એ જગ્યા જ્યાં થાય છે હીરાનો વરસાદ

    • લેેખક, જેસન રિલે
    • પદ, બીબીસી અર્થ

હવામાન સામે આપણે ઘણી વખત ફરિયાદ કરતા હોઈએ છીએ. ક્યારે ઠંડી, ગરમી કે વરસાદને લઈને પણ આપણી ફરિયાદો હોય છે.

પૃથ્વી પર પૂર, દુષ્કાળ, ગરમી કે ઠંડીમાં અતિશય વધારો થાય ત્યારે આપણી ફરિયાદો જરા વાજબી પણ લાગે છે.

હવે જરા વિચારો કે જો આપણે રજાઓ માણવા એવી જગ્યાએ જઈએ કે જ્યાં 5,400 માઈલ પ્રતિકલાકની ઝડપે હવા ચાલતી હોય અથવા તાપમાન એટલું હોય કે ધાતુ પણ પીગળી જાય?

હવામાન સારું હોય કે ખરાબ એ આપણા ગ્રહની વિશેષતા કે મુશ્કેલી નથી. બીજા એવા પણ ગ્રહો છે જેને પોતાનું હવામાન છે અને તે ઘણું ભયાનક છે.

એ જગ્યા જ્યાં તાપમાન 460 ડિગ્રી સેલ્સિયસ

પાડોશી ગ્રહ શુક્રથી શરૂઆત કરીએ, જ્યાં રહેવું સૌરમંડળના બીજા કોઈ ગ્રહ કરતાં સૌથી વધારે અઘરું છે. શુક્રને બાઇબલમાં નર્ક કહેવામાં આવ્યું છે.

શુક્ર પર વાયુમંડળની મોટી સપાટી છે, જેમાં કાર્બન ડાયૉક્સાઇડ ખૂબ વધારે હોય છે. આ ગ્રહ પર વાયુમંડળનું દબાણ પૃથ્વીની સરખામણીએ 90 ગણું વધારે છે.

કાર્બન ડાયૉક્સાઇડથી ભરપૂર વાયુમંડળ સૂરજની ગરમીને વધારે ગ્રહણ કરે છે, જેના કારણે અહીં તાપમાન 460 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

હવે જો તમે શુક્ર પર પગ મૂકો તો તમે થોડી જ વારમાં ઊકળવા માંડશો. હજી પણ તમને આ સ્થિતિ વધારે તકલીફદાયક ના લાગી હોય તો જરા વરસાદ વિશે સાંભળી લો.

શુક્ર ગ્રહ પર સલ્ફ્યુરિક ઍસિડનો વરસાદ થાય છે જે અંતરિક્ષમાં ફરવા નીકળેલા કોઈ પર પ્રવાસીની ત્વચાને સળગાવી શકે છે.

શુક્રની સપાટી પર વધારે તાપમાનના કારણે ઍસિડના વરસાદનાં ટીપાં સપાટી સુધી પહોંચ્યા પહેલાં જ વરાળ બનીને ઊડી જાય છે.

આશ્ચર્યની વાત એ છે કે શુક્ર ગ્રહ પર બરફ પણ છે, પરંતુ તેની સાથે તમે ગોળા બનાવીને રમી શકતા નથી. આ શુક્રના વાયુમંડળમાં વરાળ બનીને ઊડેલી ધાતુઓના ઠંડા થવા પર બનેલા અવશેષ છે.

જ્યાં થાય છે હીરાનો વરસાદ

સૌર મંડળના બીજા કિનારે ગૅસથી બનેલા બે વિશાળ ગ્રહ છે- યૂરેનસ અને નેપ્ચ્યુન.

નેપ્ચ્યુન ધરતીથી સૌથી વધારે દૂર આવેલો ગ્રહ છે, જ્યાં તાપમાન શૂન્યથી -200 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે રહે છે.

અહીં જામેલા મિથેનનાં વાદળો ઊડે છે અને અહીં હવાઓની ગતિ સૌરમંડળના બીજા કોઈ પણ ગ્રહ કરતાં વધારે હોય છે.

નેપ્ચ્યુનની સપાટી સમથળ છે. અહીં મિથેનની સુપરસોનિક હવાઓને રોકવા માટે કંઈ પણ નથી, એટલે તેની ગતિ 1,500 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

નેપ્ચ્યુનના વાયુમંડળમાં સંઘનિત કાર્બન હોવાના કારણે ત્યાં જાવ તો તમારા પર હીરાનો વરસાદ પણ થઈ શકે છે.

જોકે, તમે ખૂબ જ કિંમતી પથ્થરોના વરસાદથી ઇજાગ્રસ્ત નહીં થાવ, કેમ કે ઠંડીના કારણે તમે પહેલાંથી જામી ગયા હશો.

ધરતી જેવું સ્થાન

ટૉમ લૉડેન વારવિક યુનિવર્સિટીમાં સંશોધન કરી રહ્યા છે. તેમની વિશેષતા અંતરિક્ષના હવામાન વૈજ્ઞાનિકના રૂપમાં છે.

બીજા ગ્રહો પર વાયુમંડળની સ્થિતિઓ વિશે સંશોધન કરવું જ તેમનું કામ છે.

તેઓ કહે છે, "ધરતી સિવાય સૌરમંડળમાં જો કોઈ જગ્યા રહેવા લાયક છે તો તે છે શુક્ર ગ્રહનું ઊપરી વાયુમંડળ છે."

"સલ્ફ્યૂરિક ઍસિડનાં વાદળો ઉપર એક એવી જગ્યા છે, જ્યાંનું દબાણ લગભગ આપણા ગ્રહ જેટલું જ છે."

"તમે તે વાતાવરણમાં શ્વાસ લઈ શકો નહીં પણ તમે કોઈ મોટા હૉટ એર બલૂન અથવા તો ધરતીની હવાથી ભરેલી બીજી કોઈ વસ્તુમાં સવાર હોવાની કલ્પના કરી શકો છો."

"જો તમારી પાસે ઑક્સિજન માસ્ક હોય તો તમે ટી-શર્ટ અને શૉર્ટ્સમાં પણ આરામથી રહી શકો છો."

આ જગ્યાનું તાપમાન પણ ધરતી પર રૂમની અંદરના તાપમાન જેટલું જ છે, એટલે કે જો તમે આ હૉટ- ઍર બલૂનમાં ઑક્સિજન માસ્ક લગાવીને બેઠા છો તો કોઈ ખતરા વગર શુક્ર ગ્રહ પર રહેવાનો અનુભવ લઈ શકો છો.

લૉડેનની વિશેષજ્ઞતા સૌરમંડળની બહારના ગ્રહો વિશે છે, ખાસ કરીને એ ખગોળીય પિંડ વિશે જેનું નામ એચડી 189733બી છે.

સૌથી ખતરનાક વાતાવરણ

પૃથ્વીથી 63 પ્રકાશ વર્ષ દૂર બ્લૂ રંગના આ આકાશીય પિંડ પર હવામાન સૌથી ખરાબ છે.

જોવામાં આ ગ્રહ સુંદર લાગી શકે છે, પણ ત્યાનું હવામાન ખૂબ જ ભયાનક છે.

ત્યાં ક્યારેય ક્યારેક 2 કિલોમિટર પ્રતિ સેકન્ડ એટલે કે 5,000 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. (ધરતી પર સૌથી તિવ્ર ગતિનું તોફાન 253 માઈલ પ્રતિકલાક માપવામાં આવ્યું છે.)

આ ગ્રહ પોતાના તારાથી આપણી સરખામણીએ 20 ગણો વધારે નજીક છે, એટલે આ ધરતી કરતાં વધારે ગરમ છે.

આ ગ્રહના વાયુમંડળનું તાપમાન 1,600 ડિગ્રી સેલ્સિયસ છે, જે પીગળેલા લાવાનું તાપમાન હોય છે.

લૉડેન કહે છે, "આપણા ગ્રહના પથ્થર ત્યાં પીગળીને તરલ અથવા ગૅસમાં પરિવર્તિત થઈ જશે."

આ ગ્રહ પર પીગળેલા કાચનો વરસાદ પણ થાય છે, કેમ કે હવા સાથે ઊડેલી રેતી (સિલિકૉન ડાયૉક્સાઇડ) ગરમીથી પીગળીને કાચમાં પરિવર્તિત થઈ જાય છે.

લૉડેનનું કહેવું છે કે ધરતીના આકાર અને દ્રવ્યમાનના ગ્રહ પણ છે કે જે નાના 'એમ ડ્વાર્ફ' અથવા 'રેડ ડ્વાર્ફ' તારાની પરિક્રમા કરે છે.

ધરતી જેવા ગ્રહ

'એમ ડ્વાર્ફ' અથવા 'રેડ ડ્વાર્ફ' તારા સૌથી નાના અને ઠંડા તારા છે અને સૌથી સામાન્ય પણ. પરંતુ તેમના ગ્રહ રહેવા લાયક છે કે નહીં, તે અલગ સવાલ છે.

ગ્રહો પર ગરમી હોય અને તેની સપાટી પર પાણી તરલ અવસ્થામાં રહે, તેના માટે જરૂરી છે કે તે પોતાના તારાની નજીક રહે.

નજીક રહેવા પર તે ગ્રહ પોતાના તારાથી એ જ રીતે જોડાઈ જાય છે, જે રીતે ચંદ્ર ધરતી સાથે જોડાયેલો છે.

તેનો મતલબ છે કે ગ્રહના એક ભાગમાં દિવસ રહેશે અને બીજા ભાગમાં હંમેશાં રાત રહેશે.

લૉડેન કહે છે, "જ્યારે તમે કમ્પ્યૂટર મૉડલ બનાવો છો તો તમે જુઓ છો કે દિવસ વાળા ભાગમાંથી હરિકેન જેવી વસ્તુઓ રાતવાળા ભાગમાં જઈ રહી છે."

દિવસવાળા ભાગનું તરલ પાણી ગરમીથી ઉડીને વાદળ બની જશે. હવા તેને વહાવીને રાતવાળા ભાગમાં લઈ જશે અને ત્યાં ઠંડીના કારણે બરફવર્ષા થશે.

તમને ગ્રહની એક તરફ રણ મળશે અને બીજી તરફ આર્કટિક. ખરેખર તો આપણા ઘર (ધરતી) જેવી બીજી કોઈ જગ્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો