You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs PAK : હાર્દિક પંડ્યાનો 'સ્પેશિયલ શો', ભારતે પાકિસ્તાનના હાથમાંથી આ રીતે છીનવી લીધી મૅચ
- દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાઈ હતી એશિયા કપની મૅચ
- છેલ્લી ઓવર સુધી રસપ્રદ બની રહેલી મૅચમાં હાર્દિક પંડ્યાએ અપાવી જીત
- 17 બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા દ્વારા કુલ 33 રન ફટકાર્યા
- અંતિમ ઓવરના ચોથા બૉલ પર છગ્ગો ફટકારીને મૅચ પૂરી કરી
પીચ પર 'કૂલ ખેલાડીઓ' જોવા ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે કોઈ નવી વાત નથી.
ફરક માત્ર એટલો છે કે રવિવારે પાકિસ્તાન સામે યોજાયેલી એશિયા કપની મૅચમાં 'મિસ્ટર કૂલ'નો તાજ પહેરનારા ખેલાડી હતા હાર્દિક પંડ્યા.
રોમાંચક કહી શકાય એવી મૅચમાં છેલ્લા બે બૉલ બાકી હતા ત્યારે જ ટીમને જીત અપાવનારા હાર્દિક પંડ્યા મૅચ રમી રહેલા અન્ય 21 ખેલાડીઓ કરતાં ઘણા અલગ અને વધુ સારી રીતે રમતા જોવા મળ્યા હતા.
બૅટ અને બૉલ બંનેથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાએ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે જે શાંતિ, ચતુરાઈ અને ખુદ પર ભરોસો દેખાડ્યો. તેના દ્વારા તેમણે ક્રિકેટપ્રેમીઓથી લઈને દિગ્ગજ ખેલાડીઓનાં દિલ જીતી લીધાં.
આ દિગ્ગજ ખેલાડીઓમાં પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ પણ સામેલ છે. પંડ્યાએ જે રીતે ટીમને વિજય સુધી પહોંચાડી, બાબરે એનાં ભારે વખાણ કર્યાં હતાં.
બૅટરોને એક-એક રન માટે તરસાવનારી પીચ પર હાર્દિક પંડ્યાએ રન રેટનું મીટર ઉપર ચઢાવ્યું અને 18 બૉલમાં 32 રનની જરૂર હતી ત્યારે રનો વરસાવવાના શરૂ કરી દીધા.
અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 7 રનની જરૂર હતી અને છેલ્લી ઓવરના પ્રથમ બૉલે જ જાડેજા આઉટ થયા હતા.
સેટ થઈ ગયેલા બૅટર રવીન્દ્ર જાડેજા પ્રથમ બૉલે જ આઉટ થતાં મૅચ ફરી રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ પાંચ બૉલમાં 7 રનની જરૂર હતી અને છેલ્લા ત્રણ બૉલે મૅચને રસપ્રદ તબક્કામાં લાવી દીધી.
એ બાદ મેદાનમાં ઊતરેલા દિનેશ કાર્તિકે એક રન લીધો અને સ્ટ્રાઇક પર હાર્દિક પંડ્યા હતા. જેમાં તેમણે ત્રીજા બૉલમાં કોઈ રન ન લીધો.
દિનેશ કાર્તિક રન લેવા દોડ્યા પણ હતા જોકે હાર્દિકે તેમને માત્ર આંખોના ઇશારાથી રન ન દોડવા કહ્યું અને તેઓ ક્રિસ પર ઊભા રહ્યા જેથી સ્ટ્રાઇક તેમની પાસે જ રહે.
તે સમયે હાર્દિક પંડ્યાના આ નિર્ણયથી બની શકે છે ઘણા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હોય પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ શું કરે છે.
મૅચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, "મને લાગ્યું કે બૉલર મારા કરતાં વધુ દબાણમાં છે. અંતિમ ઓવરમાં માત્ર એક છગ્ગાની જરૂર હતી."
જે બાદ ચોથા બૉલે હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.
જીતનો ભરોસો
અંતિમ સિક્સર બાદ પિચ પર સામેની તરફ ઊભેલા દિનેશ કાર્તિકે પહેલાં માથુ ઝુકાવીને હાર્દિક પંડ્યાને સલામ કરી અને બાદમાં તેમને ભેટી પડ્યા.
હાર્દિક પંડ્યાએ માત્ર 33 રન બનાવ્યા હતા પરંતુ તે એવા સમયે બનાવ્યા જ્યારે દુબઈમાં પાકિસ્તાન જીતવા તરફ કૂચ કરી રહ્યું હતું.
જોકે હાર્દિક પંડ્યાને ભરોસો હતો કે મૅચનો ફેંસલો ભારત તરફી જ રહેશે.
તેઓ કહે છે, "મને ખબર હતી કે મોહમ્મદ નવાઝ બૉલિંગ કરશે. અમને સાત રનની જરૂર હતી. જો અમને 15 રનની જરૂર હોત તો પણ મેં મારું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હોત."
આ નિવેદન એક અલગ પ્રકારનો ભરોસો વ્યક્ત કરે છે. મોહમ્મદ નવાઝ રવિવારના મૅચમાં પાકિસ્તાન માટે સૌથી સફળ બૉલર સાબિત થયા.
તેમણે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની વિકેટ લીધી હતી. પરંતુ હાર્દિક પંડ્યા પાકિસ્તાન પર 'નિર્ણાયક પ્રહાર' માટે નવાઝની જ રાહ જોઈ રહ્યા હતા.
દિગ્ગજ ક્રિકેટરોએ કર્યાં વખાણ
હાર્દિક પંડ્યાના ખુદ પરના એ ભરોસાના કારણે જ ક્રિકેટના જાણકારો તેમનાં વખાણ કરી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ સ્પિનર અમિત મિશ્રા પ્રમાણે રવિવારની રસપ્રદ મૅચમાં હાર્દિક પંડ્યા 'બંને ટીમો વચ્ચેનું અંતર' હતા.
હાર્દિક પંડ્યાએ 17 બૉલની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. જેમાંથી ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો અંતિમ બે ઓવરમાં માર્યા હતા.
હાર્દિકે બૉલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે માત્ર 25 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.
તેમના આ પ્રદર્શનના પૂર્વ ઑલરાઉન્ડર વીરેન્દ્ર સેહવાગે કંઈક અલગ પ્રકારે વખાણ કર્યાં.
સેહવાગે ટ્વીટર પર લખ્યું, "શાનદાર હાર્દિક પંડ્યા. બધું હું જ કરીશ!"
પોતાના સમય દરમિયાન પાકિસ્તાન સામેના શાનદાર પ્રદર્શન માટે જાણીતા પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ વેંકટેશ પ્રસાદે પણ હાર્દિક પંડ્યાનાં વખાણ કર્યાં અને તેમના પ્રદર્શનને 'ખાસ' ગણાવ્યું હતું.
પૂર્વ કૅપ્ટન સચીન તેંડુલકરે પણ હાર્દિક પંડ્યાની બૅટિંગની પ્રશંસા કરી હતી.
જીત બાદ કૅપ્ટન રોહિત શર્મા પણ હાર્દિક પંડ્યા પર ખુશ થતા નજરે પડ્યા હતા.
હાર્દિક પંડ્યા ખુદ આ જીતની મજા લેવા માગતા હતા પરંતુ મનમાં ક્યાંકને ક્યાંક તેઓ જાણતા હતા કે આ તો માત્ર શરૂઆત છે, ટૂર્નામૅન્ટમાં આગળ ઘણી મૅચો બાકી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો