કોરોના વાઇરસ : ગુજરાતમાં આગામી ત્રણ-ચાર અઠવાડિયાં મહત્ત્વનાં એમ તબીબો કેમ કહી રહ્યા છે?

ગુજરાતમાં બુધવારે કોરોનાના 9,941 નવા કેસ નોંધાયા છે, જે પાછલા 240 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા કેસ છે.

આ સાથે જ સમગ્ર રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસો અને હૉસ્પિટલાઇઝેશન હેઠળ રહેલા દર્દીઓનો આંકડો વધ્યો છે.

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનને ટાંકીને સ્થાનિક અખબારોમાં આગામી ત્રણ-ચાર અઠવાડિયાં કોરોનાના સંક્રમણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોવાની વાત પણ લખાઈ હતી.

હવે જ્યારે કોરોનાના નવા કેસો કૂદકે ને ભૂસકે રાજ્યમાં વધી રહ્યા છે અને હૉસ્પિટલાઇઝેશનનો દર ઓછો ત્યારે ડૉક્ટરો દ્વારા કેમ આગામી સપ્તાહોમાં વધુ કાળજી રાખવાની વાત કરાઈ રહી છે?

આ અંગે કોરોનાની પરિસ્થિતિ પર નિકટથી નજર રાખી રહેલા નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી તેમનો મત જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

‘વાઇરસની પ્રકૃતિ અંગે અસ્પષ્ટતા’

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ગુજરાત ચૅપ્ટરના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ આગામી સપ્તાહોમાં વધુ જાળવણી અંગે ભાર મૂકતાં કહે છે કે હવે પહેલાંની જેમ માત્ર માસ્ક, સૅનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગથી નહીં કામ ચાલે. તેમાં કોરોના સામે વ્યાપક રસીકરણ અને બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ રાખવાનાં નિયંત્રણો ઉમેરવાં પડશે.

તેઓ કહે છે કે, “આગામી દિવસોમાં તહેવારો અને લગ્ન સમારોહનાં વ્યાપક આયોજનો હોઈ પહેલાંથી વણસેલી પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.”

ડૉ. જરદોશ દાવો કરે છે કે હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કૉમ્યુનિટી સ્પ્રેડની બની ગઈ છે. તેને અટકાવવા માટે સરકારી કામગીરીની સાથોસાથ વ્યક્તિગત કાળજી અને જવાબદારી પણ મહત્ત્વપૂર્ણ બની જશે.

તેમના મતે ગુજરાતમાં આગામી સપ્તાહોમાં વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ અને 15-18 વર્ષનાના રસીકરણની કામગીરી સંક્રમણને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેઓ કહે છે કે, “હાલની પરિસ્થિતિમાંથી પાછું કેસોમાં ઘટાડા તરફની પરિસ્થિતિ આગામી દિવસોમાં લોકોની સ્વયંશિસ્ત અને કાળજી પર આધારિત છે. તેથી આગામી દિવસો ખૂબ જ મહત્ત્વના છે તેવું કહેવામાં કંઈ ખોટું નથી.”

સાથે જ તેઓ ઉમેરે છે કે વાઇરસની પ્રકૃતિ આગામી દિવસોમાં કેવી રહેશે તેના પર કેસોની વધઘટનો આધાર રહેલો છે. પરંતુ હાલ તે અંગે ભારે અસ્પષ્ટતાની સ્થિતિ હોવાને કારણે આગામી દિવસોની પરિસ્થિતિ અંગે અંદાજ કાઢવો વધુ મુશ્કેલ બન્યો છે.

‘અન્ય બીમારીથી ગ્રસ્ત અને વૃદ્ધો પર ખતરો’

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી જણાવે છે કે "હાલમાં ગુજરાતમાં ફેલાઈ રહેલો કોરોના વાઇરસનો વૅરિયન્ટ ઘાતક નથી પરંતુ તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે."

"જો આ પરિસ્થિતિમાં ઓછામાં ઓછું નુકસાન થાય એવું સુનિશ્ચિત કરવું હોય તો કોઈ પણ પ્રકારનાં લક્ષણ અનુભવતા લોકોએ તાત્કાલિક ટેસ્ટિંગ કરાવી રોગચાળાને અટકાવવા માટે સ્વયંશિસ્તથી પગલાં લેવાં પડશે. તો જ આપણા સમાજ અને ઘરના વડીલો અને અન્ય માંદગીથી પીડાતા લોકોને સુરક્ષિત રાખી શકાશે."

તેઓ કહે છે કે, "હાલ સંક્રમણનાં લક્ષણ ધરાવતા લોકો કોઈ ને કોઈ બહાને ટેસ્ટ કરાવવાથી બચી રહ્યા છે. જે ન કરવું જોઈએ. જો તેઓ જાતે ટેસ્ટ કરે તો પણ પોતાના સ્વજનો અને સમાજના અન્ય લોકોના બચાવ માટે જરૂરી પગલાં જરૂર લેવાં જોઈએ."

"તેથી આગામી દિવસોમાં લોકો સ્વયંશિસ્ત જાળવે અને વાઇરસની પ્રકૃતિ નક્કી થઈ શકે તો સંક્રમણના ફેલાવાનો દર પણ ઘટી શકે તેમ છે. તેથી આગામી દિવસો ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.”

‘ભીડ નવા ઘાતક મ્યુટેશનને આવકારી રહી છે’

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની ઍક્શન કમિટીનાં સભ્ય ડૉ. મોના દેસાઈ કહે છે કે હાલ વાઇરસનાં હળવાં લક્ષણો અને હૉસ્પિટલાઇઝેશનના ઓછા દરને કારણે લોકોનાં મનમાં ભય હઠી ગયો છે. જેના કારણે વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે.

તેઓ કહે છે કે, "અહીં એ સમજવાની જરૂર છે કે હાલ આ વૅરિયન્ટ હળવાં લક્ષણોવાળો છે પરંતુ જો નવું મ્યુટેશન થઈ અને વાઇરસનો ઘાતક પ્રકાર સર્જાશે તો તેના માટે લોકો પોતે જ જવાબદાર રહેશે."

ડૉ. દેસાઈ કહે છે કે, "સરકારી નિયંત્રણોની સાથોસાથ સ્વયંશિસ્ત પણ ખૂબ જરૂરી છે. રસીકરણ અને બિનજરૂરીપણે બહાર નીકળવાનું ટાળવા સિવાય આ સંક્રમણથી બચવાનો કોઈ ઉપાય નથી."

"અને જે લોકોએ રસી લીધી છે અને લક્ષણો દેખાતાં હોય તેમ છતાં તેઓ જો બેદરકારી દાખવીને ટેસ્ટ ન કરાવે અને સમાજમાં ફરે તો તેઓ આ સમાજનાં વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. આમ, આગામી દિવસો ખૂબ જ મહત્ત્વના અને ભયાનક હશે તેવી આશંકા છે."

સરકારે કડક કર્યાં નિયંત્રણો

ગુજરાતમાં રાજ્ય સરકારે અમુક દિવસો પહેલાં રાજ્યમાં કોરોનાની મહામારી પર અંકુશ માટે નિયત્રણો લાદ્યાં હતાં. જેનામાં ચાર દિવસમાં જ ફેરફાર કરીને મંગળવારે રાજ્ય સરકારે નવાં નિયંત્રણો લાદવાની ફરજ પડી હતી.

નવાં નિયંત્રણો અનુસાર રાજ્ય સરકારે તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં વ્યક્તિઓની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી હતી.

આ સાથે જ સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે કોરોનાની નવી ગાઇડલાઇનને ઉત્તરાયણ અગાઉ અમલમાં લાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવાનું પણ શરૂ કરી દેવાયું છે. જેથી સંક્રમણના દરમાં ઘટાડો આવી શકે.

નોંધનીય છે કે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાજ્યમાં પૉઝિટિવિટી દર પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. જેને ઘણા નિષ્ણાતો ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે.

વધુ પૉઝિટિવિટીના દરને કારણે ઘણા નિષ્ણાતોને ભય છે કે અસલ કેસોની સંખ્યા રિપોર્ટ થઈ રહેલા કેસો કરતાં લગભગ ત્રણ ગણી હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો