You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019: ભાજપમાં અમિત શાહ કરતાં હિમંતા બિશ્વા શર્માનું માન વધારે કેમ છે?
ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીજી બાજું, જેમને ક્યારેક 'અમિત શાહ કરતાં પણ ઉપર' ગણાવાયા હતા એવા 'પૂર્વોત્તરમાં પાર્ટીના કિંગમેકર' હિમંતા બિશ્વા શર્માને લોકસભાની ટિકિટ નથી અપાઈ.
ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે શર્માનું મહત્ત્વ વર્ણવતા કહ્યું હતું કે 'પૂર્વોત્તર ભાજપ માટે શર્માનું સ્થાન વિશેષ છે અને આ વિસ્તાર માટે તેઓ ભાજપના અધ્યક્ષ અમિત શાહથી પણ ઉપર છે.'
અગાઉ એવી અટકળો હતી કે પૂર્વોત્તરની તેજપુર બેઠક ઉપરથી શર્માને ઉમેદવાર બનાવવામાં આવશે.
શર્મા આસામના નાણામંત્રી અને પૂર્વોત્તરમાં 'નૉર્થઈસ્ટ ડેમૉક્રેટિક અલાયન્સ'ના સંયોજક પણ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શાહે સમજાવ્યું કારણ
અસામાન્ય ગણી શકાય તે રીતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટર પર તેમને ટિકિટ નહીં આપવાનું કારણ સમજાવ્યું હતું.
શાહે લખ્યું, "આસામ ચૂંટણી સમિતિ અને આસામના કાર્યકર્તાઓએ સર્વસંમતિથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે હિમંતા બિશ્વા શર્માનું નામ મોકલાવ્યું હતું."
"પરંતુ સમગ્ર પૂર્વોત્તરમાં વિકાસ તથા પાર્ટી અને ભારત સરકાર વચ્ચેના સમન્વય માટે NEDAના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય ભાજપે તેમને આગ્રહ કર્યો છે કે તેઓ પૂર્વોત્તરમાં પાર્ટીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું આશા કરું છું કે આસામ ભાજપ તથા પૂર્વોત્તરના કાર્યકર્તાઓ આ નિર્ણયનો સ્વીકાર કરશે. મને પૂર્ણ આશા છે કે આ નિર્ણય આસામ તથા સમગ્ર પૂર્વોત્તરને વિકાસની દિશામાં આગળ લઈ જનારો બની રહેશે."
અમિત શાહના ટ્વીટના જવાબમાં શર્મા લખ્યું કે 'તેઓ ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિર્ણયનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે અને પૂર્વોત્તર તેમને નિરાશ નહીં કરે.'
શાહથી મોટી જવાબદારી
ગૌહાટીમાં રામ માધવને પૂછવામાં આવ્યું હતું કે 'શર્મા પૂર્વોત્તરમાં 25 બેઠકો પર નજર રાખી રહ્યા છે, છતાં તેમને ટિકિટ આપવામાં નથી આવી, જ્યારે અમિત શાહ દેશભરમાં ભાજપની કામગીરી જોઈ રહ્યા હોવા છતાં ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.'
જેના જવાબમાં રામ માધવે કહ્યું હતું, "આનો મતલબ એવો થયો કે હિમંતા બિશ્વા શર્મા પર અમિત શાહની સરખામણીમાં વધુ જવાબદારી છે. તેઓ પાંચ-છ સરકારોને સંભાળી રહ્યા છે."
"પૂર્વોત્તરમાં ભાજપના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલમાં તેમનાં સમય અને ઊર્જાને કોઈ એક બેઠક ઉપર કેન્દ્રીત કરી શકાય તેમ નથી."
કોણ છે હિમંતા બિશ્વા શર્મા?
હિમંતા બિશ્વા શર્મા ભાજપ પહેલાં કૉંગ્રેસમાં હતા. આસામની તરુણ ગોગોઈ સરકારમાં તેઓ બીજા નંબર પર હતા.
ગોગોઈ સાથે વિવાદ વકરતા તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને પૂર્વોત્તર ભારતમાં ભાજપના વિસ્તાર માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
હિંદી પટ્ટાનો પક્ષ મનાતા ભાજપે પૂર્વોત્તરમાં વિસ્તાર કર્યો છે, એટલે ભાજપ તેમનું મહત્ત્વ સારી રીતે સમજે છે.
શર્મા અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓ 2021માં આસામ વિધાનસભાની ચૂંટણી નહીં લડે, જેના આધારે એવું માનવામાં આવતું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વધારવા માગે છે.
શર્માનું કહેવું છે કે હવે તેઓ ટિકિટ નહીં મળવાની વાતને ભૂલી ચૂક્યા છે અને પૂર્વોત્તરમાં ગઠબંધનના ભવ્ય વિજય માટે પ્રયાસરત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અહીં NEDAને 25માંથી 20થી વધુ બેઠક મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો