You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી સાહિલ મોમીન જેમણે ઑસ્ટ્રિયા માટે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મૅચ રમી રચ્યો કીર્તિમાન
- ગાંધીનગરના સાહિલ મોમીન જેમણે જર્મની-ઑસ્ટ્રિયા માટે ક્રિકેટ રમીને ગુજરાતનું નામ કાઢ્યું
- ઑસ્ટ્રિયા માટે રમતી વખતે બેલ્જિયમ સામે ફટકારી અર્ધ સદી અને રચ્યો કીર્તિમાન
- ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી ન પામ્યા તો યુરોપિયન ટીમોમાં અજમાવ્યું નસીબ.
- પોતાની કાબેલિયતના બળ પર બનાવ્યું ઑસ્ટ્રિયન ક્રિકેટ ટીમમાં સ્થાન
આજથી એકાદ દાયકા અગાઉ કોઈ કહે કે યુરોપમાં ક્રિકેટ રમાય છે તો નવાઈ લાગે અને તેમાંય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાય છે તેમ કહેનારાની મજાક થતી હતી પરંતુ ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ દુનિયાના ઘણા દેશને પોતાના સદસ્ય બનાવી દીધા અને તેઓ હાલમાં કમસે કમ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટ તો રમે જ છે.
જોકે, તેમને ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશવામાં હજી વર્ષો લાગી શકે છે પરંતુ ત્યાંના ક્રિકેટર હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થઈ ગયા છે. જોકે વિશ્વનો કોઈ પણ દેશ હોય તેમાં ક્રિકેટ રમતા ખેલાડીઓમાં એશિયન કે ભારતીય ખેલાડી ન હોય તો જ નવાઈ જ્યારે આપણે તો ગુજરાતની ખેલાડીની વાત કરવી છે.
ગુજરાતના સ્મિત પટેલ કેરેબિયન પ્રીમિયર લીગમાં રમ્યા છે તો તિમિલ પટેલ અમેરિકન ટીમમાંથી રમ્યા અને દીપ ત્રિવેદી ઓમાનની ઇન્ટરનેશનલ ટીમમાંથી રમ્યા છે. આ તમામ વિશે ફરી ક્યારેક વાત કરીશું પણ યુરોપના કોઈ દેશમાં ગુજરાતી ક્રિકેટરની હાજરી હોય તે અચરજ પમાડે તેવી વાત છે અને તેમાં હવે ગાંધીનગરના સાહિલ (શાહિલ તરીકે પણ ઓળખાય છે) મોમીનનું નામ ઉમેરાઈ ગયું છે.
જર્મનીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ
સાહિલ મોમીન અગાઉ જર્મની માટે વન-ડે ઇન્ટરનેશનલ રમ્યા હતા અને હવે ઑસ્ટ્રિયા માટે ટી20 ઇન્ટરનેશનલ રમી રહ્યા છે.
જર્મની અને ઓસ્ટ્રિયા આ બંને એવા દેશ છે જેને એમ કહેવાતું હતું કે ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ ચીન અને જાપાન જેવા એશિયન દેશ ક્રિકેટથી દૂર રહેતા હતા તેવી જ રીતે આ બે યુરોપિયન દેશો ક્રિકેટ સિવાયની બાકીની તમામ રમતોમાં ભાગ લેતા હશે.
જોકે એ વાત અલગ છે કે આજથી 200 કરતાં વધુ વર્ષ અગાઉ જર્મનીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાતું હતું પરંતુ એ વખતે અંગ્રેજો ત્યાં જઈને રમતા હતા જ્યારે હવે જર્મન લોકો જ ક્રિકેટ રમતા થઈ ગયા છે. તેમાં સાહિલ મોમીન ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
સાહિલ મૂળ ગુજરાતના પાટનગર ગાંધીનગરના પણ તેમનો અભ્યાસ અમદાવાદમાં થયો હતો.
ગાંધીનગરમાં તેમના પિતા બશીરભાઈ ગાંધીનગરમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે સરકારી નોકરી કરે એટલે પરિવાર ત્યાં જ સેટ થયો. જોકે સાહિલ અમદાવાદની એક કૉલેજમાં અભ્યાસ કરતા હતા. ડિસેમ્બર 2005માં ગુજરાતની ટીમ પોલી ઉમરીગર ટ્રૉફી અંડર-15 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા આંધ્રમાં સિકંદરાબાદ રમવા ગઈ ત્યારે એક ડાબેરી બૅટ્સમૅન અને ડાબેરી બૉલર ઓલરાઉન્ડર તરીકે સાહિલની પણ તેમાં પસંદગી થઈ હતી. પાછળથી ગુજરાત માટે રણજી ટ્રૉફી રમનારા મનપ્રીત જુનેજાની આગેવાની હેઠળની એ ટીમમાં અવિ બારોટ (હવે સદ્ગત), વર્તમાન રણજી ટીમના સુકાની ભાર્ગવ મેરાઈ તથા આઇપીએલમાં ધૂમ મચાવ્યા બાદ ભારતીય ટી20 ટીમમાં પ્રવેશ કરી ચૂકેલા હર્ષલ પટેલનો પણ સમાવેશ થતો હતો. સાહિલ એ સિઝનમાં ગુજરાત માટે રમ્યા પરંતુ ત્યાર બાદ તેમને ઉચ્ચ અભ્યાસ કરવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાંથી જ ઇલેક્ટ્રિકલ ઇજનરે બન્યા બાદ વધુ અભ્યાસ માટે તેમણે જર્મનીની કૉલેજમાં એડમિશન લીધું અને તેઓ જર્મની ચાલ્યા ગયા.
કઈ રીતે થઈ ક્રિકેટિંગ સફરની શરૂઆત?
ક્રિકેટ તો તેમના મૂળ સ્વભાવમાં હતું એટલે જર્મનીમાં અભ્યાસની સાથે સાથે તેમણે ક્રિકેટ જારી રાખ્યું.
આ અંગે બશીરભાઈ મોમીન કહે છે બાળપણથી જ તેમને ક્રિકેટનું ઘેલું લાગેલું હતું તેમાં ગુજરાતની અંડર-15 ટીમમાંથી રમ્યા બાદ તેમને જર્મની જવાનું થયું પણ ક્રિકેટ ભૂલ્યા નહીં.
"જર્મનીમાં તે અભ્યાસની સાથે સાથે નોકરી પણ કરે અને સ્થાનિક ક્લબમાં ક્રિકેટ પણ રમે. જર્મનીમાં ભારત જેટલી સ્પર્ધા નહીં હોવાને કારણે તેને નેશનલ ટીમ સુધી પહોંચવામાં વાર લાગી નહીં પરંતુ તેની પોતાની કાબેલિયત પણ એટલી હતી કે તેની પસંદગી આસાનીથી થઈ ગઈ."
તેમના પિતા આગળ વાત કરતાં કહે છે કે, "જર્મનીમાં તેઓ આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગની યુરોપિયન ડિવિઝનની મૅચોમાં વન-ડે રમ્યો અને ત્યાર બાદ યુરોપિયન લીગની બહાર જઈને વર્લ્ડ ક્રિકેટ લીગમાં પણ રમ્યા. 2015ની આસપાસ ભારત છોડ્યા બાદ સાહિલ 2017 સુધી જર્મનીમાં રમ્યો પરંતુ કારકિર્દીને વધુ ઉજ્જવળ બનાવવા તથા સારી નોકરીની તલાશમાં તે ઑસ્ટ્રિયા પહોંચી ગયો અહીં તેના જીવનમાં મોટો વળાંક આવ્યો. ઑસ્ટ્રિયન ટીમને પણ એકાદ ડાબોડી ઓલરાઉન્ડરની જરૂર હતી."
"ભારતમાં બીઈ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રિક્સની ડિગ્રી બાદ તેણે જર્મનીમાં સસ્ટેનેબલ રિસોર્સ મેનેજમૅન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને ક્રિકેટને સસ્ટેઇન કરવા માટે મેદાન પર જવાનું તો જારી જ રાખ્યું. ઓસ્ટ્રિયા પહોંચ્યા બાદ તેણે ક્લબ ક્રિકેટમાં તો રમવાનું જારી રાખ્યું પરંતુ ત્યાંની સરકારના નિયમ મુજબ દેશની ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે સાહિલે કમસે કમ ત્રણ વર્ષ સુધી એ દેશમાં રહેવું જરૂરી હતું. જૂન 2021માં સાહિલે ત્રણ વર્ષ પૂરા કર્યા તે સાથે જ તે ઑસ્ટ્રિયન ટીમમાં પ્રવેશ કરી શક્યો."
સાહિલ મોમીને બનાવ્યો કીર્તિમાન
ઑસ્ટ્રિયન ટીમ પણ જાણે તેની રાહ જોતી હોય તેમ તેમને ટીમમાં સામેલ કરાયા તેના એક મહિના બાદ ઑસ્ટ્રિયા અને બેલ્જિયમ વચ્ચે ઇન્ટરનેશનલ ટી20 ક્રિકેટ સિરીઝ યોજાઈ જેમાં સાહિલ ઓપનિંગ બૅટ્સમૅન અને ઓપનિંગ બૉલર તરીકે રમ્યા. ઑસ્ટ્રિયા માટે પોતાની કારકિર્દીની પ્રથમ જ ટી20 મૅચમાં તેમણે શાનદાર 61 રન ફટકારી દીધા. ટી20 ક્રિકેટમાં કારકિર્દીની પ્રથમ જ મૅચમાં અડધી સદી ફટકારનારા વિશ્વના અન્ય 66 બૅટ્સમૅનની હરોળમાં સાહિલનું નામ આવી ગયું એટલું જ નહીં પણ ઑસ્ટ્રિયા માટે આમ કરનારા તેઓ એકમાત્ર બૅટ્સમૅન છે.
ઉલ્લેખનીય છે કે ટી20માં મોખરાની ટીમો પૈકીની એક ભારત તરફથી માત્ર અજિંક્ય રહાણે અને ઇશાન કિશન જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. આ સંજોગોમાં ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી બાબત છે કે સાહિલ પણ તેમાં સામેલ છે.
કહેવાની જરૂર નથી પણ ઑસ્ટ્રિયા માટે રમવાની શરૂઆત કર્યા બાદ સાહિલ ટીમનું અવિભાજ્ય અંગ બની ગયા અને બેલ્જિયમ સામેની એ સિરીઝમાં તેમને મૅન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા. આઇસીસી હાલમાં આગામી ટી20 વર્લ્ડકપની તૈયારી કરી રહી છે ત્યારે તે માટે વિશ્વભરમાં ક્વૉલિફાયર રાઉન્ડ ચાલી રહ્યા છે. સ્ટ્રિયાની ટીમ તેમાં કવોલિફાઈ થાય તે બહુ દૂરની વાત છે પરંતુ લગભગ તમામ દેશો આ માટે તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રિયા તાજેતરમાં જ જર્મની સામે રમ્યું.
સાહિલ તેમની મૂળ ટીમ સામે રમી રહ્યા હતા. આ ત્રિકોણીય સિરીઝમાં તેમણે ચાર મૅચમાં 54 રન ફટકારવા ઉપરાંત ચાર વિકેટ પણ ખેરવી હતી. સાહિલ અત્યારે તેની ટીમના ઉપકપ્તાન છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં રમીને સાહિલની કારકિર્દીનું ઘડતર થયું હતું તો તેની સાથે સાથે ભારતીય ક્રિકેટમાં યુવાનોને કેટલી તક મળે છે તેની હકારાત્મક અને નકારાત્મક બંને બાજુંઓના સાહિલ સાક્ષી છે.
ચેન્નાઈમાં પેસ ફાઉન્ડેશનની સાથે સાથે સ્પિન ફાઉન્ડેશન પણ છે જેમાં ભારતના મહાન સ્પિનર એરાપલ્લી પ્રસન્ના, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંઘ અને એક જમાનામાં તરખાટ મચાવનારા લેફ્ટ આર્મ સ્પિનર વેંકટપથી રાજુ પાસે તાલીમ લેવાની સાહિલને તક મળી હતી પરંતુ આવા હોનહાર ક્રિકેટરને ગુજરાતની સિનિયર ટીમમાં સ્થાન મળ્યું નહીં.
જોકે ઍકેડમિક કારકિર્દીના ભોગે ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય લઈને સાહિલ યુરોપમાં અભ્યાસાર્થે ચાલ્યા ગયા જ્યાં તેમને ક્રિકેટ રમવાની પણ તકી મળી. આમ ગુજરાતના અથવા તો ગુજરાતી ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં સાહિલ મોમીનને સ્થાન મળી ગયું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો