મોદી વિ. કેજરીવાલ : વિશ્વના એ દેશો જ્યાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા સરકાર આપે છે

પાછલા ઘણા સમયથી સમગ્ર ભારતમાં ચૂંટણી સમયે કરાતી મફતની સુવિધાઓના વાયદાની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા અંતે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી હતી અને આ મામલે સમિતિ રચી અને 'મફતની સુવિધાઓના' વાયદા કરનારા પક્ષો પર અંકુશ લાદવાનો પ્રયત્ન કરાયો હતો.

ગુજરાતની ચૂંટણી આડે થોડા મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા અવારનવાર અમુક મર્યાદામાં 'મફત વીજળી', 'મફત શિક્ષણ' અને 'મફત સ્વાસ્થ્ય' અંગેની સુવિધાઓ પૂરી પાડવા અંગે વાયદા કરાઈ રહ્યા છે.

સામા પક્ષે ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ તમામ વાયદાઓને અવારનવાર 'મફત રેવડી' ગણાવીને વખોડી ચૂક્યા છે.

તેમજ બીજી તરફ જુદી જુદી ગૅરંટીઓ થકી નાગરિકોને 'મફત'માં સુવિધાઓ આપવાની બાબતને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સરકારની પાયાની ફરજ ગણાવે છે.

ઉપરાંત ઘણા નિષ્ણાતો પણ અમુક મર્યાદામાં રહીને સરકારની કલ્યાણકારી યોજનાને નાગરિકોના ઉત્થાન માટે પાયારૂપ ગણાવે છે. જ્યારે કેટલાક તેની ટીકા પણ કરે છે.

હવે જ્યારે આ ચર્ચા વ્યાપક બની છે ત્યારે આ અહેવાલમાં અમે તમને દુનિયાના એવા દેશો અંગે જણાવીશું જ્યાં મફત શિક્ષણ, મફત આરોગ્ય, વૃદ્ધાવસ્થા માટેનાં ભથ્થાં સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ડેન્માર્ક અને ફિનલૅન્ડ

માનવવિકાસ સૂચકાંકની દૃષ્ટિએ જોઈએ તો ડેન્માર્કની ગણતરી વિશ્વના આગળ પડતા દેશોમાં થાય છે. આ દેશમાં નાગરિકો અને ત્યાં રહેનાર તમામની ન્યૂટ્રિશનલ અને આરોગ્યસંબંધિત જરૂરિયાતો સંતોષવામાં આવે છે.

આ સિવાય પાયાનું શિક્ષણ અને કૉમ્યુનિકેશનને સુવિધાઓ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.

વિદ્યાર્થી તરીકે ડેન્માર્કમાં ભણતા દરેક વિદ્યાર્થી નાણાકીય સહાય અને મફત ભાષાકીય ક્લાસિસ મેળવી શકે છે. અને તેના માટે ત્યાંની નાગરિકતા હોવાની જરૂરિયાત નથી.

CNBC TV18ના એક અહેવાલ અનુસાર આ ફીનલૅન્ડ અને ડેન્માર્ક બંને દેશોમાં મફત શિક્ષણ અને હેલ્થકૅરની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે.

આ સિવાય સરકારે જેઓ બેરોજગાર છે અને જેમની નોકરી છૂટી ગઈ છે તેમને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં છે.

ડેન્માર્કની વાત કરીએ તો દરેક ફુલટાઇમ કામ કરતી વ્યક્તિને દર વર્ષે પાંચ અઠવાડિયાંની પેઇડ વૅકેશનની સુવિધા મળે છે.

આ સિવાય ડેન્માર્કમાં કામદારોને સ્ટ્રેસ લીવ મળી શકે છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ પોતાના કામમાં તાણ અનુભવી રહી હોય તો તે આ લીવ મેળવી શકે છે. આ દરમિયાન સરકારે આવી વ્યક્તિને અમુક નાણાં ચૂકવી આપે છે.

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ પણ પોતાની ઉદાર નીતિઓને કારણે દુનિયાના એવા દેશોની યાદીમાં સામેલ છે જે પોતાના નાગરિકો પ્રત્યે અત્યંત ઉદાર વલણ ધરાવે છે. ન્યૂઝીલૅન્ડમાં એકલ વાલી, બાળકો, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ઉદાર નીતિઓ અમલમાં છે.

કહેવાય છે કે આપ કોઈ પણ સમાજ અંગેનો અંદાજ એ વાત પરથી મેળવી શકો છો કે તેઓ પોતાના વડીલોને કેવી કાળજી રાખે છે?

ન્યૂઝીલૅન્ડમાં 65 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને સરકારી સહાય મળવાપાત્ર છે. પછી ભલે તેઓ કોઈ પણ બૅકગ્રાઉન્ડ ધરાવતી કે તેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતાં નાણાં હોય, આ વાત ત્યાં અપ્રસ્તુત બની જાય છે.

કૅનેડા

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને કૅનેડા બંને માનવવિકાસ સૂચકાંકમાં સારું પ્રદર્શન કરતાં હોય છે. પરંતુ કૅનેડા કેટલીક નીતિઓને કારણે વિકસિત યુરોપિયન દેશોની સમકક્ષ પ્રદર્શન કરી શક્યું છે.

અહીં નાગરિકોના પોષણને લગતાં અધિકારો અને મેડિકલ કૅર અંગે સરકાર જવાબદાર મનાય છે. આ સિવાય વ્યક્તિના વ્યક્તિગત અધિકારો અને શિક્ષણને લઈને પણ સુવિધાઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ સરકારના શીરે રહે છે.

આ સિવાય મહિલા અને LGBTQ કૉમ્યુનિટીના અધિકારો બાબતે પણ આ દેશ આગળ પડતું પ્રદર્શન કરી રહ્યું છે.

જાપાન

એશિયન દેશોની વાત કરીએ તો માનવવિકાસનાં મૂલ્યોના જતન મામલે જાપાનનું પ્રદર્શન ઉત્કૃષ્ટ છે.

આ દેશમાં પ્રાથમિક શિક્ષણ, મેડિકલ સુવિધાઓ અને પોષણને લગતા અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

જાપાનમાં આરોગ્ય વીમાની સુવિધા સાર્વત્રિક છે. જોકે એક દલીલ એવી પણ છે કે આ તેના માટે પગારમાંથી ખૂબ ઊંચા દરે ખર્ચ વસૂલવામાં આવે છે. પરંતુ રહેવાસીઓ કોઈ પણ ડૉક્ટર પાસે કોઈ પણ સમયે જઈ શકે છે. અને ખાસ વાત તો એ છે કે આ માટેના દર નિયત કરાયેલા હોય છે.

જાપાનમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરજિયાત છે.

ચિલી

દક્ષિણ અમેરિકાનો આ દેશ તેના નાગરિકો માટે પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરે છે.

તેમજ ચિલીમાં વહીવટી તંત્રની પારદર્શકતાને લીધે આ દેશમાં પોલીસતંત્ર તેમજ રાજનેતાઓ દ્વારા લાંચ માગવાનું પ્રમાણ નહિતવ્ છે.

આ સિવાય દેશમાં આરોગ્યવીમો પણ ખૂબ જ ઓછા દરે પૂરો પાડવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો