You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ: એ જંગલી કૂતરાં કોણ છે જેનાથી હિંદુ સિંહને જોખમ છે?
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
અગિયારમી સપ્ટેમ્બર ૧૮૯૩ના દિવસે શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદનાં ભાષણની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ શિકાગોમાં જ આઠમી સપ્ટેમ્બરે એક ભાષણ આપ્યું છે.
11ને બદલે 8મી સપ્ટેમ્બર એ માટે પસંદ કરાઈ કારણ કે જો આ સભા સપ્તાહના અંતમાં ના યોજાય, તો કામ છોડીને અમેરિકામાં ભાષણ સાંભળવા લોકો ના આવે.
એટલા માટે વિશ્વ ધર્મ સંસદની જગ્યાએ વિશ્વ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
તમે મોહન ભાગવતનું અંગ્રેજીમાં અપાયેલું 41 મીનીટનું ભાષણ સાંભળશો, તો તમને સમજાશે કે તેમણે સ્વામી વિવેકાનંદ પાસેથી કોઈ પ્રેરણા લીધી નથી.
સમગ્ર ભાષણ દરમિયાન અમેરિકાનો ઝંડો બૅકગ્રાઉન્ડમાં હતો, ત્યાં ના તો કોઈ ભગવો ધ્વજ હતો, ના તિરંગો.
જોકે, તેમણે ઘણી વાતો કહી જેની ઉપર ધ્યાન અપાવું જોઈએ કેમ કે તેઓ સામાન્ય વ્યક્તિ નથી. સંસારની સૌથી મોટી એનજીઓના પ્રમુખ છે જેને ભારતની હાલની સરકાર પોતાની પ્રગતિનો રિપોર્ટ રજૂ કરે છે. કેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપની 'માતૃસંસ્થા' છે.
'ભારત જ્ઞાની હોવા છતાં કેમ આવી તકલીફો?
મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં હંમેશાંથી સમગ્ર સંસારનું જ્ઞાન રહેલું છે. ભારતના સામાન્ય લોકો પણ આ વાતોને સમજે છે.
એ પછી તેમણે એક રસપ્રદ સવાલ પૂછ્યો, "તો પછી શું ખોટું થઈ ગયું, આપણે હજારો વર્ષોથી તકલીફો કેમ ભોગવી રહ્યાં છીએ?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલનો જવાબ આપતા કહ્યું કે આવું એટલા માટે થયું કારણકે 'આપણે આપણા આધ્યાત્મિક જ્ઞાન મુજબ જીવવાનું છોડી દીધું છે.'
વિચારો કે તેમણે હજારો વર્ષોની તકલીફ કેમ કહ્યું. સંઘનું માનવું છે કે ભારતના ખરાબ દિવસો અંગ્રેજી રાજથી નહીં બલ્કે મુસલમાનોના હુમલાઓથી શરૂ થયા, મુઘલકાળને પણ તેઓ મુસીબતનો સમય માને છે.
હકીકતમાં એવા પ્રસંગો યાદ નથી આવતા જયારે સંઘે અંગ્રેજી શાસનની ટીકા કરી હોય. ના ભૂતકાળમાં, ના વર્તમાનમાં. ટીકા કરવાને મામલે મુઘલો તેમના પ્રિય રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ પછી તેમણે એક વધુ રસપ્રદ વાત કહી, "આજની તારીખમાં હિંદુ સમાજ દુનિયાનો એવો સમાજ છે જેમાં દરેક ક્ષેત્રના મેઘાવી લોકો સૌથી વધુ સંખ્યામાં મોજૂદ છે."
કોણ જાણે આવું તારણ તેમણે કયા આધારે કાઢ્યું કે હિંદુ, પોતાના હિંદુ હોવાને લીધે યહૂદીઓ, ઈસાઈઓ અને મુસલમાનોથી વધુ પ્રતિભાશાળી છે?
આ હિંદુ ગૌરવને જાગૃત કરવાનો તેમનો પ્રયત્ન હતો, ત્યારબાદ તરત જ તેમણે કહ્યું કે હિંદુ એક થઈને કામ નથી કરતા, એ જ તેમની સૌથી મોટી સમસ્યા છે.
તેમણે એક કિસ્સો સંભળાવ્યો કે એક હોવાનાં આહ્વાન ઉપર હિંદુઓ કહેતા રહ્યાં છે કે "સિંહ ક્યારેય ઝુંડમાં નથી ચાલતો."
તેમણે કહ્યું, "જંગલનો રાજા, રૉયલ બંગાળ ટાઈગર પણ જો એકલો હોય તો જંગલી કૂતરાં તેને ઘેરીને, હુમલો કરીને મારી શકે છે."
આવું કહેતા જ હૉલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. તેમને કહેવા કે સમજાવવાની જરૂર ના પડી કે તેઓ જંગલી કૂતરાં કોને કહી રહ્યા છે.
આ એ જ કૂતરાં છે જેમના ગલૂડીયાં ગાડીની નીચે આવી જાય તો વડા પ્રધાન મોદીજીને દુ:ખ થાય છે.
"હિંદુ હોવાં ઉપર ગર્વ કરવો જોઈએ", હિંદુ જોખમમાં છે" અને "હિંદુઓએ એક રહેવું જોઈએ." આ બધો સંઘનો સ્થાયી ભાવ છે.
હિંદુઓને કોનાથી જોખમ છે? હિંદુઓને કયા લક્ષ્ય માટે એકજૂથ થવું જોઈએ, કોની વિરુદ્ધ એકજૂથ થવું જોઈએ?
આ સવાલોના જવાબ ઇશારામાં સમજાવવામાં આવે છે. ચૂંટણી જેવી વિકટ પરીસ્થિતિઓમાં જ મંચ ઉપરથી કબ્રસ્તાન અને સ્મશાન કહેવાનો વારો આવે છે.
સરકાર તમારી, સિંહ પણ તમે જ છો, પોલીસ અને વહીવટી તંત્ર પણ તમારું છે અને ડર પણ તમને જ લાગી રહ્યો છે.
આમિર ખાનની પત્ની કિરણ રાવને ડર લાગે છે તે ખોટું છે, તમારો ડર સાચો છે બિલકુલ ખરો અને ગજબનો ડર છે.
'હિંદુ સામ્રાજ્ય'ની વ્યાપકતા
મોહન ભાગવતે કહ્યું કે તમામ હિંદુ દુનિયાને વધુ સારી બનાવવા ઇચ્છે છે. તેઓ ઈમાનદારીથી આવું કરવા ઇચ્છે છે.
તેમણે કહ્યું અમારો ઉદ્દેશ્ય કોઈની ઉપર વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાનો ક્યારેય નથી રહ્યો. ઇતિહાસમાં અમારો પ્રભાવ ખૂબ રહ્યો છે અને મેક્સિકોથી સાઈબીરિયા સુધી જ્યાં પણ હિંદુ સામ્રાજ્ય હતું, ત્યાં આજે પણ એ પ્રભાવ જોઈ શકાય છે અને અદ્ભુત વાત એ છે કે ત્યાંના લોકો આ પ્રભાવ જાળવી રાખે છે."
તેમણે તેમનાં નામ તો ના લીધા પરંતુ માયા, ઇન્કા, યૂનાન અને મિસર જેવી પ્રાચીન સભ્યતાઓનાં સામ્રાજ્યના તમામ પ્રકૃતિ પૂજકો અને મૂર્તિ પૂજકોને એક ઝાટકે હિંદુ જાહેર કરી દીધા.
તેમને હિંદુ સામ્રાજ્ય જણાવીને તે ભારતને ગૌરવશાળી હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે જુસ્સાથી ભરેલું વાતાવરણ તૈયાર કરવા ઇચ્છે છે.
પોતાનાં ભાષણમાં ભાગવતે મહાભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "આજના આધુનિક સમયમાં હિંદુઓની દશા એ જ છે જે મહાભારતમાં પાંડવોની હતી."
આ નાનકડા વાક્યમાં વધુ ગાઢ અર્થ નિહિત છે. મતલબ કે હિંદુ પીડિત છે, અન્યાયનો શિકાર છે અને તેમને પોતાના અધિકાર હાંસલ કરવા માટે ધર્મયુદ્ધ લડવું પડશે.
ત્યારબાદ તેઓ હનુમાનની કથા સંભળાવવા માંડ્યા કે કેવી રીતે તેમણે દૃઢ સંકલ્પથી સમુદ્ર પાર કરી લીધો હતો.
'હિંદુ કોઈનો વિરોધ કરવા માટે નથી જીવતા'
તેમણે કહ્યું, "હિંદુઓના તમામ કામ સૌના કલ્યાણ માટે હોય છે. હિંદુ કોઈનો વિરોધ કરવા માટે નથી જીવતા. આખી દુનિયામાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે, પરંતુ હિંદુ એ સમાજ છે જેણે જીવજંતુ-પતંગિયાનાં જીવિત રહેવાના અધિકારનો સ્વીકાર કર્યો."
તેમણે જણાવ્યું કે હિંદુ કેટલા સહિષ્ણુ છે. પરંતુ હાલની પરીસ્થિતિમાં કીડા-મંકોડા કોને કહેવામાં આવી રહ્યાં છે, એ તેમણે લોકોની કલ્પના ઉપર છોડી દીધું.
ભાગવતે કહ્યું, "અમે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ એવા લોકો છે જે અમારો વિરોધ કરે છે. એવા લોકોને પહોંચી વળવું પડશે અને એ માટે આપણે દરેક સાધન, દરેક ઉપકરણ જોઈએ તેથી આપણે આપણી રક્ષા કરી શકીએ જેથી તેઓ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં."
તેમણે એ લોકો કોણ છે એ ના જણાવ્યું, સૌ જાણે તો છે જ ને.
મોહન ભાગવતે એક અત્યંત અગત્યની વાત જણાવી જેનાથી સંઘની કાર્યશૈલીનો અંદાજ આવે છે. તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું કેવી રીતે લોકોને એકબીજાનો સાથ આપવો જોઈએ, નહીં કે એકબીજાનો વિરોધ કરવો જોઈએ.
તેમણે કહ્યું કે સૌને પોતપોતાની રીતે લક્ષ્યને ધ્યાનમાં રાખીને, પોતાની આગળ ચાલી રહેલાં લોકો સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ.
તેમણે અંગ્રેજીની કહેવતનો ઉપયોગ કર્યો, 'લર્ન ટુ વર્ક ટુગેધર સેપરેટલી' એટલે કે સાથે મળીને અલગ-અલગ કામ કરવાનું શીખો.
આ સંઘની કામ કરવાની તરાહ છે. તે સેંકડો નાના સંગઠનો દ્વારા કામ કરે છે, સૌ અલગ-અલગ કામ કરે છે અને સૌ એક જ લક્ષ્ય માટે કામ કરે છે.
સમય જરૂરિયાતને હિસાબે રસ્તાઓ પસંદ કરે છે, પરંતુ તેમના કોઈપણ કામની કોઈ જવાબદારી સંઘની નથી હોતી.
હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું લક્ષ્ય
એકબીજાથી અંતર રાખીને, નિકટતા બનાવી રાખવી અને એક રીતે અદૃશ્ય શક્તિમાં પરિવર્તિત થઈ જવું એ જ સંઘનું માયાવી રૂપ રહ્યું છે.
ઉદાહરણ તરીકે જો કોઈ ગેરકાનૂની અથવા હિંસક ગતિવિધિમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યકર્તાઓ પકડાઈ જાય એવું અનેક વાર બન્યું છે.
છતાં કોઈ એમ નથી કહી શકતું કે સંઘનો આમાં હાથ છે કેમ કે આ જ 'વર્કિંગ ટુગેધર સેપરેટલી' કામ આવે છે, જેનું જ્ઞાન શિકાગોમાં મળ્યું.
ભાગવતે કહ્યું કે મહાભારતમાં કૃષ્ણ યુધિષ્ઠિરને ક્યારેય રોકતા-ટોકતા નથી. યુધિષ્ઠિર જે હંમેશાં સાચું બોલવાને લીધે ધર્મરાજ કહેવાયા છે, "કૃષ્ણનાં કહેવાથી એ જ યુધિષ્ઠિર રણમેદાનમાં એવું કંઈક કહે છે જે સત્ય નથી."
તેમણે વધુ વિવરણ આપ્યું નહીં, તેમનો નિર્દેશ યુધિષ્ઠિરના એ અર્ધસત્ય તરફ હતો, જયારે તેમણે કહ્યું હતું-અશ્વત્થામા મરાયો.
ભાગવતનો નિર્દેશ એ જ હતો કે પ્રથમ લક્ષ્યની પ્રાપ્તિ માટે નેતૃત્વ જો ખોટું બોલે અથવા બોલવાનું કહે તો એમાં કંઈ ખોટું નથી.
મતલબ સ્પષ્ટ હતો કે કોઈ ધર્મરાજથી મોટો સત્યવાદી બનવાનો પ્રયત્ન ના કરે.
તેમણે કહ્યું કે સૌએ રામલીલાની જેમ પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ. જેમાં કોઈ રામ બને છે, કોઈ રાવણ. પરંતુ સૌને હકીકતમાં યાદ રાખવું જોઈએ કે તેઓ કોણ છે અને તેમનું લક્ષ્ય શું છે.
હવે તેમને એ કહેવાની જરૂર શું કામ પડે કે તેમનું લક્ષ્ય શું છે? તે લક્ષ્ય હિંદુ રાષ્ટ્રની સ્થાપના છે.
પોતાના 41 મિનીટ લાંબા ભાષણમાં તેમણે સ્વામી વિવેકાનંદનું નામ ફક્ત એકવાર એ સાબિત કરવા માટે લીધું કે તેઓ જે કહી રહ્યા છે તે સાચું છે.
આમ પણ, સંઘના લોકો ક્યારેય નથી કહેતા વિવેકાનંદ, ભગત સિંહ, સરદાર પટેલ કે મહાત્મા ગાંધી અથવા કોઈ અન્ય અમર વિભૂતિએ ખરેખર કહ્યું શું હતું. કારણ કે એવું કહેવામાં ઘણું જોખમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો