#Covovax : સીરમ-નોવાવૅક્સની 'કોવોવૅક્સ' રસીને ઇમરજન્સી ઉપયોગ સૂચિમાં સામેલ કરાઈ, WHOની મંજૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ અમેરિકન દવા કંપની નોવાવૅક્સના લાઇસન્સ હેઠળ ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા નિર્મિત કોવિડની રસી કોવોવૅક્સને આપાતકાલીન ઉપયોગ યાદીમાં શુક્રવારે સામેલ કરી હતી.

આ રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા માન્યતાપ્રાપ્ત કોરોના રસીની સંખ્યામાં વધારો થયો છે.

નોવાવૅક્સ કંપનીની વેબસાઇટ પર પ્રકાશિત આધિકારિક નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રથમ પ્રોટીન આધારિત રસી છે જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપાતકાલીન ઉપયોગની યાદીમાં સામેલ કરી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્ણયને કોવિડ-19ની સામેની લડાઈમાં 'વધુ એક પ્રભાવશાળી' નિર્ણય ગણાવ્યો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે એક ટ્વીટ કરીને કહ્યું, ''વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપાતકાલીન ઉપયોગ સૂચિમાં કોવોવૅક્સને સામેલ કરી છે. આની સાથે કોવિડ-19 સામે WHO દ્વારા માન્યતાપ્રાપ્ત રસીમાં વધારો થશે. આ રસીનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નોવાવૅક્સના લાઇસન્સ હેઠળ કરવામાં આવ્યું છે.'

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કોવોવૅક્સનું મૂલ્યાંકન તેની આપાતકાલીન ઉપયોગ યાદી પ્રક્રિયા હેઠળ ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા, જોખમ પ્રબંધન યોજના અને ભારતના ડીસીજીઆઈ દ્વારા રસીના ઉત્પાદનના સ્થળ પર કરેલા નિરીક્ષણ સંબંધિત ડેટાની સમીક્ષાના આધાર પર કરવામાં આવ્યું છે.

એક સંયુક્ત નિવેદનમાં અમેરિકન દવા કંપની નોવાવૅક્સ અને એસઆઈઆઈએ કહ્યું છે કે સાર્સ કોવ-2નાં કારણે થનાર કોરોના વાઇરસ રોગને અટકાવવા માટે 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે રસીને મંજૂરી મળી છે.

નોવાવૅક્સ દ્વારા બ્રાન્ડ નામ 'નુવાક્સોવિડ' હેઠળ રસીના વિતરણ માટે આપાતકાલીન ઉપયોગ યાદીમાં સામેલ કરવા માટેના આવેદનની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમીક્ષા કરાઈ રહી છે.

નોવાવૅક્સના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટેનલી સી એર્કે કહ્યું, ''વિશ્વ આરોગ્ય સંસ્થાનો આજનો નિર્ણય દુનિયાભરના કરોડો લોકો માટે પ્રોટિન આધારિત કોરોનાની રસી વિશ્વના દેશો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે.''

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એસ્ટ્રાઝેનેકા સાથે મળીને પહેલાં જ 'કોવિશિલ્ડ'નું નિર્માણ કરી રહી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં પૂનાવાલાએ કહ્યું હતું કે એસઆઈઆઈ આવતા છ મહિનામાં કોવોવૅક્સની શરૂઆત કરવાની યોજના છે.

તેમણે કહ્યું હતું કે, "કોવોવૅક્સ ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સુરક્ષા આપી શકે છે, કારણ કે પરીક્ષણ દરમિયાન શાનદાર આંકડા સામે આવ્યા છે."

નોવોવૅક્સ કંપનીની વેબસાઇટ મુજબ નોવોવૅક્સ તથા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવોવૅક્સ રસી માટે ઇંડોનેશનયા તથા ફિલિપીન્સમાં આપાતકાલીન ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. વૅક્સિનને મંજૂરી આપવા અનેક સંસ્થાઓ વિચારણા કરી રહી છે

આ રસીના બે ડોઝ લેવા પડશે

એનડીટીવીના અહેવાલ મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઍક્સેસ ટુ વૅક્સિન વિભાગનાં પ્રમુખ મૅરિએંજેલા સિમાઓએ કહ્યું કે, "નવા વૅરિયન્ટ આવી રહ્યા છે છતાં વૅક્સિન જ લોકોને સાર્સ કોવ-2થી ગંભીર બીમારી તથા મૃત્યુથી બચાવવાનું સૌથી અસરકારક સાધન છે."

"ગરીબ દેશો સુધી વૅક્સિનની પહોંચ વધારવાના હેતુસર આ રસીને યાદીમાં સામેલ કરાઈ, આ દેશોમાંથી 41 દેશ એવા છે જ્યાં હજી સુધી 10 વસ્તીનું પણ રસીકરણ નથી થઈ શક્યું જ્યારે 98 દેશોમાં 40 ટકા વસ્તીનાં રસીકરણનું લક્ષ્ય હાંસલ થઈ શક્યું નથી."

કોવોવૅક્સ રસીના બે ડોઝ લેવા જરૂરી છે અને તેને સ્થિર રાખવા માટે રસીને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવી પડે છે.

ધ પ્રિન્ટના અહેવાલ મુજબ અમેરિકાના મૅરીલૅન્ડ ખાતે આવેલી નોવાવૅક્સ કંપનીની રસી કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનની નકલ પર આધારિત છે જે શરીરને વાસ્તવિક સંક્રમણ માટે તૈયાર કરે છે. ત્રણ અઠવાડિયાના અંતરે આ રસીને બે ડોઝ લેવા પડશે .

આ અહેવાલ મુજબ રેફ્રિજરેટરના તાપમાનમાં રાખી શકાતી આ રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં સરળતા રહેશે.

નોવાવૅક્સ રસી કઈ રીતે કામ કરે છે?

NVX-CoV2373 રસી પ્રોટીનઆધારિત રસી છે, જે કોરોના વાઇરસ એટલે કે SARS-CoV-2ના પ્રથમ સ્ટ્રેનના સંજીનનની મદદથી બનાવવામાં આવે છે.

કંપની કહે છે કે NVX-CoV2373માં શુદ્ધ કરેલા પ્રોટીન ઍન્ટિજન હોય છે, તેનાથી કોવિડ-19નું સંક્રમણ થતું નથી.

નોવાવૅક્સની કોરોના રસી બે ડોઝમાં આપવામાં આવે છે અને તેને રેફ્રિજરેટરના તાપમાનમાં રાખી શકાય છે.

કયા સ્ટ્રેન સામે આ રસી કેટલી સરકારક?

અગાઉ વર્ષ 2021માં જ કંપનીએ જણાવ્યું હતું કે યુકેમાં કરવામાં આવેલી ટ્રાયલમાં બહાર આવ્યું છે કે કોરોના વાઇરસના મૂળ સ્ટ્રેન સામે વૅક્સિન 96.4 ટકા અસરકારક છે અને આલ્ફા (B.1.1.7) સ્ટ્રેન સામે 86.3 ટકા અસરકારક છે. બીજા વૅરિયન્ટ સામે 89.7 ટકા અસરકારક છે.

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવૅક્સિન 78 ટકા અસરકારક છે. કોવિશિલ્ડ 90 ટકા અસરકારક છે, જ્યારે રશિયાની સ્પુતનિક વી 92 ટકા અસરકારક છે.

રસીની આડઅસર

અગાઉ કંપની દ્વારા જણાવવામાં આવેલી માહિતી મુજબ નોવાવૅક્સની રસી ફાઇઝર, મોડેર્ના કે જોહ્નસન ઍન્ડ જોહ્નસન જેવી અન્ય રસીઓ જેવી સામાન્ય આડઅસરો ધરાવે છે.

  • આ રસી લીધા બાદ ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં દુખાવો થવો, માથું દુખવું, સ્નાયુમાં દુખાવો રહેવા જેવી સામાન્ય આડઅસર થઈ શકે છે.
  • આ સિવાય કેટલાક કિસ્સાઓમાં તાવ, અશક્તિ, કળતર જેવી અસરો પણ જોવા મળી શકે છે.
  • સામાન્ય રીતે આ રસીની આડઅસર બે દિવસ સુધી જોવા મળી શકે છે.

નોવાવૅક્સ રસીની ટ્રાયલ

નોવાવૅક્સ અને એસઆઈઆઈની રસીને સમીક્ષા માટે રજૂ કરાયેલા તેના પ્રીક્લિનિકલ, ઉત્પાદન તથા ક્લિનિકલ ટ્રાયલના ડેટાના આધારે ઇમર્જન્સી યૂઝની મંજૂરી મળી છે.

આ પરીક્ષણમાં ત્રીજા તબક્કાના બે મહત્ત્વપૂર્ણ ક્લિનિકલ ટ્રાયલ સામેલ છે.

નોવાવૅક્સ અનુસાર પ્રિવેન્શન-19 નામથી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં અમેરિકા અને મેક્સિકોના આશરે 30 હજાર લોકોની પસંદગી કરવામાં આવી હતી. કોરોનાથી સૌથી વધુ અસર થઈ હોય તેવા સમુદાય અને જૂથોમાંથી વ્યક્તિઓની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી હતી.

તેનાં પરિણામ 15 ડિસમેબર 2021ના ન્યૂ ઇંગ્લૅન્ડ જરનલ ઑફ મેડિસિન (NEJM)માં પ્રકાશિત થયાં.

કંપની અનુસાર 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ અને કૉમોર્બિડિટી ધરાવતી 65 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓમાં પણ વૅક્સિનનાં સારાં પરિણામો આવ્યાં છે.

સપ્ટેમ્બર 2020માં કંપની દ્વારા પ્રથમ ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામ વિશે માહિતી આપવામાં આવી હતી. કંપની અનુસાર પ્રથમ ટ્રાયલ ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી.

માર્ચ 2021માં નોવાવૅક્સ દ્વારા બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો વિશે માહિતી આપવામાં આવી હતી.

બીજું ટ્રાયલ યુકેમાં 14 હજારથી વધારે લોકો પર હાથ ધરવામાં આવ્યું જેનાં પરિણામ 30 જૂન 2021ના NEJM માં પ્રકાશિત થયાં. બંને પરીક્ષણ મુજબ NVX-CoV2373ની અસરકારકતા ઘણી વધારે હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો