ચૂંટણી આવતાં ભાજપ ધ્રુવીકરણનું રાજકારણ કેમ કરવા લાગે છે?: દૃષ્ટિકોણ

    • લેેખક, રામદત્ત ત્રિપાઠી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

સામાન્ય ચૂંટણી દરમિયાન શાસકપક્ષ પાંચ વર્ષની સિદ્ધિઓ અને આગામી યોજનાઓ સાથે જનતાની વચ્ચે જાય છે અને ફરી એક વખત જનાદેશ માગે છે.

પરંતુ આ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના સ્ટાર-પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પ્રચારઅભિયાનને બહુમતી વિરુદ્ધ લઘુમતી અથવા હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તરફ દોરી જતા જણાય છે.

એક દૃષ્ટિએ જોતા લોકશાહી માટે આ ભયજનક સંકેત માની શકાય.

મહાત્મા ગાંધીના કર્મસ્થળ વર્ધા ખાતે ચૂંટણીપ્રચારના અભિયાન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કૉંગ્રેસે હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કરીને કરોડો લોકો ઉપર લાંછન લગાડવાનો પ્રયાસ કર્યો હતો."

"તમે જ જણાવો, હિંદુ આતંકવાદ શબ્દ સાંભળીને તમને ઊંડી પીડા નથી થતી? હજારો વર્ષમાં એક પણ એવી ઘટના ઘટી છે કે જેમાં હિંદુ આતંકવાદી સામેલ હોય?"

એવી સામાન્ય માન્યતા છે કે સનાતન ધર્મને માનનારા લોકો સામાન્ય રીતે શાંતિપ્રિય હોય છે.

છતાં એક સવાલ ચોક્કસ ઉદ્ભવે છે કે જે વિચારધારા સાથે સંકળાયેલા લોકોએ ગાંધી જેવા મહાત્માની હત્યા કરી હોય, તે વિચારધારાને માનનારા લોકો માટે કયા પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ કરવો?

જે લોકો કોઈના ઘરમાં ઘૂસીને કે ગૌહત્યાના નામે રસ્તે ચાલનારને માર મારીને મારી નાખે અથવા તો પોતાની ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીને મારી નાખે તો તેમને કયા નામે ઓળખવા?

આપને આ પણ વાચવું ગમશે

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં નીતિઘડતર તથા સરકાર ચલાવવામાં તમામ વર્ગને પ્રતિનિધિત્વ મળે, તે માટે ભારતની બંધારણીય સભાએ હેતુપૂર્વક દેશમાં સંસદીય લોકશાહીની સ્થાપના કરી હતી, જેથી કોઈ એક ધર્મને માનનારાઓનું પ્રભુત્વ ન રહે.

એ સમયે સ્વતંત્રતાના આંદોલનના મૂલ્યોથી ઓતપ્રોત સમાજે 'હિંદુરાષ્ટ્ર'ની વાત કરનારાઓને હાંસિયામાં ધકેલી દીધા હતા.

આગળ જતા ગુજરાત બહુમતી રાજકારણનું પ્રયોગશાળા બન્યું અને ગત લોકસભા ચૂંટણી દરમિયાન દેશભરમાં તેનો વિસ્તૃત ઉપયોગ જોવા મળ્યો.

એવું લાગે છે કે ધાર્મિક ધ્રુવીકરણના આધારે જ ભાજપ ચૂંટણીરૂપી વૈતરણી પાર કરવા ચાહે છે.

ધ્રુવીકરણ કરવા માટે એક ખલનાયક કે ઘૃણાનાં પ્રતીકની જરૂર રહે છે.

અગાઉ બાબરી મસ્જિદ તેનું પ્રતીક હતું, હવે બાબરી મસ્જિદ જમીનદોસ્ત થઈ ગઈ છે અને ભાજપ રામમંદિર નિર્માણનું વચન પાળી નથી શક્યો.

વિકાસ તથા રોજગારના નામે દેખાડી શકાય તે માટે ભાજપ પાસે ખાસ કંઈ નથી. કદાચ એટલે જ આંકડામાં હેરાફેરી કે વાસ્તવિકતાને છુપાવવાના આરોપ લાગી રહ્યા છે.

પાકિસ્તાન નામના ખલનાયકના સહારે રાષ્ટ્રવાદ અને 'આતંકવાદ'ની આડમાં મુસ્લિમ સમુદાય ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ચૂંટણી પ્રચાર કરતી વેળાએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારને પાકિસ્તાનના ઉગ્રવાદી મૌલાના મસૂદ અઝહરના 'જમાઈ' કહ્યા.

ત્યારબાદ તેઓ પ્રચાર માટે બિસાહડા ગામે ગયા, જ્યાં અખલાક હત્યાકાંડના આરોપીઓ અગ્રીમ હરોળમાં બેઠા હતા.

ચૂંટણીપંચના સ્પષ્ટ નિષેધ છતાંય પ્રચાર દરમિયાન સેનાની વીરતાને ભાજપ પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરે છે. એટલું જ નહીં, યોગી આદિત્યનાથે ભારતની સેનાને 'મોદીની સેના' બનાવી દીધી.

અનેક નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે, જોઈએ કે હવે ચૂંટણીપંચ આ વિશે શું કાર્યવાહી કરે છે.

વડા પ્રધાન મોદી મુદ્દા ઊભા કરવામાં નિષ્ણાત છે. કૉંગ્રેસના નેતા તથા તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી એવા રાહુલ ગાંધીએ અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, જેનું અનુસંધાન તેમણે બહુમતી વિરુદ્ધ લઘુમતીના અભિયાન સાથે સાધ્યું.

વર્ધાની સભામાં રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા મોદીએ કહ્યું, "દેશે કૉંગ્રેસને દંડવાનો નિર્ણય કરી લીધો છે, એટલે અમુક નેતાઓ બહુમતી (હિંદુઓ)ના પ્રભુત્વવાળી બેઠક ઉપરથી ચૂંટણી લડતા ડરી રહ્યા છે."

"તેઓ લઘુમતીઓના પ્રભુત્વવાળી બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે મજબૂર બન્યા છે."

મોદી સરકારના પૂર્વ પ્રધાન એમ. જે. અકબરે એક હિંદી અખબારના લેખમાં લખ્યું, "ઇતિહાસમાં એવું પ્રથમ વખત બનશે કે જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ જીત માટે મુસ્લિમ લીગ ઉપર આધારિત હશે, તેની સંભવિત અસર અંગે વિચાર કરો."

તાજેતરમાં જ ન્યૂઝિલૅન્ડમાં ઉગ્રપંથી હુમલા બાદ ત્યાંની સરકાર અને સમાજે દર્શાવ્યું કે લઘુમતી સાથે કેવી રીતે આત્મીયતા દેખાડી શકાય.

ભારતીય નેતાઓ પોતાની જાતિના પ્રભુત્વવાળી બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું પસંદ કરતા હોય છે.

શું એવું ન થઈ શકે કે રાહુલ ગાંધીની વાયનાડ બેઠકનો જવાબ વડા પ્રધાન મોદી રામપુર કે મુરાદાબાદ જેવી બેઠક ઉપરથી ચૂંટણી લડીને આપે અને સાબિત કરે કે વાસ્તવમાં તેઓ 'સૌનો સાથ, સૌનો વિકાસ' ઇચ્છે છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો