ગુજરાતમાં કૉંગ્રેસ-ભાજપે લોકસભા ચૂંટણીમાં ધારાસભ્યોને કેમ ઉતાર્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.

ભાજપે ચાર ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે અને કૉંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.

4 એપ્રિલ, ગુરુવારે ગુજરાતમાં ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ હતો.

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે અને રાજ્યમાં બન્ને પક્ષોના ઉમેદવારો જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે.

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 26 બેઠકોમાંથી ચાર બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.

તો કૉંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સામેલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપે 4, કૉંગ્રેસે 8 ધારાસભ્યોને ઉતાર્યા

ભાજપે અમદાવાદ-પૂર્વ બેઠક પર એચ. એસ. પટેલ, પંચમહાલથી રતનસિંહ રાઠોડ, ગુજરાત સરકારના મંત્રી પરબત પટેલને બનાસકાંઠા અને ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પાટણથી ટિકિટ આપી છે.

અમરેલીથી કૉંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને, ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગરથી ડૉ. સી. જે. ચાવડાને, રાજકોટથી લલિત કગથરા, જૂનાગઢથી પૂંજા વંશ, સુરેન્દ્રનગરથી સોમા પટેલ અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપી છે.

સાબરકાંઠાથી ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર, વલસાડથી ધારાસભ્ય જિતુ ચૌધરીને ટિકિટ આપી છે.

ગુજરાતમાં વિધાનસભાની ગત ચૂંટણી પર નજર કરીએ તો બે દાયકાથી ભાજપ સત્તામાં છે. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને ઐતિહાસિક બહુમતી મળી હોવા છતાં ગુજરાતમાં જીત માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને જોર લગાવવું પડ્યું હતું.

ભાજપનો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 99 બેઠકો પર વિજય થયો હતો અને કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

કૉંગ્રેસનાધારાસભ્યોની સંખ્યા ઘટી

ગત વર્ષે જુલાઈમાં ગુજરાતમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા અને તેમને ગુજરાત સરકારમાં મંત્રીપદ આપવામાં આવ્યું.

તેઓ 2017માં જસદણથી કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ભાજપમાં જોડાયા બાદ ડિસેમ્બર 2018માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના અવસર નાકિયાને અંદાજે 20,000 મતોથી હરાવ્યા હતા.

તો ગુજરાતના મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકના કૉંગ્રેસનાં ધારાસભ્ય આશા પટેલ વિધાનસભામાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયાં.

ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડા પણ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓ એક દિગ્ગજ ઓબીસી નેતા ગણાય છે.

એ સિવાય જામનગર(ગ્રામ્ય) થી કૉંગ્રેસ ધારાસભ્ય મનસુખ ધારવિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ કુકાભાઈ સાબરિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા.

જસદણમાં કુંવરજી બાવળિયાના વિજય બાદ ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં હવે 100 બેઠકો થઈ છે, પરંતુ પોતાના ચાર વર્તમાન ધારાસભ્યોને ભાજપે લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.

2017માં કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી પણ આ ધારાસભ્યોના ભાજપમાં જવાથી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસની 71 બેઠકો બાકી રહી છે.

હવે ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી થશે.

વ્યૂહરચના

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ કહ્યું કે કૉંગ્રેસ માટે આ વધુ જોખમી દાવ છે, કારણ કે જો તેના ઉમેદવારો લોકસભા ચૂંટણી ન જીતી શક્યા તો તેના માટે કપરી વાત થશે. કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા પણ ઘટી છે. હાલમાં જ ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

જ્યારે વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ આને ભાજપ અને કૉંગ્રેસની વ્યૂહરચનાનો એક ભાગ માને છે.

તેઓ કહે છે, ''વિધાનસભા ચૂંટણીમાં જેમણે સારું પ્રદર્શન કર્યું હોય એમને લેવામાં આવ્યા છે. એ જીતે તે જરૂરી નથી પરંતુ તેઓ મજબૂત ટક્કર તો આપી જ શકશે.''

હરિ દેસાઈ કહે છે, "દાખલા તરીકે રાજકોટમાં ભાજપના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની સામે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ઉતાર્યા છે. બન્ને ઉમેદવાર કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. આથી અહીં કગથરા અને કુંડારિયા વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી શકે છે."

જ્યારે કૌશિક પટેલનું કહેવું છે, "જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવ્યા હતા તે કૉંગ્રેસના ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં હારી જાય તો તેમનો જનાધાર ઘટ્યો એમ કહેવાય."

જોકે હરિ દેસાઈ કહે છે કે કૉંગ્રેસ માટે તો વકરોય નફો છે.

જીતની શક્યતા

વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ભાજપની સામે ફરી એક વખત 26માંથી 26 બેઠક જીતવાનો પડકાર છે."

"સામે પક્ષે ગુજરાત વિધાનસભામાં સભ્યસંખ્યા ઘટવાથી કૉંગ્રેસને ખાસ ફરક નહીં પડે."

"આથી બંને પક્ષોએ જ્ઞાતિ, જાતિ અને વિસ્તારમાં પાર્ટીનું પ્રભુત્વ જોઈને જે ઉમેદવારમાં જીતની શક્યતા સૌથી વધુ હોય તેની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે."

મહેતા ઉમેરે છે, "જો લોકસભામાં સાંસદ મળતા હોય તો ધારાસભામાં સભ્યસંખ્યા ભલે ઘટે' તેવી વ્યૂહરચના જણાય છે."

આપને આ પણ વાંચવું ગમશે

હરિ દેસાઈ કહે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી ધોરણે સભાઓ ન કરી હોત તો ભાજપ માટે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ દેખાતી હતી. 150નો ટાર્ગેટ લઈને ચાલતો ભાજપ 100 સીટો સુધી મુશ્કેલીથી પહોંચી શક્યો હતો. એવામાં 2017માં સફળ રહેલા ઉમેદવારો પર ભરોસો કર્યો હોય તેવું જણાય છે.

તેઓ ઉમેરે છે, "ભાજપને ગરજ હતી એટલે ઘણા કૉંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટા કરાવવામાં આવ્યા અને તેમને મંત્રી બનાવાયા. બહારથી આવેલા નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા એટલે પક્ષમાં શાંતિ જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડાવવી પડે છે."

જોકે અમુક બેઠકો પર એકથી વધુ દાવેદારો હોવાને કારણે એવા ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે કે જેમની જીતવાની શક્યતા પાર્ટીને દેખાતી હોય.

હરિ દેસાઈ કહે છે કે પરેશ ધાનાણી જેવા નેતાને કૉંગ્રેસે ઉતાર્યા એની પાછળનું કારણ એ છે કે અમરેલી સીટ પર ઘણા દાવેદારો હતા. ધાનાણી મજબૂત નેતા છે અને કૉંગ્રેસને તેમના ચૂંટણી લડવાથી ફાયદો થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો