ગુજરાતમાં કોરોના-વિસ્ફોટ, એક જ દિવસમાં 9,900થી વધુ કેસ, ઓમિક્રૉનને હળવાશમાં લેનારાઓને WHOએ શું ચેતવણી આપી?

ગુજરાતમાં કોરોના-વિસ્ફોટ થયો હોય એમ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોનાના 9,941 નવા કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ દરમિયાન રાજ્યમાં કોરોના મહામારીમાં વધુ ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,137 થઈ ગયો છે.

રાજ્યનાં શહેરોમાં નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ કૉર્પોરેશનમાં 3,843, સુરત કૉર્પોરેશનમાં 2,505, વડોદરા કૉર્પોરેશનમાં 776 અને રાજકોટ કૉર્પોરેશનમાં 319 નવા કેસ નોંધાયા છે.

જોકે, ઓમિક્રૉન વૅરિયન્ટનો બુધવારે કોઈ નવો કેસ નોંધાયો નથી. હાલમાં રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસનો કુલ આંક 264 છે.

આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોવિડ-19ના 7,476 નવા કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં.

ઓમિક્રૉન અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નાં એપિડેમોલૉજિસ્ટ મારિયા વાન કેરખોવે ઓમિક્રૉનની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું છે, "આ વર્ષની શરૂઆતમાં કોરનાના કેસમાં વિક્રમજનક વધારો નોંધાયો છે. ગત સાત દિવસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દોઢ કરોડ કેસ નોંધ્યા છે."

આ દરમિયાન નોંધાયેલાં મૃત્યુ અંગે વાત કરતાં કેરખોવે જણાવ્યું, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 43 હજાર મૃત્યુ નોંધ્યાં છે. કેસની સંખ્યાને જોતાં આ આંક ઘણો નાનો લાગે, તેમ છતાં માત્ર સાત દિવસમાં આટલાં મૃત્યુ તો થયાં જ છે."

ઓમિક્રૉનને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાના દર અને મૃત્યુમાં વધારો નોંધાયો છે અને તેને પગલે તેમણે ઓમિક્રૉનને હળવાશથી ના લેવાની સલાહ આપી છે.

કેટલાક લોકો ઓમિક્રૉને સામાન્ય શરદી ગણાવી રહ્યા હોવાની વાત પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને આવી સરખામણીને જોખમી ગણાવી છે.

ઓછા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે પણ... : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારના આરોગ્ય મામલાના સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે કોરોનાની બીજી લહેર વખતે ભારતમાં ઍક્ટિવ કેસો પૈકીના 20-23 ટકા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હતી.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે આરોગ્ય મામલાના સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આ અંગે વાત કરી હતી.

સોમવારે તેમણે કહ્યું હતું કે હાલમાં ઍક્ટિવ કેસો પૈકી માત્ર પાંચથી દસ ટકા લોકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે, જોકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે.

તેમણે પત્રમાં એવી પણ સૂચના આપી છે કે હોમ આઇસોલેશન અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિતોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો