લોકસભાની ચૂંટણી 2019 : રાહુલ ગાંધી માટે વાયનાડ બેઠક કેટલી સુરક્ષિત રહેશે?

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.

છેલ્લા કેટલાય દિવસોથી આ અંગે અટકળો બાંધવામાં આવી રહી હતી. રવિવારે કૉંગ્રેસના નેતા એ.કે. ઍન્ટનીએ ઔપચારિક જાહેરાત કરતા કહ્યું કે રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે.

દિલ્હીમાં પક્ષના વડા મથકે તેમણે કહ્યું કે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કૉંગ્રેસને મજબૂત કરવા માટે લેવાયો છે.

તેમણે જણાવ્યું કે કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાંથી વારંવાર રાહુલ ગાંધીને દક્ષિણની બેઠક પરથી ચૂંટણી લડવા માટે માગ કરાતી હતી.

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે વાયનાડની પસંદગી તેના ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્વરૂપને ધ્યાને રાખીને કરાઈ છે.

સુરજેવાલાએ કહ્યું, "આજે એક સુખદ દિવસ છે. રાહુલજીએ અનેક વખત કહ્યું છે કે અમેઠી તેમની કર્મભૂમિ છે. અમેઠી સાથેનો તેમનો સંબંધ પરિવારના સભ્ય જેવો છે. એટલે તેઓ અમેઠી છોડી શકે એમ નથી."

નોંધનીય છે કે કેરળની તમામ લોકસભા બેઠકો પર 23 એપ્રિલે મતદાન થશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે દક્ષિણ ભારતમાં જ ચૂંટણી સભા કરી રહ્યા છે. તેઓ આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને અનંતપુર સાથે બેંગ્લુરુમાં પણ જાહેર સભાને સંબોધી રહ્યા છે.

કૉંગ્રેસની સુરક્ષિત બેઠક

વર્ષ 2008માં અસ્તિત્વમાં આવેલો વાયનાડ સંસંદીય વિસ્તાર કૉંગ્રેસની સુરક્ષિત બેઠકોમાંનો એક ગણવામાં આવે છે.

વાયનાડ લોકસભા અંતર્ગત વિધાનસભાની સાત બેઠકો આવે છે. જેમાંથી ત્રણ વાયનાડ જિલ્લામાં, ત્રણ મલ્લાપુર જિલ્લામાં અને એક કોઝીઝોડ જિલ્લામાં સમાવિષ્ટ છે.

વર્ષ 2009 અને 2014માં લોકસભાની ચૂંટણી વખતે અહીંથી કૉંગ્રેસના એમ.આઈ. શાનવાસ જીત્યા હતા. જોકે, વર્ષ 2018માં તેમના નિધન બાદ આ બેઠક ખાલી છે.

આ બેઠક પર બન્ને ચૂંટણીમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(સીપીઆઈ) બીજા નંબરે રહી હતી.

જોકે, વર્ષ 2009માં કૉંગ્રેસના ઉમેદવારની જીતનું અંતર 153,439 લાખ મતોનું હતું. જ્યારે વર્ષ 2014માં આ અંતર માત્ર 20,870 મતોનું જ હતું.

ભારતીય જનતા પક્ષના ઉમેદવાર 2009માં ચોથા નંબરે રહ્યા હતા અને તેમને માત્ર 31,687 મત(3.85) મળ્યા હતા.

2014ની ચૂંટણીમાં ભાજપ અહીં ત્રીજા નંબરે રહ્યો હતો. એ વખતે ભાજપના ઉમેદવારને 80,752(8.83) મતો મળ્યા હતા.

હાલની લોકસભાની ચૂંટણીમાં વાયનાડમાં રાહુલ ગાંધીની ટક્કર સીપીઆઈ ઉમેદવાર પી.પી. સુનીર સાથે થશે.

તેઓ હાલમાં સત્તાધારી ગઠબંધન એલ.ડી.એફ.ના ઉમેદવાર છે. કેરળની તમામ બેઠકો પર 23 એપ્રિલે મતદાન થવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો