You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : ગોરખપુરથી યોગી આદિત્યનાથે ઉમેદવારીપત્રક ભર્યું, અમિત શાહ હાજર રહ્યા
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ગોરખપુરથી ઉમેદવારીપત્રક ભર્યું છે. આ દરમિયાન તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.
રાજ્યમાં 10 ફેબ્રુઆરીએ યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ચાર ફેબ્રુઆરથી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રશાસનિક રીતે પણ આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.
યોગી આદિત્યનાથની ઉમેદવારીના કારણે ગોરખપુર શહેરની બેઠક ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક બની ગઈ છે.
ગોરખપુરને યોગી આદિત્યનાથનો ગઢ ગણવામાં આવે છે. વર્ષ 1998થી 2017 સુધી યોગી આદિત્યનાથ અહીંના સાંસદ રહ્યા હતા.
ગોરખપુરસ્થિત ગોરખનાથ મઠના પ્રમુખ હોવાના લીધે આ વિસ્તારમાં તેમનો ભારે પ્રભાવ છે.
વળી, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠકો પૈકીની એક છે.
વર્ષ 1991થી વર્ષ 2014 સુધી તમામ વિરોધી માહોલમાં પણ પૂર્વાંચલમાં જે એક બેઠક હંમેશાં ભાજપની ઝોળીમાં આવી, એ ગોરખપુર જ છે.
યોગી આદિત્યનાથને આ બેઠક પરથી આઝાદ સમાજ પાર્ટીના સંસ્થાપક ચંદ્રશેખર પડકારી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતની ચૂંટણી એ માટે પણ રસપ્રદ રહેશે કે મુખ્ય મંત્રીપદના બન્ને મોટા દાવેદારો પોતપોતાની પાર્ટીના ગઢમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરની બેઠક પરથી તો અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી.
ભાજપ 300નો આંક પાર કરશે : અમિત શાહ
યોગી આદિત્યનાથના ઉમેદવારીપત્રક પહેલાં આયોજિત ભાજપની રેલીને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ આ વખતે 300નો આંકડો પાર કરી લેશે.
જનસભાને સંબોધતાં તેમણે કહ્યું, "મારી સાથે બોલો કે ભાજપ આ વખતે 300નો આંક પાર કરી રહ્યો છે."
અમિત શાહે કહ્યું કે ભાજપ આ વખતે ફરીથી ઇતિહાસ રચશે. "2014, 2017 અને 2019માં લોકોએ મોદીજીના નેતૃત્વમાં વિકાસનો રસ્તો અપનાવ્યો હતો."
"અમે આ ઐતિહાસિક નિર્ણય કરીને ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે કે અમે 300 બેઠકો પાર કરીશું."
તેમણે ઉમેર્યું, "મને અહીંનો પ્રભારી બનાવાયો તો લોકો કહેતા હતા કે ભાજપ ડબલ ડિજિટ પાર નહીં કરી શકે અને થયું એવું કે વિપક્ષ ડબલ ડિજિટ પર પહોંચી ગયો."
"ઉત્તર પ્રદેશ કે જે માફિયાઓ માટે જાણીતું હતું, યોગીજીના રાજમાં માફિયા ખુદ પોલીસની સામે સરેન્ડર કરી રહ્યા છે."
"આજે માફિયા ત્રણ જગ્યાઓ પર જોવા મળે છે - જેલમાં, રાજ્યની બહાર કે સપાના ધારાસભ્યોની યાદીમાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો