ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાથી સી પ્લેન ફરી 'શરૂ કરવાની તજવીજ' હાથ ધરાઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ડિસેમ્બર-2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો હતો અને બીજા તબક્કાનું મતદાન થવાનું હતું. એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં ઉડ્ડાણ ભરીને ધરોઈ ડૅમમાં લૅન્ડિંગ કર્યું હતું.

આ પર્યટનના વિકાસ માટેનો પ્રયોગ પણ હતો અને મતદાન પૂર્વે દુનિયા સહિત ગુજરાતીઓને 'ગુજરાત મૉડલ' યાદ અપાવવાનો પ્રયાસ પણ હતો. એ પછી સી પ્લેનનું ટેક ઑફ જ ન થઈ શક્યું.

મ્યુનિસિપલ કૉર્પોરેશનો તથા સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં વધુ એક વખત આ પ્રોજેક્ટનું ટેક ઑફ તો થયું, પરંતુ 110 દિવસમાં જ ફરી એક વખત તેનું 'ક્રૅશ લૅન્ડિંગ' થઈ ગયું.

કરોડો રૂપિયાના ખર્ચે આ સેવા શરૂ તો કરવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી ઠપ પડી છે.

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વધુ એક વખત તેને ચાલુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, આ માટે મુંબઈની એક કંપનીનું ટૅન્ડર પણ મંજૂરી કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે આ સેવા માટે અગાઉ કરતાં ત્રણ ગણાથી પણ વધુ ભાડું ચૂકવવું પડશે.

કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર દ્વારા ચૂંટણીઓ પહેલાં યોજનાઓ લૉન્ચ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ તેને ભુલાવી દેવાય છે. જોકે ભાજપ આ આરોપોને નકારે છે.

ફરી ટેક ઑફ કરી શકશે પ્રોજેક્ટ?

ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાત વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં દાવો કર્યો હતો કે જૂન મહિનાથી ફરી એક વખત સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની સેવા શરૂ થઈ જશે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં પૂછ્યું હતું કે, સાબરમતીથી કેવડિયાની સી પ્લેનની સેવા ક્યારે શરૂ કરવામાં આવી? જાન્યુઆરી-2022 સુધીમાં તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? તે કેટલા દિવસ બંધ રહી અને આ સેવા ફરીથી ક્યારે શરૂ કરવાનું આયોજન છે?

આ સવાલનો જવાબ આપતા મોદીએ જણાવ્યું, "તા. 31મી ઑક્ટોબર 2020ના દિવસે આ સેવા શરૂ કરવામાં આવી હતી, જેની પાછળ અત્યાર સુધી કુલ રૂ. સાત કરોડ 77 લાખ 65 હજાર 991નો ખર્ચ થયો છે. મૅઇન્ટનન્સના કારણે આ સેવા 47 દિવસ બંધ રહી હતી. ઍરલાઇન ઑપરેટર દ્વારા તા. 10મી એપ્રિલ 2021થી આ સેવા બંધ કરવામાં આવી છે. તેને ફરી શરૂ કરવા ટૅન્ડરપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે પ્રગતિમાં છે."

તા. 31મી ઑક્ટોબર 2020ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના દિવસે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીના રૂટની શરૂઆત કરવામાં આવી હતી.

જોકે, સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓ પછી આ રૂટ બંધ થઈ ગયો અને પ્રોજેક્ટનું ફરી ટેક ઑફ જ ન થઈ શક્યું.

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા હિંમતસિંહ પટેલે કહ્યું, "સી પ્લેનની સેવા શરૂ થયાના માત્ર ચાર મહિનામાં જ બંધ થઈ ગઈ હતી. ભાજપ સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ વિશે માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે અને ક્યારેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ યોજનાઓ નિષ્ફળ જાય છે. જેના કારણે પ્રજાના ટૅક્સના પૈસા વેડફાય છે અને પ્રજાને ફાયદો પણ નથી મળતો. વિકાસના નામે માત્ર ઠાલા વાયદા જ કરવામાં આવે છે."

હિંમતસિંહ પટેલનું કહેવું છે, "ભાજપ દ્વારા પ્રજાને ભરમાવીને મતોનું રાજકારણ કરવામાં આવે છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય, કૉર્પોરેશનની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય. દરેક ચૂંટણીમાં સ્કીમ લાવવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થાય એટલે સ્કીમ પણ પૂર્ણ થઈ જાય છે. સી પ્લેન જેવી ભ્રામક સ્કીમો આપીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુખ્ય મુદ્દા પરથી પ્રજાનું ધ્યાન ભટકાવવામાં આવે છે."

2017માં બીજા તબક્કાની ચૂંટણી પહેલાં પ્રચારનો છેલ્લો દિવસ હતો, ત્યારે નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડૅમની સફર ખેડી હતી.

વિપક્ષે તેને 'સ્ટન્ટ'માં ખપાવીને તેને આચારસંહિતાના ભંગ સમાન ગણાવી હતી. ભાજપ આ આરોપોને નકારે છે.

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું, "રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પછી મૅઇન્ટૅનન્સ માટે થોડો સમય સેવા બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ કોરોના મહામારી વકરી હોવાથી સી પ્લેન બંધ કરવામાં આવ્યું હતું."

"કોરોના મહામારીના સમયમાં ક્યારેક તો એક-બે પેસેન્જર જ થતા હતા. જેથી કોરોના મહામારીને ધ્યાને રાખી સેવા બંધ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન બાદ કોરોના મહામારી કાબૂમાં આવી છે. કોરોના ઘટતા જનજીવન સામાન્ય બનતા ફરી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કૉંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે."

નવમી એપ્રિલે લિઝ પર લેવાયેલું અને માલદીવમાં નોંધાયેલું સેવાપ્રદાતા સ્પાઇસ જેટનું વિમાન મૅઇન્ટૅનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે ચોમાસું પૂર્ણ થાય અને કોરોનાની મહામારી શાંત થયે વિમાનસેવા ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ એ વિમાન ક્યારેય પરત જ ન ફર્યું.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.

કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા આવેલી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

ફરી ટેક ઑફની તજવીજ

સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉટર ઍરોડ્રામ, જેટ્ટી અને ઑફિસ જેવી સવલતો ઊભી કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સાબરમતીથી કેવડિયા વચ્ચેની સી પ્લેન સેવા માત્ર 110 દિવસ ચાલી હતી, આ દરમિયાન વિમાને કુલ 284 ફેરા કર્યા હતા, જેમાં બે હજાર 458 મુસાફરોએ યાત્રા કરી હતી. આમ 19 મુસાફરોની ક્ષમતાવાળા ઑટ્ટર 300 ટ્વીન-એેન્જિન વિમાને સરેરાશ માત્ર નવ મુસાફર સાથે ઉડ્ડાણ ભરી હતી.

સપ્ટેમ્બર-2021માં સેવાપ્રદાતા સ્પાઇસ જેટે વિમાન સેવાને ફરી શરૂ કરવા સી પ્લેનના ઉત્પાદકો પાસેથી વિમાન ખરીદવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા, આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સહમતિ સધાઈ ન હતી અને કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો.

ડિસેમ્બર-2021માં સી પ્લેનની સેવાને ફરી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટૅન્ડર કાઢવામાં આવ્યું હતું. જેમાં મુંબઈની એક કંપનીને એલ-1 (લૉએસ્ટ વન, સૌથી ઓછી બોલી લગાવનાર) તરીકે પસંદ કરવામાં આવી છે. તેને ત્રણ વર્ષ માટે સેવા આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.

નવી સેવાપ્રદાતા કંપની દ્વારા સિંગલ એન્જિન ઍરક્રાફ્ટ દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં નવ બેઠક હશે અને તે અઠવાડિયામાં છ દિવસ દરરોજ ચાર ઉડ્ડાણ ભરશે.

કંપનીએ ઓછામાં ઓછી 80 કલાક તથા વધુમાં વધુ 100 કલાક હવાઈ ઉડ્ડાણની સેવા આપવાની રહેશે. ખાનગી કંપની દ્વારા વિદેશથી આ વિમાન મંગાવવામાં આવ્યું છે અને તેને ભારતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ટિકિટભાડામાં 333 ટકાનો વધારો

જોકે આ સેવા અગાઉ જેટલી સસ્તી નહીં હોય. જ્યારે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેનું ટિકિટભાડું રૂ. 1,500થી રૂ. 4,500 વચ્ચેનું હતું. બેઠક-વ્યવસ્થાના આધારે ચાર્જ કરવામાં આવતો હતો.

હવે આ ભાડું રૂ. પાંચ હજાર રહેશે. આમ ટિકિટભાડામાં 333 ટકાનો વધારો થશે.

કરારની શરતો પ્રમાણે, સ્ટાફ તથા રખરખાવની જવાબદારી ખાનગી કંપનીની રહેશે. સી પ્લેનની સેવાની જાળવણી પાછળ માસિક રૂ. એક કરોડ 62 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

ખાનગી કંપની દ્વારા ટિકિટની આવક ગુજસેલને (ગુજરાત સ્ટેટ ઍવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ) જમા કરાવવાની રહેશે. કુલ 936 બેઠક પેટે રૂ. 46 લાખની આવક થશે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે. જ્યારે સરકાર દ્વારા રૂ. 82 લાખ 80 હજારની રકમ વીજીએફ (વાયૅબ્લિટી ગૅફ ફંડિંગ) તરીકે આપવામાં આવશે. સરકાર દ્વારા આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત આપવામાં આવે, જેથી કરીને સેવા ચાલુ રહી શકે, તેને વીજીએફ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજસેલના ડાયરેક્ટર કૅપ્ટન અજય ચૌહાણના કહેવા પ્રમાણે, "રાજ્ય સરકાર દ્વારા સી પ્લેન સર્વિસ પ્રૉવાઇડર માટેનું ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મુંબઈની મહેર ઍરલાઇન્સનું ટૅન્ડર 'એલ-1' હોવાનું બહાર આવ્યું છે. તેને સર્વિસ પ્રૉવાઇડર તરીકેનો કૉન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યો, આ માટેની પ્રક્રિયા હજુ ચાલી રહી છે."

"સર્વિસ પ્રૉવાઇડર કંપનીએ જરૂરી મંજૂરીઓ લેવાની રહેશે. લગભગ ત્રણ મહિનામાં આ સેવા શરૂ થઈ જશે. ટૅન્ડરમાં વન-વે ટિકિટનો દર રૂ. પાંચ હજાર નક્કી કરવામાં આવ્યો હતો, એટલે ટિકિટનું ભાડું રૂ. પાંચ હજાર રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો