You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિપુર ભૂસ્ખલનમાં 18ના મૃતદેહ બહાર કઢાયા, બચાવ કામગીરીમાં મુશ્કેલી - પ્રેસ રિવ્યૂ
બીબીસી સંવાદદાતા સલમાન રાવીના જણાવ્યા મુજબ, મણિપુરના સરકારી અધિકારીઓનું કહેવું છે કે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ નોને જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે ફસાયેલા લોકોના બચવાની શક્યતાઓ ઘટી રહી છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ એસએમ ખાને બીબીસી સાથે વાત કરતા કહ્યું કે ભીની માટીના કારણે જીવિત રહેવાની શક્યતાઓ ઘટી ગઈ છે.
તેઓ કહે છે કે જો કાટમાળ સુકાઈ ગયો હોત તો તેમાં હવાની અવરજવરની શક્યતા હતી.
કાટમાળમાંથી રાહત અને બચાવ કર્મચારીઓ દ્વારા કુલ 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના આર્મીના જવાનો હતા.
આ સાથે અત્યાર સુધીમાં મળી આવેલા મૃતદેહોની સંખ્યા 18 થઈ છે. જ્યારે 18 ઘાયલ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં પાંચ લોકો રેલવે કર્મચારી અને મજૂરો છે.
મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેનસિંહે સ્થળ પર બીબીસી સાથે વાત કરતા કહ્યું કે કાટમાળની માટી કીચડ જેવી છે, તેથી મોટા મશીન રાહતકાર્યમાં અસરકારક સાબિત થઈ રહ્યાં નથી.
રાજ્યના અધિક મુખ્ય સચિવે કહ્યું કે કાટમાળમાં લોકોને શોધવા માટે વિદેશી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની ક્ષમતા 20 મીટર છે. પરંતુ ભારે વરસાદ થાય તો આ ટેકનિક કેટલી અસરકારક રહેશે તે કહી શકાય તેમ નથી.
અત્યાર સુધી 50થી વધુ લોકો ગુમ થવાની વાત અધિકારીઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ સ્થાનિકોના મતે રેલવેના આ પ્રોજેક્ટમાં બહારના કામદારો પણ કામ કરતા હતા, જેમના નામ કે દસ્તાવેજો ઉપલબ્ધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીરજ ચોપરાએ પોતાનો જ રાષ્ટ્રીય રેકૉર્ડ તોડ્યો, ડાયમંડ લીગમાં જીત્યો સિલ્વર મેડલ
ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રહેલા નીરજ ચોપડાએ પોતાનો જ રાષ્ટ્રીય રેકૉર્ડ તોડી નાખ્યો છે.
તેમણે ગુરુવારના ડાયમંડ લીગમાં 89.94 મીટરની દૂરી પર ભાલાફેંકમાં સ્લિવર મેડલ જીત્યો.
સ્ટૉકહોમમાં થયેલી આ પ્રતિસ્પર્ષામાં નીરજ ચોપરાએ 14 જૂનના બનાવેલો પોતાનો રાષ્ટ્રીય રેકૉર્ડ તોડ્યો, જ્યારે તેમણે 89,30 મીટરની દૂરી પર ભાલો ફેંક્યો હતો.
સ્ટૉકહોમ ડાયમંડ લીગમાં એન્ડરસન પીટર્સે 90.31 મીટરની દૂરી પર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે જર્મનીના જૂનિયન વીબરે 89.09 મીટર દૂરી પર જૅવેલિન ફેંકીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરાનો આગલો મહત્ત્વનો મુકાબલો અમેરિકામાં થનારી વિશ્વ ચૅમ્પિયનશિપ છે. જે 15 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે આયોજિત થશે.
ગુજરાત હાઈકોર્ટે સરકારને કહ્યું, 'ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હૉસ્પિટલો સીલ કરો'
ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય એવી તમામ હૉસ્પિટલોને સીલ કરવાની સૂચના આપી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટે રાજ્ય સરકારને 22 જુલાઈ સુધીમાં રાજ્યની તમામ ખાનગી હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ યૂજ (બીયૂ) પરમિશનને લગતો રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે.
આ સિવાય સરકારને હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓનું ચુસ્તપણે પાલન કરવા કહેવામાં આવ્યું છે.
25 જૂને દેવ કૉમ્પલેક્સમાં લાગેલી આગની ઘટનાને લઈને સરકાર પાસેથી રિપોર્ટ માગતા હાઈકોર્ટે કહ્યું કે ચાર હૉસ્પિટલો ધરાવતી આ બિલ્ડિંગમાં આગ લાગવા પાછળ કોણ જવાબદાર છે? સરકારે આ મામલે જવાબદારી નક્કી કરવી જોઇએ.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે હાઇકોર્ટ દ્વારા 15 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા ઑર્ડરનું પાલન કરવા પણ કહ્યું હતું.
આ ઑર્ડરમાં તમામ હૉસ્પિટલોમાંની બહારથી કાચનું સ્ટ્રક્ચર દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. આ સ્ટ્રક્ચરના કારણે આગની ઘટનામાં ધુમાડો બહાર નીકળતો નથી. જેના કારણે જાનહાનિ વધવાની શક્યતા રહેલી છે.
આજથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
દેશભરમાં પહેલી જુલાઈથી વિવિધ પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે પ્લાસ્ટિકના લીધે પર્યાવરણ પર થતી વિપરીત અસર અને 'ક્લાઇમેટ ચેન્જ'ના લક્ષ્યાંકોને પૂરા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા વસ્તુઓના ઉત્પાદનમાં, આયાતમાં, સંગ્રહ કરવામાં, વેચાણમાં અને સિંગલ યૂઝ પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વિવિધ સંગઠનો દ્વારા આ પ્રતિબંધ અચાનક જ લાવવાની જગ્યાએ તબક્કાવાર લાવવાની રજૂઆત કરી હતી.
વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના કારણે દરિયાઈ અને જમીન પરની ઇકોસિસ્ટમ ખોરવાઈ ગઈ છે. આ એક એવું પ્રદૂષણ છે, જે વિશ્વના તમામ દેશને અસર કરી રહ્યું છે.
રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ, ગ્લાસ, કટલરી (કાંટો, ચમચી, ચપ્પા) સહિત લગભગ મોટાભાગની વસ્તુઓ પર પ્રતિબંધ લાગશે.
પ્લાસ્ટિક વેસ્ટ મૅનેજમેન્ટ ઍક્ટ અનુસાર, દેશમાં પહેલેથી 75 માઇક્રૉનથી વધુ જાડાઈના પ્લાસ્ટિકનું ઉત્પાદન, આયાત, વેચાણ કે વપરાશ પર પ્રતિબંધ છે. ત્યારે 31 ડિસેમ્બર 2022થી 120 માઇક્રૉનથી વધુ જાડી પ્લાસ્ટિકની કોથળીઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો