You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે.
આ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે..
બીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને પીડિત છોકરીઓએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
જેમાં તેમણે સરકારને કહ્યું હતું કે સરકારી એજન્સીઓ અને મીડિયા દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહી છે અને આના પર રોક લગાવવામાં આવે. તેમણે સરકારને એવું પણ કહ્યું કે આ ઘટના બાદ તેમના જીવ પર જોખમ છે એટલે તેમને સુરક્ષા આપવામાં આવે.
કોર્ટે બન્ને છોકરીઓને સુરક્ષા આપી દીધી છે. હાઈકોર્ટે બન્નેને સુરક્ષા પૂરી પાડવા માટે ઇસ્લામાબાદના નાયબ કમિશનરને આદેશ આપ્યો છે.
કોર્ટે એવું પણ કહ્યું કે બન્ને યુવતીઓ ઇસ્લામાબાદની બહાર નહીં જઈ શકે. કોર્ટે બન્ને યુવતીના પતિઓને પણ સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યા છે.
અરજીમાં છોકરીઓએ કહ્યું હતું કે પાકિસ્તાનના બંધારણ અનુસાર તેમને ધર્મ પસંદ કરવાની છૂટ છે અને આવું તેમણે પોતાની મરજીથી કર્યું છે.
ઇસ્લામાબાદ હાઈકોર્ટે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અહતર મિનઅલ્લાહને કહ્યું કે કેટલીક શક્તિઓ પાકિસ્તાનની છબી ખરાબ કરવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું હતું કે 'પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકાર બીજા દેશોની સરખામણીમાં વધુ છે.'
'મારી દીકરીઓ સગીર વયની'
જોકે, છોકરીઓના પિતાનું કહેવું છે કે તેમની બન્ને પુત્રીઓ સગીર વયની છે. જેમની ઉંમર 13 અને 15 વર્ષની છે.
એક વીડિયો સામે આવ્યો છે, જેમા છોકરીઓના પિતા હરીલાલ કહે છે, "તેઓ બંદૂક લઈને આવ્યા અને તેમણે મારી પુત્રીઓનું અપહરણ કરી લીધું. આ ઘટનાને આઠ દિવસ થઈ ગયા અને હજુ સુધી આ મામલે કંઈ થયું નથી."
"મને એમની મળવા નથી દેતા. એમાંથી એક 13 વર્ષની છે અને બીજી 15 વર્ષની."
"અમારી સાથે કોઈ વાત પણ નથી કરી રહ્યું. હું બસ એટલું ઇચ્છું છું કે કોઈ આવે અને મારી પુત્રીઓને મારી પાસે લઈ આવે. પોલીસ કહી રહી છે કે આજ નહીં તો કાલે આ મામલાનો ઉકેલ આવી જશે."
"પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થતી જોવા નથી મળી રહી."
છોકરીઓના પિતા પર પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે બન્ને છોકરીઓ રડતાંરડતાં જણાવી રહી છે કે નિકાહ બાદ તેમને માર પડી રહ્યો છે.
જોકે, મંગળવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં આ વીડિયોનો કોઈ ઉલ્લેખ નહોતો કરાયો. બીબીસી આ બન્ને વીડિયોની ખરાઈની પુષ્ટિ નથી કરતું.
પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓનાં અપહરણ અને ધર્મપરિવર્તનની ઘટના બાબતે પાકિસ્તાની હિંદુ પણ પ્રશ્નો પૂછી રહ્યા છે.
સિંધની બે હિંદુ સગીરાઓ અને તેમના પિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટના ગુરુવારની છે પરંતુ રવિવારે ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરતાં આ બનાવ ચર્ચાસ્પદ બન્યો છે.
પાકિસ્તાનમાં લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે નાની ઉંમરની હિંદુ છોકરીઓ જ કેમ ઇસ્લામથી પ્રભાવિત થઈને ધર્મપરિવર્તન કરે છે?
પાકિસ્તાનના પત્રકાર કપિલ દેવે સવાલ કર્યો છે, "આખરે સગીર વયની હિંદુ છોકરીઓ જ કેમ ઇસ્લામથી પ્રભાવિત થાય છે. વયસ્ક પુરુષો અને મહિલાઓ કેમ પ્રભાવિત નથી થતાં?"
"ધર્મપરિવર્તન બાદ છોકરીઓ માત્ર પત્નીઓ જ કેમ બને છે, દીકરીઓ કે બહેનો કેમ નથી બનતી?"
તમે આ વાંચ્યું કે નહીં?
છોકરીઓનો વીડિયો વાઇરલ
કહેવાઈ રહ્યું છે કે આ છોકરીઓનું પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યુ હતું.
છોકરીઓના ભાઈ અને પિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેમણે પોતાની પીડા વ્યક્ત કરી છે.
જોકે, બીજી તરફ આ છોકરીઓ પોતાની મરજીથી ઇસ્લામનો અંગીકાર કરી રહી હોય એવો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના પ્રસારણ મંત્રી ચૌધરી ફવ્વાદ હુસૈને ટ્વીટ કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન ઇમરાન ખાને આ મામલે પંજાબ અને સિંધની સરકારોને તપાસ માટે કહ્યું છે.
પાકિસ્તાનમાં ટ્વિટર પર #StopForcedConversions હૅશટૅગ પણ વાઇરલ થઈ રહ્યો છે.
અહીંના હિંદુ સમુદાયના લોકો બળજબરીપૂર્વક થતું ધર્મપરિવર્તન અટકાવવાની અને લઘુમતીઓની સુરક્ષાની માગ કરી રહ્યા છે.
હિંદુ સમુદાયમાંથી આવતા પાકિસ્તાનના બ્લૉગર મુકેશ મેઘવારે ટ્વીટ કર્યું છે, "16 વર્ષની ઉંમરમાં મલાલા પુસ્તક ના લખી શકે પણ 12 અને 14 વર્ષની હિંદુ છોકરીઓ ઇસ્લામ કબુલ કરી શકે છે? (પ્યોર નેશનલ લૉજિક)"
મુર્તજા સોલાંગીએ પણ સવાલ કર્યો છે, "કેમ સગીર હિંદુ છોકરીઓ જ ઇસ્લામ સ્વીકારે છે અને તેમને પતિ પણ તુરંત મળી જાય છે?"
"ભાઈ કેમ નથી મળતા? તેમને હિંદુ છોકરા કે કોઈ મોટી ઉંમરના લોકો કેમ નથી ઉછેરતા? આ વિશે વિચારો, આ સમજવું બહુ અઘરું પણ નથી."
વધુ એક છોકરીના અપહરણની ખબર
પાકિસ્તાનમાં માનવ અધિકાર કાર્યકર્તા, પત્રકાર અને સામાન્ય લોકોએ પણ આ પ્રકારની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાનનાં માનવ અધિકાર કાર્યકર્તા જૈનબ બલોચે બન્ને છોકરીઓનો વીડિયો ટ્વીટ કર્યો છે.
તેમાંથી એક છોકરી રડતાંરડતાં કહે છે કે જે છોકરા સાથે તેના નિકાહ કરાવાયા છે, તે તેને અને તેના પરિવારજનોને મારતો-કૂટતો રહે છે.
બલોચ લખે છે, "મુલતાનની બે અસહાય હિંદુ છોકરીઓ, જેમનું અહરણ થયું હોવાનું કહેવાય છે. તેઓ પોતાને કટ્ટરવાદીઓથી બચાવવા અરજ કરી રહી છે."
"સિંધમાં અપહરણ અને ધર્મપરિવર્તન કરાવાયા બાદ રિના અને રવિના સમાચારોમાં આવી હતી."
આ દરમિયાન પાકિસ્તાનમાં છોકરીઓના અપહરણની સતત બની રહેલી ઘટનાઓને કારણે ઊહાપોહ મચ્યો છે.
પત્રકાર બિલાલ ફારુકીએ ટ્વીટ કર્યું છે, "વધુ એક છોકરી સોનિયા ભીલનું સિંધમાંથી અપહરણ કરવામાં આવ્યુ છે."
"તાજેતરમાં જ રીના અને રવિનાના અપહરણ અને ધર્મપરિવર્તનના સમાચાર વચ્ચે આ સમાચાર મળ્યા છે. આ સરકાર લઘુમતીને સુરક્ષા આપવામાં કેમ નિષ્ફળ જઈ રહી છે?"
જોકે, આ ટ્વીટ પર પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે ભારતીય લઘુમતીની સ્થિતી પર પણ સવાલ કર્યા છે.
ભારતમાં હોળીના દિવસે દિલ્હી પાસે ગુરુગ્રામમાં એક મુસ્લિમ પરિવારને કેટલાક ગુંડાઓએ ઘરમાં ઘુસીને માર માર્યો હતો, જેના પર હંગામો પણ મચ્યો હતો.
ટ્વિટર યૂઝર અમીર તૈમુર ખાને લખ્યું છે, "શ્રીમાન ચોકીદાર સુષમા સ્વરાજ તમે બે હિંદુ છોકરીઓના અપહરણ વિશે પૂછ્યું અને જવાબ આપ્યો."
"હવે તમે દિલ્હીમા મુસ્લિમ પરિવારને ક્રુરતા સાથે ઢોરની જેમ માર મરાયો એ અંગે શું કહેશો?"
અંગ્રેજી અખબારોના સમાચાર
બીજી તરફ પાકિસ્તાની અખબારોએ હિંદુ છોકરીઓનાં અપહરણ અને બળજબરીથી ધર્મપરિવર્તનના મુદ્દાને સમાચાર બનાવ્યા છે.
પાકિસ્તાનના ટોચના અંગ્રેજી અખબારોએ આ ઘટનાને મુખ્ય સમાચાર બનાવ્યા છે. લગભગ બધા જ અખબારોએ ઘટનાને પહેલાં પાનાની લીડ સ્ટોરી બનાવી છે.
'ધ ડૉન' અખબારે વડા પ્રધાન ઇમરાન ખાન તરફથી તપાસના આદેશને પ્રાધાન્ય આપ્યું છે.
અખબારે લખ્યું છે, "વડા પ્રધાને પંજાબ અને સિંધની સરકારોને કહેવાતાં અપહરણ અને ધર્માંતરણ મામલે તપાસના આદેશ આપ્યા છે."
છોકરીઓ અને તેમના પિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ મામલો સપાટી પર આવ્યો હતો.
સમાચારમાં લખ્યું છે, "જોકે, છોકરીઓનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહી છે કે તેમણે પોતાની મરજી ધર્મપરિવર્તન કર્યું છે."
અન્ય એક અંગ્રેજી અખબાર 'ધ નેશન'એ તપાસના આદેશના સમાચાર પોતાના પહેલાં પાને છાપીને છ કોલમમાં જગ્યા આપીને બૅનર બનાવ્યું છે.
અખબાર અનુસાર, 'પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના અધ્યક્ષે વડા પ્રધાનને ધન્યવાદ આપતા ભારતને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે.'
ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઇસ્લામાબાદના દૂતાવાસ પાસે આ મુદ્દે સંપૂર્ણ જાણકારી માગી છે.
આ ઉપરાંત ભારતે અધિકૃત રીતે કોઈ નક્કર પગલાં લેવાં પણ પાકિસ્તાનને કહ્યું છે.
'ધ ન્યૂઝ' અખબરે પણ આ ઘટનાને મુખ્ય સમાચાર તરીકે મહત્ત્વ આપ્યું છે.
ઉર્દૂ અખબારોમાં ના મળી પ્રાથમિકતા
જોકે, ઉર્દૂ અખબારોમાં આ ઘટનાને ખાસ મહત્ત્વ નથી અપાયું.
વડા પ્રધાન ઈમરાન ખાનના નિવદેન બાદ જ 'એક્સ્પ્રેસ', 'જંગ', 'નવા-એ-વક્ત' અને 'દુનિયા' જેવાં જાણીતાં ઉર્દૂ અખબારોએ આ અંગે છાપવાનું શરૂ કર્યું હતું.
જોકે, મોટાં ભાગનાં અખબારો આ ઘટનાને બે છોકરીઓની મરજીથી ઇસ્લામને અંગીકાર કરવાની અને બાદમાં લગ્ન કરી લેવાનો બનાવ ગણાવી રહ્યા છે.
આ બધાં જ અખબારો એ વીડિયોનો આધાર લઈ રહ્યાં છે, જેમાં બન્ને છોકરીઓ કહી રહી છે કે તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે અને પોતાને ગમતા છોકરા સાથે લગ્ન કર્યાં છે.
અખબાર 'જંગ'એ સોમવારે આ ખબર પોતાના પહેલાં પાને છાપી અને હૅડિંગ આપ્યું છે કે 'હિંદુ છોકરીઓની ઇચ્છાથી લગ્ન કરવાની સૂચના.'
અખબાર લખે છે કે બંને છોકરીઓએ લાહોર હાઈકોર્ટની બવહાલપુર પીઠમાં ઇસ્લામ કબુલ કર્યા બાદ સુરક્ષા મેળવવા માટે અપીલ કરી છે.
અખબાર 'દુનિયા'એ આ ઘટનાને પહેલા પાને સ્થાન આપ્યું છે. જોકે તેણે એવું લખ્યું છે કે 'હિંદુ સગીર છોકરીઓના અપહરણ મામલે ઇમરાન ખાને સિંધ અને પંજાબ પ્રાંતની સરકારોને ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યો.'
'નવા-એ-વક્ત'એ સમગ્ર મામલાને થોડી લાઇન પૂરતો જ સીમિત કરી નાખ્યો છે અને તેમાં માત્ર ઇમરાન ખાનના નિવેદનનો જ ઉલ્લેખ છે.
સમગ્ર અહેવાલમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કે નિકાહ બાબતે કંઈ લખાયું નથી.
લગભગ સમગ્ર ઉર્દૂ મીડિયા એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે છોકરીઓએ પોતાની ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે અને પોતાની ઇચ્છાથી લગ્ન કર્યાં છે.
જોકે, પોલીસે આ મામલે નિકાહ પઢાવનાર મૌલવી, સાક્ષીઓ અને નિકાહમાં મદદ કરનારી એક વ્યક્તિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો