You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ: શું ભારતે યુક્રેન મુદ્દે તટસ્થ રહીને કંઈ ગુમાવ્યું છે?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વૉશિંગ્ટનમાં બિઝનેસ લીડર્સની એક બેઠકમાં જણાવ્યું હતું કે, ક્વાડ ગ્રૂપમાં ભારત વ્લાદિમીર પુતિનના યુક્રેન પરના આક્રમણના પ્રતિભાવમાં "ખચકાટ" અનુભવી રહ્યું છે.
ચીનના પ્રભાવનો સામનો કરવા માટે રયાયેલું ક્વાડનાં અન્ય ત્રણ સભ્યો યુએસ, જાપાન અને ઑસ્ટ્રેલિયાનું જોડાણ "પુતિનની આક્રમકતાને ખાળવા માટે એકદમ મજબૂત" છે.
જોકે, ભારતે સ્વતંત્રતા બાદથી બિનજોડાણવાદી વિદેશનીતિ અપનાવી છે. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મત અનુસાર, "આપણે મોટાં જૂથોથી દૂર રહીશું...બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ રહીશું...કોઈ ઍલાયન્સમાં નહી જોડાઈએ."
જોકે યુક્રેનમાં યુદ્ધને પગલે હવે ભારતની તટસ્થતાની કસોટી થશે.
'અજાણ્યું ક્ષેત્ર'
વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક વિલ્સન સેન્ટરના એશિયા પ્રોગ્રામના ડેપ્યુટી ડિરેક્ટર માઈકલ કુગેલમેન કહે છે, "ભારત ખચકાટ અનુભવી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી."
"યુક્રેન પર રશિયાનું આક્રમણ દાયકાઓના સૌથી ખરાબ આક્રમણ પૈકીનું એક છે અને પશ્ચિમ સાથે ભારતના સંબંધો ક્યારેય મજબૂત નથી રહ્યા તે જોતાં, દર્શક બનીને બેસવું એ ભૂતકાળની સરખામણીએ હવે એક મોટો રાજકીય જુગાર છે."
ભારત સંયુક્ત રાષ્ટ્રમાં એક સપ્તાહમાં ત્રણ વખત રશિયા સામેના નિંદા પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહ્યું છે. યુદ્ધના પગલે ઊર્જાની કિંમતોમાં વધારો થવાને પગલે ભારત દ્વારા રાહત દરના રશિયન ઓઇલની આયાતમાં વધારો થયો હોવાના અહેવાલો છે. અને ભારતે સ્પષ્ટપણે રશિયાની ટીકા કરવાનું બંધ કરી દીધું છે અને ભારતે રશિયાને "દીર્ઘકાલિન અને પરીક્ષણમાં ખરું ઊતરેલું મિત્ર" ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને દેશો વચ્ચે શીત યુદ્ધ કાળના દાયકાઓ જૂના સંબંધો છે અને રશિયા ભારતનું સૌથી મોટું શસ્ત્ર સપ્લાયર રહ્યું છે.
અમેરિકા હવે ભારતને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દાખલા તરીકે, બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે - ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વરસે આઠ અબજ ડૉલરની સરખામણીએ ભારત અને અમેરિકા વચ્ચેનો વાર્ષિક વેપાર 150 અબજ ડૉલરનો છે.
રાજકીય બાબતોનાં યુ. એસ. અંડર સેક્રેટરી ઑફ સ્ટેટ વિક્ટોરિયા નુલેન્ડ આ અઠવાડિયે દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં, અને તેમના શબ્દો હતા કે, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે "વિસ્તૃત અને ગહન ચર્ચા" થઈ હતી. નુલેન્ડે ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો સ્વીકાર કર્યો, પરંતુ કહ્યું કે "હવે સમય બદલાયો છે" અને "ભારતની વિચારસરણીમાં સુધારો થયો છે".
વિક્ટોરિયા નુલેન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે યુ. એસ. અને યુરોપ ભારતના મજબૂત "સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારો" બનવા ઇચ્છુક છે. તેમણે કહ્યું કે યુ. એસ. ભારતને રશિયન સંરક્ષણ પુરવઠા પરની તેની નિર્ભરતામાંથી મુક્ત કરવામાં મદદ કરી શકે છે. નુલેન્ડે નોંધ્યું હતું કે, યુદ્ધ એ "આપખુદ-લોકશાહી સંઘર્ષ" માં એક મુખ્ય પરિવર્તનબિંદુ હતું જેમાં ભારતનું સમર્થન જરૂરી હતું.
યુ. એસ. તરફથી સ્પષ્ટ સંદેશ અંગે કુગેલમેન કહે છે, "આ અજાણ્યું ક્ષેત્ર હોઈ શકે છે".
પરંતુ દેશ રાજકીય દબાણ હેઠળ છે એવું ભારતીય નિષ્ણાતો માનતા નથી.
તેઓ એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે ક્વાડના અન્ય સભ્યો ભારત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને યુક્રેનને ભારતની માનવતાવાદી સહાયની યુ. એસ.એ નોંધ લીધી હતી. ભૂતપૂર્વ ભારતીય રાજદૂત જિતેન્દ્રનાથ મિશ્રા કહે છે, "ક્વાડમાં અલગ પડી ગયેલો કોઈ એક દેશ હોય તો તે ભારત નહીં, યુ. એસ. છે."
અને રશિયન શસ્ત્રો અથવા ઑઇલ ખરીદવા વગેરે ઉપર પ્રતિબંધો દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીને નબળી પાડવાથી યુ. એસ.ને ફાયદો થવાનો નથી, તે ઇચ્છે છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત ચીન સામે કાઉન્ટરવેઇટની ભૂમિકા ભજવે.
'વ્યૂહાત્મક રીતે તટસ્થ'
નિષ્ણાતો કહે છે કે સાથે જ રશિયા સાથે ભારતના ગાઢ સંબંધોનો અર્થ એ નથી કે તે યુક્રેનની કટોકટીથી તે અળગું રહ્યું છે.
તેઓ ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાની ભારત મુલાકાત દરમિયાન જારી કરાયેલ સંયુક્ત નિવેદન તરફ નિર્દેશ કરે છે : જેમાં બંને નેતાઓએ "યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને માનવતાવાદી સંકટ અંગે ગંભીર ચિંતા" વ્યક્ત કરી હતી. તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે સમકાલીન વૈશ્વિક વ્યવસ્થા યુ. એન. ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર પર બનાવવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી બંને સાથે વાત કરી અને તેમને હિંસાનો અંત લાવવા વિનંતી કરી હતી. ભારત સરકાર 90 ફ્લાઇટમાં 22,000 થી વધુ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં સફળ રહી છે.
જેમણે મોસ્કોમાં સેવા આપી હતી એવા ભૂતપૂર્વ રાજદૂત અનિલ ત્રિગુણીયત કહે છે કે ભારતનો પ્રતિસાદ "ખચકાટવાળો" હતો તેવી રાષ્ટ્રપતિ બાઇડનની ટિપ્પણી "કદાચ કોઈ પ્રકારની મજાક" હતી.
તેઓ કહે છે, "ભારતની સ્થિતિ સમગ્ર રીતે સુસંગત અને સૈદ્ધાંતિક રહી છે. ભારત રાજનીતિ, સંવાદ, પ્રાદેશિક અખંડિતતા અને યુક્રેનના સાર્વભૌમત્વની પડખે ઊભું છે." તેમણે કહ્યુ, "આપણે વ્યૂહાત્મક રીતે તટસ્થ રહેવું જરૂરી છે. બીજો કોઈ રસ્તો નથી."
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદેશનીતિના પ્રોફેસર હેપીમોન જેકબ માને છે કે "ભારત પર મામલો ગરમાયો નથી અને ભારત વિરોધાભાસને સારી રીતે સંભાળી રહ્યું છે".
તેઓ કહે છે, "પ્રશ્ન એ છે કે શું ભારત વધુ કરી શક્યું હોત?"
શું ભારત વધુ કરી શકે છે?
ભારતના ભૂતપૂર્વ વિદેશસચિવ શિવશંકર મેનને ધ વાયરને જણાવ્યું હતું કે, "ભારતે કટોકટીનું પ્રશંસનીય રીતે સંચાલન કર્યું હોવા છતાં, તેણે "કુહાડીને કુહાડી કહેવી જોઈએ... તે આક્રમણ છે, તે યુદ્ધ છે" કહેવું જોઈએ. જો તમે તેમ નહી કરો તો તમારી વિશ્વસનીયતાને અસર થશે."
પરંતુ કુગેલમેનના કહેવા પ્રમાણે, રશિયા સાથે ભારતનો સંબંધ "નોસ્ટાલ્જીયા અને મજબૂત વિશ્વાસથી ભરેલો છે", - અર્થાત્ કે તે એમ જ તેના સાથી સામે ઊભું ન રહી જાય.
"રશિયાએ ભારે, લોહીયાળ આક્રમણ શરૂ કર્યા પછી પણ આ લાગણી પ્રવર્તે છે. વળી ભારત પશ્ચિમ સાથેના તેના સંબંધોથી વિમુખ થવા માંગતું નથી".
નિષ્ણાતો કહે છે કે, એકલા પડી જતા બચવાનો એક રસ્તો છે કે ભારત પોતાને તૃતીય-પક્ષ મધ્યસ્થી તરીકે રજૂ કરે અને યુક્રેનના ભારત ખાતેના રાજદૂત ઇગોર પોલિખાએ પણ યુદ્ધની શરૂઆતમાં એ જ વિનંતી કરી હતી.
કુગેલમેન કહે છે, "ભારત મોસ્કો સાથેના તેના ગાઢ સંબંધો અને કિએવ સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધોનો લાભ લઈને બંને પક્ષોને પાછા હઠવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી શકે છે."
તેઓ કહે છે, "કદાચ પુતિન પાછા ન પણ હઠે. પરંતુ જો ભારત ઓછામાં ઓછું ડિ-એસ્કેલેશનનો પ્રયાસ પણ કરે તો તેનાથી પક્ષ લેવાનો ભારતના ઇનકાર પર ઊભો થયેલો પશ્ચિમ સાથેનો તણાવ હળવો થઈ શકે."
જેકબ પણ આવી જ લાગણી વ્યક્ત કરતા કહે છે કે જ્યારે યુક્રેનિયનોએ મધ્યસ્થી માટે કહ્યું, ત્યારે ભારતે ઑફર સ્વીકારી લેવી જોઈતી હતી. "ભારત પાસે હજુ પણ તક છે. હજુ પણ આગળ વધીને ભારતે પોતાને તટસ્થ મધ્યસ્થી તરીકે રજૂ કરવું જોઈએ."
આખરે, ભારતને ચીન સાથેના તંગ સંબંધોને સંભાળવા માટે યુએસ અને રશિયા બંનેની જરૂર છે. ગત વર્ષે, ભારત અને ચીન હિમાલય પ્રદેશમાં વિવાદિત સરહદ પર સામસામે આવી ગયાં હતાં.
ત્રિગુણિયત કહે છે, લાંબા ગાળે ભારતે બિન-જોડાણવાદી નીતિથી બહુ દૂર નહીં એવી વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિ અપનાવવી જોઈએ અને યુક્રેનમાં યુદ્ધ પછીની ઉદ્ભવનારી "વધુ ગંભીર શીત યુદ્ધ 2.0માં તેમનાં હિતોને આગળ કરવા માટે "વ્યૂહાત્મક એકતા માટેનાં રાષ્ટ્રો"ના જૂથની શરૂઆત કરવી જોઈએ.
ભુતપૂર્વ ભારતીય વિદેશસચિવ શ્યામ સરને કહ્યું કે જો "યુ. એસ. એવા નિષ્કર્ષ પર આવે કે રશિયા તરફથી તેમને મોટું જોખમ છે અને તે ચીન સાથે વ્યૂહાત્મક સ્થિતિને યોગ્ય ઠેરવે" તો ભારત માટે "દુઃસ્વપ્ન જેવી સ્થિતિ" હશે. આનો સ્પષ્ટ અર્થ એવો થયો કે, "એશિયામાં ચીનના વર્ચસ્વને સ્વીકારો અને યુરોપિયન પક્ષની સંભાળ લો."
તે એક "દુઃસ્વપ્ન" છે જે ક્યારેય ભારતને કોઠે નહીં પડે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો