You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેટી બોમન : બ્લૅક હોલની તસવીર લેવા પાછળ આ મહિલાનું ભેજું
29 વર્ષનાં એક વૈજ્ઞાનિકની પ્રસંશા થઈ રહી છે, કેમ કે તેમણે એવું અલ્ગૉરિધમ તૈયાર કરી બતાવ્યું, જેના કારણે પ્રથમવાર બ્લૅક હોલની તસવીર લઈ શકાય.
કેટી બોમને એવા કમ્પ્યૂટર પ્રોગ્રામની આગેવાની લીધી હતી, જેના કારણે આ અદ્વિતિય એવી તસવીર લેવાનું શક્ય બન્યું હતું.
પૃથ્વીથી 500 મિલિયન ટ્રિલિયન (50 કરોડ પર 12 મિંડા) દૂર ડસ્ટ અને ગૅસના ચમકદાર તેજવર્તુળની તસવીર બુધવારે જાહેર કરાઈ હતી.
ડૉ. બોમન માટે આ તસવીર તૈયાર કરવી એ અગાઉ અશક્ય ગણાતા કાર્યને શક્ય કરી બતાવવા સમાન હતી.
સિદ્ધિની આ ક્ષણથી ઉત્સાહિત થયેલા ડૉ. બોમન તેમના લેપટોપમાં આ તસવીર લોડ કરી રહ્યાં હતાં તેની તસવીરો પણ લેવાઈ હતી.
તેમણે પોતાની તસવીરની નીચે ફેસબૂકની પોસ્ટમાં લખ્યું હતું, "બ્લૅક હોલની તસવીર પ્રથમવાર લેવામાં આવી હોય અને તેનું અવતરણ થઈ રહ્યું હોય તે પ્રક્રિયા જાણે વિશ્વાસ ના બેસતો હોય તે રીતે જોઈ રહી છું."
મૅસ્સેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નૉલૉજી (એમઆઇટી)માં તેઓ ત્રણ વર્ષ પહેલાં ગ્રૅજ્યુએશન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે આ અલ્ગૉરિધમ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું.
તેમની આગેવાનીમાં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં જુદી જુદી સંસ્થાઓની ટીમ પણ સામેલ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમઆઇટીની કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લૅબોરેટરીની ટીમ, હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સની ટીમ અને એમઆઇટી હેયસ્ટેક ઑબ્ઝર્વેટરીની ટીમ પણ જોડાઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આઠ ટેલિસ્કોપ્સને એક બીજા સાથે જોડીને તૈયાર કરાયેલા ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ મારફતે બ્લૅક હોલની તસવીર લેવામાં આવી હતી. તે તસવીરને રેન્ડર કરવાનું કામ ડૉ. બોમનના અલ્ગોરિધમથી શક્ય બન્યું હતું.
તેમણે બીબીસી રેડિયો ફાઇવના 'લાઇવ' કાર્યક્રમમાં વાત કરતાં જણાવ્યું હતું, "પ્રથમવાર આ તસવીર જોઈ ત્યારે અમે બધા પણ વિશ્વાસ કરી શકતા નહોતા. તે બહુ જ જબરદસ્ત તસવીર હતી."
"અમારા નસીબજોગે હવામાન પણ સારું હતું. ઘણી રીતે અમને નસીબે સાથ આપ્યો હતો."
તસવીરને રિલીઝ કરવામાં આવી તે પછીના કલાકોમાં જ ડૉ. બોમન દુનિયાભરમાં જાણીતા થઈ ગયાં અને ટ્વિટર પર તેમનું નામ ટ્રૅન્ડ પણ થવા લાગ્યું હતું.
એમઆઇટી અને સ્મિથસોનિયન બન્નેએ સોશિયલ મીડિયા પર ડૉ. બોમનને વધાવી લીધાં હતાં.
એમઆઇટીની કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લૅબોરેટરીએ લખ્યું હતું, "3 વર્ષ પહેલાં એમઆઇટીના ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ કેટી બોમનની આગેવાનીમાં એક નવું અલ્ગૉરિધમ તૈયાર કરવાનું શરૂ થયું હતું, જેના આધારે બ્લૅક હોલની સૌપ્રથમ તસવીર તૈયાર કરી શકાય છે. આજે તે તસવીર રિલીઝ કરવામાં આવી છે."
જોકે, ડૉ. બોમન ભારપૂર્વક કહે છે કે તેમને મદદ કરનારી ટીમને પણ એટલો જ જશ આપવો જોઈએ. તેઓ હાલમાં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી ખાતે કમ્પ્યૂટિંગ અને મૅથેમેટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યાં છે.
ઍન્ટાર્ક્ટિકાથી ચીલી સુધીના વિવિધ સ્થળો પર આવેલા ટેલિસ્કોપ્સની મદદથી ઇમેજ લેવામાં આવી હતી. તે માટે 200થી વધુ વૈજ્ઞાનિકોની ટીમને કામે લગાડાઈ હતી.
તેમણે સીએનએનને જણાવ્યું હતું, "અમારામાંથી કોઈ એકથી આ કામ ના થઈ શક્યું હોત."
"જુદા જુદા બેકગ્રાઉન્ડના ઘણા બધા લોકોએ એક સાથે મળીને કામ કર્યું તેના કારણે આ શક્ય બન્યું છે."
બ્લૅક હોલ વિશે આપણે કેટલું જાણીએ છીએ?
- બહુ વિશાળ એટલે કે 40 અબજ કિલોમિટર અને પૃથ્વી કરતાં 30 લાખ ગણો મોટો બ્લૅક હોલ (કૃષ્ણ વિવર) નરી આંખે જોઈ શકાતો નથી.
- Messier 87 નામની ગૅલેક્સી (તારામંડળ)માં આ બ્લૅક હોલ આવેલું છે અને તેને 10 દિવસ સુધી સ્કેન કરવામાં આવ્યું હતું.
- પ્રોફેસર હેઇનો ફેલ્કે બીબીસીને જણાવ્યુ હતું, "આ બ્લૅક હોલ આપણા સમગ્ર સૂર્યમંડળ કરતાં પણ વિશાળ કદનું છે."
- નેધરલેન્ડ્સની રેડબોડ યુનિવર્સિટીના પ્રોફેસર ફેલ્કેએ જ આ પ્રયોગ કરવાનું સૂચવ્યું હતું.
અલ્ગૉરિધમથી તસવીર કેવી રીતે તૈયાર થઈ?
સરળ ભાષામાં વાત કરીએ તો ડૉ. બોમન અને તેમનાં સાથીઓએ શ્રેણીબદ્ધ અલ્ગૉરિધમ તૈયાર કર્યા છે, જે ટેલિસ્કોપમાંથી મળતા ડેટાને ચિત્ર રૂપે તસવીરમાં ઉપસાવી આપવાનું કામ કરે છે. એ રીતે તૈયાર થયેલી ઐતિહાસિક તસવીર દુનિયાભરના મીડિયામાં પ્રગટ થઈ હતી.
ગણિત અને કમ્પ્યૂટર વિજ્ઞાનમાં અલ્ગૉરિધમ એટલે એવી પ્રક્રિયા જે પૂર્વનિર્ધારિત નિયમો પ્રમાણે કામ કરે. સમસ્યાઓના ઉકેલ માટે નિયમો નક્કી કર્યા હોય તેને એક સેટ તરીકે ગોઠવીને કમ્પ્યૂટર કાર્યક્રમ તૈયાર થાય તે અલ્ગૉરિધમ.
કોઈ એક ટેલિસ્કોપ એટલું શક્તિશાળી નથી હોતું કે સમગ્ર બ્લૅક હોલની તસવીર ઝડપી શકે. તેથી આઠ ટેલિસ્કોપનું એક નેટવર્ક તૈયાર કર્યું હતું, જેને ઇન્ટરફેરોમેટ્રી કહે છે
દરેક ટેલિસ્કોપે મેળવેલા ડેટાને હજારો હાર્ડ ડ્રાઇવ્સમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. આ બધી હાર્ડ ડ્રાઇવ્સ અમેરિકાના બોસ્ટન અને જર્મનીના બોનમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવી હતી.
આ રીતે એકઠા થયેલા ડેટાને ડૉ. બોમને તૈયાર કરેલી પદ્ધતિ પ્રમાણે પ્રોસેસ કરવામાં આવ્યા તેના કારણે આખરે એક અનોખી તસવીર ઉપસી આવી.
ડૉ. બોમનની આગેવાનીમાં ટેસ્ટિંગ પ્રોસેસ તૈયાર થઈ હતી, જેમાં "જુદી જુદી ધારણાઓ" ધરાવતા અલ્ગૉરિધમથી ડેટાનું પ્રોસેસિંગ થયું હતું. ધારણાઓના આધારે ડેટામાંથી તસવીર દોરવાનું કામ અલ્ગોરિધમે કર્યું હતું.
દરેક અલ્ગોરિધમ કેવું પરિણામ આપે છે તેનું વિશ્લેષણ કરવા માટે ચાર જુદી જુદી ટીમો હતી.
આ ટીમના નિષ્ણાતોએ ડેટાના આધારે દોરાયેલી તસવીરો બરાબર છે કે કેમ તેને ચકાસી હતી, જેથી ખાતરી થાય કે યોગ્ય દૃશ્ય ઊભું થઈ રહ્યું છે.
ડૉ. બોમન કહે છે, "ખગોળશાસ્ત્રીઓ, ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રીઓ અને ઇજનેરોનું સંમિશ્રિત સ્વરૂપ અમે છીએ અને આ રીતે સહયોગથી કામ કરવાના કારણે જ અગાઉ જે અસંભવ મનાતું હતું તે શક્ય બન્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો