વિજય સુવાળા બાદ આમ આદમી પાર્ટી સાથે મહેશ સવાણીએ પણ છેડો ફાડ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 24 કલાકમાં બીજો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ વિજય સુવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી એના ગણતરીના કલાકોમાં જ આપના નેતા મહેશ સવાણીએ પણ પાર્ટીને અલવિદા કહી દીધી છે.

તાજેતરમાં જ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાના રાજીનામા સહિતની માગો સાથે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરનારા મહેશ સવાણીએ પત્રકારપરિષદમાં પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું, "હું સેવાનો માણસ છું. મારે સમાજસેવા કે જે મારું કામ હતું એ જ કરવું જોઈએ. હવે હું આમ આદમી પાર્ટીમાં નહીં રહીને, પાર્ટીનું કામ ન કરતાં સેવાનું કામ કરીશ."

પોતાની તબિયતનું કારણ આગળ ધરતાં સવાણીએ ઉમેર્યું, "પાર્ટીમાં ગયા બાદ મને લાગ્યું કે હું પરિવાર અને સેવાના કામમાં સમય નહોતો ફાળવી શકતો, એટલે હવે હું આપમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. "

વિજય સુવાળાએ આપ કેમ છોડી?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

વિજય સુવાળાએ માત્ર ચાર મહિનામાં આમ આદમી પાર્ટી છોડી દીધી છે. વિજય સુવાળા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય થઈ ગયાના સ્થામિક મીડિયાના અહેવાલો હતા.

આમ આમદી પાર્ટી કેમ છોડી અને ભાજપમાં કેમ સામેલ થયાં એ અંગે વાત કરતાં વિજય સુવાળાએ એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું :

"મારા અંગત મિત્રોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. કદાચ મારી ઉંમર નાની છે એટલે એમ સમજો કે રાતનો ભૂલો પડેલો દિવસે ઘરે આવ્યો છું."

જોકે, આમ આદમી પાર્ટી સાથે જોડાવાના નિર્ણયને પણ તેમણે સભાનતાપૂર્વકનો ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું, "મેં જે સમયે જે નિર્ણય લીધો હતો તે સમયે તે યોગ્ય જ હતો. મેં ભૂતકાળમાં જે નિર્ણય લીધો તે સભાનતામાં જ લીધો હતો."

પોતાની સાથે 5000 જેટલા કાર્યકર્તાઓ, સમર્થકો હોવાનો દાવો કરતાં વિજય સુવાળાએ કહ્યું હતું, "મેં રાજીનામાનો નિર્ણય લીધો ત્યારે 2000 કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે ભુવાજી, અમે પણ તમારી સાથે જ રાજીનામું આપીએ છીએ."

"જોકે મેં તેમને કહ્યું હતું કે હું રાજીનામું આપું તેથી તમારે રાજીનામું આપવું એવું જરૂરી નથી. પરંતુ તેઓ મારા ચાહક, મિત્રો છે એટલે મારી જોડે જ રહેશે. ઉપરાંત અમારૂં 2000 યુવાનોનું ગ્રૂપ છે."

"કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને 150 કરતાં વધુ સમર્થકોને સાથે લઈને ભાજપમાં જોડાવા માટે જઈ શકતો નથી, નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન પણ થઈ જાત."

તમેણે ઉમેર્યું હતું, "મારી સાથે લોકસેવકો અને કાર્યકર્તાઓ વગેરે બધા થઈને પાંચ હજાર લોકો છે."

'ભાજપની ફોજમાં રહેવું'

લોકગાયક વિજય સુવાળા ગત વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, એ પહેલાં તેઓ 'મોજમાં રહેવું અને ભાજપની ફોજમાં રહેવું' ગીત ગાઈ ચૂક્યા હતા.

આપમાં જોડાતી વખતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સુવાળાએ કહ્યું હતું, "લોકોનું જાગૃત રહેવું જરૂરી છે. હું એવું સમજું છું કે ગુજરાતમાં પણ લોકો જાગૃત થયા છે. યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યો છે."

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હોવાથી તેઓ આપ તરફ આકર્ષાયા હોવાનું પણ જણાવ્યું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, લોકગાયક અને ભુવાજી તરીકે જાણીતા વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરતાંની સાથે જ આપ નેતાઓ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. જોકે, તેઓ સફળ થઈ શક્યા નહોતા.

ભાજપપ્રવેશ વખતે વિજય સુવાળાએ કહ્યું હતું કે "મારી ત્રણ પેઢીથી અમે ભાજપની વિચારણા સાથે જોડાયેલા છીએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે."

અહીં એ વાત પણ નોંધવી રહી કે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આપના નેતા ઈસુદાન ગઢવીને મિત્ર અને મોટા ભાઈ ગણાવનારા સુવાળાએ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલને પિતા સમાન ગણાવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો