કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી માટે અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે.

ગુજરાત કૉંગ્રેસના નેતા મનીષ દોશીએ આ વાતને સમર્થન આપ્યું છે.

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનારા પરેશ ધાનાણી કૉંગ્રેસનો યુવા ચહેરો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દોશીએ જણાવ્યું, "ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ સ્વીકૃત છે."

દોશીના જણાવ્યા અનુસાર કૉંગ્રેસની સૅન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે.

એ યાદી અનુસાર ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જામનગરથી મૂળુભાઈ કંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને ઊતારવામાં આવ્યા છે. જ્યારે અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાયા છે.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર અમરેલી કૉંગ્રેસની મજબૂત બેઠક છે અને સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી મોટા નેતા ગણાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે પરેશ ધાનાણી?

પરેશ ધાનાણી વર્ષ 2002 પહેલાં અમરેલી જિલ્લામાં કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ હતા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણી અમરેલી બેઠક પર ચૂંટાયા અને જાન્યુઆરી 2010માં તેમને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નીમવામાં આવ્યા.

એ ચૂંટણીમાં 42 વર્ષના ધાનાણીએ ભાજપના બાવકુ ઉંધાડને લગભગ 12 હજાર મતોથી હરાવ્યા હતા અને તેઓ ત્રીજી વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.

2002માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પરેશ ધાનાણીએ ગુજરાતની મોદી સરકારના એ વખતના મંત્રી પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર ધાનાણીએ પ્રથમ ચૂંટણીમાં જ રૂપાલા જેવા વરિષ્ઠ નેતાને હરાવીને 'હૅવી વેઇટ' વિજય હાંસલ કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

એક મધ્મય વર્ગીય ખેડૂત પરિવારનું ચોથું સંતાન એવા પરેશ ધાનાણીનું લગ્ન તેમના ધારાસભ્ય બન્યા બાદ થયું હતું.

જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર ધાનાણીનો પરિવાર આજે પણ એક સાધારણ મકાનમાં રહે છે.

વર્ષ 2007માં પરેશ ધાનાણીને ભાજપના નેતા દિલીપ સંઘાણી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે ધાનાણીની લગભગ 4000 મતોથી હાર થઈ હતી.

જોકે, 2012માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે દિલીપ સંઘાણીને લગભગ 30 હજાર મતે હરાવ્યા હતા.

ધાનાણીને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક માનવામાં આવે છે. અને પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ સાથે પણ તેઓ સંકળાયેલા છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ 77 બેઠકો જીતીને સારી સ્થિતિમાં આવી હતી જ્યારે ભાજપને 99 બેઠકો મળી હતી.

આંતરકલહરોકવા માટે અમરેલીમાં ધાનાણીની પસંદગી?

ભાજપે વર્તમાન સાંસદ નારાયણભાઈ કાછડિયાને અમરેલીથી ટિકિટ આપી છે. પરેશ ધાનાણી જ્યારે 2017માં અમરેલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે કૉંગ્રેસે પાટીદાર નેતા પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવા જોઈએ. સાથે જ એ માટે લડત ચલાવવાની વાત પણ કહી હતી.

ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન હાર્દિકે અમરેલીમાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસની સરકારમાં પરેશ ધાનાણી મુખ્ય મંત્રી બનશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી બેઠક કૉંગ્રેસ માટે સુરક્ષિત ગણાય છે, અમરેલી સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતી વિધાનસભાની 7માંથી 5 બેઠકો પર કૉંગ્રેસ જીતી હતી.

આ સાત બેઠકોમાંથી 5 બેઠકો અમરેલી જિલ્લાની છે, જ્યારે બાકીની બે બેઠકો ભાવનગર જિલ્લા આવે છે. પરેશ ધાનાણીને અમરેલીથી ઉતારીને કૉંગ્રેસ ચૂંટણીમાં પાટીદાર મતોનું ગણિત કેવી રીતે બેસાડશે એના પર જગદીશ આચાર્ય જણાવે છે કે અમરેલી સંસદીય ક્ષેત્રમાં 25 ટકા પટેલ મતદારો છે, જેમાં લેઉવા પટેલોની બહુમતી છે.

આચાર્ય ઉમેરે છે, "અમરેલી બેઠક માટે કૉંગ્રેસમાં એક કરતાં વધારે દાવેદાર હતા અને આંતરકલહ અટકાવવા માટે પક્ષે ધાનાણી પર પસંદગી ઉતારી છે."

"ધાનાણીને પસંદ કરવાનું કારણ એ છે કે એક તો તેઓ સૌરાષ્ટ્રમાં મોટા નેતા છે અને બીજું અમરેલી સૌરાષ્ટ્રની એ બેઠક છે કે જ્યાં કૉંગ્રેસ સારા પ્રદર્શનની આશા રાખી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો