પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળી કેવી રીતે કામ કરશે?

  • હવે પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળીઓ પણ બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે
  • વિજ્ઞાનીઓએ કોષ સંરચના શોધી કાઢી છે, જેના કારણે શુક્રાણુની ગતિ થોડા સમય માટે ધીમી પડી જાય છે
  • શુક્રાણુઓના સ્ત્રી બીજ સુધી નહીં પહોંચી શકવા માટે એટલો સમયગાળો પૂરતો છે
  • સંભોગના એક કલાક પહેલાં ગોળી લેવી અને તેની અસર ક્યારે બંધ થઈ જાય છે તેનું નિરીક્ષણ કરવું એ આ દવા પાછળનો વિચાર છે

હવે પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળીઓ પણ બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. વિજ્ઞાનીઓએ ઉંદર પર કરેલા પ્રયોગોમાંથી કેટલીક રસપ્રદ બાબતો બહાર આવી છે.

વિજ્ઞાનીઓએ એક એવો સૅલ પાથ-વૅ (કોષ સંરચના) અથવા સ્વિચ શોધી કાઢી છે, જેના કારણે શુક્રાણુની ગતિ થોડા સમય માટે ધીમી પડી જાય છે.

ઉંદર પરના પરીક્ષણોનું તારણ જણાવે છે કે પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળી શુક્રાણુઓની ગતિ થોડા કલાકો સુધી સ્થિર કરી શકે છે. શુક્રાણુઓના સ્ત્રી બીજ સુધી નહીં પહોંચી શકવા માટે એટલો સમયગાળો પૂરતો છે.

અલબત, હજુ વધુ પરીક્ષણો કરવાની જરૂર છે. ઉંદર પછી આ દવાનું સીધું પરીક્ષણ માણસ પર કરવામાં આવશે નહીં. તેનો પ્રયોગ સસલા પર પણ કરવામાં આવશે.

સ્ત્રી બીજ સુધી પહોંચવા માટે શુક્રાણુઓ વચ્ચે હરીફાઈ થતી હોય છે એ વાત કેટલી સાચી છે? સ્ત્રી તેની ગર્ભાવસ્થાને નિયંત્રિત કરી શકે તો શું થાય?

સંભોગના એક કલાક પહેલાં ગોળી લેવી અને તેની અસર ક્યારે બંધ થઈ જાય છે તેનું નિરીક્ષણ કરવું એ આ દવા પાછળનો વિચાર છે.

આ ગોળી કેવી રીતે કામ કરે છે?

સ્ત્રીઓને આપવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓની હોર્મોન્સ પર માઠી અસર થાય છે, પણ પુરુષો માટેની આવી ગોળીની સારી વાત એ છે કે તેની હોર્મોન્સ પર માઠી અસર થતી નથી. તેનો અર્થ એ કે આ ગોળી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટાડતી નથી અને પુરુષ હોર્મોનની ઉણપને કારણે આડઅસર પણ થતી નથી.

આ ગોળી વીર્યની ‘સ્વિમિંગ ક્ષમતા’ ઘટાડવા માટે પ્રોટીનમાંના દ્રાવ્ય એડેનાઇલ સાયક્લોસ અથવા એસએસી પર કામ કરે છે. મૂળભૂત રીતે આ ગોળી એસએસીને અવરોધે છે.

અગાઉ યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થના ભંડોળ વડે ઉંદર પર સંશોધન કરવામાં આવ્યું હતું. તે અભ્યાસનાં તારણ નેચર કમ્યુનિકેશન્શમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

તે સંશોધનમાં ટીડીઆઈ-11861 નામની દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જાતીય સંભોગ પહેલાં, સંભોગ દરમિયાન અને પછી થોડા સમય માટે શુક્રાણુઓની ગતિને થંભાવે છે.

આ દવાની અસર ત્રણ કલાક સુધી રહે છે અને 24 કલાક પછી તેની અસર સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે.

ન્યૂયૉર્કસ્થિત વેઇલ કાર્નેલ મેડિસિન ખાતેના સંશોધક ડૉ. મેલની બાલબાખે જણાવ્યું હતું કે આ ગોળીની કોઈ સાઇડ ઈફેક્ટ ન હોવાથી, ઉપયોગમાં સરળ ગર્ભનિરોધક ગોળીના નિર્માણમાં ભરોસો બંધાયો છે.

આ ગોળી માણસોમાં પણ એટલી જ અસરકારક સાબિત થશે તો પુરુષો તે જૂરૂર પડ્યે અને જરૂરી હોય એટલી જ માત્રામાં લઈ શકશે. તેના માટે કોઈ નિશ્ચિત ચક્ર હશે નહીં.

અલબત, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ગોળીઓ જાતીય સંબંધથી લાગતા ચેપને અટકાવી શકશે નહીં. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનો ચેપ લાગતો અટકાવવા કૉન્ડોમનો ઉપયોગ જરૂરી છે.

શેફિલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એલન પેસીએ કહ્યું હતું કે “પુરુષો માટે અસરકારક, આડઅસર-મુક્ત અને મોં વાટે લઈ શકાય તેવું ગર્ભનિરોધક બનાવવાના ઘણા પ્રયાસો, પ્રયોગો, પરીક્ષણ અત્યાર સુધી થયા છે, પરંતુ તે પૈકીની એકેય દવા બજાર સુધી પહોંચી શકી નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “હાલના સંશોધનમાં શુક્રાણુની ગતિ માટે મહત્ત્વના ગણાતા ઍન્ઝાઇમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કલ્પના નાવીન્યપૂર્ણ છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે “પુરુષ પરના પ્રયોગ, ઉંદર પરના પ્રયોગ જેટલા જ અસરકારક સાબિત થશે તો પુરુષો માટે ગર્ભનિરોધક વિકસાવવાના અમારા પ્રયાસ સાચી દિશામાંના છે તે સ્પષ્ટ થશે.”

દરમિયાન, આ જ બાબતે અન્ય સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં થોડા અલગ દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં શુક્રાણુની સપાટી પરના પ્રોટીનને અવરોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.