રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારના ડરથી વાયનાડ ગયા?

    • લેેખક, અપર્ણા દ્વિવેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે રાહુલ ગાંધી પરંપરાગત બેઠક અમેઠીથી તો લડશે જ સાથે જ કેરળના વાયનાડથી પણ મેદાનમાં ઊતરશે.

કૉંગ્રેસનો દાવો છે કે દક્ષિણ ભારતમાં કૉંગ્રેસની પકડ મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ આ નિર્ણય લીધો છે.

જો કે, જેવી રાહુલ ગાંધીએ આ ઘોષણા કરી એવું તરત જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે.

તેમણે કહ્યું કે ભાજપથી ડરીને રાહુલ ભાગી રહ્યા છે.

કૉંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીને દક્ષિણ ભારતના ત્રણેય રાજ્યોમાંથી ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

કેરળ, તામિલનાડુ અને કર્ણાટકની પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ એક પ્રસ્તાવ જાહેર કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના પ્રદેશમાં ગમે ત્યાંથી ચૂંટણી લડે.

તમે આ વાંચ્યું કે નહીં?

વાયનાડ જ કેમ?

રાહુલ ગાંધી માટે વાયનાડ બેઠક જ કેમ પસંદ કરવામાં આવી? તેનું એક કારણ એવું પણ છે કે વાયનાડ કૉંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે.

કૉંગ્રેસ નેતા એમ. આઈ. શનવાસ છેલ્લી બે ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને અહીં ભાજપ તો રેસમાં પણ નથી.

2014માં એમ. આઈ. શનવાસે સીપીઆઈને હરાવીને આ બેઠક કબજે કરી હતી.

એટલું જ નહીં, 2009માં પણ એમ. આઈ. શનવાસે સીપીઆઈના રહમતુલ્લાને હરાવ્યા હતા. નોંધનીય છે કે 2008માં પુનઃસીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી છે.

આ બેઠક કન્નુર, મલ્લાપ્પુરમ અને વાયનાડ મતવિસ્તાર મળીને બની છે.

વાયનાડમાં છેલ્લી ચૂંટણીનો વોટ શૅર જોઈએ તો કૉંગ્રેસને 41.21 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને લગભગ 9 ટકા મળ્યા, અને સીપીઆઈને લગભગ 39 ટકા મત મળ્યા હતા.

વોટ શૅરમાં કૉંગ્રેસને ભાજપથી ઓછી પણ સીપીઆઈથી વધુ ચિંતા છે.

સીપીઆઈ મજબૂત ટક્કર આપી શકે છે, પણ કેરળમાં ડાબેરીઓ તરફ પણ લોકોનો મોહભંગ થતો જોવા મળી રહ્યો છે.

વાયનાડમાં પાર્ટીનો આંતરિક ક્લેશ

કૉંગ્રેસના સૂત્રોના મતે આ બેઠક પસંદ કરવા પાછળનો હેતુ પાર્ટીના અંતરિક ક્લેશને ખતમ કરવાનો પણ છે.

કેરળ કૉંગ્રેસના બે દિગ્ગજ નેતા રમેશ ચેન્નીથ્લા અને ઓમાન ચાંડી વચ્ચે વાયનાડ સીટ બાબતે મતભેદ હતો.

વાયનાડ બેઠક પરથી કોણ ઊભું રહેશે એ નક્કી થઈ શકતું નહોતું. હવે રાહુલ ગાંઘીને મેદાન પર ઉતારીને તેનો હલ કાઢવામાં આવ્યો છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે કેરળમાં ચૂંટણી લડવા પાછળ વધુ એક સંદેશ છુપાયેલો છે.

કૉંગ્રેસ કોશિશ કરે છે કે તેઓ પોતાનું વર્ચસ્વ સમગ્ર દેશમાં સ્થાપિત કરે અને લડત માત્ર ભાજપ સાથે જ નહીં પણ એવા દરેક પક્ષ સામે આપે જે કૉંગ્રેસનો વિરોધ કરે છે.

અમેઠીથી કૉંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં

વર્ષ 2014માં રાહુલ ગાંધી અમેઠીથી સતત ત્રીજી વખત સાંસદ બન્યા હતા. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ભાજપનાં સ્મૃતિ ઈરાનીને 1,07,000 મતોથી હરાવ્યાં હતાં. જ્યારે 2009માં કૉંગ્રેસ અધ્યક્ષનું જીતનું અંતર 3,50,000 મતથી પણ વધારે હતું.

ત્યારબાદથી ભાજપે ઉત્તર પ્રદેશમાં કાયદેસર રીતે પોતાનો પ્રભાવ ઊભો કર્યો. તેનું પરિણામ બે વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું.

ભાજપે ઉત્તર પ્રદેશમાં 404 વિધાનસભા બેઠકોમાંથી 312 પર કબજો કર્યો. અમેઠીની લોકસભા બેઠક હેઠળ વિધાસભાની પાંચ બેઠકો આવે છે. જેમાં તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ બેઠકોનો સમાવેશ થાય છે.

જ્યારે રાયબરેલી જિલ્લાની સલોન વિધાનસભા બેઠક આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 5માંથી 4 બેઠકો પર ભાજપ અને માત્ર એક બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો.

જોકે, સપા-કૉંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણીમાં ઊતર્યાં હતાં. છતાં જીતી ન શક્યાં.

સપાએ ગૌરીગંજ બેઠક જીતી, પરંતુ કૉંગ્રેસને એક પણ બેઠક મળી નહીં.

અમેઠી હવે સુરક્ષિત નથી?

રાહુલ ગાંધી આ પહેલાં માત્ર અમેઠીથી ચૂંટણી લડતા હતા. રાહુલ ગાંધી ત્રણ વખતથી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના સાંસદ રહ્યા છે.

એવા સમાચાર છે કે અમેઠીથી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને ટક્કર આપી રહ્યા છે. તે ઉપરાંત મેનકા ગાંધી સુલ્તાનપુરથી ચૂંટણી લડ્યા બાદ અમેઠી પર પણ તેની અસર થઈ શકે છે.

આ જોઈને જ રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

ઇંદિરા અને સોનિયા પણ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે.

એવું નથી કે કૉંગ્રેસના ટોચના નેતાઓ પહેલી વખત એક સાથે બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ઇંદિરા ગાંધી 1978માં કર્ણાટકની ચિકમંગલૂર બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી જીત્યાં હતાં.

જ્યારે સોનિયાએ 1999માં કર્ણાટકની બેલ્લારી બેઠક પર જીત મેળવી હતી. તેમણે સુષમા સ્વરાજને હરાવ્યાં હતાં.

બે બેઠકો પર ચૂંટણી લડવામાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ ગણી શકાય છે. તેઓ પણ 2014માં વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા.

તેમણે બંને બેઠકો પર જીત હાંસલ કરી હતી. જોકે, બાદમાં તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક પસંદ કરી હતી.

હવે કૉંગ્રેસ એ પ્રયત્નમાં છે રાહુલ ગાંધી બંને બેઠકો પર જીતે. અમેઠીમાં રાહુલ ગાંધીની સીધી ટક્કર ભાજપના સ્મૃતિ ઈરાની સાથે છે.

જ્યારે વાયનાડમાં કૉંગ્રેસના ગઠબંધનવાળા પક્ષ યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રંટનો સામનો લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રંટ સાથે છે. આ બંને બેઠકો પર રાહુલ ગાંધી જીતે અને કઈ બેઠક રાખશે એ તો સમય જ કહેશે.

જો કે અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલ અમેઠીની બેઠક ભવિષ્યમાં પોતાનાં બહેન પ્રિયંકા ગાંધીને આપી શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો