You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું સૌરાષ્ટ્રમાં ભાજપ પાટીદાર ફૅક્ટરને કોળી, આહીર તથા અન્ય OBC મતો દ્વારા અટકાવી શકશે?
- લેેખક, જગદીશ આચાર્ય
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં પાટીદાર, ઓબીસી તથા દલિત આંદોલનથી ચિંતિત ભાજપે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પ્રતિષ્ઠિત ગાંધીનગર બેઠકથી ઉતાર્યા છે.
પાટીદાર આંદોલનને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. અહીં ભાજપની મુખ્ય સ્પર્ધા કૉંગ્રેસ સાથે છે.
'જો અને તો'ની શક્યતાને ધ્યાને લેતા બન્ને પક્ષોએ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારો નક્કી કર્યા છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત કોળી, આહીર અને રાજપૂત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જ્યારે કચ્છની બેઠક ઉપર મુસ્લિમોનું પ્રભુત્વ છે.
ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે ગુજરાતની તમામ 26માંથી 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના 'હોમ સ્ટેટ'માં આ વખતે પાર્ટી માટે 'પ્રતિષ્ઠાનો પ્રશ્ન' છે.
સુરેન્દ્રનગરમાં કોળી મતદાર
સૌરાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ત્રણ દાયકાથી કોળી અને પાટીદાર સમાજનો દબદબો રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના વડા ડૉ. હરેશ ઝાલા કહે છે:
"રાજકીય રીતે પાટીદાર, કોળી અને આહીર જેવી જ્ઞાતિઓનાં પ્રભુત્વનું કારણ એમની મોટી સંખ્યા હોવા ઉપરાંત આ સમાજોની રાજકીય જાગૃતિ પણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પર 39 ટકા કોળી મતદારો છે. એક જ મત વિસ્તારમાં આટલી મોટી સંખ્યા હોઈ કોઈ પક્ષ એની અવગણના ન કરી શકે."
"એટલે જ એ બેઠક પર બન્ને પક્ષોને કોળી ઉમેદવારને જ ટિકિટ આપવી પડે છે."
ડૉ. ઝાલાએ સૌરાષ્ટ્રના સમાજ જીવનમાં આ જ્ઞાતિઓના સ્થાન, પ્રદાન અને પ્રભુત્વ વિશે સંશોધન કર્યું છે અને આ વિસ્તાર હેઠળ આવતી બેઠકોનું જ્ઞાતિ આધારિત આંકડાકીય પૃથક્કરણ કર્યું છે.
સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કૉંગ્રેસે સોમાભાઈ પટેલને, જ્યારે ભાજપે ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે.
ભાવનગરની બેઠક પર ભાજપે કોળી સમાજના ડૉ. ભારતીબહેન શિયાળને ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.
આ બેઠક પર પણ 5.25 લાખ, એટલે કે કુલ મતદારોના 30 ટકા મતદારો કોળી છે, જ્યારે 12 ટકા સાથે પાટીદાર સમાજ બીજા ક્રમે છે.
જૂનાગઢમાં પણ 3.50 લાખ એટલે કે એ બેઠકના 19.55 ટકા મતદારો કોળી સમાજના અને 12 ટકા પાટીદાર સમાજના છે.
જૂનાગઢની બેઠક ઉપર ભાજપના રાજેશ ચૂડાસમા અને કૉંગ્રેસના પૂંજાભાઈ વંશને ટિકિટ આપી છે.
તા. 23મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે તા. 23મી મેના રોજ પરિણામ જાહેર થશે.
આ વિશે વધુ વાંચો
પાટીદારોનું પ્રભુત્વ
રાજકોટની બેઠક પર 25 ટકા, અમરેલીની બેઠક પર પણ 25 ટકા અને પોરબંદરની બેઠક પર 16 ટકા મતદારો પાટીદાર સમાજના છે અને એ ત્રણે બેઠકો પર પાટીદાર વિરુદ્ધ પાટીદારનો જંગ છે.
રાજકોટની બેઠક પરથી ભાજપે મોહનભાઈ કુંડારિયાને ઉતાર્યા છે, તેમની સામે ટંકારાની બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ઉતારવામાં આવ્યા છે.
કુંડારિયા અને કગથરા કડવા પાટીદાર સમાજના છે.
અમરેલીની બેઠક પરથી કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે, તેમની સામે ભાજપના નારણભાઈ કાછડિયા છે.
પોરબંદરની બેઠક ઉપર કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કર્યું ત્યારે વસોયા તેમની સાથે જોડાયેલા હતા. તેમની સામે ભાજપે રમેશભાઈ ધડુકને મેદાને ઉતાર્યા છે.
ધાનાણી, કાછડિયા, વસોયા તથા ધડુક લેઉઆ પાટીદાર સમાજના છે.
આ ત્રણેય બેઠકો પર બીજા ક્રમે કોળી મતદારો છે. એટલે કે એકંદરે પાટીદાર અને કોળી સમાજ આ બેઠકો પર નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે.
રાજકોટ ભાજપના અગ્રણી ધનસુખ ભંડારીના કહેવા પ્રમાણે, "પાટીદાર સમાજ ભાજપ સાથે જ છે."
"હાર્દિક પટેલે કૉંગ્રેસ જોઇન કર્યા પછી તેનો અસલી ચહેરો સામે આવી ગયો છે. તેણે પાટીદાર સમાજનું સમર્થન ગુમાવી દીધું છે."
કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને માટે દસ ટકા અનામત અને ગરીબ ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
જેના કારણે ભાજપને આશા છે કે પાટીદાર સમાજ ફરી એક વખત પાર્ટી તરફ વળશે.
આહીરોની બેઠક
જામનગરની બેઠક પર 15.80 ટકા મતદારોમાં પાટીદાર મતદારો સહુથી વધારે છે, પણ આહીર સમાજને સૌરાષ્ટ્રમાં બીજી એક પણ બેઠક મળતી ન હોવાથી આ બેઠક આહીર સમાજને ફાળે ગઈ છે.
અહીં આહીર સમાજના 11 ટકા મતદારો છે, પણ આ બેઠકનું ભાવિ તો 15 ટકા પાટીદાર મતદારો અને 11 ટકા મુસ્લિમ મતદારોના જ હાથમાં છે.
આ બેઠક પરથી ભાજપે આહીર સમાજનાં પૂનમબહેન માડમને ફરીથી ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે.
કચ્છની એક બેઠક એવી છે કે જેમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર 3.50 લાખ એટલે કે 22 ટકા મુસ્લિમ મતદારો છે.
દલિત, પાટીદાર અને આહીર સમાજ મળીને 31 ટકા મતદારો આ બેઠકનું ભાવિ નક્કી કરશે.
મુસ્લિમ બહુમતીવાળી કચ્છ બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે.
આહીર-કોળી નેતા ભાજપમાં
ધારાસભાનાં પરિણામો બાદ ભાજપે પાટીદારોના વિકલ્પે દિગ્ગજ નેતાઓ મારફત ઓબીસી જ્ઞાતિઓ તરફ નજર દોડાવી હતી.
ભાજપના અધ્યક્ષ શાહ 'હોમ સ્ટેટ' ગુજરાતના જ્ઞાતિ-જાતિનાં સમીકરણ, ચૂંટણી વ્યૂહરચના અને પ્રચારઅભિયાન ઉપર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે.
કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના કોળી મતદાતાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે.
વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસની ટિકિટ ઉપર જસદણથી ધારાસભ્ય બનેલા બાવળિયાએ ગત વર્ષે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો.
હાલમાં તેઓ ભાજપના ધારાસભ્ય છે.
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ધ્રાંગધ્રાની બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બનેલા કોળી નેતા પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે.
આ બેઠક ઉપર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે સાબરિયાને જ ટિકિટ આપી છે.
આ સિવાય ચોટીલાની બેઠક પરથી કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને પણ ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે.
બાવળિયા, સાબરિયા અને ચૌહાણ મારફત ભાજપે સુરેન્દ્રનગર અને રાજકોટમાં કોળી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
આવી જ રીતે માણાવદરની બેઠક ઉપરથી કૉંગ્રેસ ધારાસભ્ય બનેલા જવાહર ચાવડાની ગણતરી આ વિસ્તારના દિગ્ગજ આહીર નેતાઓમાં થાય છે. ગત મહિને તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
લોકસભાની ચૂંટણીની સાથે માણાવદર બેઠક પરથી પણ પેટાચૂંટણી યોજાશે. આ બેઠક ઉપરથી ભાજપે ચાવડાને જ મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં બાવળિયા અને ચાવડાને પ્રવેશની સાથે જ કૅબિનેટકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
ભાજપે જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી ધારાસભ્ય વલ્લભ ધારવિયાને પાર્ટીમાં સામેલ કરીને ભાજપે એક લાખ જેટલા સતવારા સમાજના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
ધારવિયા અગાઉ ભાજપમાં જ હતા, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસની ટિકિટ ઉપર લડી હતી.
પાર્ટીમાં જોડાતી વખતે તેમણે આગામી ચૂંટણી નહીં લડવાની અને ભાજપને મજબૂત કરવા માટે પ્રયાસ કરવાની જાહેરાત કરી હતી.
આ સિવાય જામનગરના ક્ષત્રિય ધારાસભ્ય હકુભાને પ્રધાનપદ આપ્યું છે.
વિધાનસભાનાં પરિણામ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 30 બેઠકો મળી હતી.
જૂનાગઢ સંસદીય બેઠક હેઠળની ધારાસભાની તમામ સાત બેઠકો, અમરેલીની સાતમાંથી પાંચ અને સુરેન્દ્રનગરની સાતમાંથી છ બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો હતો.
સ્વાભાવિક રીતે જ આ ત્રણ બેઠક માટે કૉંગ્રેસ સકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે.
ભાવનગરની સાતમાંથી છ બેઠકો પર કમલ ખીલ્યું હતું. પોરબંદરમાં ચાર બેઠકો ભાજપને અને બે બેઠક કૉંગ્રેસને મળી હતી.
જ્યારે કુતિયાણાની બેઠક ઉપર એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજાનો વિજય થયો હતો.
જામનગર સંસદીય બેઠક હેઠળની ધારાસભાની ત્રણ બેઠક ભાજપ અને ચાર બેઠક કૉંગ્રેસે કબજે કરી હતી.
કચ્છ અને રાજકોટ બન્નેમાં ભાજપને ચાર અને કૉંગ્રેસને ત્રણ બેઠક મળી હતી.
ભાજપ, કૉંગ્રેસ અને મતદાતા
ભંડેરીના કહેવા પ્રમાણે, "ગુજરાત ફરી એક વખત નરેન્દ્રભાઈને વડા પ્રધાનપદે બેસાડવા માગે છે."
"કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ગરીબો, ખેડૂતો તથા છેવાડાના માનવીની સુખાકારીના મુદે અમે લોકો પાસે સમર્થન માગીએ છીએ."
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધનાણી માને છે, "2014ની ચૂંટણી અસામાન્ય સંજોગોમાં લડાઈ હતી. યુપીએ સરકાર સામે શાસનવિરોધી લાગણી હતી."
"નરેન્દ્રભાઈની તરફેણમાં જુવાળ હતો. આજે એ પરિબળો નથી."
"નોટબંધી, જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ)ને કારણે વેપારીઓમાં, પાકવીમા અને ઓછા ભાવના કારણે ખેડૂતોમાં તથા બેરોજગારીને કારણે યુવામાં આક્રોશ છે. પાર્ટી ન્યાય (ન્યૂનતમ આય યોજના)ને લઈને જનતાની વચ્ચે જશે."
ભાજપ અને કૉંગ્રેસે તમામ આઠ બેઠકો ઉપર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજકીય વિશ્લેષક મનસુખભાઈ જોશીના કહેવા અનુસાર, "પાટીદાર સમાજ અને ખેડૂતોએ 2017ની ધારાસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો."
સૌરાષ્ટ્રના રાજકારણમાં એ એક મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પૉઇન્ટ હતો."
"એ જ ટ્રૅન્ડ જો ચાલુ રહે તો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને નુકસાન જવાની શકયતા નકારી શકાય નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો