You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : આ વૃદ્ધે 11 મહિનામાં કોરોના રસીના આઠથી વધુ ડોઝ કઈ રીતે લઈ લીધા?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, એક વ્યક્તિએ છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછી આઠ વખત કોરોના રસી લીધી છે.
બિહારમાં રહેતા 65 વર્ષીય બ્રહ્મદેવ મંડલ દાવો કરે છે કે તેમણે કોરોના રસીના 11 ડોઝ લીધા છે.
નિવૃત્ત પોસ્ટમૅન બ્રહ્મદેવ કહે છે કે, "આ ડોઝ તેમના શરીરમાં થતા વિવિઘ દુઃખાવાઓથી રાહત આપતા હતા. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે તેમને અત્યાર સુધી કોઈ પ્રતિકૂળ અસર વર્તાઈ નથી."
ગત અઠવાડિયે તેમના દાવા પ્રમાણે, રસીનો 12મો ડોઝ લેવા જતી વખતે તેમને અટકાવવામાં આવ્યા હતા.
બિહારના મધેપુરા જિલ્લામાં પોતાના પરિવાર સાથે રહેતા બ્રહ્મદેવ મંડલે કઈ રીતે આટલા બધા રસીના ડોઝ લીધા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
મધેપુરા જિલ્લાના સિવિલ સર્જન ડૉ. અમરેન્દ્ર પ્રતાપ શાહીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે,”અમને પુરાવા મળ્યા છે કે તેમણે ચાર જુદી-જુદી જગ્યાઓ પરથી આઠ વખત રસી મેળવી છે.”
કઈ રીતે હાથ ધરાય છે રસીકરણની પ્રક્રિયા
ભારતમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયું ત્યારથી બે સ્વદેશી રસી કૉવિશિલ્ડ તેમજ કોવૅક્સિન, સ્પુતનિક પણ આપવામાં આવી રહી છે.
આ બન્ને રસીના બે ડોઝ લેવાના હોય છે. જે પૈકી કોવૅક્સિનનાં પ્રથમ ડોઝ બાદ ચારથી છ સપ્તાહ અને કૉવિશિલ્ડના પ્રથમ ડોઝ બાદ 12થી 16 સપ્તાહની રાહ જોવી પડતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં રસીકરણ એ મરજિયાત છે અને દેશભરમાં મોટાભાગે સરકાર દ્વારા સંચાલિત 90 હજારથી વધારે કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
આ કેન્દ્રોમાં એવા ‘વૉક-ઇન કૅમ્પ‘નો પણ સમાવેશ થાય છે. જ્યાં ઑનલાઇન રજિસ્ટ્રેશન વગર માત્ર સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા 10 પુરાવાઓ પૈકી કોઈ પણ એક પુરાવો સાથે રાખીને રસી મેળવી શકાય છે.
આ કેન્દ્રો પરથી માહિતી એકઠી કરાઈને ભારતના રસી માટેના પોર્ટલ કોવિન પર અપલોડ કરવામાં આવે છે.
કઈ જગ્યાએ સર્જાઈ ચૂક?
શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે, બ્રહ્મદેવ મંડલે એક જ દિવસમાં ’માત્ર અડધો કલાકના અંતરાળમાં’ રસીના બે ડોઝ લીધા હતા અને આ ‘બન્ને ડોઝનું રજિસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર થયું હતું.’
મધેપુરાના સિવિલ સર્જન ડૉ. શાહીના જણાવ્યા પ્રમાણે,“અમે પણ સ્તબ્ધ છીએ કે આમ કઈ રીતે થયું. આ જોતા લાગે છે કે પોર્ટલમાં કોઈ ક્ષતિ થઈ હશે. અમે તેની પણ તપાસ કરી રહ્યા છે કે આ રસીકરણ કેન્દ્ર ચલાવનારા લોકોની બેદરકારી તો નથી ને.”
જાહેર આરોગ્ય વિશેષજ્ઞ ચંદ્રકાન્ત લહેરિયાએ બીબીસીને જણાવ્યું કે, “જો કેન્દ્રો પરથી રસીકરણનો ડેટા મોડેથી પોર્ટલ પર અપલોડ થતો હોય તો જ આ પ્રકારની ઘટના થઈ શકે છે.”
“પરંતુ આ આશ્વર્યજનક છે કે, આટલા લાંબા સમયમાં આટલા બધા ડોઝ લીધા બાદ પણ તેની જાણ ન થઈ હોય.”
'પહેલા હું લાકડી વગર ચાલી નહોતો શકતો, હવે જરૂર પણ નથી પડતી'
બ્રહ્મદેવ મંડલે તેમણે લીધેલા રસીના તમામ ડોઝની તારીખ, સમય અને સ્થળ સહિતની તમામ માહિતી એક કાગળ પર લખીને રાખી છે. તેઓ દાવો કરે છે કે ફેબ્રુઆરીથી ડિસેમ્બર મહિનામાં તેમણે રસીનાં 11 ડોઝ લીધા છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, આ રસીના ડોઝ લેવા તેઓ માધેપુરા સહિત આસપાસના બે જિલ્લાઓમાં ફર્યા હતા.
કેટલાંક રસીકરણ કેન્દ્રો તો તેમના ગામથી 100 કિલોમીટર દૂર પણ હતાં. રસીકરણ કેન્દ્રો પર તેમણે પોતાના બે પુરાવાઓનો ઉપયોગ કર્યો હતો.
બ્રહ્મદેવ કહે છે કે, પોસ્ટમેન તરીકે નોકરી શરૂ કરતા પહેલા તેઓ પોતાના ગામનાં એક “અપ્રશિક્ષિત તબીબ” હતા અને તેઓ બીમારીઓ અંગે થોડું ઘણું જાણે પણ છે.
તેઓ વધુમાં કહે છે કે,“રસી લીધા બાદ મારા શરીરમાંથી દુઃખાવો મટી ગયો હતો. મને ઘૂંટણમાં દુઃખાવો હતો અને હું લાકડી વગર ચાલી શકતો ન હતો. હવે લાકડીની જરૂર પણ નથી પડતી.”
બેથી વધારે ડોઝ લીધા પછી સાઇડ ઇફેક્ટ થાય?
કોરોનાની રસી લીધા બાદ તાવ, માથામાં દુઃખાવો તેમજ બેચેની જેવી સામાન્યથી હળવી આડ અસર જોવા મળે છે. એલર્જીને લગતી ગંભીર આડ અસર જવલ્લે જ જોવા મળે છે.
ડૉ. લહેરિયાના જણાવ્યા પ્રમાણે,“આ આડ અસર માત્ર પ્રથમ અને બીજા ડોઝ વખતે જ જોવા મળે છે. આ બન્ને ડોઝ દરમિયાન જ શરીરમાં ઍન્ટીબોડી બની ગયા હોવાથી વધારે ડોઝ લીધા બાદ પણ આડ અસરની શક્યતા નહિવત્ હોય છે. કારણ કે રસીમાં એવા કોઈ ઘટકો હોતા જ નથી.”
ભારતની 65 ટકા યુવા વસતીએ રસીનાં બન્ને ડોઝ લઈ લીધા છે. જ્યારે 91 ટકા વસતીએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
બિહારમાં આ આંકડા રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછા છે. બિહારની 36 ટકા યુવા વસતી સંપૂર્ણ વૅક્સિનેટેડ છે અને 49 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો