You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ચૂંટણીમાં અમિત શાહને આ એક લાખ મતદારોની જરૂર નથી?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી સંવાદદાતા
"કૉંગ્રેસ અમને 'ટૅકન ફૉર ગ્રાન્ટેડ' લે છે, જ્યારે ભાજપ અમારી ઉપેક્ષા કરે છે, ચક્કીના બે પડમાં અમે પીસાઈ જઈએ છીએ." આ શબ્દો છે જુહાપુરામાં રહેતા આસિફખાન પઠાણના.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી છે, ત્યારે ફરી એક વખત જુહાપુરા ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.
લગભગ પાંચ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા જુહાપુરામાં અંદાજે પાંચ લાખ લોકો રહે છે.
મુસ્લિમ બહુમતી ધરાવતો આ વિસ્તાર અગાઉ સરખેજ વિધાનસભા બેઠક હેઠળ આવતો હતો જ્યાંથી શાહ રેકર્ડ બહુમતીથી ચૂંટાઈ આવતા.
વિસ્તારમાં એક લટાર મારો એટલે અહીં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓનો અભાવ ઊડીને આંખે વળગે છે.
આધુનિક અસ્પૃશ્યતા
અમદાવાદના ઇતિહાસને પિછાણીએ તો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ભિન્નતાને કારણે હિંદુ અને મુસ્લિમ જ નહીં, પરંતુ જ્ઞાતિ આધારિત અલગ-અલગ પોળ અને વિસ્તાર અસ્તિત્વમાં આવ્યા હતા.
જોકે, હિજરત અને કોમી તોફાનોને કારણે પણ ગુજરાત સહિત દેશભરમાં 'અલગ વિસ્તાર'ની વિભાવના વ્યાપક બની છે.
સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકળાયેલા નઝીર શેખના કહેવા પ્રમાણે, "જુહાપુરામાં રહેવાને કારણે ભેદભાવયુક્ત વર્તન એ રોજબરોજની વાત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રિક્ષાચાલક આવવાનો ઇન્કાર કરી દે, ટૅક્સી ઍગ્રિગેટર ઍપ ઉપર કૅબ બુક તો થઈ જાય, પરંતુ ગણતરીની સેકંડ્સમાં ડ્રાઇવર ટ્રીપ કૅન્સલ કરી દે."
"જો કોઈ રીક્ષાચાલક આવવા માટે તૈયાર થઈ જાય તો પણ અમારો 'બિન-મુસ્લિમ' પહેરવેશ જોઈને 'આવા વિસ્તારમાં શા માટે રહો છો? તે સલામત નથી' જેવી સલાહ પણ આપે."
ગુજરાતની રાજકીય સ્થિતિના અભ્યાસુ શારિક લાલીવાલાના કહેવા પ્રમાણે :
"નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન જુહાપુરામાં રહેતા યુવાનોને ભેદભાવનો અનુભવ સામાન્ય બાબત છે."
"એટલે જ તેઓ પોતાના ઘરનું સરનામું આપવાના બદલે અન્ય વિસ્તારમાં રહેતા પરિવારજનનું સરનામું આપતા હોય છે."
જોકે, નૉન-વેજિટેરિયન ફૂડના શોખીન હિંદુઓ માટે જુહાપુરાની હોટલો અને લારીઓ 'ફૂડ હબ'થી કમ નથી.
સામાજિક સંગઠન 'સેતુ' સાથે સંકળાયેલા અચ્યુત યાજ્ઞિકના કહેવા પ્રમાણે :
"જુહાપુરામાં મુસ્લિમોનું સામાજિક જ નહીં, રાજકીય વિભાજન પણ થયું છે. પ્રવર્તમાન રાજકીય વ્યવસ્થામાં મુસ્લિમોને 'સેકન્ડ ક્લાસ સિટીઝન' માનવામાં આવે છે."
આ વિશે વધુ વાંચો
સૌથી મોટા મુસ્લિમ ઘેટોમાંથી એક
1973માં સાબરમતી નદીમાં પુર આવ્યું એટલે બેઘર બનેલા 2000થી વધુ હિંદુ-મુસ્લિમ પરિવારોને સરકારે શહેરની પશ્ચિમે 'સંકલિત નગર'માં વસાવ્યા.
પરંતુ 1985, '87 અને '92ના હુલ્લડ દરમિયાન હિંદુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ ઊભી થઈ.
2002માં ફાટી નીકળેલા રમખાણોએ આ ખાઈને વધુ પહોળી બનાવી.
શહેરના જે વિસ્તારોમાં મુસ્લિમો ઓછી સંખ્યામાં રહેતા હતા, તેમણે હુલ્લડો દરમિયાન સૌથી વધુ સહન કરવાનું આવ્યું. એટલે તેમણે સલામતીની શોધમાં જુહાપુરા તરફ નજર દોડાવી.
અમદાવાદના નવરંગપુરા તથા પાલડી જેવા મિશ્રિત વિસ્તારોમાં રહેતા શિક્ષિત અને સંપન્ન મુસ્લિમોએ પણ 'સલામતી'ને ખાતર જુહાપુરા તરફ પ્રયાણ કર્યું.
આ સિવાય 2002માં અન્ય જિલ્લાઓમાં પણ હુલ્લડનો ભોગ બનેલા મુસ્લિમોએ જુહાપુરામાં આશ્રય મેળવ્યો.
તમામ વર્ગના મુસ્લિમો જુહાપુરામાં રહેતા હોવાથી આ વિસ્તારને 'શહેરની અંદર શહેર' તરીકે ઓળખવામાં આવે છે. આજે જુહાપુરા દેશના સૌથી મોટા મુસ્લિમ ઘેટોમાંથી એક છે.
ઘેટ્ટોનો આમ સીધો અર્થ થાય છે એક જ જગ્યાએ, એક જ કોમના લોકોની વસતિ, પરંતુ હવે ગીચોગીચ વસતિમાં રહેતા એક જ ધર્મના લોકો એટલે ઘેટ્ટો, જ્યાં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે.
અગાઉ ઔડા (અમદાવાદ એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી) હેઠળ આવતું જુહાપુરા વર્ષ 2007માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જોડાયું, છતાંય મૂળભૂત સુવિધાનો હજુ પણ અભાવ છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડા પ્રમાણે, જુહાપુરામાં લગભગ એક લાખ સાત હજાર મતદાતા હતા.
જુહાપુરા, ભાજપ અને કૉંગ્રેસ
સ્થાનિક ક્રૅસન્ટ સ્કૂલના ટ્રસ્ટી આસિફ ખાન પઠાણના કહેવા પ્રમાણે, "વર્તમાન રાજકીય પરિદૃશ્યમાં અમે હાંસિયામાં જ નહીં, પણ હાંસિયાની બહાર ધકેલાઈ ગયા છીએ."
"બંનેમાંથી એક પણ રાજકીય પક્ષને અમારી પડી નથી, જે કંઈ કરવાનું છે, તે અમારે જાતે જ કરવાનું છું."
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું :
"લઘુમતી સ્કૉલરશિપ અને શિક્ષણના અધિકાર માટે કૉંગ્રેસે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે. આ માટે હું પોતે ધરણા ઉપર બેઠો છું."
"સ્થાનિક ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સહાય મળી રહે તે માટેની વ્યવસ્થા કૉંગ્રેસ દ્વારા ગોઠવવામાં આવી છે."
"અમે અમારા કામો તથા વાર્ષિક રૂ. 72 હજારની સહાયની વાત લઈને જનતાની વચ્ચે જઈશું."
જુહાપુરામાં અમિત શાહના પ્રચાર માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે? તેના જવાબમાં ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના કહે છે:
"ભાજપ 'સૌનો સાથ, સૌના વિકાસ' સૂત્રમાં માને છે. અમારા કૉર્પોરેટર્સ જીતે કે હારે તેઓ સતત જનતાની વચ્ચે રહે છે અને સેવાના કામો કરતા રહે છે. "
"અમે ઉપેક્ષા પણ નથી કરતા અને તૃષ્ટિકરણ પણ નથી કરતા."
"મા કાર્ડ કે આર્થિક રીતે પછાત લોકોને દસ ટકા અનામત હોય કે ઘર આ યોજનાઓનો લાભ તમામને જ્ઞાત-જાતના ભેદભાવ વિના મળે છે.
દોશી ઉમેરે છે કે શાહને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને ગાંધીનગરની બેઠક ઉપરથી ઉતારવામાં આવશે.
વરિષ્ઠ પત્રકાર મુનવ્વર પતંગવાલાના કહેવા પ્રમાણે, "જુહાપુરામાં અનેક શિક્ષિત તબીબ, વકીલ અને સંપન્ન વર્ગના લોકો રહે છે."
"ભાજપે તેમના મારફત જુહાપુરાની સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરવાની જરૂર છે."
"ભાજપ દ્વારા 'સૌનો સાથ, સૌનો વિકાસ'ની વાત કરવામાં આવે છે, પરંતુ તે પ્રકારની વિચારસરણી કેળવાતી નથી, જેના કારણે સ્થાનિકો નિર્વિકલ્પ બની જાય છે."
એકતા આડે ઍક્ટ
ધ ગુજરાત પ્રૉહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમ્મૂવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ ઍન્ડ પ્રોવિઝન ફૉર પ્રૉટેક્શન ઑફ ટૅનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસિઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડૂઆતોની હકાલપટ્ટી સામે રક્ષણનો કાયદો) શહેરમાં હિંદુ-મુસ્લિમ સહનિવાસમાં અવરોધરૂપ બને છે.
આ ઍક્ટ હેઠળ હિંદુઓની બહુમતીવાળા વિસ્તારમાં મુસ્લિમો તથા મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારમાં હિંદુઓ સીધી સંપત્તિ ખરીદી નથી શકતા.
મુસ્લિમ ખરીદદાર ઊંચી કિંમત ચૂકવવા તૈયાર હોય તો પણ તેને હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં ઘર નથી મળતું.
એવી જ રીતે હિંદુ ખરીદદારને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સંપત્તિ લેવા માટે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અલબત્ત, આ કાયદો અન્ય ધર્મીને પણ લાગુ પડે જ છે.
આવા સોદા માટે કલેકટર પાસેથી વિશેષ મંજૂરી લેવી પડે છે.
કોમી રીતે અશાંત વિસ્તારમાં સંપત્તિના ખરીદ-વેચાણ દરમિયાન ગેરવ્યાજબી કોમી દબાણ ન સર્જાય તેને અંકુશમાં રાખવા આ કાયદો લાગુ કરાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા, ત્યારે પણ અગાઉથી ચાલ્યો આવતો અશાંત વિસ્તાર ધારો યથાવત્ રહેવા પામ્યો હતો.
2017માં અમદાવાદના 770 નવા વિસ્તારને 'અશાંત ધારા' હેઠળ આવરી લેવાયા હતા.
લાલીવાલા માને છે કે આ ઍક્ટ હિંદુ-મુસ્લિમ 'એકતાના આડે અવરોધરૂપ' છે.
સુવિધાઓનો અભાવ
અમદાવાદના સપાટ અને પહોળા રસ્તા પાર કરીને તમે જુહાપુરામાં પહોંચો એટલે લાગે કે 'અલગ જ શહેર'માં આવી ગયા હોવાનો અહેસાસ થાય.
ખાડાવાળા રોડ, તંગ અને ગંદી ગલીઓ, ઉભરાતી ગટરો, લાઇટ વિનાના થાંભલા અને તંત્રની ઉપેક્ષાને કારણે ખડકાયેલા કચરાના ઢગ તમને આવકારે છે.
અહીં પાણી, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ પણ જોવા છે.
પાણીની પાઇપલાઇનના અભાવે સ્થાનિકો પ્રદૂષિત હોવા છતાંય પાણી માટે ભૂગર્ભ જળ ઉપર આધારિત છે.
સામાજિક સંસ્થા 'અમદાવાદ ટાસ્ક ફૉર્સ' સાથે સંકળાયેલા આશિફ સૈયદના કહેવા પ્રમાણે:
"આયોજનબદ્ધ રીતે બનેલી, સિક્યૉરિટી ગાર્ડ સહિતીની ગેટેડ કૉલોનીમાં સામાન્ય બે બેડરૂમ, હોલ અને કિચનવાળા ફ્લેટના ભાવ રૂ. 25થી 30 લાખની વચ્ચે હોય છે."
"અગાઉ નેશનલાઇઝ્ડ બૅન્કની શાખા જુહાપુરામાં ન હતી અને પૂર્વાગ્રહને કારણે લોન મેળવવામાં મુશ્કેલી ઊભી થતી હતી."
"ધીમેધીમે સ્થિતિ સુધરી રહી છે અને કેટલીક રાષ્ટ્રીકૃત બૅન્કોએ અહીં શાખા ખોલી છે."
યાજ્ઞિક કહે છે, "2002નાં હુલ્લડો બાદ જુહાપુરા તથા અન્ય મુસ્લિમ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધી છે."
"આથી, આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, જે સ્થાનિકોની જાગૃતિ અને મહેનતને કારણે જ શક્ય બન્યું છે."
સોસાયટીમાં ઘર ન લઈ શકે તેવા રોજનું રોજ રળી ખાનારા મુસ્લિમો તંગ અને ગંદી ગલીઓમાં રહેવા મજબૂર બને છે, જે આરોગ્ય માટે પણ હાનિકારક છે.
વર્ષ 2018માં આ વિસ્તારમાં પ્રથમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખુલી. એ પહેલાં સ્થાનિકો ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ શાળાઓ ઉપર જ આધારિત હતા.
શાહ-ભાજપની સેફ VIP સીટ
અમિત શાહે તેમની કારકિર્દીની શરૂઆત ગાંધીનગરની લોકસભા બેઠક ઉપરથી કરી હતી.
અમિત શાહે તેમની સત્તાવાર વેબસાઇટ ઉપર આપેલી માહિતી પ્રમાણે, 1989થી 2009 સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં તેઓ આ બેઠક માટેની વ્યૂહરચના ઘડી હતી.
સીમાંકન પૂર્વે સરખેજ બેઠક ઉપરથી શાહ ચૂંટણી લડતા. જુહાપુરા પણ એ મતક્ષેત્ર હેઠળ જ આવતું.
સરખેજ બેઠક ઉપર યોજાયેલી પેટા-ચૂંટણીમાં 25 હજાર મતે વિજયી થઈ પહેલી વખત ધારાસભામાં પ્રવેશ્યા હતા.
1998માં યોજાયેલી ચૂંટણી દરમિયાન તેઓ એક લાખ 30 હજાર મતથી ચૂંટાયા.
2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેઓ 1,58,036 મતથી ચૂંટાયા. 2007માં તેમણે 2,32,832ની રેકર્ડ લીડથી વિજય મેળવ્યો.
છેલ્લા ત્રણ દસકથી પત્રકારત્વ સાથે સંકળાયેલા અને લગભગ બે દાયકાથી જુહાપુરામાં રહેતા પતંગવાલા કહે છે કે 'શાહ સરખેજની બેઠક ઉપરથી ચૂંટણી લડતા ત્યારે પણ જુહાપુરામાં પ્રચાર કરતા ન હતા.'
2012માં શાહે નવગઠિત નારણપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડી. પુનઃસીમાંકનને કારણે તેમની લીડ ઘડીને 60 હજાર જેટલી જ રહી.
હાલ પણ નારણપુરા ગાંધીનગર લોકસભાક્ષેત્ર હેઠળ જ આવે છે.
2017માં શાહ રાજ્યસભાના માર્ગે ઉપલાગૃહમાં સાંસદ બન્યા.
જો ગુજરાતને હિંદુત્વની લૅબોરેટરી માનવામાં આવતું હોય તો ગાંધીનગર મત વિસ્તાર એ એક પ્રયોગપાત્ર છે, જે હિંદુત્વના દરેક પ્રયોગોના કેન્દ્રમાં રહ્યું છે.
પછી તે મતોના ધ્રુવીકરણનો મુદ્દો હોય કે મત મેળવવા માટે વિકાસને મુદ્દો બનાવવાની વાત હોય.
આ મતવિસ્તાર વર્ષ 1989થી એકતરફી રહ્યો છે, જેમાં ભાજપના ઉમેદવારોએ મોટા અંતરથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે.
આ એક VIP મતવિસ્તાર ગણાય છે કેમ કે તેના પરથી મોટા નેતાઓ જેવાં કે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને શંકરસિંહ વાઘેલા (હાલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં) ચૂંટણી લડી ચૂક્યા છે.
વર્ષ 1998થી લાલકૃષ્ણ અડવાણી સતત આ વિસ્તારમાં જીત મેળવી રહ્યા હતા.
આ વખતે ગાંધીનગરની બેઠક ઉપરથી શાહ ઉમેદવાર છે, જેમની ઉપર નકલી ઍન્કાઉન્ટરના કેસ દાખલ થયા હતા.
જુહાપુરાની 'બૉર્ડર'
કેટલાક અમદાવાદીઓ દ્વારા જુહાપુરાનો ઉલ્લેખ કરતી વખતે 'મિનિ પાકિસ્તાન' શબ્દપ્રયોગ કરવામાં આવે છે.
ઠાકોરો અને પાટીદારોની વસ્તી ધરાવતા હિંદુ બહુમતીવાળા વિસ્તાર વેજપલપુરને જુહાપુરાથી અલગ પાડતા રસ્તા, ગલી, દિવાલ કે મેદાનને સ્થાનિકો 'બૉર્ડર' તરીકે ઓળખે છે.
આ 'બૉર્ડર' જુહાપુરાને ભૌતિક, ભૌગોલિક અને સામજિક રીતે તો અલગ કરે જ છે, પરંતુ તેથી વધુ 'માનસિક' રીતે અલગ કરે છે.
લાલીવાલા કહે છે, "હિંદુ અને મુસ્લિમ બાળકો સાથે ભણે રમે અને નિયમિત રીતે તેમની વચ્ચે સંવાદ થાય તો જુહાપુરામાં રહેતા લોકો અને બાકીના અમદાવાદ વચ્ચે ઊભી થયેલી 'અદ્રશ્ય વાડ' દૂર થશે, જે પાંચ-10 વર્ષમાં નહીં થાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો