની લડાઈ ચાલે છે એ વિશે ચીડ વ્યક્ત કરીને તેમણે લખ્યું હતું '...આપણે કેળવાયેલાઓએ ગુંડાઓની સાથે લડવું. આપણે લાકડી અને બીજાં ચોખ્ખાં હથિયાર વાપરી શકીએ છીએ. મારી અહિંસામાં એના ઉપયોગની રજા છે. એ લડાઈમાં આપણે મરાશું, પણ તેથી હિંદુ મુસલમાન બંને સ્વચ્છ અને બહાદુર બની જશે...આજે ચાલે છે તેમ ચાલે તો દરેક પક્ષ પોતપોતાના ગુંડાના ગુલામ બનશે.' (નવજીવન, સપ્ટેમ્બર, ૧૯૨૪, પૃ.૧૭-૧૮)

અવાસ્તવિક જડતા વિ. વાસ્તવિક અમલ

આશ્રમમાં એક વાછડો બીમાર પડ્યો અને દવા પછી પણ તેની પીડા વધી ત્યારે ગાંધીજીએ તેને મૃત્યુદાન આપવાનું નક્કી કર્યું.

વલ્લભભાઈએ કહ્યું કે નકામો વિવાદ થશે. હમણાં ફાળો ઉઘરાવવા મુંબઈ જવાનું છે. ત્યાં કોઈ પાઇયે નહીં આપે. આપણું ઘણું બધું કામ અટકી જશે. પણ ગાંધીજી અડગ રહ્યા.

એક પારસી ડોક્ટરે વાછરડાને મોતનું ઇન્જેક્શન આપ્યું. તેનો ઘણો વિવાદ થયો. પણ ગાંધીજીએ તે માટે કદી અફસોસ વ્યક્ત કર્યો નહીં. (બાપુની ઝાંખી, પૃ.૪૫-૪૬)

છેલ્લાં વર્ષોમાં પૌત્રીવત્ મનુ ગાંધી સાથે હોય અને મનુબહેન પોતાની તબિયતનું ધ્યાન રાખવામાં ચૂક કરે, તો ગાંધીજી તેને ભૂલને બદલે બેદરકારી ગણાવીને તેમના પર ચિડાય.

એક વાર તો કહે, 'હવે પછી એવી ભૂલ થશે તો આજે તો ચિડાયો છું, પણ હવે તમાચો મારીશ.'

એ સાંભળીને મનુબહેનને સહેજ હસવું આવ્યું. ગાંધીજી પણ હસ્યા. એટલે મનુબહેને પૂછ્યું, 'આપ તમાચો મારશો એ હિંસા નહીં થાય?'

ગાંધીજીનો જવાબ હતો,'મારી અહિંસા વેવલી નથી ને? હું તમને તમાચો ચોડી દઈશ તોયે એ અહિંસા જ છે. કેમ કે માબાપ કે દાદો જે કહે તેમાં એનો પ્રેમ ભર્યો છે ના? મનમાં ઝેર ભર્યું હોય અને સામા માણસને પકવાન ખવડાવીએ તો એને હું હિંસા કહીશ. પણ મનમાં અનહદ પ્રેમ હોય અને સામા માણસમને તમાચો મારીએ તોય એને હું અહિંસામાં ગણું. અહિંસા કે હિંસાનો આધાર મન પર ઘણો છે.' ('બિહાર પછી દિલ્હી', પૃ.૩૭૩)

આઝાદી નજીક આવી તેમ કોમી હિંસા ચરમ સીમાએ પહોંચી. ગાંધીજીની અહિંસાનો ઉગ્ર વિરોધ થવા લાગ્યો.

એક વાર ઉશ્કેરાયેલા બે જણ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું, 'મારી અહિંસા નિર્માલ્યની નથી, શૂરાની છે. હા, પણ અહિંસક રીતે મરતાં ન આવડતું હોય તો તમે હિંસા કરી શકો છો, પણ એ બહાદુરીપૂર્વકની હોવી જોઈએ. તમે પાકિસ્તાનમાં માર ખાધો હોય તો તેનો બદલો ત્યાં લો, એમાં બહાદુરી છે. પણ અહીં લો એમાં તો કાયરતા છે.'

('બિહાર પછી દિલ્હી', પૃ.૧૧૫) કોઈ પણ પ્રકારની બળજબરીને તાબે થવાને બદલે બહાદુરીપૂર્વક મરવાનું તે સૂચવતા હતા.

'કોઈના મારવાના ડરથી નમવું અને જીવવું તેના કરતાં આત્મહત્યા કરી બહાદુરીપૂર્વક મરવું એ શ્રેષ્ઠ છે, અને તેમાં હું હિસા નથી માનતો.

પોતાના મનને મારીને કે ડરીને જીવવું એમાં હિંસા છે. જોકે હકીકતે આત્મહત્યા કરવી એને હિંસામાં ગણી શકાય, પણ તાત્ત્વિક દૃષ્ટિએ નહીં. આટલા પરથી સમજી શકાશે કે હું કઈ જાતની અહિંસાનો પૂજારી છું.' ('બિહાર પછી દિલ્હી', પૃ.૩૫૧)

ઍટમ બૉમ્બ અને અહિંસા

વિખ્યાત અમેરિકન ફોટો-જર્નલિસ્ટ માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીનો ઇન્ટરવ્યુ લીધો હતો.

તેમાં ગાંધીજીએ ઍટમ બૉમ્બ સામે અહિંસક મુકાબલાની રીત વર્ણવતાં કહ્યું હતું કે 'હું ભૂગર્ભમાં કે બૉમ્બ શૅલ્ટરમાં ન જતો રહું. હું ખુલ્લામાં આવીને ઊભો રહું, જેથી પાઇલોટ પણ જોઈ શકે કે મને તેના માટે કશો દુર્ભાવ નથી. હું જાણું છું કે એટલી ઊંચાઈ પરથી પાઇલોટ આપણા ચહેરા ન જોઈ શકે. પણ એ આપણને નુકસાન નહીં પહોંચાડે એવી આપણા હૃદયની લાગણી તેના સુધી પહોંચશે અને તેની આંખો ખુલી જશે. હિરોશીમા હુમલામાં માર્યા ગયેલા હજારો આવી રીતે ખુલ્લામાં ઊભા રહીને, મનમાં પ્રાર્થના સાથે મૃત્યુને ભેટ્યા હોત તો યુદ્ધનો અંત આવો નામોશીભર્યો આવ્યો ન હોત.' (હાફ વે ટુ ફ્રીડમ, માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ, પૃ.૨૩૨)

વિશ્લેષણ

ગાંધીજી માટે અહિંસા સર્વોચ્ચ બહાદુરી હતી અને એ શક્ય ન હોય તો સ્વરક્ષણ માટે, પોતાની આબરૂ માટે સશસ્ત્ર પ્રતિકાર બીજા ક્રમનો માર્ગ હતો.

ટોળાની હિંસા (મોબ લિન્ચિંગ)થી માંડીને રાજ્યાશ્રિત, ધર્મપ્રેરિત, ગુંડાઓ દ્વારા આચરવામાં આવતી એવી તમામ પ્રકારની હિંસાની તેમણે કદી તરફેણ ન કરી.

તેમના જેવી બહાદુરીભરી અહિંસાના રસ્તે ચાલનારા બાદશાહખાન જેવા જૂજ નીકળ્યા.

બીજી તરફ રાજ્યની-સમાજની માળખાકીય હિંસા તથા લોકોને ભયભીત કરીને તેમના મત મેળવવાનો ટૂંકો રસ્તો એવી સફળતાથી ખેડવામાં આવ્યો કે અહિંસાની વાત ઠાલો આદર્શ લાગે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો