રાહુલ ગાંધી સામે વાયનાડથી ચૂંટણી લડતા તુષાર વેલ્લાપલ્લી કોણ છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાહુલ ગાંધી સામે લડવા માટે ભારત ધર્મ જન સેનાના તુષાર વેલ્લાપલ્લીની પસંદગી કરવામાં આવી છે.

તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે વાયનાડના મતદાતાઓ પણ કેરળના અન્ય વિસ્તારોની જેમ રાજકીય મુદ્દાને ઘ્યાનમાં લઈને મત આપશે, જ્ઞાતિ કે સમાજ આધારે નહીં.

તેમણે કહ્યું, "અમને મુસ્લિમ મતો મળશે, ખ્રિસ્તી મતો મળશે અને અન્ય જ્ઞાતિઓના મતો પણ મળશે. કેરળના લોકો જ્ઞાતિવાદના આધારે મત નથી આપતા. તેઓ રાજકીય મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો છે કે તેઓ વાયનાડ ભાગી રહ્યા છે, કારણ કે ત્યાં હિંદુ મતદાતાઓની સંખ્યા ઓછી છે. જ્યારે તુષાર વેલ્લાપલ્લી મોદીથી બિલકુલ અલગ મત ધરાવે છે.

તુષારનો સમગ્ર મુદ્દાને જોવાનો અલગ દૃષ્ટિકોણ છે. તેમણે કહ્યું, "હવે મુદ્દો વાયનાડ અને ભારતના વિકાસનો છે. બધાને 100 ટકા વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદી ફરી ચૂંટાશે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે."

"લોકો વિરોધપક્ષના બદલે મોદીજીને મત આપવા માગે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તુષાર બીડીજેએસના અધ્યક્ષ છે, જે તેમના પિતા નાતેસન વેલ્લાપલ્લી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેઓ એઝાવા સમાજના પક્ષ 'નારાયણા ધર્મ પરિપાલના યોગમ'ના શક્તિશાળી નેતા ગણાતા હતા. જે પક્ષની શરૂઆત સમાજ સુધારક શ્રી નારાયણા ગુરુ દ્વારા વીસમી સદીમાં થઈ હતી.

50 વર્ષના તુષાર નેશનલ ડેમૉક્રેટિક એલાયન્સના કન્વીનર છે. તેઓ માને છે, "લોકો મને મત આપશે કારણ કે કેરળના લોકોને કોઈ બહારથી આવીને ચૂંટણી લડે તે પસંદ નથી."

પરંતુ શું રાહુલને તેમના જ પક્ષના સહયોગીઓ દ્વારા કેરળમાં લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું?

તુષાર કહે છે, "ના, તે પોતાના પક્ષના અધ્યક્ષ છે. તેથી તેમણે જ પોતાના કાર્યકર્તાઓને તેમનું નામ વાયનાડ માટે સૂચવવા કહ્યું હતું. આમ પણ તેઓ અમેઠીથી પણ લડી રહ્યા છે. તેથી જ તેઓ અહીં આવ્ચા."

તુષાર થ્રિસુર બેઠક પરથી લડવાના હતા, પરંતુ અમિત શાહે તેમને વાયાનાડથી લડવા કહ્યું, કારણ કે એનડીએને રાહુલ ગાંધી સામે કોઈ શક્તિશાળી નેતાને ઊભા રાખવા હતા.

ભૂતકાળમાં પિતા અને પુત્ર બંને એક જ મુદ્દા પર મતભેદ દર્શાવી ચૂક્યા છે. તેમના પિતા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમજ દારૂની રિફાઇનરીના બિઝનેસમાંથી હવે રેલવે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેઓ રાજ્ય સરકારની નજીક હોવાનું માનવામાં આવે છે.

પોતાનું નામ નહીં જણાવવાની શરતે એક વરિષ્ઠ પત્રકારે કહ્યું, "તેઓ એક ખરા વેપારી છે. જો કૉંગ્રેસ સત્તા પર આવે કે સીપીએમનું ડેમૉક્રેટિક લેફ્ટ ફ્રંટ આવશે તો પણ તેઓ પોતાનું કામ કઢાવી લેશે."

સબરીમાલા મુદ્દે મહિલાઓ દ્વારા રચાયેલી 620 કિલોમિટર લાંબી માનવ સાંકળ રચાઈ હતી, તેનું આયોજન એલડીએફ દ્વારા કરાયું હતું. જેમાં નાતેસને ભાગ લીધો હતો. જ્યારે પુત્ર તુષાર તેનાથી દૂર રહ્યા હતા.

તો શું તેમના પિતા ઉમેદવારીમાં સહયોગ આપશે?

પોતાના પિતાથી અલગ વ્યાપારિક દૃષ્ટિકોણ ધરાવતા તુષાર કહે છે, "તેઓ મને સહકાર આપે છે. તેઓ મારા પિતા છે. સબરીમાલા એ કોઈ રાજકીય મુદ્દો નથી."

"તેમણે માનવ સાંકળમાં ભાગ લીધો કારણ કે સરકારે તેમને કહ્યું હતું. ઓબીસી સહિતના ઘણા હિંદુઓ તેમાં જોડાયા હતા."

તુષાર ભલે તેમની જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેમના બંને પ્રતિસ્પર્ધીઓ ધ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા અને કૉંગ્રેસ બંને જ આ શક્યતાઓ નકારતા કહે છે કે, તુષાર સ્પર્ધામાં જ નથી.

બીબીસી સાથે વાત કરતા કેરળ સીપીઆઈના મદદનીશ સચિવ પ્રકાશ બાબુએ કહ્યું, "કેરળમા એલડીએફ અને યૂડીએફ એકબીજાના દુશ્મનો છે. ચૂંટણી તો રાજકીય મુદ્દાઓને આધારે લડાય છે, પણ તેમને ધાર્મિક જૂથો જ દોરતા હોય છે. આપણે તેમની અવગણના કરી શકતા નથી."

સીપીઆઈ દ્વારા ફરી વાયનાડ બેઠક પી. પી. સૂનીરને સોંપવામાં આવી છે, જેઓ છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસ સામે 20,870 મતથી હારી ગયા હતા.

તુષારની વાત સાથે એઆઈસીસીના સચિવ પીસી વિશુનાધ બાબુ સહમત થયા છે કે કેરળની ચૂંટણી રાજકીય મુદ્દાઓ પર લડાય છે. "અહીં ઉત્તર ભારત જેવું નથી. અહીં તેઓ નેતાઓ કહે એમ નથી ચાલતા. પરંતુ ભાજપને ડર છે."

વિશુનાધ માને છે, "જો ભાજપને રાહુલ ગાંધી સામે લડવામાં વિશ્વાસ હોત તો તેમણે કોઈ ભાજપના ઉમેદવાર મૂક્યા હોત. તેઓ આ ચૂંટણી કમળના નિશાન સાથે લડી રહ્યા નથી. વાયનાડમાં રાહુલ ગાંધીની તરફેણમાં એક તરફી ચૂંટણી બની જશે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો