ધોનીએ જ્યારે પાકિસ્તાની ક્રિકેટરના બાળકને તેડી લીધું, ભારત-પાકિસ્તાન ક્રિકેટના યાદગાર કિસ્સા

    • લેેખક, અબ્દુલ રશીદ શકૂર
    • પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, કરાચી
  • ભારત પાકિસ્તાનના રાજકીય સંબંધોની સરખામણીએ ક્રિકેટના સંબંધો સાવ જુદા
  • ઘણી વખત બંને દેશના ક્રિકેટરોએ કરી છે એકબીજાની રમત સુધારવામાં મદદ
  • મેદાનમાં પ્રતિયોગિતા પરંતુ મેદાન બહાર હળીમળીને રહેતા હોવાના કેટલાક કિસ્સા

આ જાન્યુઆરી 1999ની વાત છે જ્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત મુલાકાતે આવવાની હતી, પરંતુ તે પહેલાં જ શિવસેનાએ પાકિસ્તાની ટીમનો વિરોધ કરીને એવો માહોલ ઊભો કરી દીધો હતો કે તેમને રમવા ન દેવામાં આવે.

આ વિરોધ દરમિયાન શિવસેનાના કાર્યકર્તાઓએ રાતના અંધારામાં નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ પર હલ્લાબોલ કરીને પીચ ખરાબ કરી નાખી હતી.

ગયા વર્ષે જ્યારે ભારતીય ટીમ શારજાહમાં પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડ કપ મૅચ હારી ગઈ હતી, તો કેટલાક લોકો એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને 'દેશદ્રોહી' કહ્યા હતા.

ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને તેમની બાળકી પર બળાત્કારની ધમકીઓ આપવામાં આવી હતી. ત્યાર બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રકારની અન્ય કેટલીક ઘટનાઓ પણ છે. જે ભારત-પાકિસ્તાનના સંબંધોની કડવાશને ઉજાગર કરે છે, પરંતુ માત્ર આ ઘટનાઓ પરથી એ સાબિત થતું નથી કે બંને દેશોના ક્રિકેટમાં માત્ર નફરતનું પાસું જ ભારે છે.

બીજું એવું પણ પાસું છે જે ખુબ સુંદર છે, જેમાં ન માત્ર બંને દેશોના લોકો પરંતુ ખુદ ક્રિકેટરો પણ રાજકીય તણાવ અને નફરતની આગથી ખુદને બચાવીને એકબીજા માટે સકારાત્મક અભિગમ, સન્માન અને ખુશીની લાગણી રાખે છે.

ઇન્ઝમામ-ઉલ-હકના પુત્રની સચિન તેંડુલકર સાથે મુલાકાત

વર્ષ 2004માં ભારતીય ટીમની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ દૃશ્ય સૌથી યાદગાર દૃશ્યોમાંનું એક હતું.

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમ પ્રૅક્ટિસ કરી ચૂકી હતી અને હવે મહેમાન ટીમનો વારો હતો.

બધાએ જોયું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક ભારતીય નેટ તરફ આવી રહ્યા હતા અને તેમની સાથે તેમના પુત્ર ઇબ્તિસામ-ઉલ-હક હતા.

ઇન્ઝમામે નેટ પાસે આવીને ભારતીય બૅટર સચીન તેંડુલકરને સંબોધીને કહ્યું, "આ પુત્ર મારો છે, પરંતુ પ્રશંસક તમારો છે."

હકીકતમાં ઇબ્તિસામ-ઉલ-હકે પિતા સમક્ષ પોતાના મનપસંદ બૅટર સચિન તેંડુલકરને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને મળ્યા બાદ ઘણા ખુશ થયા હતા. સચિન તેંડુલકર ઘણા સમય સુધી ઇબ્તિસામ સાથે વાત કરતા નજરે પડ્યા હતા.

જ્યારે ગાંગુલીને પરવેઝ મુશર્રફનો ફોન આવ્યો

વર્ષ 2004ની એ મુલાકાત દરમિયાન જ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન હતા, પરંતુ વન-ડે સિરીઝની અંતિમ મૅચમાં કૅચ પકડવાના પ્રયત્નમાં તેઓ અનફિટ થઈ ગયા હતા અને ડૉક્ટરે તેમને ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવાનું કહ્યું હતું.

જોકે, ગાંગુલીની ઇચ્છા કંઇક અલગ જ હતી. તેમણે પોતાના પુસ્તક 'અ સૅન્ચ્યુરી ઇઝ નૉટ ઇનફ'માં તેનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.

પુસ્તકમાં ગાંગુલી લખે છે, "લાહોરની ફાઇવ સ્ટાર હૉટલ આકરી સુરક્ષાને લીધે એક કિલ્લા જેવી લાગતી હતી. હું સારા મૂડમાં હતો અને મેં મારા દર્દ વિશે ગંભીરતાથી વિચાર્યું નહોતું."

"મારા કેટલાક મિત્રો કોલકાતાથી મૅચ જોવા માટે આવ્યા હતા. અડધી રાત્રે મને ખબર પડી કે મારા મિત્રોએ ગોલમંડીની મશહૂર ફૂડ સ્ટ્રીટમાં કબાબ અને તંદૂરી વાનગીઓ ખાવાનો પ્લાન બનાવ્યો છે. હૉટલમાં ઘણી સુરક્ષા હતી પણ મારે બહાર નીકળવું હતું."

"મેં મારા સુરક્ષાઅધિકારીઓને જણાવ્યા વગર માત્ર ટીમ મૅનેજર રત્નાકર શેટ્ટીને કહ્યું કે હું મારા મિત્રો સાથે બહાર જાઉં છું. બસ આટલું કહીને હું પાછલા બારણેથી નીકળી ગયો. મેં ટોપી પહેરી હતી અને અડધું મ્હોં ઢાંકી દીધું હતું."

ગાંગુલી આગળ લખે છે, "ફૂડ સ્ટ્રીટ ખુલ્લી અને ભીડભાડવાળી જગ્યા હતી. એક વખત એક વ્યક્તિએ મારી પાસે આવીને કહ્યું, 'અરે, તમે સૌરવ ગાંગુલી છો ને?' તો મેં તરત ના પાડી દીધી. સામે એ વ્યક્તિએ કહ્યું, 'પણ તમે તો બિલકુલ સૌરવ ગાંગુલી જેવા લાગો છો.' આ સાંભળીને હું અને મારા મિત્રો ખડખડાટ હસી પડ્યા."

"આ જ રીતે અન્ય એક વ્યક્તિ આવી અને ભારતીય ટીમના પ્રદર્શન વિશે વાત કરવા લાગી. મેં તેને ઇગ્નોર કરી અને તે નિરાશ થઈને ચાલી ગઈ."

ગાંગુલી આગળ લખે છે, "અમે જમવાનું પતાવી જ રહ્યા હતા એવામાં થોડે દૂર જ ઊભેલા ભારતીય પત્રકાર રાજદીપ સરદેસાઈની નજર મારા પર પડી. જે ત્યાં ભારતીય સૂચનામંત્રી રવિશંકર પ્રસાદ સાથે ખાવા માટે ઊભા હતા. તેમણે જોરથી મારા નામની બૂમ પાડી અને ત્યાં હાજર તમામ લોકોને મારી હાજરી વિશે ખબર પડી ગઈ."

"મને ત્યાંથી નીકળી જવાનું જ યોગ્ય લાગ્યું, એટલે દુકાનદારને પૈસા આપવા ગયો પણ તેણે એ પણ ના લીધા. જેથી અમે તાત્કાલિક ગાડીમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા. ગાડીમાં બેસીને મેં વિચાર્યું કે જો રાજદીપ સરદેસાઈએ બૂમ ના પાડી હોત તો કોઈને ખ્યાલ ન આવ્યો હોત કે હું ત્યાં હતો."

તેઓ આગળ જણાવે છે, "બીજા દિવસે મારા રૂમનો ફોન રણક્યો. મેં ઉપાડ઼્યો તો સામેની તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ તમારી સાથે વાત કરવા માગે છે. મને ખબર ન પડી કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન સાથે શું વાત કરવા માગતા હશે."

પરવેઝ મુશર્રફ સાથેની વાતચીત વિશે ગાંગુલી લખે છે કે "તેમનો અવાજ નરમાશભર્યો હતો અને તેમણે કહ્યું કે બીજી વખત જો તમારે બહાર જવું હોય તો મહેરબાની કરીને સિક્યૉરિટીને જણાવજો. અમે તમને સુરક્ષા પ્રદાન કરીશું પણ પ્લીઝ ફરી વખત આમ ના કરશો."

"હું શરમ અનુભવવા લાગ્યો હતો. મને એ વખતે એમ લાગ્યું કે પરવેઝ મુશર્રફ સાથે વાત કરવા કરતાં વસીમ અકરમના અનકટર બૉલનો સામનો કરવો વધુ સરળ હતો."

'તમારા આતિથ્ય માટે આભાર'

2004માં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ હતી ત્યારે કારગિલ યુદ્ધના કારણે બંને દેશોના સંબંધો વણસેલા હતા.

આ વચ્ચે આ મુલાકાત ન માત્ર સંભવ બની પણ સાથેસાથે ભારત પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખુશીની ક્ષણોમાંની એક બની.

આ મુલાકાતની સફળતામાં પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના તત્કાલીન અધ્યક્ષ શહરયાર ખાનની ક્રિકેટ રણનીતિ પ્રમુખ હતી. જેના કારણે તેઓ મહમદઅલી ઝીણાનાં પુત્રી દીના વાડિયા, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને પાકિસ્તાન લાવવામાં સફળ રહ્યા હતા.

તેમને સિવાય ભારતથી હજારોની સંખ્યામાં ક્રિકેટ ફૅન્સ પણ મૅચ જોવા પાકિસ્તાન પહોંચ્યા હતા.

આ માટે પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશનર શિવશંકર મેનને શહરયાર ખાનને કહ્યું હતું કે "શહરયારસાહેબ, આ મૅચને જોવા માટે 20 હજાર ભારતીય પ્રશંસકો પાકિસ્તાન આવ્યા અને તમે એ લોકોને પાકિસ્તાની રાજદૂત બનાવીને પાછા મોકલ્યા છે. તમારા આતિથ્ય માટે આભાર."

એકબીજાને મદદ કરવામાં સક્રિય

ઇન્ઝમામ-ઉલ-હકને એ સમય સારી રીતે યાદ છે જ્યારે વર્ષ 1992ના વર્લ્ડકપ બાદ તેમને શૉર્ટ-પિચ બૉલ રમવામાં તકલીફ પડી રહી હતી અને સુનીલ ગાવસ્કરની સલાહે તેમની આ તકલીફ દૂર કરી હતી.

ભારતના અઝહરુદ્દીનને જ્યારે પોતાની બૅટિંગ ટેકનિકમાં પરેશાની થઈ રહી હતી તો તેમણે મદદ માટે ઝહીર અબ્બાસનો સંપર્ક કર્યો હતો.

આ રીતે જ્યારે સૌરવ ગાંગુલીને બૅટની ગ્રીપ અને સ્ટાંસમાં તકલીફ પડી રહી હતી ત્યારે તેમણે પણ ઝહીર અબ્બાસનો સંપર્ક કર્યો હતો.

વર્ષ 2016માં પાકિસ્તાની ટીમ ઇંગ્લૅન્ડ મુલાકાતે હતી જ્યારે અઝહરુદ્દીને જોયું કે યુનિસ ખાન બૅટિંગ કરતી વખતે થોડા વિચલિત થઈ રહ્યા હતા. તેમણે આ તરફ યુનિસનું ધ્યાન દોર્યું હતું અને બૅટિંગ માટે સલાહ આપી હતી.

તેમની સલાહ માનીને યુનિસ ખાને પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી.

તસવીરો બોલે છે

ભારત-પાકિસ્તાન ક્રિકેટની ખૂબસૂરતી બંને દેશોના ક્રિકેટરોના ચહેરા પર જોવા મળતી ખુશીથી જાહેર થાય છે.

વર્ષ 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ દરમિયાન પાકિસ્તાન અને ભારતની ટીમો એક જ હોટલમાં રોકાઈ હતી.

ફાઇનલથી એક દિવસ પહેલા સરફરાઝ અહમદ પોતાના પુત્ર અબ્દુલ્લાહને લઈને લૉબીમાં ફરી રહ્યા હતા. તો મહેન્દ્રસિંહ ધોનીએ પૂછ્યું કે આ બાળક કોણ છે?

સરફરાઝ અહમદે કહ્યું કે "આ મારો પુત્ર અબ્દુલ્લાહ છે." બાદમાં ધોનીએ અબ્દુલ્લાહને ઊંચકી લીધો અને એક ફોટો પડાવ્યો. આ ફોટો ઘણો વાઇરલ થયો હતો.

ગયા વર્ષની આ તસવીરને કોણ ભૂલી શકે જેમાં વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપમાં હાર મળી હોવા છતા સ્પોર્ટ્સમૅનશિપ બતાવીને પાકિસ્તાન ટીમના વિકેટકીપર મોહમ્મદ રિઝવાનને ભેટી રહ્યા હતા.

વર્ષ 2016માં ટી-20 વર્લ્ડકપનો એ નજારો પણ નિશ્વિત રીતે યાદ હશે જ્યારે કોલકાતાના ઇડન ગાર્ડનમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી મૅચ પહેલાં બંને ટીમો વૉર્મઅપ કરી રહી હતી અને વિરાટ કોહલી પાકિસ્તાની ટીમ પાસે ગયા અને તેમણે ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરને પોતાનું બૅટ ગિફ્ટમાં આપ્યું હતું.

શોએબ અખ્તર અને હરભજન હ વચ્ચે વર્ષ 2010માં એશિયા કપની મૅચ દરમિયાન જોવા મળેલી ગરમાગરમી એ ઉત્સાહથી ઘણી ઓછી હતી જે તેઓ મેદાનની બહાર દેખાડતા આવ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો