વિશ્વ બૅન્ક : 'વૈશ્વિક અર્થતંત્ર માટે 2022 પડકારજનક પરંતુ ભારત માટે ઊજળી પરિસ્થિતિ રહેવાનો અંદાજ'

    • લેેખક, નૅટેલી શર્મેલ
    • પદ, બિઝનેસ રિપોર્ટર, ન્યૂ યૉર્ક

વિશ્વ બૅન્કના ડેવિડ માલપાસ કહે છે કે, વિશ્વનું અર્થતંત્ર એક ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, અર્થતંત્રની વૃદ્ધિ પર અને તેમાં પણ ખાસ કરીને ગરીબ દેશો પર મહામારીની અસર હજી પણ ચાલુ છે.

વિશ્વ બૅન્કના હાલના અંદાજ મુજબ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ જે 2021માં 5.5 ટકા હતી તે ઘટીને 4.1 ટકા રહેશે.

આર્થિક વિકાસ ધીમો પડવા પાછળ વાઇરસનો ખતરો અને સરકારી સહાય છતાં માગમાં થઈ રહેલો ઘટાડો જવાબદાર ગણાવવામાં આવે છે.

જોકે, માલપાસે કહ્યું કે સૌથી મોટી ચિંતાની વાત છે વિશ્વભરમાં વધતી અસમાનતા.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "સૌથી મોટી ચિંતાની વાત તંત્રમાં વણાયેલી અસમાનતા છે"

તેમણે કહ્યું કે મોંઘવારીને કાબૂમાં રાખવા લડી રહેલા ગરીબ દેશોને વધુ નુકસાન થવાનો ખતરો છે.

ગરીબ દેશો માટે આર્થિક વિકાસમાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આનાથી વધારે અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થાય છે."

બૅન્કનું કહેવું છે કે 2023 સુધી અમેરિકા, યુરોપ ક્ષેત્ર અને જાપાનના અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓ, જેના પર મહામારી દરમિયાન ખરાબ અસર થઈ હતી તે ફરીથી બેઠી થઈ શકે છે.

પરંતુ વિકાસશીલ અને ઉદય પામી રહેલી અર્થવ્યવસ્થાઓ માટે આર્થિક આઉટપુટ કોવિડ પહેલાંની પરિસ્થિતિ કરતાં ચાર ટકા રહેવાનો અંદાજ છે.

અસમાનતાની અસરો

માલપાસે અમીર દેશોમાં અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે સરકારો દ્વારા ચલાવવામાં આવતા પૅકેજીસને દુનિયામાં વધતી આર્થિક અસમાનતા માટે જવાબદાર ઠેરવ્યા.

અમેરિકા સહિત કેટલાક દેશોના અધિકારીઓ હવે ભાવવધારાને કાબૂમાં કરવા માટે વ્યાજદર વધારી શકે તેવી આશા રાખે છે ત્યારે માલપાસે કહ્યું કે, ઊંચા દરે ધિરાણને કારણે ગરીબ દેશોની આર્થિક ગતિવિધિઓ પર ખરાબ અસર થશે.

બીજી તરફ વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ (ડબલ્યૂઈએફ)એ ચેતવણી આપી છે કે અર્થતંત્રને પાટે લાવવા માટેના જુદી-જુદી દિશામાં કરેલા પ્રયાસોને કારણે ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકાર સામે સંયુક્ત પ્રયત્ન કરવામાં અડચણો ઊભી થાય છે.

વર્લ્ડ ઇકોનૉમિક ફોરમે પોતાના ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટમાં મંગળવારે કહ્યું કે, "દેશોની અંદર તથા વિવિધો દેશઓ વચ્ચે વધતી અસમાનતાને કારણે કોવિડ-19 અને તેના વૅરિયન્ટ્સને નિયંત્રણમાં લેવું વધારે મુશ્કેલ બનશે, સાથે જ વિશ્વ સામે ઊભી સમસ્યાઓ સામે સંયુક્ત પગલાં લેવાના પ્રયાસોમાં અડચણ ઊભી કરશે."

ભારતનો આર્થિક વિકાસ વધવાનો અંદાજ

વિશ્વ બૅન્કના ગ્લોબલ ઇકોનૉમિક પ્રૉસપેક્ટ્સ રિપોર્ટ મુજબ 2021માં વૈશ્વિક અર્થતંત્ર મહામારીની અસરોમાંથી બહાર આવી ગયું હતું.

પરંતુ આ વર્ષે આર્થિક વિકાસ ધીમો રહેવાની આશા છે કારણ કે વાઇરસના વૅરિયન્ટ અને ભોજન અને ઊર્જાના ભાવવધારાને કારણે પરિવારો પ્રભાવિત થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે મોંઘવારી 2008 પછી સૌથી ઊંચા દરે છે.

આ પરિસ્થિતિ પાછળ ચીનમાં અર્થતંત્રની ધીમી ગતિ જવાબદાર છે જેનો આર્થિક વિકાસ ગત વર્ષના આઠ ટકાથી ઘટીને 5.1 ટકા રહેવાનો અંદાજ છે, અને અમેરિકામાં આર્થિક વિકાસ 2021ના 5.6 ટકાથી ઘટીને 3.7 ટકા રહેવાનો અંદાજ છે. યુરોઝોનમાં ગત વર્ષના 5.2 ટકાથી ઘટીને 4.2 ટકા રહેવાનો અંદાજ છે.

જોકે વિશ્વ બૅન્કના અંદાજ મુજબ ભારતની પરિસ્થિતિ કંઈક ઊજળી દેખાય છે. ભારતમાં આર્થિક વિકાસ 8.3 ટકાથી વધીને 8.7 ટકા રહેવાની આશા છે.

પરંતુ કેટલીક વિકાસશીલ દેશોની બજારો હજી સંઘર્ષ કરી રહી છે કારણ કે તેમની સામે ઓછા રસીકરણ જેવો વધારાનો પડકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો