સંદીપ પાઠક : AAPની પંજાબની જીતના 'એ હીરો' જેમને ગુજરાતના પ્રભારી બનાવાયા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના 'ચાણક્ય' મનાતા ડૉ. સંદીપ પાઠકને રાજ્યમાં પાર્ટીના પ્રભારી નિમવામાં આવ્યા છે. સોમવારે તેમણે ગુજરાતના પ્રભારી તરીકે પદભાર સંભાળ્યો છે.

ડૉ. સંદીપ પાઠકે પ્રભારી તરીકે પદભાર સંભાળતાં કહ્યું કે 'બીજા કે ત્રીજા નંબર માટે અમે ચૂંટણી નથી લડતા, અમે નંબર 1 માટે ચૂંટણી લડીશું'

પાઠકને વર્ષ 2020માં નવી દિલ્હીમાં તથા 2022 પંજાબમાં પાર્ટીની જીતની વ્યૂહરચના ઘડવાનું શ્રેય આપવામાં આવે છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટેરટ કરનારા પાઠક આઈઆઈટી દિલ્હીમાં સહાયક પ્રાધ્યાપક પણ છે.

ડૉ. પાઠકને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. તેમની નિમણૂક સામે કેટલાક સૂર પણ ઊઠ્યા છે.

પંજાબ સાથે જ યોજાયેલી ઉત્તરાખંડ તથા ગોવા વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળ રહેનારી પાર્ટીને આશા છે કે તે ગુજરાતમાં 'ત્રીજો વિકલ્પ' બની રહેશે. ગુજરાતની 14મી વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે.

AAP ગુજરાતમાં 58 બેઠક જીતશે - સંદીપ પાઠક

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત પાછળનો ચહેરો અને રાજ્યસભાના સભ્ય ડૉ. સંદીપ પાઠકે આજે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો છે.

જ્યાર બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં તેમણે જણાવ્યું કે, "ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. 27 વર્ષથી ભાજપનું શાસન જોયા બાદ હવે તેમને 'બદલાવ' જોઈએ છે."

તેમના મતે કૉંગ્રેસ એવી સ્થિતિમાં નથી કે ભાજપને ગુજરાતમાં હરાવી શકે.

તેથી તેમણે કહ્યું, "જે રીતે કેજરીવાલજીએ દિલ્હીમાં કામ કર્યું છે અને પંજાબમાં પણ કરી રહ્યા છે. તે જનતાએ જોયું છે અને તેથી જ ગુજરાતની જનતાને લાગે છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે તેમ છે."

આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ કોઈને હરાવવાનો નહીં પરંતુ જનતાની જીતનો હોવાનું જણાવતા ડૉ. પાઠકે જણાવ્યું કે, "અમારો ઉદ્દેશ માત્ર એક જ છે કે રાજ્યમાં સારી સ્કૂલો બને, હૉસ્પિટલો બને, લોકોને પૂરતી રોજગારી મળે અને સારુ જીવન જીવવા મળે."

તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "હમણાં જ ગુજરાત સરકારનો એક ઇન્ટર્નલ રિપોર્ટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 55 સીટો મળશે, પણ હું તમને જણાવી દઉં કે અમારી ખુદની એજન્સી છે અને અમે વૈજ્ઞાનિક ઢબે સરવે કરીએ છીએ. તેના રિપોર્ટ પ્રમાણે અમે 58 બેઠકો પર જીતી રહ્યા છે."

'ચાણક્ય' સંદીપ પાઠક

"જો હું સંદીપ પાઠકને અભિનંદન નહીં પાઠવું અને આભાર નહીં કહું, તો કંઈક ખોટ રહી જશે. તેમણે પડદા પાછળ રહીને જે રીતે ભવ્ય સંગઠન ઊભું કર્યું, ભવ્ય કૅમ્પેન તૈયાર કર્યું અને સંભાળ્યું. હું તેમને અભિનંદન પાઠવું છું."

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પાર્ટીના ધારાસભ્યોને સંબોધિત કરતી વખતે દિલ્હીના મુખ્ય મંત્રી તથા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ વાત કહી હતી. આ દર્શાવે છે કે પાર્ટી સંદીપ પર કેટલો મદાર રાખે છે.

સંદીપનો જન્મ ઑક્ટોબર-1979માં છત્તીસગઢના (એ સમયનું મધ્ય પ્રદેશ) સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે અહીંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું.

સંદીપ વતન પરત ફરીને ભારતની બહુપ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, નવી દિલ્હીમાં ભૌતિકશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ પંજાબમાં પાર્ટીના વિજય માટે લૉ-પ્રોફાઇલ રહીને દિવસરાત કામ કરી રહ્યા હતા.

બીબીસી પંજાબીના ખુશાલસિંહ લાલીના જણાવ્યા પ્રમાણે, "સંદીપ પાઠક પડદા પાછળ રહીને કામ કરે છે. પંજાબની ચૂંટણી દરમિયાન તેમણે પાર્ટીનો વૉરરૂમ (જ્યાં ચૂંટણીઓની તૈયારી, યોજના, વ્યૂહરચના સંબંધિત કામ થતા હોય) સંભાળ્યો હતો. તેમણે મીડિયા સ્ટ્રેટજી અને સરવે જેવી કામગીરીઓ સંભાળી હતી. પાર્ટીનો કાર્યકર્તા પણ તેને ઓળખે."

વિપક્ષ તથા અન્ય કેટલાક લોકો દ્વારા તેમની નિમણૂક પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, આ અંગે પ્રતિક્રિયા આપતા લાલીએ કહ્યું, "શિરોમણિ અકાલીદળ તથા અન્ય વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાર્ટીને રાજ્યસભામાં મોકલી શકાય તેવા પાંચ પંજાબી ચહેરા ન મળ્યા? જો કોઈને પુરસ્કાર આપવો હોય તો તેના બીજા રસ્તા પણ હોઈ શકે છે."

આનંદપુર સાહેબની બેઠક પરથી આપના ધારાસભ્ય હરજોસિંહ બેઇન્સના કહેવા પ્રમાણે, "અત્યાર સુધી સંદીપ પડદા પાછળ રહીને કામ કરતા હતા. મારા શબ્દો લખી રાખો, દેશ પ્રશાંત કિશોરને ભૂલી જશે."

કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, સંદીપ પાઠક અગાઉ પ્રશાંત કિશોર સાથે પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભામાં, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનું શ્રેય કિશોરની વ્યૂહરચનાને આપવામાં આવે છે.

કિશોરે પોતાની 'વ્યાવસાયિક સેવાઓ' પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને, 2015માં જનતા દળ યુનાઇટેડને તથા આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીને પણ આપી છે.

રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ સંદીપે પત્રકારો સાથે વાત કરી હતી અને કહ્યું હતું, "કોઈ 'ચાણક્ય' કહે તો સારું લાગે, પરંતુ કોઈ વ્યક્તિ એકલો કોઈ પ્રોજેક્ટ પૂર્ણ ન કરી શકે કે જીત ન અપાવી શકે. આ એક ટીમવર્ક છે, જેમાં લાખો કાર્યકર્તાઓ દિવસરાત કામ કરે છે, તેઓ તમારી સામે નથી આવતા. હું પણ પ્રથમ વખત આવી રહ્યો છું. આ શ્રેય તેમને જાય છે."

"આવું દેશના અને વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે એક સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભા જેવા ઊંચાસ્થાને મોકલવામાં આવ્યો છે. આવું માત્ર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જ કરી શકે, આવું દુનિયામાં બીજે ક્યાંય ન થઈ શકે."

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પોતે આઈઆઈટી ખડકપુરમાંથી આપસઆઉટ છે.

ગુજરાત આપ અને સંદીપ

ગુજરાતમાં છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. મતદારોની એક આખી પેઢીએ ત્રીજો વિકલ્પ તો દૂરની વાત, પણ 'બીજો વિકલ્પ' પણ નથી જોયો.

આ સંજોગોમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કૉંગ્રેસનો વિકલ્પ બનવા માગે છે.

ગુજરાત આપના પ્રવક્તા યોગેશ જાદવાણીના કહેવા પ્રમાણે, "ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અરવિંદજી ખૂબ જ ગંભીર છે. રાજ્યમાંથી અમારી પણ માગ હતી કે પ્રચાર અને વ્યૂહરચના ઘડતર માટે ખાસ અનુભવી વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે. સંદીપજી દિલ્હી તથા પંજાબમાં પાર્ટીના વિજયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. આશા છે કે તેમના અનુભવનો પાર્ટીને લાભ મળશે."

પંજાબ અને ગુજરાતની સ્થિતિની સરખામણી કરતાં જાદવાણીએ કહ્યું, "27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. અહીં કૉંગ્રેસ તથા ભાજપની વચ્ચે 'અઘોષિત ગઠબંધન' છે. કયા મુદ્દે બોલવું તથા કયા મુદ્દે ન બોલવું તેના વિશે કૉંગ્રેસ અને ભાજપની મિલિભગત છે, જેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે."

"ગુજરાતની જનતાને સારો, ઇમાનદાર તથા કામનું રાજકારણ કરતા વિકલ્પની જરૂર છે. જે આમ આદમી પાર્ટી બનશે."

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ 29 બેઠક પર ચૂંટણી લડી હતી અને તમામ ઉમેદવારોની ડિપૉઝિટ જપ્ત થઈ હતી. પાર્ટીને 29 હજાર 509 મત મળ્યા હતા. જે કુલ લડેલી બેઠકો પરના માન્ય મતના 0.62 ટકા જેટલા હતા.

આમ આદમી પાર્ટી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિપક્ષનો દરજ્જો ધરાવે છે, જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન 21 ટકા જેટલા મત મેળવ્યા હતા.

આપ બેરોજગારી, વીજળી અને ગરીબી જેવા મુદ્દે ચૂંટણી લડવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો