You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકાથી ભાગીને લોકો નાવડીમાં બેસીને ભારત કેમ આવી રહ્યા છે?
શ્રીલંકામાં આર્થિક સંકટ હવે માનવીય સંકટમાં ફેરવાઈ રહ્યું છે.
શ્રીલંકન પરિવારોએ પોતાનો દેશ છોડવાનું શરૂ કરી દીધું છે અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતના સમુદ્રતટ પર પહોંચી રહ્યા છે. આવું કરવા પાછળનું કારણ છે શ્રીલંકામાં આવશ્યક વસ્તુઓની ભારે અછત અને આકાશ આંબતી મોંઘવારી.
મંગળવારથી અત્યાર સુધી કુલ 16 શ્રીલંકન નાગરિક દરિયાઈ માર્ગે ભારત પહોંચી ચૂક્યા છે અને તામિલનાડુમાં મરીન પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.
શ્રીલંકન નાગરિકોનું પ્રથમ સમૂહ મંગળવાર સવારે તામિલનાડુના ધનુષકોડી પહોંચ્યું. તેમાં જાફના અને મન્નારીના બે પરિવારોની ત્રણ પુખ્ત વયની વ્યક્તિઓ અને ત્રણ બાળકો સામેલ છે.
તે પૈકી એક, 27 વર્ષીય ગજેન્દ્રન, જેઓ જાફનામાં એક ચિત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કહ્યું કે ગૃહયુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન તેઓ ભારત આવ્યા હતા અને તામિલનાડુમાં શ્રીલંકન શરણાર્થી શિબિરમાં રહ્યા હતા.
તે બાદ, અન્ય એક સમૂહ જેમાં દસ લોકો સામેલ હતા - પાંચ પુખ્ત અને પાંચ બાળકો- શ્રીલંકાના વાવુનિયાથી મંગળવાર રાત્રે ધનુષકોડી પહોંચ્યા.
'સમુદ્રમાં 37 કલાક સુધી ફસાયેલા રહ્યા'
35 વર્ષીય શિવરાથિનમ વ્યવસાયે માછીમાર છે, તેઓ એ દસ લોકોમાં સામેલ છે જેઓ વાવુનિયાથી ધનુષકોડી પહોંચ્યા.
તેમણે કહ્યું કે તેમણે સોમવારે સવારે પોતાની સફરની શરૂઆત કરી હતી. તેમની સાથે તેમનાં પત્ની, બહેન, સાળા અને તેમનાં ત્રણ બાળકો પણ માછલી પકડવાવાળી હોડીમાં સવાર થઈને ભારત પહોંચ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું, "અમારી સફરની શરૂ થયાના બે કલાક બાદ, અમારી હોડીના એન્જિનમાં જ ખરાબી આવી, અમે લગભગ 37 કલાક સુધી ભોજન કે પાણી વગર ફસાયેલા રહ્યા."
ઘણી મુશ્કેલી બાદ તેમનું એન્જિન ઠીક થયું અને મંગળવારે મોડી રાત્રે તેઓ ધનુષકોડી પહોંચ્યાં.
ભારત પહોંચ્યા ત્યારે તામિલનાડુ મરીન પોલીસના અધિકારીઓએ તેમની ધરપકડ કરી અને તેમના ગેરકાયદેસર પ્રવેશ સંબંધિત મામલા દાખલ કર્યા.
શ્રીલંકન નાગરિકોને વર્તમાન સમયમાં ધનુષકોડી મરીન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમને રામેશ્વરમ ન્યાયિક મૅજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓનું કહેવું છે કે તેમણે ગમે તે પ્રકારના ગેરકાયદેસર પ્રવેશને અટકાવવા માટે નજર રાખવાનું કાર્ય વધુ સઘન બનાવી દીધું છે.
શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટ અને લોકો દેશ ન છોડે તે માટેના ઉપાય
આ દરમિયાન નૅવીના અધિકારીઓનું કહેવું છે કે તેમણે શરણાર્થી તરીકે ભારત પહોંચનાર શ્રીલંકન લોકોને રોકવા માટે વિશેષ યોજના ઘડી છે.
નૅવીના પ્રવક્તા કૅપ્ટન ઇંડિકા ડી સિલ્વાએ બીબીસી તામિલ સેવાને જણાવ્યું કે તેમની પાસે શરણાર્થીઓને ભારત પહોંચતાં અટકાવવા માટે એક સિસ્ટમ છે. જોકે, તે 100 ટકા અસરકારક નહીં સાબિત થાય, પરંતુ તેને તેઓ સફળતાપૂર્વક લાગુ કરવાની કોશિશ કરાઈ રહી છે.
તેમણે કહ્યું કે, "અમે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે કે આ લોકો શ્રીલંકામાંથી ભારત કેવી રીતે પહોંચ્યા."
શ્રીલંકા મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને આ કારણે જ ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે.
માર્ચ 2020માં કોવિડ લૉકડાઉન દરમિયાન, શ્રીલંકાના પ્રમુખ ઉદ્યોગ, ચા, કાપડ અને પર્યટન પર ખરાબ અસર પડી છે.
તે બાદ, આ ટાપુ દેશ, જેની પાસેથ સ્થિર આવકનો સ્રોત નથી તે ધીમે-ધીમે આર્થિક સંકટમાં ઘેરાતું ગયું. સાથે જ તેનું ફૉરેક્સ, જે ત્યાંની સેન્ટ્રલ બૅંકના હાથમાં હતું તે સતત નીચે પડતું ગયું છે.
જેમ જેમ આર્થિક સ્થિતિ વિકટ બનતી ગઈ, આવશ્યક વસ્તુઓની કિંમતોમાં અભૂતપૂર્વ વધારો થયો. રસોઈ ગૅસની અછતના કારણે હોટલ બંધ થઈ ગઈ, કારણ કે પ્રમુખ ગૅસ સપ્લાયરો પાસે ગૅસ ખરીદવા માટેનાં નાણાં જ નહોતાં.
આવશ્યક સામાન ખરીદવા માટે લોકો દુકાનો સામે કતારમાં ઊભા રહેવા લાગ્યા અને ઘણી વાર આવા સામાનો માટે હિંસક અથડામણ પણ થઈ કારણ કે તમામ લોકોને પર્યાપ્ત પુરવઠો નહોતો મળી શકી રહ્યો.
જોકે કહેવાય છે કે 1970ના દાયકામાં જ્યારે સિરિમાવો ભંડારનાઇકે વડા પ્રધાન હતા, ત્યારે શ્રીલંકામાં દુષ્કાળ પડ્યો હતો, પરંતુ કેટલાક લોકોને લાગે છે કે હાલનું સંકટ તેના કરતાં પણ વધુ ખરાબ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો