મહારાષ્ટ્ર : એકનાથ શિંદે બાલ ઠાકરેના નામ પર મુખ્ય મંત્રીપદના શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદના શપથ લીધા.

શપથ લેતી વખતે તેમણે બાલ ઠાકરે અને પોતાના રાજકીય ગુરુ આનંદ દીઘેનું સ્મરણ કર્યું.

મહારાષ્ટ્રના ભૂતૂપર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર શિંદે રાજ્યના ઉપમુખ્ય મંત્રી બન્યા. તેમણે એકનાથ શિંદે સાથે મુંબઈમાં રાજભવનમાં પદના શપથ લીધા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યાં. તેમણે લખ્યું કે, તેઓ જમીની સ્તરનો નેતા છે અનેતેઓ રાજકીય, વહીવટી અને સંસદીય અનુભવ ધરાવે છે.

અગાઉ એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનશે એવી જાહેરાત કરતા કહ્યું હતું કે, "બધાને ખબર હતી કે 170 લોકો 2019ની વિધાન સભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બનવાની આશા હતી."

"પરિણામ પછી, શિવસેનાએ અલગ નિર્ણય લીધો. આ જનમતનું અપમાન હતું, બાલ ઠાકરે સ્વાભાવિક રીતે કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનો વિરોધ કર્યો હોત."

ફડણવીસે કહ્યું કે એક તરફ જ્યાં બાળાસાહેબે હંમેશાં દાઉદનો વિરોધ કર્યો ત્યારે દાઉદનો સાથ આપનાર નેતાઓ સાથે જવાનો નિર્ણય કર્યો. દાઉદ સાથે જોડાયેલા તે નેતાને મંત્રીપદ પરથી ન હઠાવાયા.

ફડણવીસે દાવો કર્યો કે એકનાથ શિંદેને શિવસેનાના નેતાઓનું સંપૂર્ણ સમર્થન છે.

એકનાથ શિંદેએ શું કહ્યું?

પ્રેસ કૉન્ફન્સમાં એકનાથ શિંદેએ આરોપ મૂક્યો હતો કે સરકારમાં કેટલીક એવી સમસ્યાઓ હતી અને સરકારમાં રહેતા તેઓ સારી રીતે કામ નહોતા કરી શકતા એટલે આ નિર્ણય લેવો પડ્યો.

તેમણે કહ્યું કે, "ભાજપની સાથે અમારું પ્રાકૃતિક ગઠબંધન હતું અને મહાવિકાસ અઘાડીમાં કામ કરવું મુશ્કેલ હતું."

તેમણે કહ્યું કે, "હું તો મંત્રી હતો અને મને કોઈ પણ કમી નહોતી પરંતુ જે લોકોએ પોતાની ચિંતાઓ મને જણાવી ત્યારે મને આ નિર્ણય લેવા માટે વિચારવું પડ્યું ."

તેમણે દાવો કર્યો કે તેમણે અનેક વખત ઉદ્ધવ ઠાકરેને પોતાની ચિંતા જણાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કંઈ ફેર ન પડ્યો.

તેમણે ફડણવીસની સરાહના કરતા કહ્યું કે ભાજપે મોટી પાર્ટી હોવા તેમને અવસર આપ્યો એ મોટી વાત છે. શિંદેએ કહ્યું કે, "ફડણવીસે મોટું હૃદય દેખાડ્યું એ મોટી વાત છે."

એકનાથ શિંદેએ પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

શિંદેએ દાવો કર્યો કે તેઓ બાલ ઠાકરેના વિચારોને આગળ વધારશે. તેમણે જનતાને સંબોધિત કરતાં વાયદો કર્યો કે તેઓ એક મજબૂત સરકાર આપશે.

આ દરમિયાન રાજભવનમાં તૈયારીઓ ચાલી રહી છે અને પ્રેસને પણ પ્રવેશ માટેની મંજૂરી આપી દેવાઈ છે.

દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળમાં સામેલ થશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એએનઆઈને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું, "કેન્દ્રીય નેતૃત્વે નક્કી કર્યું કે દેવેન્દ્ર ફડણવીસે સરકારમાં આવવું જોઈએ, એટલે તેમને વ્યક્તિગત અનુરોધ કર્યો છે."

તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રનાના ડેપ્યુટી સીએમના રૂપમાં કાર્યભાર સંભાળવાનો અનુરોધ કર્યો છે.

પછી તેમણે પોતે ટ્વીટ કર્યું કે, " ભાજપે મહારાષ્ટ્રની જનતાની ભલાઈ માટે તેમણે મોટા મનનો પરિચય આપતાં એકનાથ શિંદેજીએનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ પણ મોટું મન દેખાડતા મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે, જે મહારાષ્ટ્રની જનતા પ્રત્યે તેમની લાગણી દર્શાવે છે."

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે. એકનાથ સિંદે સાડા સાત વાગ્યે મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

શરદ પવારે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના રૂપમાં ચૂંટાવા પર એકનાથ શિંદેને અભિનંદન. હું આશા કરું છું કે તેઓ મહારાષ્ટ્રના હિતનું રક્ષણ કરશે.

તેમણે લખ્યું કે યશવંત ચવ્હાણ, બાળાસાહેબ ભોંસલે અને પૃથ્વીરાજ ચવ્હાણ પછી સતારા જિલ્લાની વ્યક્તિના મુખ્ય મંત્રી બનવાથી તેઓ ખૂબ જ ખુશ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, "ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાજીના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન દેખાડચા મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મહારાષ્ટ્ર પ્રત્યે તેમની સાચી નિષ્ઠા તથા સેવાભાવનો પરિચય આપે છે."

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ ફરી ભાજપે સરકાર બનાવશે તેવી ધારણા પણ બંધાઈ હતી. જોકે હવે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનશે.

એકનાથ શિંદેએ બળવાખોર જૂથના નેતાઓ સાથે ગોવામાં બેઠક કરી હતી. અંદાજે એક કલાક ચાલેલી આ બેઠકમાં શિંદેએ ધારાસભ્યોના મત લીધા હતા.

ગોવા ઍરપૉર્ટથી રવાના થતા પહેલાં શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના 50 ધારાસભ્યોએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે.

એકનાથ શિંદે રાજ્યપાલ મુંબઈ પહોંચ્યા બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને મળવા સાગર બંગલે પહોંચ્યા હતા. બંને વચ્ચે ત્યાં ચર્ચા થઈ હતી અને તેઓ રાજ્યપાલને મળ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો