દિલ્હીમાં અફઘાનિસ્તાનનો દૂતાવાસ કોણ ચલાવે છે અને તાલિબાન એને આદેશ કેમ આપતું નથી?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • તાલિબાન સરકાર અફઘાનિસ્તાનના મોટા ભાગના 70 દૂતાવાસો અને વિશ્વભરનાં રાજદ્વારી મિશનોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ
  • દિલ્હીમાં અફઘાન દૂતાવાસ કાબુલમાં વર્તમાન તાલિબાન સરકારને રિપોર્ટ નથી કરતો.
  • ભારત હજુ પણ દિલ્હીમાં અફઘાન દૂતાવાસને જૂની અશરફ ઘની સરકારના પ્રતિનિધિ તરીકે જુએ છે
  • તાલિબાને માત્ર ચાર દેશો રશિયા, પાકિસ્તાન, ચીન અને તુર્કમેનિસ્તાનમાં રાજદૂતોની નિમણૂક કરી છે
  • વિશ્વના લગભગ તમામ દેશો તાલિબાન દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સ્વીકારતા નથી.

તાલિબાને ગત વર્ષે અફઘાનિસ્તાનમાં પ્રજાસત્તાકવાદે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અશરફ ઘનીને સત્તા પરથી હટાવીને શાસન કબજે કર્યું હતું. જોકે તાલિબાન સરકાર અફઘાનિસ્તાનના મોટા ભાગના 70 દૂતાવાસો અને વિશ્વભરનાં રાજદ્વારી મિશનોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે.

દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઘણા દેશોના દૂતાવાસ છે. અહીંનું અફઘાન દૂતાવાસ કાબુલમાં વર્તમાન તાલિબાન સરકારને રિપોર્ટ કરતો નથી.

ગયા વર્ષે ઑગસ્ટમાં કાબુલમાં સત્તામાં આવેલી તાલિબાન સરકારને ભારતે હજુ સુધી માન્યતા આપી નથી. ભારત હજુ પણ દિલ્હીમાં અફઘાન દૂતાવાસને જૂની અશરફ ઘની સરકારના પ્રતિનિધિ તરીકે જુએ છે.

વર્ષ 1996 અને 2001 વચ્ચે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનો પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે પણ ભારતમાં અફઘાન દૂતાવાસે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બુરહાનુદ્દીન રબ્બાનીનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખ્યું હતું. કારણ કે ભારતે રબ્બાનીની દૂર કરાયેલી સરકારને માન્યતા આપવાનું ચાલુ રાખ્યું હતું.

અફઘાનિસ્તાનના રાજદૂત

દિલ્હીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં હજુ પણ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘનીની તસવીર જોવા મળે છે.

ઇમારતના પહેલા માળે, જૂની સરકારના રાજદૂત ફરીદ મામુંદઝાઈના કાર્યાલયમાં કાળો, લાલ અને લીલો ધ્વજ લહેરાઈ રહ્યો છે.

ફરીદ મામુંદઝાઈ કહે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના રાજદૂત પણ અગાઉની લોકતાંત્રિક સરકારના પ્રતિનિધિ છે, તાલિબાન શાસનના નહીં.

તેમનું કહેવું છે કે ઑર્ગેનાઇઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ (ઓઆઈસી)ના રાજદૂત અને નાટોમાં અફઘાન પ્રતિનિધિ પણ જૂના લોકતંત્ર પ્રત્યે વફાદારી ધરાવે છે.

તાલિબાનના માત્ર ચાર રાજદૂતો

ફરીદ મામુંદઝાઈનું કહેવું છે કે તાલિબાને માત્ર ચાર દેશોમાં રાજદૂતોની નિમણૂક કરી છે. આ દેશો રશિયા, પાકિસ્તાન, ચીન અને તુર્કમેનિસ્તાન છે.

તેમના મતે, મોટા ભાગના દેશોમાં અશરફ ઘની સરકારના સમયથી નિયુક્ત કરાયેલા રાજદ્વારીઓ જ તહેનાત છે. તેઓ કહે છે, "તાલિબાન સાથે અમારી નહિવત્ વાતચીત થાય છે."

અફઘાનિસ્તાનમાં 22 જૂનની મધ્યરાત્રિએ આવેલા તીવ્ર ભૂકંપે ભારે તબાહી મચાવી છે.

દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા આ ભૂકંપમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે.

તાલિબાને કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1,500 લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે. રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતા ભૂકંપે માટી અને પથ્થરથી બનેલાં ઘરોને કાટમાળમાં ફેરવી નાખ્યાં છે.

ફરી સત્તા સંભાળ્યા પછી

આ ભૂકંપના કારણે ચાણક્યપુરીમાં અફઘાન દૂતાવાસમાં ઉદાસી જોવા મળી.

ઘણા અફઘાન પ્રવાસીઓ દૂતાવાસની બહાર લૉનમાં હતા. તેમાંથી કેટલાક તેમની દસ્તાવેજી કામગીરી કરવા આવ્યા હતા અને બાકીના તેમના ઘરની સ્થિતિ જાણવા માટે વ્યાકુળ હતા.

ભારત સહિત મોટા ભાગના દેશોના તાલિબાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. રાજદૂત ફરીદ મામુંદઝાઈના જણાવ્યા અનુસાર, તાલિબાનના શાસનને દુનિયાભરના મોટા ભાગના અફઘાન દૂતાવાસોએ સ્વીકાર્યું નથી.

આ તમામ દૂતાવાસો જૂના પ્રજાસત્તાકના નિયમો અને નીતિઓ પર ચાલે છે.

ફરીદ મામુંદઝાઈ કહે છે, "અમે હજુ પણ જૂની અશરફ ઘની સરકાર, અમારી પૂર્વ લોકશાહીના પ્રતિનિધિ છીએ. અમે તેમના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ. અમે તાલિબાન સરકારનો કોઈ આદેશનો સ્વીકાર કરતા નથી."

વિઝા અને અન્ય દૂતાવાસનાં કાર્યો

ફરીદ મામુંદઝાઈનું કહેવું છે કે તેમના દૂતાવાસે અગાઉની સરકારના નામે વિઝા આપવાનું ચાલુ રાખ્યું છે. નોંધનીય છે કે તાલિબાન સરકાર પણ વિઝાને સ્વીકારી રહી છે.

અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપને કવર કરવા ગયેલા ભારતીય પત્રકારોને દિલ્હીમાં અફઘાન દૂતાવાસ દ્વારા વિઝા આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં દૂતાવાસ ઉપરાંત હૈદરાબાદ અને મુંબઈના વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓ પણ કાબુલમાં સત્તાપરિવર્તનની પરવા કર્યા વિના નિરંતર કામ ચાલુ રાખી રહ્યા છે.

નવા પાસપોર્ટ ઇસ્યુ કરવાનું અને જૂના પાસપોર્ટના રિન્યૂઅલનું કામ પણ પાછલી સરકારના નામે કરવામાં આવી રહ્યું છે.

અફઘાન રાજદૂતે બીબીસીને કહ્યું, "તાલિબાન નેતાઓ પણ જૂના ગણતંત્રના પાસપોર્ટ પર મુસાફરી કરે છે. વિશ્વના લગભગ તમામ દેશો તાલિબાન દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સ્વીકારતા નથી."

રસપ્રદ વાત એ છે કે, કાબુલમાં વિદેશમંત્રાલયના દૂતાવાસ અને કૉન્સ્યુલર વિભાગ અફઘાન નાગરિકોના દુતાવાસનાં કાર્ય જેવાં કે લગ્ન અને છૂટાછેડાનાં પ્રમાણપત્રો, જન્મ અને મૃત્યુનાં પ્રમાણપત્રો જારી કરવા માટે નિયમિત સંપર્કમાં છે.

અફઘાન દૂતાવાસના અનુમાન મુજબ, લગભગ એક લાખ અફઘાન નાગરિકો ભારતમાં રહે છે.

તેમાંથી લગભગ 30થી 35 હજાર શરણાર્થી છે અને લગભગ 15 હજાર વિદ્યાર્થીઓ છે. આ તમામ લોકોને દૂતાવાસ અને કૉન્સ્યુલેટ તરફથી કૉન્સ્યુલર સહાયની જરૂર પડતી રહે છે.

રાજદૂત કહે છે, "અમે કાબુલમાં વિદેશમંત્રાલય સાથે નિયમિત સંપર્કમા છીએ, તાલીબાનના વિદેશમંત્રી સાથે અમે દરરોજ સંપર્કમાં રહીએ છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો