રશિયા-યુક્રેન યુદ્ધ : 'કિએવના ભૂતે' એકલા હાથે શું રશિયાનાં 40 વિમાન તોડી પાડ્યાં હતાં? શું 'યુક્રેનના હીરો'ની કહાણી?

રશિયા કરતા યુક્રેન પાસે ફાઇટર પાઇલટ્સ ઘણી ઓછી સંખ્યામાં છે પરંતુ હાલ યુક્રેનના પાઇલટની ચર્ચા રશિયા સાથેના યુદ્ધની સાથે સંકળાયેલી દંતકથાની જેમ થઈ રહી છે.

પોતાના કરતા ઘણો મોટા એવા રશિયન ફાઇટર પાઇલટ્સના કાફલાને પહોંચી વડવા માટે તેમના વખાણ થઈ રહ્યાં છે.

આમાં સૌથી વધારે ચર્ચા "ઘોસ્ટ ઑફ કિએવ" એટલે કે "કિએવના ભૂત" તરીકે ઓળખાતા ઉડ્ડયનના મહારથીની કહાણીની થઈ રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ હીરોએ 40 જેટલાં દુશ્મન વિમાનોને તોડી પાડ્યાં હતાં - એક એવા ક્ષેત્રમાં એક અવિશ્વસનીય પરાક્રમ, જ્યાં રશિયા આકાશને નિયંત્રિત કરે છે.

પરંતુ હવે યુક્રેન ઍરફોર્સ કમાન્ડે ફેસબુક પર ચેતવણી આપી છે કે "કિએવના ભૂતની કહાણી એક સુપરહીરોની દંતકથા છે, જેનું પાત્ર યુક્રેનિયનો દ્વારા સર્જાયું હતું!"

ઍરફોર્સના સંદેશામાં કહેવામાં આવ્યું કે, "અમે યુક્રેનિયન સમુદાયને માહિતીની સત્યતાનાં મૂળભૂત નિયમોની અવગણના ન કરવા માટે કહીએ છીએ," અને લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ "કોઈ પણ માહિતી ફેલાવવામાં આવે તે પહેલાં માહિતીના સ્રોતની તપાસ કરે".

અગાઉના અહેવાલોમાં આ મહારથીનું નામ 29 વર્ષીય મેજર સ્ટેપન તારાબાલ્કા કહેવાયું હતું. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે તેઓ 13 માર્ચના રોજ લડાઈમાં માર્યા ગયા હતા અને મરણોપરાંત યુક્રેનના આ હીરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હવે, વાયુસેના એ વાત પર ભાર મૂકે છે કે "તારાબાલ્કા 'કિએવનું ભૂત' નથી અને તેમણે 40 વિમાનો નથી તોડી પાડ્યાં."

યુક્રેનની વાયુસેના "ઘોસ્ટ ઑફ કિએવ"નું વર્ણન કોઈ એક જ માણસની લડાઈના રેકર્ડને બદલે "ઍરફોર્સની 40મી વ્યૂહાત્મક ઉડ્ડયન બ્રિગેડના પાઇલટ્સની સામૂહિક છબી" તરીકે કરે છે, જેઓ રાજધાની પરના આકાશનું રક્ષણ કરે છે."

અનેક અઠવાડિયાં સુધી યુક્રેનના લોકો પાસે "ઘોસ્ટ ઑફ કિએવ" માટે કોઈ નામ નહોતું, પરંતુ તેનાથી સોશિયલ મીડિયા પર વાઇરલ થતી વાતો બંધ થઈ ન હતી.

તેનો ઉપયોગ યુક્રેનિયન મૉડલના ઍરક્રાફ્ટ ઉત્પાદક દ્વારા માર્કેટિંગ બ્રાન્ડ તરીકે કરવામાં આવતો હતો.

સંરક્ષણ મંત્રાલયે પણ તારાબાલ્કાની વીરતાની ઉજવણી કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.

બીબીસી સિવાયની સાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. લશ્કરી નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે એક પાઇલટ 40 જેટલાં રશિયન વિમાનોને તોડી પાડી શકે છે.

યુક્રેનના લશ્કરી ઇતિહાસકાર મિખાઇલ ઝિરોહોવે કિએવના ભૂતની વાર્તાને "મનોબળ વધારવા માટેના પ્રચાર" તરીકે વર્ણવ્યો હતો. ચેર્નિહીવથી બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે યુદ્ધની શરૂઆતમાં રશિયનો યુક્રેનિયન હવાઈ ક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવતા હતા, તેથી યુક્રેનિયન પાઇલટ "ફક્ત બે કે ત્રણને જ ઠાર કરી શક્યા."

તેમણે કહ્યું કે "આ પ્રચાર કરવો જરૂરી છે, કેમ કે અમારાં સશસ્ત્ર દળો નાનાં છે અને ઘણાને લાગે છે કે અમે તેમની (રશિયનો) સમાન ન હોઈ શકીએ. અમને યુદ્ધના સમયમાં આની જરૂર છે."

યુક્રેનના ફાઇટર પાઇલટ્સ હલકી ગુણવત્તાવાળાં મિગ-29 વિમાનો ઉડાવી રહ્યા છે છતાં હકીકત એ છે કે હજી પણ યુક્રેનના પાઇલટ્સ રશિયાને આસમાનમાં ટક્કર આપી રહ્યા છે. અને અહીંથી જ "કિએવના ભૂત"ની દંતકથાને બળ મળ્યું હતું.

તમામ સૈન્યશક્તિ સાથે રશિયાને યુક્રેનના હવાઈ સંરક્ષણને પછાડવામાં બે મહિનાથી વધુ સમય લાગ્યો છે - અને નિષ્ફળ ગયા છે.

યુક્રેનિયન સત્તાવાળાઓએ યુદ્ધના થોડા દિવસો પહેલાં જ ઘોસ્ટ ઑફ કિએવની કથાને બળ આપ્યું હતું.

યુક્રેન સિક્યૉરિટી સર્વિસ (એસબીયુ)એ ટેલિગ્રામ મૅસેજિંગ સર્વિસ પર એક ફાઇટર પાઇલટનું દર્શાવ્યું હતું, જેમાં 10 રશિયન વિમાનોને તોડી પાડવા માટે "ઘોસ્ટ ઑફ કિએવ"ને "દેવદૂત" કહેવાયું હતું. પણ "દેવદૂત"નું નામ આપ્યું નહોતું અને મીડિયા અહેવાલોએ પાછળથી જણાવ્યું હતું કે વપરાયેલો ફોટો જૂનો હતો.

મૉસ્કવા વાર્તાથી યુક્રેનનું મનોબળ પણ વધ્યું?

એક યુક્રેનિયન લશ્કરી નિષ્ણાતે નામ ન આપવાની શરતે બીબીસીને 'કિએવ ઘોસ્ટ'ની વાત કરતાં કહ્યું કે "લોકોને સરળ વાર્તાઓની જરૂર હોય તેવા સમયે આ વાર્તાએ મનોબળ વધારવામાં મદદ કરી છે."

મૉસ્કવા વાર્તાથી યુક્રેનનું મનોબળ પણ વધ્યું છે.

પ્રથમ તો યુક્રેનિયન સરહદ રક્ષકોએ રશિયન મિસાઇલ ક્રૂઝરને લલકાર્યું અને પછી કાળા સમુદ્રમાં રશિયાના જહાજ બેડાના ગૌરવશાળી જહાજ મૉસ્કવાને યુક્રેને કથિત રીતે ડુબાડી દીધું હતું. કહેવામાં આવ્યું કે યુક્રેનની બે નૅપ્ચ્યુન મિસાઇલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.

રશિયાએ સ્વીકાર્યું કે બોર્ડમાં આગ લાગી હતી અને જહાજ ડૂબી ગયું હતું, પરંતુ મિસાઇલ હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

વીર ફાઇટર પાઇલટ્સને અન્ય દેશોમાં પણ રાષ્ટ્રીય સ્તરે વીરતાની કથાઓમાં સ્થાન મળ્યું છે. યુકે બહાદુર રૉયલ ઍરફોર્સના પાઇલટ્સની ઉજવણી કરે છે, જેમણે બ્રિટનની 1940ની લડાઈમાં શકિતશાળી નાઝી લુફ્ટવાફેને પરાજય આપ્યો હતો.

અને રશિયા પોતે જ તેના બીજા વિશ્વયુદ્ધના પાઇલટ્સના બલિદાનની પ્રશંસા કરે છે, જેમને જર્મનો દ્વારા મારવામાં આવ્યા હતા. ગોળીઓ ખતમ થયા બાદ કેટલાક જાણીજોઈને દુશ્મનનાં વિમાનો સાથે અથડાયાં હતાં.

કિએવના ભૂત જેવી દંતકથાઓ આશ્ચર્યજનક નથી. રશિયન અને યુક્રેનિયન નુકસાન માટે આવા વિરોધાભાસી આંકડા આપવામાં આવે છે, આંકડાઓમાં વધારો કરવા માટે પૂરતો અવકાશ રહેતો છે.

30 એપ્રિલના રોજ યુક્રેનિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે યુદ્ધમાં અત્યાર સુધી રશિયાએ 190 વિમાનો અને 155 હેલિકૉપ્ટર ગુમાવ્યાં છે, પરંતુ સ્વતંત્ર લશ્કરી વિશ્લેષકો ઓરિક્સનું માનવું છે કે રશિયનને 26 વિમાનો અને 39 હેલિકૉપ્ટર, તેમજ 48 ડ્રોન (યુએવી)નું નુકસાન થયું છે.

રશિયા અને યુક્રેન બંને પોતપોતાના નુકસાન વિશે ખૂબ જ ગુપ્ત છે. ગણતરી કરવી મુશ્કેલ છે, કારણ કે ઍરક્રાફ્ટ ઘણી વાર રશિયન હસ્તકના પ્રદેશમાં ક્રેશ થાય છે અને કેટલાંક રશિયામાં ઊતરવાનું મૅનેજ કરે છે.

નિષ્ણાતો સહમત છે કે મોટા ભાગના કિસ્સાઓમાં રશિયન ઍરક્રાફ્ટને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, ખાસ કરીને મેન-પોર્ટેબલ ઍર ડિફેન્સ સિસ્ટમ્સ (મેનપેડ) વડે તોડી પાડવામાં આવ્યાં હતાં.

સિક્યૉરિટી કન્સલ્ટન્સી સિબિલિનના જસ્ટિન ક્રમ્પ કહે છે કે "કિએવના ભૂત"ની વીરતાની કહાણી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણા સોશિયલ મીડિયાના યુગમાં "લોકોને એકતા અને અર્થ પ્રદાન કરવા માટે દંતકથાઓ અને નાયકોની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો