રેશમા પટેલ, 'પાસમાં હાર્દિક પટેલની પુરુષવાદી માનસિકતાનો સામનો કરવો પડ્યો'

    • લેેખક, મયુરિકા માયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

માણાવદરની વિધાનસભા અને પોરબંદરની લોકસભા બેઠક પરથી ઉમેદવારી બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં પૂર્વ નેતા રેશમા પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે.

15 માર્ચ, 2019ના રોજ બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને રેશમા પટેલે ભાજપ સાથે વિધિવત્ રીતે છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી હતી.

રેશમા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ટિકિટ પર માણાવદરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે.

તા. 23મી એપ્રિલે પેટાચૂંટણી અને લોકસભાની ચૂંટણીનું મતદાન થશે, ત્યારે તેમનું રાજકીય ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ જશે.

'હાર્દિક પટેલની પુરુષપ્રધાન માનસિકતા'

રેશમા કહે છે, "મારી અને હાર્દિક વચ્ચે મતભેદ રહ્યા હતા. તેમની પુરુષપ્રધાન માનસિકતાનો સામનો કરવો પડ્યો હતો."

"પાસના ઘણા કન્વીનરોને પણ આ વાતની જાણ છે."

"મહિલા નેતા તરીકે આગળ વધવામાં પુરુષપ્રધાન માનસિકતા ચોક્કસ નડતી હતી. એ વખતે હાર્દિકે મીડિયામાં ખૂલીને બોલવા અંગે મને ટોકી હતી."

"રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ મારો મુખ્ય મુદ્દો છે. તેમની પાસેથી કામ લેવામાં આવે છે, પણ ટિકિટ નથી અપાતી. મારે લોકોનાં પ્રતિનિધિ તરીકે ચૂંટાવું છે."

હાર્દિક પટેલના જેલવાસ દરમિયાન રેશમાએ પાસમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને તેમની હાકલથી પાટીદારો તેમના સમર્થનમાં આવવા લાગ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

પાટીદારો વચ્ચે પૉપ્યુલર

2015 દરમિયાન પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, ત્યારે ક્યારેક તેઓ પબ્લિક મિટિંગમાં પણ જતાં હતાં.

હાર્દિકને જેલ થઈ એ પછી પાટીદાર અનામત આંદોલન ઠંડું પડી ગયું હતું.

જાન્યુઆરી 2016 દરમિયાન ગાંધીઆશ્રમ ખાતે રેશમા પટેલે હાર્દિક પટેલની મુક્તિ માટે ઉપવાસ કર્યા હતા.

21 દિવસ તેમણે ઉપવાસ કર્યા અને તેમની હાલત કથળવા લાગી.

એ વખતે જેરામ પટેલે મધ્યસ્થી કરી અને રેશમા પટેલને પારણાં કરાવ્યાં હતાં. આમ પહેલી વાર તેઓ મીડિયામાં સ્થાન પામ્યાં.

2 જાન્યુઆરી, 2016ના રોજ જેલમાં બંધ હાર્દિક પટેલ સહિતના પાટીદાર યુવાનોને છોડાવવા પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો.

એ સમયે તેઓ 12 દિવસ ઉપવાસ ઉપર બેઠાં હતાં.

31 દિવસ જેલવાસ

રેશમા કહે છે, "આંદોલન દરમિયાન 31 દિવસ સાબરમતી જેલમાં હતી. હું ક્રિમિનલ મહિલાઓ સાથે રહી હતી."

"ત્યાંની મહિલાઓની કરુણતા મને ખૂબ સ્પર્શી હતી."

"ત્યાં ચરસ-ગાંજો, દારૂ વેચતી અને મર્ડરની આરોપી મહિલાઓ પણ હતી."

"એક વાર જેલમાં ગયા પછી મહિલાઓને પસ્તાવો થાય તો પણ તેઓ 'ક્રિમિનલ' તરીકે જ ઓળખાય છે."

"ત્યાં સામાજિક પરિસ્થિતિઓનો આઈનો જોવા મળ્યો."

"એ બધાની કથાઓ સાંભળતી અને મને લાગતું કે આ મારા જીવનનો અમૂલ્ય અનુભવ છે. સમય આવ્યે તેના પર પુસ્તક લખવાનો વિચાર છે."

ભાજપ પાસેથી શીખી વ્યૂહરચના

રેશમા કહે છે, "રાજકીય જીવનમાં મોટી ભૂલ કરી હોય તો એ ભાજપમાં જોડાયાની ગણું છું."

"અલબત્ત, તેમાં રહીને મને માઇક્રો-પ્લાનિંગ શીખવા મળ્યું છે. આ સિવાય અન્યોના અનુભવોમાંથી પણ શીખવું અગત્યનું છે."

"મહત્ત્વાકાંક્ષા વગર કોઈ ક્યાંય નથી પહોંચી શકતું. નીતિ સાથે મહત્ત્વાકાંક્ષા રાખવી એ ખૂબ અગત્યનું છે."

'રેશમા હારી જશે તો શું કરશે?' એના જવાબમાં તેઓ જણાવે છે, "હારીશ તો પણ હું રાજકારણમાં ટકી રહીશ. હું આને કોઈ સેવાકાર્ય નથી કહેતી, પરંતુ મારા વિઝન માટે સતત કામ કરતી જ રહીશ."

"મારાં નક્કી કરેલા વિસ્તારોમાં કામ ચાલુ રાખીશ. રાજનેતાની ફરજ અને લોકનેતાના ધર્મને નિભાવીશ."

રેશમા હાલના સમયમાં મમતા બેનરજી, માયાવતીને પ્રેરણાસ્રોત તરીકે જુએ છું. આ સિવાય તેઓ જયલલિતા, ઇંદિરા ગાંધી અને ઝાંસીની રાણીથી પણ પ્રભાવિત છે.

ભાજપ સાથે ભાંજગડ

રેશમા કહે છે, "ભાજપમાં જોડાવા માટે વડીલ નેતાઓ ઘણા સમયથી કહેતા હતા. જ્યારે પાસની છેલ્લી મિટિંગ સરકાર સાથે થઈ હતી, ત્યારે સરકારે કેટલાક મુદ્દાઓનો નિકાલ લાવવાની તૈયારી બતાવી હતી."

"પાસમાં મારું પ્રતિનિધિત્વ નહોતું અને સમાજ માટે ભાજપે કેટલાંક વચનો આપ્યાં હતાં, એટલે હું ભાજપમાં જોડાઈ હતી."

પૈસા માટે ભાજપમાં જોડાયા હોવાની વાતને રેશમા નકારે છે અને કહે છે કે પાર્ટીમાં તેમને 'માર્કેટિંગના સાધન' તરીકે ઉપયોગમાં લેવાતાં.

છેલ્લા છ મહિનાથી રેશમા પટેલ ભાજપથી નારાજ હતાં અને પાર્ટી સામેની નારાજગી વારંવાર મીડિયા સમક્ષ અને જાહેરમાં વ્યક્ત કરી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

પિતા દ્વારા માતાની હત્યા

રેશમા મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામનાં વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે.

તેમનો જન્મ મોસાળમાં ઉપલેટાની બાજુના વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે.

રેશમાના જણાવ્યા અનુસાર, "મમ્મી-પપ્પા બંને સરકારી સ્કૂલમાં શિક્ષક હતાં, પણ મને પૅમ્પર કરીને મોટી નથી કરી."

"હા, તેમણે મારી જરૂરિયાતો ચોક્કસ પૂરી કરી છે. મારા બે ભાઈ છે, જે મારાથી નાના છે."

2006માં 22 વર્ષની ઉંમરે રેશમાના પિતાએ માતાની હત્યા કરી, જેમાં તેમને જેલની સજા પણ થઈ.

આપને આ પણ વાંચવું ગમશે

પર્સનલ લાઇફમાં રેશમા

રેશમા કહે છે, "2006માં આંતરજ્ઞાતીય લગ્ન કર્યું. 2010માં પુત્રી વૃંદા અને પુત્ર વંશ એમ ટ્વીન્સની માતા બની."

2013માં બાળકોને સાથે રાખીને રેશમાએ છૂટાછેડા લઈ લીધા.

એ દિવસોને યાદ કરતાં રેશમા કહે છે કે બાળકો આશરે ત્રણ વર્ષનાં હતાં. એ વખતે ઘણી તકલીફો પડી હતી.

"મારી પાસે આર્થિક સગવડો નહોતી. બાળકોને સાથે રાખીને નોકરી કરી, પરંતુ હું એમને પ્રૉટેક્શન અને સારું ઍજ્યુકેશન આપી શકવા સક્ષમ નહોતી."

છેવટે બાળકોની જવાબદારી તેમના પિતા ઉપર જવાબદારી આપવાની નક્કી કરી.

મૉડલિંગ અને નોકરી કર્યાં

રેશમાએ જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ કરી હતી.

આ સિવાય એક તબક્કે મૉડલિંગ પણ કર્યું હતું.

તેઓ કહે છે, "હવે બાળકો સાથે સમય પસાર કરું છું. વડોદરામાં તેમને મહિને એક વાર મળું છું."

"અત્યારે મને મારાં બાળકોની ચિંતા એટલા માટે નથી રહેતી, કારણ કે હું તેમની સાથે સતત સંપર્કમાં રહું છું."

"મમ્મા, તું ટીવીમાં આટલી બૂમો ના પાડ તારું ગળું દુખી જશે. બાળકોની આવી ચિંતા આનંદદાયી છે."

"સફળ માતા બનવાનું મારું સપનું છે. મારાં બાળકો મારા નામથી ઓળખાય અને તેમને માતાની કમી ક્યારેય ન રહે એટલો સમય હું તેમને આપવા પ્રયત્ન કરું છું. તેમને ખૂબ પ્રેમ કરું છું."

પટેલ, પોરબંદર અને માણાવદર

રેશમા પટેલે પોરબંદરની લોકસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ બેઠક ઉપર તેમની સામે કૉંગ્રેસની ટિકિટ ઉપર પાસના પૂર્વ સંયોજક લલિત વસોયા છે.

એક સમયે કડવા પાટીદાર રેશમા તથા લેઉઆ પાટીદાર વસોયાએ મળીને પાટીદાર અનામત માટે લડત ચલાવી હતી, આજે બંને સામસામે છે.

વસોયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "દેશમાં લોકશાહી છે, વ્યક્તિ ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડી શકે છે."

અહીં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આહીર નેતા જવાહર ચાવડા અને કૉંગ્રેસના અરવિંદભાઈ લાડાણી મેદાનમાં છે.

રેશમાએ માણાવદરનાં ગામડાંઓમાં સમાજના લોકો તથા સરપંચોને મળવાનું અભિયાન શરૂ કરી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો