ગુજરાતમાં બચ્યાં છે માત્ર 61 ખડમોર, ગુજરાત સરકાર આ પક્ષીઓ માટે શું કરી રહી છે? - પ્રેસ રિવ્યૂ

31 ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં માત્ર 61 ખડમોર બચ્યા હોવાનું સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે.

ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર દ્વારા ખડમોરને એવાં પક્ષીઓની યાદીમાં મૂકવામાં આવેલું છે જે 'લુપ્ત થવાના આરે' છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે ખડમોરના પ્રાકૃતિક આશ્રયસ્થાનની જાળવણી માટે અને તેમના માટે બ્રીડિંગ સૅન્ટર બનાવવા માટે સરકાર વેળાવદર નેશનલ પાર્કમાં કામ કરી રહી છે.

ખડમોરની ઘટી રહેલી પ્રજાતિને બચાવવા સરકાર દ્વારા થોડા સમય પહેલાં બે પક્ષીઓ પર સૅટેલાઇટ ટૅગ લગાવવામાં આવ્યા હતા. જેની પાછળ તેમના વર્તન અને આશ્રયસ્થાન વિશે સમજ મેળવવાનો આશય હતો.

ગુજરાતમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં 950 ટકાનો વધારો

છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં 950 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વર્ષ 2019થી 2021 સુધીમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

અહેવાલ પ્રમાણે, 2019માં ગુજરાતમાં નોંધાયેલાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 950 હતી. જે 2020માં 1119 સુધી પહોંચી હતી.

જ્યારે 2021માં 950 ટકાના વધારા સાથે આંકડો 9,780 પર પહોંચી ગયો છે.

એક સરકારી અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે જૂન 2021માં રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટેની પૉલિસી જારી કર્યા બાદ આ વધારો જોવા મળ્યો છે.

પૉલિસી પ્રમાણે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સબસિડીની ભલામણ છે અને વેચનારાઓ અને ઉત્પાદકોને પણ વિવિધ લાભ આપવામાં આવ્યા છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2025 સુધીમાં ગુજરાતના રસ્તા પર અંદાજે બે લાખ ઇલેક્ટ્રિક વાહનો લાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં 1.25 લાખ ટુ-વ્હિલર, 75 હજાર થ્રી-વ્હિલર અને 20 હજાર ફોર-વ્હિલરનો સમાવેશ થાય છે.

બળાત્કાર એ બળાત્કાર છે, બળાત્કારી પતિ પોતે જ કેમ ન હોય : કર્ણાટક હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું છે કે બળાત્કાર એ બળાત્કાર છે, ભલે ને તે કરનાર પતિ હોય.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 'મૅરિટલ રેપ' અંગેની ચર્ચા દરમિયાન કર્ણાટક હાઈકોર્ટની સિંગલ જજ બૅન્ચના જસ્ટિસ એમ. નાગાપ્રસન્નાએ આ સૂચન કર્યું હતું.

કર્ણાટકમાં એક પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આ મુદ્દે હાલ સુનાવણી ચાલી રહી છે.

કોર્ટે વધુમાં કહ્યું કે "'પતિ જ પરમેશ્વર છે તે પત્નીના શરીર અને આત્માનો શાસક છે' વર્ષો જૂની આ સંકુચિત વિચારધારાને દૂર કરવી જરૂરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો