You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC EXCLUSIVE : હિંદુ-મુસ્લિમ નફરતની ધીમી આગમાં ઊકળી રહ્યું છે બિહાર
- લેેખક, પંકજ પ્રિયદર્શી
- પદ, બીબીસી સંવાદદાતા, બિહારથી વિશેષ અહેવાલ
બિહારનું સીતામઢી શહેર. 20મી ઑક્ટોબરે દશેરાની ધૂમધામ પછી દુર્ગા દેવીની મૂર્તિના વિસર્જન માટેની યાત્રા એવા વિસ્તારમાંથી કાઢવામાં આવી, જ્યાં આ અંગેની મંજૂરી નહોતી. વહીવટ તંત્રે આ વિસ્તારને તનાવગ્રસ્ત જાહેર કર્યો હતો અને એટલે જ મંજૂરી નહોતી અપાઈ.
વિસર્જન યાત્રા પર પથ્થરમારો થવાના ખબર મળ્યા અને તે પછી મૂર્તિને બીજા રસ્તેથી લઈ જવાઈ.
જોકે, આ વાતની ખબર શહેરના બીજા વિસ્તારોમાં ફેલાઈ તે સાથે જ ટોળાં એકઠાં થયાં અને આ મહોલ્લા પર હુમલો થયો.
બંને તરફથી પથ્થરમારો શરૂ થયો. પોલીસે જઈને મામલો થાળે પાડ્યો અને ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું.
પોલીસનો દાવો હતો કે પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
દરમિયાન પાછા વળી રહેલા ટોળાંએ 80 વર્ષના જૈનુલ અન્સારી પર હુમલો કર્યો. તેમાં તેમનું મોત થયું.
પુરાવા નાબુદ કરવા માટે તેમના મૃતદેહને સળગાવી દેવાની કોશિશ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો.
સીતામઢીના જિલ્લા પોલીસ વડા વિકાસ બર્મને બીબીસીને જણાવ્યું, "આ ઘટના પછી અસામાજિક તત્ત્વોએ મૃતદેહ પર લાકડાં નાખીને તેને સળગાવી દેવાની કોશિશ કરી હતી."
"તે સિવાયની બાબતો તપાસ પછી જ ખબર પડશે." પોલીસે આ કેસમાં 38 લોકોની ધરપકડ કરી છે."
આ છે આજનું બિહાર. લગભગ ત્રણ દાયકા પહેલાં 1989માં ભાગલપુરમાં કોમી રમખાણો થયાં હતાં.
તે વખતની હિંસામાં 1100થી વધુ માર્યાં ગયાં હતાં. જોકે, તે પછી નાની મોટી ઘટનાઓ સિવાય બિહારમાં કોમી રખમાણો જોવાં મળ્યાં નહોતાં.
શું બદલાયું? કેમ બદલાયું?
2017માં નીતિશ કુમારે ભાજપ સાથે બીજી વાર તડજોડ કરીને સરકાર બનાવી, તે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે.
આ વખતે રામનવમીની આસપાસ ઘણા જિલ્લાઓમાં હિંસા થઈ હતી. તેમાંથી એક હતો ઔરંગાબાદ.
આ શહેરના નવાડીહ વિસ્તારનો એક સાંકડો રસ્તો નઈમ મોહમ્મદના ઘર સુધી જાય છે.
ખખડી ગયેલું ઘર અને અસ્તવ્યસ્ત ઓરડામાં બેઠેલા નઈમ મોહમ્મદ અમારી સાથે વાત કરતાં રડી પડે છે.
તેમણે કહ્યું કે, "ભીખ માંગીને ખાઉં છું અને ભીખ માંગીને સારવાર કરાવું છું."
તેમનું કહેવું છે કે આ વખતે રામનવમીમાં જે થયું તે શહેરમાં ક્યારેય થયું નહોતું.
ભીડ ઉગ્ર હતી, લોકો ગુસ્સામાં હતા, નારેબાજી થઈ રહી હતી, હાથમાં તલવારો હતી અને આંખોમાં નફરત.
પ્રાઇવેટ ઍમ્બુલન્સ ચલાવતા નઈમ મોહમ્મદ જમવા માટે ઘરે જતા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી.
માંડ પોતાનું ગુજરાન ચલાવી રહેલા નઈમ હવે હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી.
તેઓ પૂછે છે, "મારો શું વાંક હતો? મને શા માટે ગોળી વાગી? મારા પરિવારનું હવે શું થશે? અમારી જિંદગી કેમ ચાલશે?"
આ વખતે રામનવમીના આસપાસના દિવસોમાં બિહારના ઘણા જિલ્લામાં કોમી રમખાણો થયા હતા.
તે વાતને સાત મહિના થઈ ગયા છે. ઔરંગાબાદ ઉપરાંત નવાદા, ભાગલપુર, મુંગેર, સિવાન, રોસડા અને ગયા જેવા શહેરો અને જિલ્લામાં પણ તોફાનો થયા હતા.
દુકાનો લૂંટી લેવાઈ અને સળગાવી દેવાઈ. મોટા ભાગની દુકાનો મુસ્લિમોની હતી.
'પાકિસ્તાન જતા રહો', 'ટોપી ઉતારો' એવા નારા લાગ્યા અને વંદે માતરમ્ તથા જય શ્રીરામના પોકારો પણ થયા હતા.
મુસ્લિમ વિસ્તારોમાં હિંદુઓની ધાર્મિક યાત્રાઓ પર પણ પથ્થરમારો થયો હતો.
બિહારમાં પહેલીવાર એવું થયું હતું કે એકસાથે કેટલાય જિલ્લામાં કોમી તોફાનો થયા હતા.
શહેરો જુદાં, પણ પૅટર્ન એકસમાન
બિહારના ઔરંગાબાદની ઈદગાહની જમીન પર બજરંગ દળે ઝંડો લગાવી દીધો હતો.
મુસ્લિમોની ગીચ વસતિ ધરાવતા વિસ્તારમાંથી યાત્રા કાઢવાની કોશિશ થઈ હતી.
ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ થયા અને ટોળું તલવારો લઈને રસ્તા પર ઉતરી પડ્યું હતું.
મુસ્લિમોની દુકાનોને શોધી-શોધીને સળગાવી દેવાઈ હતી.
એ જ રીતે નવાદામાં મૂર્તિ તોડવાના અને પોસ્ટરો ફાડવાના આરોપો સાથે તંગદિલી શરૂ થઈ હતી.
રોસડામાં સ્થાનિક જામા મસ્જિદ પર હુમલો થયો અને મસ્જિદ પર ભગવો ઝંડો લહેરાવી દેવાયો હતો.
એવો પણ આરોપ છે કે ચૈત્રી દુર્ગા વિસર્જન વખતે મૂર્તિ પર એક મુસ્લિમ ઘરમાંથી ચપ્પલ ફેંકવામાં આવી હતી.
તે પછી પથ્થરમારો, તોડફોડ અને આગચંપી થઈ.
ભાગલપુરમાં 'હિંદુ નવવર્ષ' રેલી કાઢવામાં આવી હતી.
હિંદુ નવવર્ષ નિમિત્તે રેલી કાઢવાની રીત નવી જ ઊભી થઈ છે.
આ રેલીમાં નફરત ફેલાય તેવા સૂત્રોચ્ચાર થયા હતા અને તલવારો ઉછાળીને જયઘોષ થયો હતો.
પથ્થરમારો થયો, દુકાનોને લૂંટી લેવાઈ અને તેને સળગાવી દેવાઈ.
આ બધા જ વિસ્તારોમાં ભાજપ, વિહિપ અને બજરંગ દળના નેતાઓ અને કાર્યકરો પર ગંભીર આરોપો લાગ્યા છે.
ઔરંગાબાદના ભાજપના નેતા અનિલસિંહ જેલમાં ગયા હતા. બાદમાં છુટ્યા તે પછી તેમને જિલ્લા ઉપાધ્યક્ષ બનાવી દેવાયા છે.
નવાદામાં સાંસદ અને કેન્દ્રમાં પ્રધાન ગિરિરાજસિંહ સામે પણ ઉશ્કેરણી કરવાનો આરોપ છે. જોકે, તેઓ આવા આરોપોને નકારી કાઢે છે.
કોમી તોફાનો કરાવવાના આરોપસર વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓની ધરપકડ થઈ હતી.
તેઓ જેલમાં હતા ત્યારે ગિરિરાજસિંહ તેમને મળવા ગયા હતા અને તેના કારણે મોટો વિવાદ થયો હતો.
ભાગલપુરમાં કેન્દ્રના પ્રધાન અશ્વિની ચૌબેના પુત્ર અર્જિસ શાશ્વત ચૌબે પર આરોપ છે કે તેણે સરઘસની આગેવાની લીધી હતી.
વગર પરવાનગીએ સરઘસ મુસ્લિમ વસતિમાં પહોંચ્યું ત્યારે હિંસા થઈ હતી. અર્જિત શાશ્વત પણ જેલમાં ગયા હતા.
ભાગલપુરના સામાજિક કાર્યકર ઉદય કહે છે, "બધી જગ્યાએ એક સરખી પૅટર્ન હતી."
"એક સાથે તલવાર લઈને દોડતા લોકો, ડીજે પર વાગતા ઘૃણા ફેલાવતા ગીતો અને નવા નવા બહાને સરઘસો કાઢીને તેને મુસ્લિમ વિસ્તારોમાં લઈ જવા."
"હનુમાનજીનો ધ્વજ લાલ હતો તે પણ ભગવો થઈ ગયો છે. બધી જ જગ્યાએ તે એક સરખા કેવી રીતે થઈ ગયા?"
"તેનો અર્થ એ કે પ્લાનિંગ સાથે આ થયું હતું. સમગ્ર બિહારમાં આવું જ જોવા મળ્યું હતું."
આ બધી જગ્યાએ રામનવમી અને અન્ય યાત્રાઓ વખતે ડીજે પર ઉશ્કેરણીજનક ગીતો વાગ્યા હતા.
આ ગીતોને તૈયારી સાથે સ્ટુડિયોમાં રેકૉર્ડ કરવામાં આવ્યા હતા.
ગીતોના શબ્દો કંઈક આવા છે, 'ટોપી વાલા ભી સર ઝૂકા કે જયશ્રી રામ બોલેગા...'
ઉદય કહે છે, "રામનવમીની ઘટનાથી અમને લાગ્યું કે એક ગીતને કારણે પણ તોફાનો થઈ શકે છે."
"તેની તૈયારી બે વર્ષોથી ચાલતી હતી. બહુ ઉત્તેજક અવાજ દૂર-દૂર સુધી પહોંચતો હતો."
"તેનો પ્રયોગ મોટા પ્રમાણમાં રામનવમી વખતે કરવામાં આવ્યો હતો. આક્રમક રીતે જયશ્રી રામના નારા લગાવાયા હતા."
બિહારમાં રામનવમી વખતે થયેલી હિંસા પછી એક સ્વતંત્ર ફૅક્ટ ફાઇન્ડિંગ કમિટિએ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો.
કમિટિનું કહેવું છે કે સમગ્ર બિહારમાં એકસરખી પૅટર્ન પ્રમાણે હિંસા થઈ હતી.
કમિટિએ અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે તલવારોની ખરીદી ઑનલાઇન કરવામાં આવી હતી.
બિહારના ગૃહ સચિવ આમીર સુબહાની કહે છે, "તલવારોની ઑનલાઇન ખરીદીની કોઈ માહિતી નથી."
"સરઘસ માટે મંજૂરી આપતી વખતે અમે શરત રાખીએ છીએ કે ડીજેમાં એવા કોઈ ગીતો વગાડવામાં આવશે નહીં."
"સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ ઓછી થઈ છે અને પહેલાં કરતાં હવે સ્થિતિ સારી છે."
છેલ્લાં બે વર્ષમાં બિહારમાં કોમી હિંસાના કેટલા બનાવો બન્યા તે વિશે તેમણે જણાવ્યું કે હાલમાં તેમની પાસે એવા કોઈ આંકડાં નથી.
બીબીસીએ બિહાર પોલીસનો આ માટે વારંવાર સંપર્ક કર્યો હતો, પણ દર વખતે અધિકારીઓ એટલું જ કહેતા હતા કે પહેલાં કરતાં સ્થિતિ સુધરી છે.
જોકે, આ વર્ષે એપ્રિલમાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે નીતિશકુમારે ભાજપ સાથે બીજીવાર ગઠબંધન કર્યું, તે પછી રાજ્યમાં કોમી હિંસામાં વધારો થયો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના જણાવ્યા અનુસાર 2012માં બિહારમાં સાંપ્રદાયિક હિસાના 50 બનાવો બન્યા હતા.
તેની સામે 2017માં હિંદુ-મુસ્લિમો વચ્ચે અથડામણના 270થી વધારે બનાવો બન્યા હતા.
2018ના પ્રથમ ત્રણ મહિનામાં જ કોમી હિંસાની 64 ઘટનાઓ થઈ છે.
તોફાનો, તણાવ અને ધુવ્રીકરણ
2019ની ચૂંટણી નજીક આવી રહી છે અને અયોધ્યામાં રામમંદિરનો મામલો પણ ફરી ઉગ્ર બન્યો છે.
એવા સમયે નવાદામાં કેન્દ્રના પ્રધાન ગિરિરાજસિંહ જોરશોરથી નિવેદનો આપી રહ્યા છે.
ગિરિરાજ સિંહે હાલમાં જ નિવેદન આપ્યું, "72 વર્ષથી કેસ કોર્ટમાં છે. કેટલાય દાયકાથી કોર્ટ કોઈ ફેંસલો આપતી નથી."
"હવે સહનશીલતાની હદ આવી રહી છે. હિંદુ સારાં છે તેનો અર્થ એ નથી કે તેમના ધીરજની કસોટી થાય."
"હિંદુઓમાં હવે રોષ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે".
સાથે જ તેમણે અલાહાબાદનું નામ બદલાયું તે પછી સલાહ પણ આપી દીધી હતી કે બિહારમાં પણ મુઘલો સાથે જોડાયેલા શહેરોના નામો બદલવા જોઈએ.
એટલું જ નહીં, ભાજપ નેતાઓના આ વિવાદિત નિવેદનોથી વિહિપ અને બજરંગ દળ જેવા સંગઠનોને સંજીવની મળી રહી છે.
તેમના 'હિંદુઓના અપમાન'ના દાવાને વધારે જોર મળી રહ્યું છે. હિંદુઓમાં રોષ જગાવવાની કોશિશ સ્પષ્ટ દેખાઈ રહી છે.
નવાદામાં વિહિપના નેતા કૈલાશ વિશ્વકર્મા અને બજરંગ દળના નેતા જીતેન્દ્ર પ્રતાપ જીતુને જેલમાં મળીને ગિરિરાજસિંહે વિવાદ ઊભો કર્યો હતો. હવે આ બંને જામીન પર છુટ્યા છે.
તેઓ ગિરિરાજસિંહની પ્રસંશા કરતા થાકતા નથી. કૈલાશ વિશ્વકર્મા કહે છે કે ગિરિરાજસિંહે કોઈ ખોટું કામ નથી કર્યું.
તેમને એવું પૂછાયું કે ગિરિરાજસિંહ જનતાના પ્રતિનિધિ છે તો પછી મુસ્લિમ પીડિતોને મળવા માટે કેમ ના ગયા?.
જેમની દુકાનો સળગાવી દેવાઈ તેમને કેમ ના મળ્યા? તેના જવાબમાં તેઓ કહે છે, "મુસ્લિમો દોષી છે. એટલે દોષી હોય તેમને મળવાનું ના હોય."
તેઓ સ્પષ્ટ કહે છે કે તેમના સંગઠનમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું, "સંગઠનમાં મુસ્લિમોને ના રાખવાનું કારણ એ છે કે તેમના વિચારો અલગ છે."
"અમારા વિચારો અલગ છે. અમે ગાયની પૂજા કરીએ છીએ, તેઓ ગાયની હત્યા કરે છે."
સમસ્તીપુર પાસે રોસડામાં આરએસએસની જમાવટ થયેલી છે.
આરએસએસના રોસડાના જિલ્લા મંત્રી અર્ધેન્દુ શ્રીબબ્બન કહે છે કે તેમને હિંસાનો કોઈ છોછ નથી.
તેઓ કહે છે "અહિંસા પરમો ધર્મઃ. પરંતુ ધર્મની રક્ષા માટે હિંસા તેનાથીય મોટો ધર્મ છે."
"અમારા ધર્મ પર કુઠારાઘાત થાય ત્યારે અમે તેની રક્ષા કરીએ છીએ."
પટણા શહેરમાં નવરાત્રીની ઉજવણીની ધૂમધામ વચ્ચે અમે વિહિપના પ્રાંતીય મંત્રી નંદકુમારને મળ્યા હતા.
તેમને લોકતંત્રની ચિંતા છે અને કહે છે, "ભારતમાં હિંદુઓની બહુમતી રહેશે તો જ લોકતંત્ર રહેશે."
"ભારતમાં રહેનારા તમામ હિંદુ છે, મુસ્લિમ પણ. ભારતની ઓળખ રામથી છે, ગંગાથી છે, ગીતાથી છે."
'સાંપ્રદાયિકતાની પ્રયોગશાળા'
હકીકતમાં હિન્દી પટ્ટામાં બિહાર કિલ્લાની જેમ અડગ ઊભું રહ્યું છે, જ્યાં ભાજપ પોતાના બળ પર જીતી શકે તેમ નથી.
બિહારમાં હજી સુધી ભાજપના મુખ્યપ્રધાન આવ્યા નથી.
જાણકારો કહે છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મશાન અને કબ્રસ્તાનનો સવાલ ઊઠાવીને મતોના ધ્રૂવીકરણની કોશિશ કરી હતી.
તે ઘણા અંશે સફળ પણ રહી હતી.
પટનામાં પીટીઆઈના બ્યૂરો ચીફ નચિકેતા નારાયણ કહે છે, "ભાજપમાં બિહાર બીજી હરોળનો પ્લેયર છે."
"ભાજપ ઈચ્છે છે કે અન્ય રાજ્યોની જેમ અહીં પણ પોતાની તાકાત પર સરકાર બને અથવા ગઠબંધનમાં સિનિયર પાર્ટનર તરીકે સરકાર બનાવે."
1989ના ભાગલપુર કોમી રમખાણ અને આ વર્ષે રામનવમી દરમિયાન જ્યાં હિંસા થઈ તે વિસ્તારોમાં કામ કરી ચૂકેલા સામાજિક કાર્યકર ઉદય કહે છે, "આવા સંજોગોમાં ભાજપની ટોચની નેતાગીરીનું પ્લાનિંગ પણ હોય છે."
"કયા મુદ્દા ઉપાડવા, કયા છોડવા વગેરેની તૈયારીઓ હોય છે."
"તેમને ખબર હોય છે કે ક્યારે ગાયનો મુદ્દો લાવવો, ક્યારે મંદિરનો."
"એક વર્ષે એક ઘટના ચાલે, બીજા વર્ષે બીજી. ક્યારે હિંદુ નવવર્ષના નામે તો ક્યારેય રામનવમીના નામે. તેઓ અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરે છે, જુદા જુદા તહેવારોને પસંદ કરે છે."
કેન્દ્રમાં પ્રધાન અશ્વિની ચૌબેના પુત્ર પર ભાગલુપરમાં તોફાનોનો આરોપ લાગ્યો છે.
તેમની ધરપકડ પણ થઈ હતી. બીબીસી સાથે વાતચીત કરતાં અર્જિત ચૌબે કહે છે, "ભારત માતાની યાત્રા કાઢવા માટેની મંજૂરી આ દેશમાં ના હોય, તો કયા દેશમાં હોય?"
"આપણા દેશમાં આપણે વંદે માતરમ્ પણ ના ગાઇ શકીએ?"
"આ દેશમાં રામ અને કૃષ્ણનો જયજયકાર નહીં કરીએ તો ક્યાં કરીશું? ભારત માતાની પ્રતિષ્ઠા વિશ્વભરમાં થાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે."
એક બીજીવાત પણ વિહિપ, આરએસએસ, બજરંગ દળ અને ભાજપના નેતાઓમાં સમાન છે, તે છે હિંદુત્વની પરિભાષા.
હિંદુરાષ્ટ્રનો વિચાર અને દેશના મુસ્લિમોને સુધરી જવાની સલાહ આપવાની બાબતમાં પણ તેમનામાં સમાનતા છે.
અર્જિત ચૌબે કહે છે, "હિંદુત્વ જીવન શૈલી છે. હિંદુ શબ્દ પર રાજનીતિ થાય છે તે કમનસીબી છે."
"દેશમાં રહેનારો દરેક વ્યક્તિ હિંદુ છે, મુસ્લિમ પણ હિંદુ છે."
"ભારત માતાની વંદના કરવી ખોટું છે એવો કયો મુસ્લિમ કહે છે? વંદે માતરમ્ રાષ્ટ્રગીત છે અને તે બંધારણીય પણ છે?"
ભાગલપુરમાં આરએસએસના ટોચના હોદ્દેદાર તરીકે રહી ચૂકેલા સુબોધ વિશ્વકર્મા કહે છે, "જીવવાની પદ્ધતિ એટલે હિંદુત્વ."
"મુસ્લિમ ભૂતપૂર્વ હિંદુઓ જ છે. મુસ્લિમોને કહેવું પડશે અને સમજવું પડશે કે તેઓ હિંદુ છે."
"18 કરોડ મુસ્લિમોને કંઈ સમુદ્રમાં તો ફેંકી નથી દેવાના. શક અને હૂણની જેમ તેઓ પણ સૌમાં ભળી જઈ શકે છે."
ભાગલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા પણ સમાચારોમાં ચમક્યા હતા.
તેમણે ચૂંટણીમાં અર્જિત શાશ્વત ચૌબેને હરાવ્યા હતા.
લાંબા સમયથી રાજકારણમાં રહેલા અજીત શર્મા કહે છે, "જ્યારે પણ ભાજપને લાગે કે તેમના મતો ઘટી રહ્યા છે અને જીતી શકાય તેમ નથી, ત્યારે તે ઇરાદાપૂર્વક બંને સમુદાયો વચ્ચે આગ લગાડવાની કોશિશ કરે છે".
આમ જનતામાં પણ આશંકા અને ભયની લાગણી છે.
લોકોને લાગે છે કે બિહારમાં રાજકીય હરિફાઈને કારણે આગામી દિવસોમાં કોમી વિખવાદ વધી ના જાય.
નવાદામાં નવરાત્રી વખતે મંદિરોમાં વધારે ભીડ થઈ હતી.
કેટલીક જગ્યાએ મુખ્ય રસ્તાઓ પર આવનજાવન બંધ કરી દેવાઈ હતી.
મુસ્લિમ વસતિની વચ્ચે આવેલા આવા જ એક મંદિરની બાજુમાં રહેતા ફખરુદ્દીન અલી અહમદને અમે મળ્યા હતા.
તેમની નારાજગી પોતાના સાંસદ ગિરિરાજસિંહની સામે છે.
તેઓ કહે છે, "હું ગિરિરાજસિંહને કહેવા માગું છું કે તેઓ બધા લોકોના પ્રતિનિધિ છે."
"તેથી તેમણે મુસ્લિમ સમાજને અછૂત ના ગણવો જોઈએ. મુસ્લિમ સમાજને પણ સાથે લઈને ચાલો."
"એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે જેમાં મુસ્લિમ સમાજ કોરાણે થઈ જાય."
"તેથી કોમી તોફાનો થાય અને હિંદુ સમાજના મતો તેમને મળે અને તેઓ આરામથી 2019ની ચૂંટણી જીતી જાય."
ઔરંગાબાદમાં દઝાડતી ગરમી વચ્ચે ગુસ્સાથી લાલચોળ એક મુસ્લિમ યુવક ખાલિદ કહે છે, "અહીંના લોકોને કોઈ ફરિયાદ નથી."
"બહારના લોકોએ આવીને તાંડવ કર્યું હતું. તે લોકો તોફાનો કરાવવા માગતા હતા. હિંદુ-મુસ્લિમમાં લડાઈ કરાવવા માગે છે અને વોટ મેળવી લેવા માગે છે."
ભાગલપુરમાં જોગિન્દર યાદવ મુસ્લિમોના ખેતરમાં કામ કરે છે.
તેમને ચિંતા એ છે કે આ બધામાં વચ્ચે નિર્દોષ લોકો ભીંસાઈ રહ્યા છે. તેમના જેવા લોકોને રોજગાર માટેની સમસ્યા ઊભી થાય છે.
નીતિશકુમારની મજબૂરી
મહાગઠબંધનને છોડીને એનડીએમાં જોડાઈ ગયેલા નીતિશકુમારની મજબૂરી છે તેની ચર્ચા તો થાય જ છે.
સાથે એ વાતની પણ ચર્ચા છે કે બિહારમાં ઘણા બધા જિલ્લામાં તોફાનો થયા હોવા છતાં નીતિશકુમાર કેમ ચૂપ રહ્યા છે?
નીતિશકુમારની મજબૂરી અને ભાજપની બિહારમાં વધી રહેલી મહત્ત્વાકાંક્ષા વચ્ચે કોમી તોફાનો વધી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે બિહાર કઈ દિશામાં જઈ રહ્યું છે?
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પોતાની બિન-સાંપ્રદાયિકતાની ઇમેજ બહુ જોરશોરથી રજૂ કરતા હોય છે.
રાજ્યના મુસ્લિમો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. તેનો ઢોલ તેવો જોરશોરથી પીટતા હોય છે.
પરંતુ ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો અને હિંદુ સંગઠનોની સક્રિયતાને કારણે તેઓ વિમાસણમાં મૂકાયા છે.
પટનામાં પીટીઆઈના બ્યૂરો ચીફ તરીકે કામ કરતા નચિકેતા નારાયણ કહે છે, "પહેલીવાર નીતિશકુમાર ભાજપથી અલગ થયા ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આક્રમક નેતૃત્ત્વ ઉપસ્યું હતું."
"તે પછી એવી વાત બહાર આવી રહી હતી કે ભાજપ પોતાના પગ પર જ આગળ વધવા માગે છે."
"આ વખતે ભાજપ નીતિશના પડછાયામાં રહેની સંતોષ નહીં માની લે."
"તેઓ પોતાના હિંદુત્વના ઍજન્ડાને આગળ વધારવાની કોશિશ કરશે."
બીજી બાજુ નીતિશકુમાર દ્વિધામાં છે, કેમ કે તેઓ પોતાની ધર્મનિરપેક્ષ વ્યક્તિ તરીકેની છાપમાં કોઈ સમાધાન કરવા નથી માગતા.
સાથે જ વર્તમાન રાજકીય માહોલમાં તેઓ ભાજપનો સાથ છોડવા પણ નથી માગતા.
તો પછી નીતિશકુમાર સામે શું વિકલ્પ છે?
નચિકેતા કહે છે, "નીતિશકુમારે ભાજપ સાથે રહ્યા સિવાય છૂટકો નથી."
"સાથે જ સરકારી તંત્ર પોતાના હાથમાં છે તેનો ઉપયોગ કરીને શક્ય હોય ત્યાં સુધી આવી ઘટનાઓને રોકે."
તંત્ર દ્વારા નિયંત્રણના પ્રયાસો
બિહારમાં કોમી હિંસાના મામલોમાં ભાજપની સાથે જ હિંદુ સંગઠનોના પણ ઘણા કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.
ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે હિંદુ સંગઠનના નેતાઓ અને કાર્યકરોમાં પોલીસ અને સરકારી તંત્ર સામે નારાજગી છે.
શું આ નારાજગી નીતિશકુમારની સખતાઈ અને કોમી હિંસા સામે તેમના કડક વલણને દેખાડે છે?
આ સવાલના જવાબ જાણકારો ના અને હા બંનેમાં થોડો થોડો આપે છે.
નચિકેતા નારાયણ કહે છે, "બિહારમાં જે વિસ્તારોમાં હિંસા થઈ રહી છે, ત્યાં સરકારી તંત્રે કાર્યવાહી કરી જ છે."
"તે વખતે સરકારી તંત્રનો હાથ બાંધીના રાખવામાં નહોતો આવ્યો."
"હિંસાની પૅટર્નને નીતિશકુમારે સમજી લીધી હતી, પણ તેમનો દાવ એ જોવાનો હતો કે ક્યાં સુધી આ ચાલે છે તે જોવું."
કદાચ એ જ કારણ નીતિશકુમાર આ મુદ્દા પર ભાજપનો ખુલ્લીને વિરોધ કરતા નથી.
ગિરિરાજસિંહ હિંસા ભડકાવનારા આરોપીઓને મળવા માટે જેલમાં પહોંચ્યા ત્યારે નીતિશકુમારે દબાયેલા અવાજે જ વિરોધ કર્યો હતો.
અશ્વિની ચૌબેના પુત્ર પણ પોલીસથી નાસતા ફરતા હતા, ત્યારે નીતિશકુમાર બહુ જોરથી બોલી શકવાની સ્થિતિમાં નહોતા.
જોકે તેમના પક્ષ જનતા દળ (યુ)નું કહેવું છે કે સાંપ્રદાયિકતાના મુદ્દે તેમનો પક્ષ ક્યારેય સમાધાન નહીં કરે.
પાર્ટીના પ્રવક્તા અજય આલોક કહે છે, "સાંપ્રદાયિક તણાવ વધે તે માટે પ્રયત્નો થયા હતા, તેને અમે નિયંત્રણમાં લઈ લીધા છે."
"તેથી જ આ વખતે અમે દશેરા વખતે વધારે સાવધ હતા. ખુદ મુખ્યમંત્રીએ સ્થિતિનું મૉનિટરિંગ કર્યું હતું."
"મુસ્લિમો એવું કહે છે કે અમે તેમની વિરુદ્ધ છીએ, કેમ કે અમે ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે."
"હિંદુ સંગઠનો પણ એવું કહે છે કે અમે તેમની વિરુદ્ધ છીએ. નીતિશકુમાર રાજ્યના હિતમાં હોય તે જ કાર્ય કરી રહ્યા છે."
જોકે, રોસડાની મસ્જિદને બહાર અમને મળેલા ઇરશાદ આલમ નીતિશકુમારથી ઘણા નારાજ દેખાતા હતા.
તેઓ કહે છે, "સરકારી તંત્રે સાવધાની રાખી હોત તો તોફાનો ના થયાં હોત."
"નીતિશકુમાર મુસ્લિમોએ એટલે હૈયાધારણ આપી રહ્યા છે, કેમ કે તેમને મુસ્લિમોના મતો જોઈએ છીએ."
"બિહારમાં 17-18 જગ્યાએ તોફાનો થયા ત્યારે નીતિશકુમારે નિવેદન પણ આપ્યું નહોતું."
"તેઓ તો માનવા જ તૈયાર નહોતા કે રખમાણો થયાં છે."
ઇરશાદ આલમની આ વાત એટલા માટે પણ સાચી લાગે છે કે જનતા દળ (યુ)ના પ્રવક્તા અજય આલોક પણ એ વાત માનવા તૈયાર નહોતા કે બિહારમાં કોમી રમખાણો થયાં છે.
તેમનું કહેવું છે કે માત્ર કોમી તણાવ ઊભો થયો હતો અને તેને કાબૂમાં કરી લેવાયો હતો.
હિંસા કરતાંય તણાવનો ફાયદો
બિહાર ભાજપના પ્રમુખ નિત્યાનંદ રાય કહે છે, "ધર્મ અને આસ્થા વ્યક્તિગત હોય છે, પક્ષ આધારિત નથી હોતી."
"ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો આમાં કોઈ હાથ નથી. મામલો અદાલતમાં છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે."
જાણકાર પણ કહે છે કે બદલાતી સ્થિતિ પ્રમાણે હવે ભાજપ સરકારમાં સામેલ છે, તેથી તે ખુલીને સામે નહીં આવે.
પક્ષનું કામ પક્ષ બજરંગ દળ, વિહિપ જેવા સંગઠનો કરતા રહેશે.
પીટીઆઈના બ્યૂરો ચીફ નચિકેતા કહે છે, "ભાજપ પોતાનો હિંદુવાદી ઍજન્ડા ફેલાવવા માટે એવું કશું નહીં કરે જેનાથી સરકારની બદનામી થાય."
"તલવાર મારવા માટે નહીં, પણ ડરાવવા અને તણાવ ફેલાવવા માટે હોય છે."
"ધાર્મિક યાત્રાની આડમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર થાય છે અને, જેથી બીજા સમુદાયના લોકો ડરી જાય."
તેમનું કહેવું છે કે ભારતમાં હવે સાંપ્રદાયિક રાજનીતિ માત્ર તંગદિગી ઊભી કરવા પૂરતી જ સિમિત રહેશે.
મોટા પાયે હિંસા થાય તેવું કરવામાં નહીં આવે. કેમ કે તેમ કર્યા સિવાય કામ થઈ જાય છે અને સરકાર પર નકામી હોવાનો આરોપ પણ લાગતો નથી.
સામાજિક કાર્યકર ઉદય પણ આવું જ માને છે.
તેઓ કહે છે, "આ લોકો મોટું રમખાણ થાય તેમ નથી ઈચ્છતા નથી."
"તેમની ઈચ્છા છે કે નાની નાની ઘટનાઓ થયા કરે, તણાવ રહે. તણાવને જ સામાજિક આધાર આપવામાં આવશે."
"તેનાથી લોકોમાં ગુસ્સો આવે છે, નફરત પેદા થાય છે."
આ સમગ્ર ઘટનાક્રમમાં બીજી એક ચોંકાવનારી વાત એ બહાર આવી કે હિંસામાં દલિતો અને પછાત વર્ગોની પણ ભાગીદારી હતી.
આ હકીકત ભાગલપુરમાં જોવા મળી હતી.
અહીં મોટા પ્રમાણમાં આ સમાજના લોકોની ધરપકડ થઈ છે.
હકીકતમાં આરએસએસ દલિતો અને પછાતોમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી રહ્યો છે.
ભાગલપુરના આરએસએસના નેતા સુબોધ વિશ્વકર્મા કહે છે, "દલિતો વચ્ચે સંસ્કાર ભારતી કામ કરે છે."
"અમે તેમને જણાવીએ છીએ કે બ્રાહ્મણોનો વિરોધ ના કરો, ખુદ બ્રાહ્મણ બની જાવ."
"આમ પણ બિહારમાં જ્યારે પણ રમખાણ થાય છે ત્યારે અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના લોકો જ માર્યા જાય છે."
સામાજિક કાર્યકર ઉદય તે વાતને આગળ વધારતા કહે છે, "દલિતો અને પછાતોને સમાજમાં નેતૃત્ત્વ કરવાની તક નથી મળી."
"ભલે રમખાણો માટે, પણ તેમને નેતાગીરી સોંપવામાં આવે છે."
"તે નેતાગીરી સ્વીકારી પણ લેવામાં આવે છે. તેમને એમ લાગે છે કે તેમની આગેવાનીમાં કાર્યવાહી થઈ રહી છે."
"જેમને નેતાગીરી કરવાની તક નથી મળી તે લોકો તોફાનો કરવામાં આગળ આવી જાય છે."
"ભાગલપુરમાં 1989માં એવું જ થયું હતું. આ વખતે રામનવમીમાં પણ એ જ થયું છે."
બિહારમાં દર થોડા મહિને કોમી રમખાણ થાય છે અને તહેવારો વખતે જ કોમી તણાવ વધી જાય છે તે ચિંતાનું કારણ છે.
આશંકા એવી પણ છે કે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણી વખતે પણ હિંસાને ભડકાવવામાં આવશે, કેમ કે કોમી આગમાં જ રાજકીય ખીચડી પાકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો