You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 2002નાં રમખાણો અંગે નરેન્દ્ર મોદી મૌન કેમ રહ્યા? અમિત શાહે આપ્યો જવાબ
વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી.
ત્યાર બાદ સમાચાર એજન્સી એએનઆઈનાં સંપાદક સ્મિતા પ્રકાશને આપેલા અંદાજે 40 મિનિટના ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ગુજરાત રમખાણો, નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપો સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી.
અમિત શાહે કહ્યું કે આજે જ્યારે જજમેન્ટ આવ્યું છે ત્યારે નક્કી થઈ ગયું કે મોદીને ટાર્ગેટ કરીને કાવતરું ઘડવામાં આવ્યું હતું.
"નરેન્દ્ર મોદી દૃઢ રીતે ધૈર્યથી લડાઈ લડ્યા. આરોપોને વિષની જેમ પીધા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૂરજની જેમ ઊગી નીકળ્યા છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ગુજરાતમાં રમખાણો થવાનું મુખ્ય કારણ ગોધરા ટ્રેન સળગી એ હતું. તેના કારણે લોકોમાં રોષ હતો અને રમખાણો ફાટી નીકળ્યાં. બાદમાં જે થયું તે બધું રાજનીતિથી પ્રેરિત હતું.
તેમણે આગળ કહ્યું, "મેં મારી આંખે એક 16 દિવસની બાળકીને તેની માતાના હાથમાં જીવતી સળગતી જોઈ છે અને મારા હાથે તેના અંતિમસંસ્કાર કર્યા છે."
ઇન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને તેમના જેલવાસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે 'જે થયું ભલા માટે થયું' એમ કહીને કહ્યું કે હાલનો ઇન્ટરવ્યૂ તેમના વિશે નહીં પણ નરેન્દ્ર મોદી વિશે છે.
વિપક્ષ આક્ષેપો કરતું આવ્યું છે કે રમખાણોથી ભાજપને ફાયદો થાય છે. જવાબમાં અમિત શાહે કહ્યું કે, "જો રમખાણોથી ભાજપને ફાયદો થતો હોત તો વધ્યાં ન હોત? દરેક રાજ્યોમાં તપાસી શકો છો કે ભાજપના શાસન દરમિયાન અને તે પહેલાં કેટલાં રમખાણો થયાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સેશન્સ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે એક જ ચુકાદો આપ્યો છે. જે પોલિટિકલ પાર્ટીઓ એનજીઓને ફંડ આપતા હતા અને મીડિયા તેમને સપોર્ટ કરતું હતું તેઓ આ મુદ્દાને સળગતો રહેવા માગતા હતા. જેથી તેઓ સુનાવણી દરમિયાન તારીખો લેતા હતા."
નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું?
રમખાણોમાં મોદીનો હાથ હોવાના આરોપ અંગે તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે.
અમિત શાહે કહ્યું કે, "દેશના આટલા મોટા નેતા એક શબ્દ બોલ્યા વગર તમામ આરોપો અને દુખોને 18-19 વર્ષથી ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરતા રહ્યા અને આજે જ્યારે અંતે સત્ય સોનાના સૂર્યની જેમ ચમકીને સામે આવ્યું તો આનંદ થયો."
તેમણે આગળ કહ્યું, "મેં વડા પ્રધાન મોદીને નજીકથી એ દુખ સહન કરતા જોયા છે. ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સત્ય ખબર હોવા છતાં કંઈ ન બોલવાનો નિર્ણય લીધો. મજબૂત મનનો માણસ જ આ પ્રકારનું સ્ટેન્ડ લઈ શકે છે."
તેઓએ ઉમેર્યું કે, "2002નાં રમખાણોને લઈને સુપ્રીમ કોર્ટે તેમના પરના તમામ આરોપો રદ કર્યા છે. એમ કહી શકાય કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાથી સિદ્ધ કર્યું કે આ આરોપો રાજનૈતિક પ્રેરિત હતા."
ગુજરાતનાં રમખાણોને રોકવામાં મોડું થયું?
2002માં રમખાણો શરૂ થયાં ત્યારે સેનાને બોલાવવામાં મોડું થયું હતું? આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે અમે કોઈ રીતે મોડું કર્યું ન હતું. જે દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે અમે સેનાને બોલાવી લીધી હતી. એક દિવસ પણ રાહ જોઈ ન હતી.
તેમણે આગળ કહ્યું, "કોર્ટે પણ આ વાતને આવકારી હતી. પણ મુદ્દો એ છે કે સેનાને પહોંચતા સમય લાગે."
ગુજરાતમાં રમખાણો રોકવા માટે પોલીસ અને અધિકારીઓએ કથિત રીતે કઈ ન કર્યું હોવાના આરોપ પર અમિત શાહે કહ્યું કે "ભાજપવિરોધી રાજકીય પાર્ટીઓ, કેટલીક વિચારધારા માટે રાજકારણમાં આવેલા પત્રકારો અને એનજીઓએ મળીને આરોપોનો એટલો પ્રચાર કર્યો અને તેની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે લોકો તેને જ સત્ય માનવા લાગ્યા."
તેમણે વધુમાં કહ્યું, "સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ઝકિયા જાફરી અન્ય કોઈના ઇશારે કામ કરતા હતા. સૌ કોઈ જાણે છે કે તિસ્તા સેતલવાડની એનજીઓ બધું કરી રહી હતી અને તે સમયે સત્તામાં આવેલી યુપીએ સરકાર જ તેમને મદદ કરતી હતી."
ઝકિયા જાફરી મામલે કોર્ટે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને પ્રોત્સાહિત અને અન્ય દ્વારા સૂચવાયેલું પગલું ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, "પ્રોટેસ્ટ પિટિશનના નામે અરજદારે અન્ય પણ ઘણા કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેનું કારણ તેમને જ ખબર હશે. તેઓ આવું અન્ય કોઈની દોરવણી અંતર્ગત જ કરી રહ્યાં છે."
"ઝકિયા જાફરી દ્વારા કરાયેલ દલીલો SITના સભ્યોની નીતિમતા અને પ્રામાણિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે. તેમજ SIT દ્વારા કરાયેલ તમામ મહેનતને વ્યર્થ બનાવવાનો પ્રયાસ છે. આ અરજી મામલાને શાંત ન પડવા દેવાનો પ્રયાસ છે, જેનો હેતુ ગૂઢ છે. આ મામલામાં વધુ તપાસ ત્યારે જ શક્ય બની હોત જ્યારે કોર્ટ સમક્ષ મોટા ષડ્યંત્રને લગતી યોજના અંગેના પુરાવા રજૂ કરાયા હોત. જે ફરિયાદ પક્ષ દ્વારા કરાયા નથી. તેથી કોર્ટ SITનો અંતિમ રિપોર્ટ મંજૂર રાખે છે."
ગુજરાતમાં 2002માં શું થયું હતું?
ગોધરાકાંડના બીજા દિવસે અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો.
તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં. સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો.
હિંસક ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ઘણા લોકોને જીવતા સળગાવી દેવાયા હતા.
અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકપ્રતિનિધિઓ તથા વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ તેમની મદદ નથી કરી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો