ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સારી હોવા પાછળ ભાજપ જવાબદાર છે?

    • લેેખક, ઝકિયા વાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

25, ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વકફ બોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધનમાં જે નિવેદન આપ્યું તે વિચારવાલાયક છે.

મુખ્ય મંત્રીએ સચ્ચર સમિતિના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ભાજપ-શાસિત ગુજરાતમાં મુસ્લિમોની પરિસ્થિતિ ઘણી સારી છે.

આ સિવાય વિજય રુપાણીએ કૉંગ્રેસ પર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મતભેદ ઊભો કરવાનો આરોપ પણ લગાવ્યો.

મુખ્ય મંત્રીએ આગળ જણાવ્યું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે કોઈ પણ પ્રકારના કોમી રમખાણોની ઘટના બની નથી.

આવી ઘટનાઓ માત્ર કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન બનતી હતી.

ગુજરાતમાં જ જન્મેલી, ભણેલી અને કામ કરતી એક મુસ્લિમ યુવતી તરીકે મારું અંગત રીતે માનવું છે કે મુખ્ય મંત્રીના આ નિવેદનને સંપૂર્ણપણે સાચું પણ ન કહી શકાય અને સંપૂર્ણપણે ખોટું પણ ન ઠેરવી શકાય.

વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર મુસ્લિમોનો 'વોટ બૅન્ક' તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મુસ્લિમ સમુદાયમાં પણ ઘણા લોકો એવા છે જેમનું માનવું છે કે કૉંગ્રેસે મુસ્લિમોનો માત્ર વોટ બૅન્ક તરીકે ઉપયોગ કર્યો છે.

અને જો વિજય રૂપાણી એમ કહેતા હોય કે 'ભાજપ-શાસિત' રાજ્ય ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સારી છે, તો પછી 'ભાજપ-શાસિત' ઉત્તર પ્રદેશની સ્થિતિથી પણ આપણે અજાણ નથી.

અને જ્યારે અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો ચાલી રહી છે ત્યારે તેની પાછળનું કારણ શું છે તેનાથી પણ કોઈ અજાણ નથી.

જો મુસ્લિમોની સ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતનો મુસ્લિમ સમાજ વર્ષ 2002 બાદ સમજી ગયો છે કે જો આગળ વધવું હોય તો શિક્ષણ મેળવવું પડશે અને આપમેળે જ આગળ વધવાનો પ્રયત્ન કરવો પડશે.

ભારતીય જનતા પક્ષની વિધારધારાથી મુસ્લિમો અજાણ નથી અને કૉંગ્રેસ તેમનો ઉપયોગ 'વોટ બૅન્ક' તરીકે કરે છે તે વાતથી પણ મોટાભાગનો મુસ્લિમ સમાજ અજાણ નથી.

માટે મુસ્લિમ યુવાનોમાં ભણતરનું પ્રમાણ પહેલાંની સરખામણીમાં વધ્યું છે.

જો કોમી રમખાણોની વાત કરીએ તો હિંદુ સમાજના લોકોમાં મુસ્લિમોનો ભય ઊભો કરીને સરકાર બનાવનારા પક્ષના નેતા આ પ્રકારના દાવા કરે તે કેટલું યોગ્ય છે?

વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો બાદ મુસ્લિમોમાં એક એવા વિચારે પણ આકાર લીધો છે કે જો ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન હશે તો રાજ્યમાં શાંતિ જળવાઈ રહેશે.

જો ભાજપ વિપક્ષમાં હશે તો શાંતિ જોખમાઈ શકે છે. ખાસ કરીને વેપારી વર્ગમાં આ પ્રકારની વિચારધારા જોવા મળે છે.

દેશભરમાં અત્યારે ભીડ દ્વારા થતી હિંસા, કથિત ગૌરક્ષકો દ્વારા થતી હિંસાના કિસ્સા વધી રહ્યા છે,સ ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ પ્રમાણમાં ઓછી બની રહી છે, પરંતુ નહીવત્ છે તેમ કહેવું પણ અતિશયોક્તિ કહેવાશે.

2016માં મુહમ્મદ ઐયુબ નામના 29 વર્ષીય યુવાન સાથે કહેવાતા ગૌરક્ષકોએ મારપીટ કરી હતી અને ત્યારબાદ તેનું અવસાન થયું હતું.

આજે પણ ઘણા વિસ્તારોમાં મુસ્લિમોને મકાન-દુકાન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં જ મારી એક મિત્રએ ફરિયાદ કરી હતી કે એક બૅન્કના એજન્ટ દ્વારા તેમને કહેવામાં આવ્યુ હતું કે મુસ્લિમોને તેમની બેન્ક દ્વારા લોન આપવામાં આવતી નથી.

આ સિવાય અમદાવાદ શહેરની કહેવાતી એક મોટી શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓનો વર્ગ અલગ કરવામાં આવ્યો હતો, જેનો બાદમાં વિરોધ પણ થયો હતો.

થોડાંક વર્ષો પહેલા એક એફઆરઆઈમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારનો ઉલ્લેખ 'મિનિ-પાકિસ્તાન' તરીકે કરવામાં આવ્યો હતો.

ઘણી વાર શૉપિંગ મૉલ કે સિનેમા ઘરોમાં મને એવો અનુભવ થયો છે કે અન્ય લોકોની સરખામણીમાં મારું ચૅકિંગ વધારે સાવધાનીપૂર્વક કરવામાં આવે છે.

સુરક્ષાને કારણે ચૅકિંગ થાય તે વાત માન્ય પણ છે અને સ્વીકાર્ય પણ છે. તેનો વિરોધ થવો પણ ન જોઈએ.

પરંતુ જ્યારે અન્ય મુલાકાતીઓની સરખામણીમાં તમને વધારે બે વખત ચૅક કરવામાં આવે ત્યારે મગજમાં એકવાર તો વિચાર આવે કે શું આ વધારાની સાવધાની મારા હિજાબને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે?

ઘણીવાર મુસ્લિમ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નથી મળતા તેવા કિસ્સા પણ સાંભળવા મળે છે.

ઈદના દિવસે સ્કૂલમાં રજા ન હોય, પૅરન્ટ્સ મીટિંગમાં મુસ્લિમ પૅરન્ટ્સને હિજાબ વગર આવવાની નોટિસ આપવામાં આવે, વિકાસલક્ષી યોજનાઓમાં મુસ્લિમ વિસ્તારોની અવગણના કરવામાં આવે. આવા કિસ્સા દુર્ભાગ્યવશ ઘણીવાર સાંભળવા મળતા હોય છે.

સરકારના જ મંત્રીમંડળમાં મુસ્લિમોની સંખ્યા કેટલી છે અને ઓછી છે તો કેમ ઓછી છે તે પણ એક સવાલ છે.

મેં પહેલાં કહ્યું તેમ, વિજય રૂપાણીનું નિવેદન સંપૂર્ણપણે સાચુ નથી અને સંપૂર્ણપણે ખોટુ પણ નથી.

ચોક્કસપણે ઘણાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ સારી છે.

પરંતુ ગુજરાતના મુસલમાનોની સારી સ્થિતિ અને ગુજરાતના લોકોમાં જોવા મળતી કોમી એકતા માટે રાજ્યની ભાજપ સરકાર જવાબદાર છે, તે દાવો મારા મતે સંપૂર્ણપણે ખોટો છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)