એ સાત કારણો જે વિશ્વમાં કૂદકેને ભૂસકે વધતી મોંઘવારી માટે જવાબદાર છે

    • લેેખક, બૅથ ટિમિન્સ અને ડેનિયલ થૉમસ
    • પદ, બીબીસી ન્યૂઝ

કરિયાણાની ખરીદીથી લઈને આપણા ઘરની વીજળી સુધી, સમગ્ર વિશ્વમાં જીવનનિર્વાહનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.

વૈશ્વિક ફુગાવાનો દર 2008 પછી સૌથી વધુ છે. અહીં તેનાં કેટલાંક કારણો રજૂ કરાઈ રહ્યા છે.

1. ગૅસ અને પેટ્રોલના ભાવમાં વધારો

મહામારીની શરૂઆતમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ એ બાદથી માગમાં વધારો જ થયો છે અને એ વધીને સાત વર્ષની ટોચ પર પહોંચ્યી ગયો છે.

યુએસમાં હાલમાં ગૅસોલિનની સરેરાશ કિંમત 3.31 ડૉલર પ્રતિ ગૅલન છે - જે એક વર્ષ અગાઉ 2.39 ડૉલર હતી. યુરોપમાં પણ આ જ સ્થિતિ છે.

ગૅસના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે યુરોપ-અમેરિકામાં સામાન્ય લોકોને પોષાય નહીં એવાં સૅન્ટ્રલ હિટિંગ બિલ આવી રહ્યાં છે.

ગત વર્ષે યુરોપમાં શિયાળામાં આકરી ઠંડી પડી અને એશિયામાંથી એને મળતાં ગૅસની માગ વધી, એટલે સ્વાભાવિક રીતે જ ભાવવધારો થયો. વળી ગૅસના ભંડારોમાં પણ ઘટાડો થયો.

2. ઉત્પાદની અછત

મહામારી દરમિયાન રોજિંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન ઘરમાં અટવાયેલા લોકોએ રેસ્ટોરાં કે રજાઓ ગાળવા બહાર ન જવાતાં ઘરેલુ સામાન અને ઘર-સુધારણાઓ પર ભાર મૂક્યો.

એશિયામાં કોરોના-પ્રતિબંધોને કારણે ઘણા ઉત્પાદકોને 'શટડાઉન'નો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે માગ અને પુરવઠાને જાળવી રાખવા માટે સંઘર્ષ ચાલ્યો, જે હજુ પણ ચાલુ છે.

'શટડાઉન'ના કારણે પ્લાસ્ટિક, કૉંક્રિટ અને સ્ટીલ જેવી સામગ્રીની અછત સર્જાઈ છે, જેના કારણે કિંમતોમાં વધારો થયો.

યુકેમાં વર્ષ 2021માં લાકડાની કિંમત સામાન્ય કરતાં 80 ટકા જેટલી વધી ગઈ હતી અને યુએસમાં તેની કિંમત સામાન્ય કરતાં બમણી થઈ ગઈ હતી.

આમાં મુખ્ય યુએસ રિટેલર્સ 'નાઇકી' અને 'કૉસ્ટકો'એ સપ્લાય ચેઇનના ભારે ખર્ચને પગલે ભાવમાં વધારો કર્યો છે.

વિશ્વમાં આ દરમિયાન માઇક્રોચિપની અછત પણ સર્જાઈ છે. માઇક્રોચિપ કાર, કમ્પ્યુટર અને અન્ય ઘરગથ્થુ સામાનમાં મહત્ત્વના ઘટક તરીકે કામ લાગે છે.

3. શિપિંગ ખર્ચ

વિશ્વભરમાં માલસામાનની હેરફેર કરતી વૈશ્વિક શિપિંગ કંપનીઓ મહામારી પછી વધેલી માંગને પહોંચી વળવા અસમર્થ બની છે.

તેનો અર્થ એ છે કે રિટેલરોને તે માલ સ્ટોર્સમાં લાવવા માટે ઘણી વધુ ચૂકવણી કરવી પડે છે. પરિણામે, ભાવવધારાનો બોજ ગ્રાહકો ઉપર આવે છે.

એશિયાથી યુરોપમાં 40 ફૂટનું એક કન્ટેનર મોકલવા માટે હાલમાં 17,000 ડૉલર (12,480 પાઉન્ડ)નો ખર્ચ થાય છે, જે અગાઉના વર્ષ કરતાં 10 ગણો વધુ છે, જ્યારે તે 1,500 ડૉલર (1,101 પાઉન્ડ) હતો.

સાથે જ હવાઈ ભાડામાં વધારો થયો છે અને યુરોપમાં લૉરી ડ્રાઇવરની અછતને કારણે સ્થિતિ વધુ વણસી છે.

યુએસ તેનાં બંદરો પર રેકૉર્ડ ભીડની સ્થિતિ સર્જાઈ છે જે ડિસેમ્બરમાં હળવી થતી દેખાઈ છે.

પરંતુ ઓમિક્રૉન અને ભાવિ કોવિડ વૅરિયન્ટ્સનો ઉદભવ આ સ્થિતિને ઉલટાવી શકે છે.

4. મજૂરીમાં વધારો

મહામારી દરમિયાન ઘણા લોકોએ કામ છોડી દીધું અથવા નોકરી બદલી નાખી હતી.

શ્રમ વિભાગના જણાવ્યા અનુસાર યુએસમાં, એપ્રિલમાં 40 લાખથી વધુ લોકોએ તેમની નોકરી છોડી દીધી જે એક રેકૉર્ડ છે.

પરિણામે, કંપનીઓને ડ્રાઇવરો, ફૂડ પ્રોસેસર અને રેસ્ટોરાં વેઇટર જેવા સ્ટાફની ભરતી કરવામાં સમસ્યા આવી રહી છે.

યુએસના 50 મોટા રિટેલરોના સર્વેક્ષણે સૂચવ્યું હતું કે 94%ને ખાલી જગ્યાઓ ભરવામાં મુશ્કેલી આવી રહી છે.

પરિણામે કંપનીઓને કર્મચારીઓને આકર્ષવા અને જાળવી રાખવા માટે વેતન અથવા સાઈનિંગ બોનસ ઑફર કરવું પડે છે. મેકડૉનાલ્ડ્સ અને ઍમેઝોન 200 થી 1,000 ડૉલર સુધીના હાયરિંગ બોનસ ઑફર કરે છે.

કર્મચારીઓ પાછળના વધારાના ખર્ચ અંતે તો ગ્રાહકોને માથે જ આવે છે. કાપડની વૈશ્વિક બ્રાન્ડ નેક્સ્ટે 2022 માટે આયોજિત ભાવવધારા પાછળ આંશિક રીતે વધતા વેતન ખર્ચને જવાબદાર ઠેરવ્યો છે.

5. આબોહવાની અસર

વિશ્વના ઘણા ભાગોમાં આત્યંતિક હવામાન ફુગાવામાં ફાળો આપે છે.

મેક્સિકોના અખાતમાંથી પસાર થતા વાવાઝોડા ઇડા અને નિકોલસે યુએસ ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા સાથે વૈશ્વિક તેલ પુરવઠાને અસર પહોંચાડી હતી.

અને ગયા વર્ષે ટેક્સાસમાં ભારે શિયાળુ વાવાઝોડાનાં પગલે મોટી ફેક્ટરીઓ બંધ થતા માઇક્રોચિપ્સની માંગને પહોંચી વળવાની સમસ્યાઓ સર્જાઈ હતી.

વિશ્વના સૌથી મોટા કૉફી ઉત્પાદક બ્રાઝિલમાં લગભગ એક સદીના સૌથી ગંભીર દુષ્કાળને કારણે પાક નબળો પડવાથી કૉફીની કિંમતમાં પણ વધારો થયો છે.

6. વેપારમાં અવરોધો

વધુ મોંઘી આયાત પણ ભાવવધારા પાછળનું એક પરિબળ છે. બ્રૅક્ઝિટ પછીના નવા ટ્રેડિંગ નિયમોને કારણે 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇયુમાંથી યુકેમાં લગભગ એક ક્વાર્ટર સુધીની આયાતમાં ઘટાડો થયો હોવાનો અંદાજ છે.

આ વર્ષે યુરોપની મુલાકાત લેનારા યુકેના ઘણા પ્રવાસીઓને રોમિંગ ચાર્જ પરત કરવામાં આવી રહ્યા છે.

અલગથી, ચીની ચીજવસ્તુઓ પર યુએસ આયાત ટેરિફને પગલે યુએસના ગ્રાહકોને ઊંચા ભાવમાં વસ્તુઓ મળી રહી છે.

ચીનની ટેલિકોમ કંપની ખ્વાવેએ ગયા વર્ષે કહ્યું હતું કે 2019 માં યુએસ દ્વારા કંપની પર લાદવામાં આવેલા પ્રતિબંધો યુએસ સપ્લાયર્સ અને વૈશ્વિક ગ્રાહકોને અસર કરી રહ્યા છે.

7. મહામારીમાં સહયોગ બંધ

દુનિયાભરમાં અનેક દેશોની સરકારોએ કોરોનાની અસર સામે ટકી રહેવા ઉદ્યોગો અને વ્યવસાયોને અપાતી મદદ પાછી ખેંચી લીધી છે.

મહામારી દરમિયાન દુનિયાભરમાં જાહેર ખર્ચ અને ધિરાણનું પ્રમાણ વધ્યું છે. જેનાથી ટૅક્સમાં પણ ઉછાળો આવ્યો છે અને પરિણામસ્વરૂપે લોકો માટે જીવનનિર્વાહનો ખર્ચ વધ્યો છે, એ પણ ત્યારે જ્યારે તેમના પગાર યથાવત છે.

કેટલાંક વિકસિત અર્થતંત્રોએ મજૂરોની સુરક્ષા માટે ફર્લો અને નિમ્ન વેતન ધરાવતા લોકોના રક્ષણ માટે કલ્યાણકારી નીતિઓ બનાવી છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ સૂચવે છે કે જ્યારે આ સહયોગ પાછો ખેંચી લેવાશે તો આ નીતિઓને કારણે ફુગાવો હજુ વધી શકે છે .

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો