ધર્મસંસદ : બે કાર્યક્રમ, એકસમાન ગંભીર આરોપ છતાં બે રાજ્યોમાં કાર્યવાહીમાં અંતર શા માટે?

    • લેેખક, અલીશાન જાફરી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ડિસેમ્બર-2021માં યોજાયેલી બે ધર્મ સંસદોમાં દેશના કેટલાક હિન્દુ સંતોએ મુસલમાનોના નરસંહારનું આહ્વાન કર્યું હતું. એ પૈકીની એક ધર્મ સંસદ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) શાસિત ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજવામાં આવી હતી, જ્યારે બીજી કૉંગ્રેસ શાસિત છત્તીસગઢના રાયપુરમાં યોજવામાં આવી હતી.

હરિદ્વારની ધર્મ સંસદની સમગ્ર વિશ્વમાં ઝાટકણી કાઢવામાં આવી, તેના આયોજકો અને વક્તાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી, પણ છત્તીસગઢમાં આયોજિત ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરનાર એક સંતની ધરપકડ સિવાય બીજું કશું થયું નહીં કે તેના આયોજન બાબતે હરિદ્વાર જેવી ચર્ચા પણ થઈ નહીં.

રાયપુરની ધર્મ સંસદમાં મુસ્લિમ મહિલાઓ સાથે યૌન હિંસા સાથે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હિંસાનું આહ્વાન હરિદ્વાર જેવું જ હતું.

રાયપુરની ધર્મ સંસદમાં સ્વામી કાલીચરણે મહાત્મા ગાંધી વિશે અપમાનજનક વાતો કહી હતી અને ધાર્મિક લઘુમતી પ્રત્યે નફરત પેદા કરતા શબ્દોનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમની 'હેટ સ્પીચ'નો વીડિયો 26 ડિસેમ્બરે વાઇરલ થયો ત્યારે છત્તીસગઢ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમની સામે રાજદ્રોહ ઉપરાંત આઇપીસીની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

તે કાર્યક્રમોના બીજા વીડિયો પણ બીબીસીના ધ્યાનમાં આવ્યા છે. તેમાં ધર્મ સંસદના અન્ય વક્તાઓ પણ મુસલમાનો વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણીજનક વાતો કરતા જોવા મળે છે.

વિરોધ પક્ષના ઘણા નેતાઓ તથા અનેક સામાજિક કાર્યકરોએ હિંસાનું આહ્વાન કરનારાઓ પ્રત્યે 'પોલીસનું વલણ ઢીલું હોવાના અને રાજ્ય સરકાર તેમને સંરક્ષણ આપતી હોવાના' આક્ષેપ કર્યા છે.

રાયપુરના પોલીસ વડા પ્રશાંત અગ્રવાલનું કહેવું છે કે પોલીસને ધર્મ સંસદના વક્તાઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી. તેથી પોલીસે 'હેટ સ્પીચ' મામલે કોઈ કાર્યવાહી કરી નથી.

હિંસાનાં અનેક આહ્વાન

રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કેટલાક વક્તાઓ તથા આયોજક હરિદ્વારની ધર્મ સંસદ સાથે પણ સંકળાયેલા હતા. એ પૈકીના એક વક્તા પ્રબોધાનંદ ગિરિ હતા. તેઓ જૂના અખાડાના વગદાર ધાર્મિક નેતા છે.

હરિદ્વારની ધર્મ સંસદમાં આપવામાં આવેલી 'હેટ સ્પીચ' માટે જેમની ધરપકડ કરવામાં આવી છે તે યતિ નરસિંહાનંદના મુખ્ય સંરક્ષકોમાં પ્રબોધાનંદ ગિરિ મુખ્ય છે. પ્રબોધાનંદ ગિરિએ હરિદ્વારની ધર્મ સંસદમાં ભારતીય મુસલમાનોનો 'મ્યાંમાર જેવો વંશીય નરસંહાર' કરવાનું આહ્વાન કર્યું હતું.

નરસિંહાનંદ અને પ્રબોધાનંદના ગુરુ સ્વામી નારાયણ ગિરિ છે, જે જૂના અખાડાના પ્રવક્તા પણ છે. નરસિંહાનંદ સાથેના એક વીડિયોમાં તેઓ એવું કહેતા જોવા મળે છે કે જૂના અખાડા નરસિંહાનંદ તથા હરિદ્વારની ધર્મ સંસદને ટેકો આપે છે.

યતિ નરસિંહાનંદને જૂના અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં પણ નારાયણ ગિરિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

એક તરફ ધર્મ સંસદમાં સામેલ મોટાભાગના સંતોએ મુસલમાનો તથા ખ્રિસ્તીઓ વિરુદ્ધ કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં અને બીજી તરફ એક મહિલા સંતે મુસ્લિમ મહિલાઓ સાથે યૌન હિંસા કરવા હિન્દુ પુરુષોને ઉશ્કેર્યા હતા. સાધ્વી વિભાએ મુસ્લિમ મહિલાઓને બંધક બનાવીને તેમનું યૌન શોષણ કરવાનું આહ્વાન હિન્દુ પુરુષોને કર્યું હતું.

સરગુજાની ઘટના

સરગુજા જિલ્લામાં ઑક્ટોબર, 2021માં યોજાયેલી 'ધર્માંતરણ રોકો' મંચની અન્ય રેલીમાં રામવિચાર નેતામ તથા નંદકુમાર સાઈ જેવા ભાજપના જાણીતા નેતાઓએ ભાગ લીધો હતો.

એ દરમિયાન, રાયપુરની ધર્મ સંસદના મુખ્ય વક્તાઓ પૈકીના એક સ્વામી પરમાત્માનંદે કથિત રીતે બળજબરીથી કરાયેલા ધર્માંતરણમાં સામેલ લઘુમતીઓને નિશાન બનાવીને તેમની હત્યાનું આહ્વાન કર્યું હતું.

હિન્દુત્વના સેંકડો સમર્થકોને સંબોધતાં પરમાત્માનંદે તેમને લઘુમતી સમાજના લોકોનું 'ગળું કાપી નાખવા' ઉશ્કેર્યા હતા.

એ પછી ધનુષ્ય-બાણ અને ભાલા જેવાં શસ્ત્રોથી સજ્જ લોકોએ ત્યાં તસવીરો ક્લિક કરાવી હતી. અગાઉ તેમણે ભીડ દ્વારા કરવામાં આવતી હિંસાને ગૌરક્ષાના નામે વાજબી ઠરાવી હતી.

એ જ રીતે રાયપુરના કાર્યક્રમમાં તેમણે 'આઝાદીની લડાઈની માફક ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની લડાઈ' જીતવાનું આહ્વાન તેમના અનુયાયીઓને કર્યું હતું.

‘ખુલ્લેઆમ હિંસાની છૂટ’

આ વક્તાઓ સામે પોલીસે શું કાર્યવાહી કરી છે એ જાણવા માટે બીબીસીએ સરગુજાના પોલીસ વડા અમિત કાંબલેની મુલાકાત લીધી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહી કરી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોલીસ આવા કિસ્સામાં જાતે પગલાં લે તો વિવાદ સર્જાઈ શકે છે, કારણ કે કોઈએ પણ આ મુદ્દા પર ધ્યાન આપ્યું નથી.

શું લોકોનું ધ્યાન એ તરફ ખેંચાશે ત્યારે જ પોલીસ દોષી લોકો સામે કાર્યવાહી કરશે, એવા બીબીસીના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે "નહીં. અમે મીડિયાના અહેવાલોના આધારે કોઈ કાર્યવાહી કરતા નથી. અમને કોઈ ફરિયાદ પણ મળી નથી."

પોલીસને આ વીડિયો વિશેની માહિતી મળી છે કે કેમ, એવા સવાલના જવાબમાં કાંબલેએ કહ્યું હતું કે "અમને વીડિયો પણ મીડિયા મારફત જ મળ્યા છે. તેથી અમારે તેની સચ્ચાઈની તપાસ કરવી પડશે."

એ વીડિયો ત્રણ મહિના પહેલાંના છે અને ફેસબુક પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.

તેથી તેમાં ઘાલમેલની ભાગ્યે જ કોઈ શક્યતા છે, એવું બીબીસીએ યાદ અપાવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે પોલીસ આ બાબતે તલસ્પર્શી તપાસ કરશે અને પુરાવાના આધારે જ કાર્યવાહી કરશે.

રાયપુરના પોલીસ વડા પ્રશાંત અગ્રવાલે પણ સરગુજાના પોલીસ વડાના શબ્દોનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસને ધર્મ સંસદના વક્તાઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી. તેથી પોલીસ જાતે કોઈ કાર્યવાહી કરશે નહીં.

છત્તીસગઢના વિખ્યાત વકીલ સંજય હેગડેએ 'હેટ સ્પીચ' સંબંધે છત્તીસગઢ પોલીસની તપાસ બાબતે સવાલ ઉઠાવ્યા છે.

સંજય હેગડેએ કહ્યું હતું કે "કોઈ પણ તપાસ શરૂ કરતા પહેલાં પોલીસ એફઆઈઆર નોંધતી હોય છે. એફઆઈઆર નોંધ્યા વિના તપાસની વાતો કરવી એ વાસ્તવિક પરિસ્થિતિ બાબતે હકીકત જણાવવાથી બચવા જેવું છે. બીજી વાત - કોઈએ ફરિયાદ ભલે ન નોંધાવી હોય, અપરાધની શ્રેણીમાં આવતી આવી હેટ સ્પીચ સંબંધે કાર્યવાહી કરવાની પોલીસની ફરજ છે."

‘ઘટનાને ગાંધીજીના અપમાન પૂરતી સીમિત કરી નાખી’

હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ સંખ્યાબંધ ટ્વીટ મારફત આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમવિરોધી હિંસાના આહ્વાનને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. તેમણે છત્તીસગઢની કૉંગ્રેસ સરકાર પર 'બહુમતી ઉગ્રવાદીઓનું સમર્થન કરવાનો' આક્ષેપ પણ કર્યો હતો.

ઓવૈસીએ બીબીસીને કહ્યું હતું કે "એક તરફ ઉત્તરાખંડમાં કૉંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે તેઓ સત્તા પર આવશે તો નરસંહાર માટે ઉશ્કેરનારાઓને સજા અપાવશે, જ્યારે બીજી તરફ છત્તીસગઢની કૉંગ્રેસ સરકાર મુસ્લિમ મહિલાઓ સાથે યૌન હિંસા અને મુસલમાનોની સામૂહિક હત્યા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર વક્તાઓને પકડી પાડવામાં નિષ્ફળ રહી છે."

ઓવૈસીએ ઉમેર્યું હતું કે "છત્તીસગઢના સંતોએ સંખ્યાબંધ નિવેદનો કર્યાં હતાં, પરંતુ પોલીસ માત્ર એકની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને મહાત્મા ગાંધી પૂરતી મર્યાદિત કરી નાખવામાં આવી છે. મહાત્મા ગાંધી જીવતા હોત તો તેમણે પોતાના ચરિત્રહનન કરતાં વધુ ચિંતા લઘુમતીઓની જિંદગીની કરી હોત."

બીજી તરફ આ ઘટનામાં 'પક્ષપાતપૂર્ણ તપાસ' બદલ ભાજપે કૉંગ્રેસને સાણસામાં લીધી છે.

ભાજપના નેતા સચ્ચિદાનંદ ઉપાસનેએ કહ્યું હતું કે "કૉંગ્રેસ પાર્ટીએ માત્ર કાલીચરણનાં નિવેદનો વિરુદ્ધ પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરી છે. કૉંગ્રેસ સાથે જોડાયેલા વક્તાઓને તથા જેમણે કાલીચરણ જેવાં જ કે તેનાથી વધારે ગંભીર નિવેદનો કર્યાં હતાં તેમને લોકોની નજરમાંથી હઠાવી લીધા છે. માત્ર કાલીચરણ વિરુદ્ધ જ નહીં, પણ જેમણે કોઈ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવી હતી એ તમામ લોકો સામે તટસ્થ તપાસ વડે જ કાર્યવાહી કરી શકાય."

તેમણે સવાલ કર્યો હતો કે "કૉંગ્રેસી નેતાઓ ધર્મ સંસદમાં કરવામાં આવેલાં ભાષણો સાથે અસહમત હતા તો તેઓ એ કાર્યક્રમમાં સહભાગી શા માટે થયા હતા?"

કાલીચરણના ઉશ્કેરણીજનક ભાષણ પછી ધર્મ સંસદના મુખ્ય સંરક્ષક મહંત રામસુંદર દાસ કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હતા અને કાર્યક્રમથી દૂર રહ્યા હતા.

કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે કૉંગ્રેસી નેતાઓની હાજરીમાં જ અનેક 'હેટ સ્પીચ' આપવામાં આવી હતી અને દ્વેષભર્યાં ભાષણો કરતા લોકોને કોઈએ અટકાવ્યા ન હતા.

કાર્યક્રમના પૅમ્ફ્લેટમાં જણાવ્યા મુજબ, કાર્યક્રમનો મુખ્ય એજન્ડા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા બાબતે ચર્ચા કરવાનો હતો.

કાલીચરણના ગાંધીજી વિરુદ્ધના નિવેદનની અને અન્ય વક્તાઓના મુસ્લિમવિરોધી નફરતભર્યાં ભાષણોની તમે ટીકા કરો છો કે કેમ, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રામસુંદર દાસે કહ્યું હતું કે "તમારે આ સવાલ હરિદ્વાર અને રાયપુરના કાર્યક્રમોના વક્તાઓને પૂછવો જોઈએ. હું તો માત્ર મારી વાત કરી શકું."

ભાજપના આક્ષેપો સામે કૉંગ્રેસના નેતાઓએ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપ પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો.

છત્તીસગઢ કૉંગ્રેસના નેતા આર. પી. સિંહે કહ્યું હતું કે "ભાજપ પાસે કોઈ પુરાવો હોય તો તેઓ એફઆઈઆર શા માટે નથી નોંધાવતા. કોઈ કાયદો પોતાના હાથમાં લેશે તો છત્તીસગઢ સરકાર તેને છોડશે નહીં."

કૉંગ્રેસનાં નેતા અલકા લાંબાએ ભાજપ પર ચૂંટણી પહેલાં ધાર્મિક લાગણી ભ઼ડકાવવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે "નફરત ફેલાવતા લોકોને પીઠબળ આપીને ભાજપ તંગદિલી પેદા કરવાના પ્રયાસ કરી રહી છે તે સ્પષ્ટ છે."

તેમણે ઉમેર્યું હતું કે "હેટ સ્પીચ આપનારને સજા મળે એવું કાલીચરણના હમદર્દ શા માટે ઇચ્છે?"

ખુદને યતિ નરસિંહાનંદના સમર્થક ગણાવતા વિકાસ સહરાવત દ્વારા આપવામાં આવેલી ધમકીનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. અલકા લાંબાની ફરિયાદ પછી સહરાવતે કેટલોક સમય જેલમાં રહેવું પડ્યું હતું.

છત્તીસગઢના કવર્ધામાં તાજેતરમાં જ હેટ સ્પીચના અનેક વીડિયો બહાર આવ્યા છે. તેમાં મોટાભાગે મુસ્લિમવિરોધી હિંસક નિવેદનો છે.

સરગુજાના સેંકડો ગ્રામવાસીઓનો એક વીડિયો જાન્યુઆરી-2021માં બહાર આવ્યો હતો, જેમાં તેઓ મુસ્લિમોના બહિષ્કારના સોગંદ લેતા જોવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો