સુરત આપ : જ્યાંથી ગુજરાતના રાજકારણમાં ખાતું ખોલાવ્યું તે સુરતના આપ કૉર્પોરેટરો ભાજપમાં કેમ જોડાયા?

ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં યોજાયેલી નગરપાલિકા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો મેળવીને મુખ્ય વિપક્ષ બનીને ગુજરાતના રાજકારણમાં બધાને ચોંકાવનારી આમ આદમી પાર્ટીના પાંચ નારાજ કૉર્પોરેટરો શુક્રવારે ગુજરાત ભાજપમાં સામેલ થઈ ગયા છે.

નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કૉંગ્રેસ બાદ ગુજરાતીઓ માટે પોતાને ત્રીજો વિકલ્પ ગણાવતી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ગાયક કલાકાર વિજય સુવાળાએ પણ થોડા દિવસ પહેલાં ભાજપમાં જોડાઈને આપને ઝાટકો આપ્યો હતો.

જો સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 કૉર્પોરેટરોના વિજય બાદ તેની ઉજવણી માટે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા હતા.

સુરતમાં હાલ વૉર્ડ નં. બેનાં કૉર્પોરેટર ભાવના સોલંકી, વૉર્ડ નંબર ત્રણનાં ઋતા કાકડિયા, વૉર્ડ નંબર પાંચનાં મનીષા કુકડિયા, વૉર્ડ નંબર આઠનાં જ્યોતિકા લાઠીયા અને વૉર્ડ નંબર 16ના વિપુલ મોવલિયાએ આપમાંથી રાજીનામાં આપીને ભાજપનો હાથ પકડ્યો હતો.

આ પ્રસંગે જ તેમની સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હોવાની વાત કરાઈ હતી.

કેમ નારાજ હતા કૉર્પોરેટર?

આપથી છેડો ફાડી ભાજપ સાથે જોડાયેલા કૉર્પોરેટરો પૈકી એક કૉર્પોરેટરે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની નારાજગીનાં કારણો અંગે વાત કરતાં કહ્યું હતું કે, “પક્ષ ભલે કોઈ પણ હોય અમે કામ કરવા માટે રાજકારણમાં જોડાયા હતા. પરંતુ આપમાં અમને કામ કરવાની સ્વતંત્રતા નહોતી."

"અને અમારા પર દબાણ કરવામાં આવતું. બધી વાતો માટે પરવાનગી માગવી પડતી. જ્યારે અમે આ બાબતે અમારી નારાજગી વ્યક્ત કરી ત્યારે અમારા પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ન હોવા છતાં અમારા પર પૈસા લેવાનો આરોપ મૂકવામાં આવ્યો."

"જેથી અમે નાછૂટકે કંટાળીને આ પગલું ભર્યું છે. અમારે ભાજપ હોય કે આપ જનતાનાં કામ કરવાં છે તેથી અમે આ નિર્ણય લીધો છે."

આ અંગે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપના રાજકારણ અને તેની કાર્યશૈલી અંગે પ્રહાર કરતાં કહ્યું હતું કે, "આપ એ દેશને તોડનારું રાજકારણ કરે છે અને તે અરાજકતા ફેલાવવાની કોશિશ કરે છે."

" દેશવિરોધી તત્ત્વોને સાથ આપીને લોકોને ભ્રમિત કરીને પોતાની સાથે લાવવાના પ્રયાસ કરે છે. ત્યાં વિચારોની સ્વતંત્રતા નથી. તેથી જ આ કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા છે."

આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

ગુજરાત આપના નેતાઓ શું બોલ્યા?

સુરત કૉર્પોરેશનના કેટલાક કૉર્પોરેટર અને કાર્યકર્તા ભાજપમાં જોડાતાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "ભાજપ આમ આદમી પાર્ટીથી ગભરાઈ ગયો છે. તેના કારણે તેઓ પૈસાના જોરે ભ્રષ્ટ થઈ શકે તેવા લોકોને તેઓ પોતાની સાથે જોડી રહ્યા છે. આ પાંચ કૉર્પોરેટરોને પૈસાની લાલચ આપીને તેમણે ખરીદ્યા છે."

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "માત્ર બે ચાર પાંદડાં ખરી જવાથી વૃક્ષ ધરાશાયી થતું નથી. આમ આદમી પાર્ટીરૂપી વૃક્ષનાં મૂળ ઊંડાં છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓના ઇમાનદારીના પૈસા અને મહેનતથી ચાલતી પાર્ટી છે."

"તેનામાં ભ્રષ્ટ અને લાલચુ લોકો માટે જગ્યા નથી તેથી જેમણે રાજીનામાં આપ્યાં કે પક્ષપલટો કર્યો તે ગયા તે જ સારું થયું. આ પક્ષના અંદરની સફાઈનું અમારું કામ ઓછું કરવા કરતાં વધુ કંઈ નથી. આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં અત્યંત ઉજ્જવળ છે."

ગોપાલ ઇટાલિયાએ પક્ષપલટો કરનારા કૉર્પોરેટરો પર આરોપ કરતાં કહ્યું હતું કે, "તેમને ભ્રષ્ટાચાર ન કરવા દીધો તેથી તેઓ ભાજપમાં જોડાયા, ભાજપ આપથી ગભરાઈ ગયો છે. તેથી પૈસાની લાલચ આપીને વેચાઈ શકે તેવા લોકોને ટાર્ગેટ કરીને ખરીદી રહ્યો છે."

તેમણે વધુમાં જણાવ્યું કે આપના પાંચ કૉર્પોરેટરોના ભાજપમાં સામેલ થવાથી સુરત કે ગુજરાતમાં પાર્ટીને કોઈ ફેર નહીં પડે અને સત્યનો વિજય થશે.

આમ આદમી પાર્ટીનું સંકટ?

આ અગાઉ સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેમણે રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

આમ, મોટા ચહેરાથી માંડીને નાના કાર્યકર્તાઓ સુધી હાલ ગુજરાતમાં નવો વિકલ્પ બનવા માટે નીકળેલી આમ આદમી પાર્ટી મુસીબતમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે.

હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આપના નેતૃત્વનું આ ધોવાણ ભાજપ કે કૉંગ્રેસ કોઈને લાભ કરાવે કે નહીં પરંતુ આમ આદમી પાર્ટીને નુકસાન કરાવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો