You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાય-ભેંસ પર્યાવરણ માટે જોખમી શા માટે છે?
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
જળવાયુ પરિવર્તનને કારણે ચિંતિત વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો માટે ગાયનો ઓડકાર અને ગૅસ લાંબા સમયથી ચિંતાનું કારણ બનેલા છે.
વાયુમંડળમાં હાનિકારક મિથેન ગૅસના વધારે પ્રમાણને કારણે ગાય-ભેંસોના ઓડકાર અને તેમના પેટમાંથી નીકળતા ગેસને જવાબદાર માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો મિથેનના ઉત્સર્જનને રોકવા માટે ગાયોના ખોરાકમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યા છે.
એમને લસણ, ઑરિગાનો, જાફરાન અને અન્ય શાકભાજી ખવડાવીને તેની અસરો તપાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગાયોના ગૅસને કેવી રીતે ઓછો હાનિકારક બનાવી શકાય આ અંગે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ હાલમાં જ સંશોધન કરી આનો માર્ગ શોધી કાઢ્યો છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગાયને સમુદ્રી શેવાળ ખવડાવવાથી એમના ગૅસમાં મિથેનની માત્રામાં ઘટાડો થઈ શકે છે અને પર્યાવરણનું જતન થઈ શકે છે.
આ સંશોધન હેઠળ વૈજ્ઞાનિકોએ લગભગ એક ડઝન જેટલી દૂધ આપતી ગાયોને ભોજનમાં સમુદ્રી શેવાળ ખવડાવી હતી.
ત્યારબાદ એમના ઓડકાર અને ગૅસમાં ઉત્પન્ન થનારા મિથેનમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
સંશોધનમાં સામેલ વિશ્વવિદ્યાલયના પશુ વૈજ્ઞાનિક અરમિયાસ કેબ્રિયાસના જણાવ્યા અનુસાર, ''સંશોધનનાં પરિણામો જોઈને મને આશ્ચર્ય થયું હતું."
"મને અણસાર નહોતો કે થોડાક પ્રમાણમાં સમુદ્રી શેવાળ ખવડાવવાથી પણ ચમત્કાર થઈ શકે છે.''
એમનું કહેવું છે કે સંશોધનનાં પરિણામો પરથી પ્રેરણા લઈને એમની ટીમ હવે છ મહિના સુધી ભેંસોને સમુદ્રી શેવાળ ખવડાવી એની અસર તપાસવા માગે છે.
ઇલિયોન વિશ્વવિદ્યાલયના પશુ વૈજ્ઞાનિક માઇકલ હુચેન્સ જણાવે છે, ''જો આપણે ખોરાકમાં થોડો ઘણો પણ ફેરફાર કરી વાયુમંડળમાં મિથેનની માત્રામાં ઘટાડો કરી શકીએ તો આની કાર્બન ઉત્સર્જન પર સકારાત્મક અસર પડશે.''
ગાય પર્યાવરણ માટે જોખમી?
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશનના 2014ના અહેવાલ પ્રમાણે ગાય, બકરી અને ઘેટા જેવા ચાર પગવાળા પ્રાણીઓ આખો દિવસ ભોજન ચાવતાં એટલે કે વાગોળતાં રહે છે અને ઓડકાર ખાતાં રહે છે.
પેટમાં લાખોની સંખ્યામાં રહેલા જીવાણુઓ ઘાસ-પાંદડા જેવા રેશાયુક્ત ભોજનને નાના ટુકડામાં પરિવર્તિત કરી તેના પાચનને સરળ બનાવે છે.
આ પ્રક્રિયા દરમિયાન ગાયના પેટમાંથી મિથેન વાયુ પેદા થાય છે.
નવેમ્બર 2006માં આવેલા સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તન માટે જવાબદાર કાર્બન ડાયૉક્સાઈડનું જેટલું ઉત્સર્જન ગાડીઓ કે કારખાનાના ધુમાડા દ્વારા થાય છે એના કરતાં અનેકગણું વધારે ગાયના પેટમાંથી થાય છે.
આ અહેવાલ મુજબ તો વાયુમંડળને સૌથી મોટું જોખમ તો ગાય અને ભેંસ દ્વારા છે.
ગાડીઓ દ્વારા કાર્બન ડાયૉક્સાઈડનું ઉત્સર્જન થાય છે જ્યારે ગાયો દ્વારા મિથેનનું અને કાર્બન ડાયૉક્સાઈડ કરતાં તો મીથેન આપણા વાયુમંડળ માટે વધારે નુકસાનકારક છે.
મિથેન ગ્રીનહાઉસ ગેસને વધારે માત્રમાં રોકી રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ માટેનું સૌથી મોટું કારણ આ જ છે.
ન્યૂ ઝિલૅન્ડે તો ગાય-ભેંસોના ગૅસ પર ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
ખેડૂતોએ આનો જોરદાર વિરોધ કર્યો છે પણ આ પ્રસ્તાવે જળવાયુ પરિવર્તન અને ગાય-ભેંસોનો ફાળા અંગે સ્પષ્ટતા ચોક્કસ કરી છે.
મિથેનનું ઉત્સર્જન ઘટાડવા માટેના પ્રયાસોનો કયાસ એ વાત પરથી કાઢી શકાય કે 2016માં કેલિફોર્નિયામાં ગાયો દ્વારા નીકળતા મિથેનને ગાડીઓમાં વાપરવાના પ્રયાસો પર વાતો શરૂ થઈ ગઈ હતી.
સાથેસાથે દૂધના સ્વાદને પણ જાળવી રાખી એમના ભોજનને પણ રેગ્યુલેટ કરવાની શોધ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
એશિયન ઑસ્ટ્રેલિયન જર્નલ ઑફ એનિમલ સાયન્સમાં 2014માં પ્રકાશિત કરવામાં આવેલી એક શોધ મુજબ 2010 સુધી ગાયોને કારણે મિથેન ઉત્પાદનની માત્રામાં સતત વધારો થયો છે.
દુનિયાના અન્ય ભાગોમાં જોવા મળતી ગાયોની સરખામણીમાં ભારતીય ગાય આમાં સૌથી મોખરે છે.
2012માં કરવામાં આવેલી 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં લગભગ 51 કરોડ ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અને ઘોડા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો