બેરોજગારી : ભારતના રોજગાર સંકટને કારણે શું એક આખી પેઢી હતાશામાં છે?

    • લેેખક, ક્રેગ જેફરી અને જેન ડાયસન
    • પદ, મેલબર્ન યુનિવર્સિટી

2022ના બજેટમાં કરાયેલી જાહેરાતો એવું દર્શાવે છે કે આગામી પાંચ વર્ષમાં 60 લાખ લોકો માટે રોજગારી ઊભી કરવાનું ભારતનું લક્ષ્ય છે.

આ જોતાં, જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં બેરોજગારીનો દર મોટા ભાગે ઊભરતી અર્થવ્યવસ્થા કરતાં ઊંચો રહ્યો છે ત્યારે, આ લક્ષ્ય હાંસલ કરવું સરળ નહીં હોય.

વર્ષ 2000ના દાયકાના મઘ્યની વાત છે, મેરઠની એક કૉલેજના વિદ્યાર્થીઓનો એક સમૂહ મજાકમાં પોતાને આશાહીન પેઢી તરીકે ઓળખાવતો હતો.

સરકારી નોકરી મેળવવામાં પ્રયત્નશીલ આ જૂથના વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ પોતાનાં ગ્રામીણ ઘરપરિવાર અને શહેરનાં સપનાં વચ્ચે ક્યાંક અટવાઈ ગયેલા છે. વિદ્યાર્થીઓ કહે છે કે “અમારી જિંદગી તો બસ ટાઇમપાસ જેવી થઈ ગઈ છે.”

તાજેતરનાં બે અઠવાડિયાંમાં ભારતમાં રોજગારની સમસ્યા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

મીડિયા અને લોકોનું ધ્યાન પણ બેરોજગાર યુવાઓ તરફ ફરી એક વાર ખેંચાયું છે.

એવા લાખો યુવાનો જેઓ પોતાના શિક્ષણથી ઘણા નીચલા સ્તરે કામ કરે છે, તેઓ ભારતના વિકાસની કહાણીને પડકાર ફેંકે છે.

2000ના દાયકાના મધ્યમાં બેરોજગારીની જે સમસ્યા જોવા મળતી હતી તે એ સમયગાળા કરતાં આજે ક્યાંય વધી ગઈ છે. એક બાજુ બેરોજગારીની સમસ્યા વધતી દેખાય છે, તો બીજી તરફ મીડિયાની હેડલાઇન્સ જોરદાર દેખાડા અને નેતાઓના ભાષણની વચ્ચે ક્યાંક ઝૂલતી દેખાય છે.

પરંતુ જો ધ્યાનથી બેરોજગાર યુવાનો માટે સ્ટીરિયોટાઇપ વાતો અવગણીને જોઈએ તો આપણે કહી શકીએ કે આખરે ભારતના યુવા રોજિંદા સ્તરે શું કરે છે?

તેઓ પોતાનો સમય કઈ રીતે વિતાવે છે? સમાજ સાથે એમનો સંબંધ કેવો છે? અને તેઓ કઈ રીતે ભારતને બદલી રહ્યા છે?

બેરોજગાર યુવાઓને મળે છે અનેક પ્રકારની હતાશા

છેલ્લાં 25 વર્ષોમાં અમે બેરોજગાર યુવાઓના અનુભવ અને કામકાજને વિશે રિસર્ચ કર્યું છે.

આ રિસર્ચ ઉત્તર પ્રદેશના મેરઠ અને ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના 18થી 35 વર્ષના યુવાઓ વચ્ચે જઈને કામ કરીને તૈયાર કર્યું છે.

પરિણામોમાં એમને સામાજિક પીડાની અતિશયતા જોવા મળી છે.

બેરોજગાર યુવાઓને ઘણા પ્રકારની હતાશાનો સામનો કરવો પડે છે, એમને નાણાકીય મુશ્કેલીઓ છે, પોતાના પરિવારની અપેક્ષાઓને તેઓ પૂરી નથી કરી શકતા, ક્યારેક એમની સાથેનાં વર્તનમાં સન્માનની ઊણપ જોવા મળે છે અને તેમના લગ્ન માટે પણ અડચણ ઊભી થતી જોવા મળે છે.

પુરુષો પાસે જો સ્થાયી નોકરી ના હોય તો એમને નીચા આંકવામાં આવે છે.

એમણે એમનો અભ્યાસ અને જૉબ શોધવામાં જેટલો સમય વેડફ્યો એ વિશે તેઓ હીણપતની લાગણી અનુભવે છે.

સાથે જ, નોકરી નાગરિકતા સાથે પણ જોડાયેલી છે. ઘણા બધા એવા લોકો છે જેઓ કિશોર વયે જ એવું વિચારે છે કે સરકારી નોકરી કરીને તેઓ દેશની સેવા કરશે, જેને મેળવવી અતિ મુશ્કેલ થઈ ગઈ છે.

એવું પણ જોવા મળે કે ઘણા બેરોજગાર, ખાસ કરીને પુરુષના સ્વભાવમાં ફેરફાર આવે છે, એમનામાં ચીડિયાપણું આવી જાય છે.

તેઓ પોતાના માટે જણાવે છે કે તેઓ ‘કશું નથી કરતા’ અથવા ટાઇમપાસ કરે છે. એવું લાગે છે કે પોતાને આશાવિહીન કહેનારી આ પેઢી બધી જગાએ છે.

પરંતુ 'કશું નથી કરતા' એવી વાત કરનારા બેરોજગાર યુવાઓને માત્ર એવી રીતે ના જોઈ શકાય કે તેઓ કશું નથી કરતા.

ભારતની સિવિલ સોસાયટીનો આધાર છે યુવા

રોજિંદા કામકાજમાં યુવાઓ રસપૂર્વક જોડાય છે. તેઓ કંઈ ને કંઈ કામ શોધી લે છે. એવું જરૂરી નથી કે એ કામ હાઈ ક્વૉલિટીનું હોય કે એમાં આ યુવાઓની બધી કુશળતાનો ઉપયોગ થાય, પરંતુ એ સાચું કે એનાથી એ યુવાઓનું કામ થઈ જાય છે.

એ પણ ખાસ વાત છે કે બેરોજગાર યુવા પોતાના સમુદાય માટે ઘણું બધું કરી રહ્યા છે. સમાજનો આ વર્ગ ભારતની સિવિલ સોસાયટીનો મુખ્ય આધાર બની ગયો છે.

આવા યુવા મોટા ભાગે સામાજિક પરિવર્તનના માધ્યમ તરીકે કામ કરે છે. તેઓ પોતાનાં ગામ–કસબામાં બીજાઓ માટે વૉલેન્ટિયર કે સહાયક તરીકે કામ કરે છે.

આ યુવા બીજાઓને કહે છે કે સરકારી સેવાઓનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. ટેકનૉલૉજી, માઇક્રોક્રેડિટ, ધર્મકર્મ સાથે સંકળાયેલાં કાર્યો, પર્યાવરણની જાળવણી અને વિકાસ સાથે સંકળાયેલા નવા આઇડિયા આ યુવાઓ સર્ક્યુલેટ કરે છે.

ક્યારેક-ક્યારેક એમનાં વિરોધપ્રદર્શન પણ જોવા મળે છે, પરંતુ એમનો મોટા ભાગનો સમય રાજકારણથી દૂર, સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સંકળાયેલો હોય છે. તેઓ પોતાના વિસ્તારમાં સ્કૂલ અને શિક્ષક ઇચ્છે છે.

ઘણા બેરોજગાર યુવાઓએ અમને એક વાત જણાવી કે ભલે તેઓ પોતાની જાતને મદદ ના કરી શકતા હોય, પરંતુ તેઓ પોતાની આવનારી પેઢીને મદદ કરી શકે એમ છે.

એવી પેઢી જે હજુ બાળક છે, કિશોર છે અને પોતાના એજ્યુકેશન અને કરિયર માટે વિકલ્પ શોધી રહ્યા છે – નક્કી કરી રહ્યા છે અને એમનો પરિવાર એમને સમજાવવામાં પૂર્ણપણે સફળ નથી. આવી પેઢી માટે આ 18થી 35 વર્ષના બેરોજગાર યુવા ‘વચ્ચેની પેઢી’ બની જાય છે.

અહીં જે યુવાઓની સ્થિતિ દર્શાવાઈ રહી છે એનો એ મતલબ નથી કે બેરોજગારીને 'સારી રીતે' રજૂ કરાઈ રહી છે.

એનો અર્થ એ છે કે દેશના જુદા-જુદા ખૂણે રહેનારા બેરોજગાર યુવાઓની ઊર્જાને દર્શાવવી, જેમને ભારતની વસ્તી માટે ઊર્જાના કેન્દ્ર સમાન સમજી શકાય એમ છે.

આ બેરોજગાર યુવા ભારત અને દુનિયાના ભવિષ્ય માટે ઘણા મહત્ત્વના છે.

નીતિનિર્ધારકોને પણ સવાલ પૂછવાનો છે કે યુવાઓના આ સમુદાયને બહારનાં સંગઠનો દ્વારા કઈ રીતે સપૉર્ટ આપી શકાય એમ છે?

કદાચ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના (મનરેગા)નું વિસ્તરણ કરીને આ યુવા અત્યારે જે રીતે સામુદાયિક સેવા કરે છે એમને પણ એમાં સામેલ કરાય અને એક સંગઠિત માળખું તૈયાર કરીને એમને પણ તક આપી શકાય એમ છે.

એવી પદ્ધતિ પણ શોધી શકાય એમ છે કે, બેરોજગાર યુવાનોને એમની સ્કીલ સાથે માન્યતા આપી શકાય અને એમને કામ મળી શકે.

એક વાત તો સ્પષ્ટ છે કે, યુવા તો તક માટે બેતાબ છે.

(ક્રેગ જેફરી અને જેન ડાયસન મેલબર્ન યુનિવર્સિટીમાં હ્યુમન ભૂગોળ ભણાવે છે. અને, જેફરી ભારત પર લખાયેલાં અનેક પુસ્તકોના લેખક છે. જેમાં 'ટાઇમપાસ : યૂથ, ક્લાસ ઍન્ડ ધ પૉલિટિક્સ ઑફ વેટિંગ ઇન ઇન્ડિયા' સામેલ છે. ડાયસન 'વર્કિંગ ચાઇલ્ડ હૂડ : યૂથ, એજન્સી ઍન્ડ ધ અન્વાયર્નમેન્ટ ઈન ઇન્ડિયા'ના લેખક છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો